શિવરુદ્રા.. - 35 - અંતિમ ભાગ Rahul Makwana દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

શિવરુદ્રા.. - 35 - અંતિમ ભાગ

35.

(અંતિમ ભાગ)

(શિવરુદ્રા તેનાં સાથી મિત્રો સાથે જ્યારે પેલી રહસ્યમય ગુફામાં ઉભેલ હોય છે, બરાબર તે જ સમયે તેઓને કોઈ વ્યક્તિનો અવાજ સંભળાય છે, ત્યારબાદ તેઓને માલુમ પડે છે કે આ અવાજ પેલાં અઘોરીબાબનો જ હોય છે, ત્યારબાદ અઘોરીબાબા શ્લોકાને ફરીથી સજીવન કરવાનો ઉપાય સૂચવે છે, જેને લીધે શ્લોકા ફરીથી સજીવન થાય છે.ત્યારબાદ તેઓને ખ્યાલ આવે છે કે પેલાં અઘોરીબાબા કોઈ બીજું નહીં પરંતુ ખુદ દેવોનાં દેવ મહાદેવ પોતે જ હોય છે.આમ પોતાનાં જીવતે જીવતાં જ "ભોળાનાથ" વિરાટ સ્વરૂપનાં સાક્ષાત દર્શન થવાંને લીધે પોતાની જાતને નસીબદાર ગણી રહ્યાં હતાં, શિવરુદ્રા અને તેનાં મિત્રોને દર્શન આપ્યાં બાદ તેઓ એકાએક અદ્રશ્ય થઈ જાય છે, અને તેનાં સ્થાને મહારાણી સુલેખાની આરસની મૂર્તિ આપમેળે પ્રગટે છે, જે પહેલાં પડાવ વખતે તેઓથી વિખૂટી પડી ગયેલ હોય છે. બરાબર એ જ સમયે તે ગુફાની ડાબી બાજુએ આવેલ જર્જરીત ભેખડ આપમેળે પડી જાય છે, અને ત્યાંથી લોકોનું ટોળું વાયુ વેગે તેઓ તરફ આગળ ધપી રહ્યું હોય તેવો અવાજ સંભળાય છે.)

હાલ શિવરુદ્રા અને તેનાં સાથી મિત્રોનાં મનમાં રહેલાં બધાં જ પ્રશ્નોનાં એક પછી એક ઉત્તરો મળી ગયેલાં હતાં, અત્યાર સુધી તેઓ જે ગાઢ રહસ્યોથી ઘેરાયેલાં હતાં, તેમાંથી મોટાભાગનાં રહસ્યો હાલ ઉકેલાય ગયાં હતાં, શાં માટે પેલાં અઘોરીબાબા એ આવા સદ્કાર્ય માટે તેઓની પસંદગી કરેલ હતી…? શાં માટે તેઓનો વારંવાર આવી પડેલ આફત કે મુશ્કેલીઓ માંથી આબાદ બચાવ થઈ રહ્યો હતો…? અઘોરીબાબા વાસ્તવમાં કોણ હતું…? શિવરુદ્રા વાસ્તવમાં કોણ છે…? શાં માટે આલોક કોઈને કંઈપણ પ્રકારની જાણ કર્યા વગર જ એકાએક ગાયબ થઈ ગયેલો હતો…? શ્લોકાનાં મૃત્યુ પાછળ ઈશ્વર કે વિધાતાનું શું તાતપર્ય રહેલું હતું…? શાં માટે શ્લોકાને ફરીથી સજીવન મળ્યું…? રાજા હર્ષવર્ધનનું મૃત્યુ કેવી રીતે થયેલ હતું…? - આવા વગેરે પ્રશ્નોનાં ઉકેલ મેળવવામાં શિવરુદ્રા અને તેનાં સાથી મિત્રો સફળ રહ્યાં હતાં...પરંતુ હાલ શિવરુદ્રા અને તેનાં મિત્રોએ હજુપણ અમુક રહસ્યો ઉકેલવાનાં બાકી રહ્યાં હતાં, જેનાંથી તે બધાં હાલ એકદમ અજાણ જ હતાં.

બરાબર એ જ સમયે તેઓની ડાબી બાજુએ આવેલ ભેખડ તરફથી આવતો ચાલવાનો અવાજ ધીમે ધીમે તીવ્ર થઈ રહ્યો હતો, જાણે ગણતરીની જ મિનિટોમાં તે લોકો હાલ પોતે જ્યાં ઊભેલાં છે, ત્યાં આવી પહોંચશે એવું શિવરુદ્રા અને અન્ય મિત્રો અનુભવી રહ્યાં હતાં.

"સર ! આ લોકો કોણ હશે…?" શાં માટે તેઓ અહીં આવ્યાં હશે…? આ રહસ્યમય ગુફામાં આવવાં પાછળ તેઓનો કોઈ બદ ઈરાદો તો નહીં હશે ને ? શું તેઓ હાલ આપણી સમક્ષ રહેલાં પેલાં દિવ્ય અને તેજસ્વી રુદ્રાક્ષને હાંસિલ કરવાનો તો નહીં હશે ને…? શું તેઓ આ રુદ્રાક્ષ હાંસિલ કરવામાં સફળ રહેશે…?" આકાશ ગભરાયેલાં અવાજે શિવરુદ્રાને એકસાથે ઘણાં જ પ્રશ્નો પૂછે છે.

બરાબર એ જ સમયે ડાબી બાજુએ ધરાશય થયેલ ભેખડને ચીરતાં ચીરતાં વિકાસ નાયક પોતાની ટીમ સાથે આવી પહોંચે છે, અને આ ગુફાની વચ્ચોવચ મોટી શીલા પર આવેલાં સ્તંભ પર રહેલાં દિવ્ય અને તેજસ્વી રુદ્રાક્ષને જોઈને તેઓનાં મનમાં લાલચ જાગી ઉઠે છે, અને તેઓ રુદ્રાક્ષ લેવાં માટે આગળ ધપે છે.

"ઓહ ! માય ડિયર ફ્રેન્ડ આલોક શર્મા તમે આખરે તમારી પાર્ટી બદલી નાખી એમ ને…?" વિકાસ નાયક થોડાં ગુસ્સા સાથે આલોક શર્માની સામે જોઇને પૂછે છે.

ત્યારબાદ આલોક શર્મા શિવરુદ્રા અને અન્ય મિત્રોને વિકાસ શર્મા, તેની માનસિકતા અને તેનાં વ્યવસાય વિશે એકદમ ટૂંકાણમાં પરિચય આપતાં જણાવે છે.બરાબર આ જ સમયે શિવરુદ્રા પોતાની નજર નીચેની તરફ ઝુકાવીને એકપણ પ્રકારની પ્રતિક્રિયા દર્શવ્યા વગર જ, ચૂપચાપ બનીને માત્ર સાંભળી રહ્યો હતો.

"મે ટીમ નથી બદલી… પરંતુ હાલ મને ખૂબ જ સારી રીતે વાસ્તવિકતા સમજાય ગઈ છે, માટે હું સત્યનાં માર્ગે ચાલી રહ્યો છું, અને હું એવું ઇચ્છું છું કે તું પણ મારી માફક સત્યનાં માર્ગે પાછો ફર…બાકી વધુ પડતી લાલચનું પરિણામ હંમેશાં ભયંકર અને અવિશ્વનિય આવે જ છે, જે વાત મારા કરતાં કોણ વધું સારી રીતે જાણતું હશે..?" આલોક વિકાસ નાયકને સમજાવવાનાં ફોગટ પ્રયત્નો કરતાં કરતાં સલાહ આપે છે.

"સત્યનાં માર્ગે ! અને એ પણ હું...માય ફૂટ…! બસ ગણતરીની જ મિનિટોમાં હું પેલાં દિવ્ય અને તેજસ્વી રુદ્રાક્ષને હાંસલ કરીને ઈન્ટરનેશનલ ઈમ્પોર્ટ અને એક્સપોર્ટ માર્કેટમાં વેચી મારીને ગુજરાતનો...કદાચ આખા ભારત દેશનો અમીર વ્યક્તિ બની જઈશ…!" વિકાસ નાયક પોતાનો દ્રઢ નિશ્ચય આલોકને જણાવતાં બોલે છે.

"પણ...અમે લોકો જ્યાં સુધી જીવતાં છીએ ત્યાં સુધી તે દિવ્ય અને તેજસ્વી રુદ્રાક્ષને પામવાની તો વાત ઘણી દૂર કહેવાય, તને એ દિવ્ય રુદ્રાક્ષનો સ્પર્શ પણ નહીં કરવાં દઈશું…!" આલોક, આકાશ અને શ્લોકા હિંમત દાખવતાં દાખવતાં ખુમારી ભર્યા અવાજે વિકાસ નાયકનો સખત વિરોધ કરતાં બોલે છે.

"તમારી શું ઔકાત છે કે તમે મને રુદ્રાક્ષ હાંસિલ કરતાં રોકી શકો…!" પોતાનાં બંદૂકધારી ગાર્ડને આગળ કરતાં વિકાસ નાયક એક મોટું અટ્ટહાસ્ય કરતાં કરતાં અભિમાન સાથે બોલી ઉઠે છે, તેનું આ અટ્ટહાસ્ય એ ગુફામાં ગુંજવાં લાગ્યું.

વિકાસ નાયક દ્વારા કરવામાં આવતું અટ્ટહાસ્ય સાંભળીને શિવરુદ્રાનાં અંગે અંગમાં ગુસ્સો વહી રહ્યો હતો, ગુસ્સાને લીધે તેની ઝૂંકેલી આંખો લાલઘૂમ બની ગયેલ હતી, તેનાં શરીરમાં એક અલગ જ પ્રકારની ધ્રુજારી આવી રહી હતી. બરાબર આ જ સમયે શિવરુદ્રાનાં સમગ્ર શરીરમાં એક અલગ જ પ્રકારનો ઝટકો આવે છે. આ સાથે જ શિવરુદ્રા પોતાનો ગુસ્સો તેની ચરમસીમાએ એટલે કે સાતમાં આસમાને પહોંચી ગયો હોય તેમ, પોતાની બાજુમાં ઉભેલ શ્લોકાને એક તરફ હડસેલીને બાજુમાં રહેલ "ગરૂડા તલવાર" પોતાનાં હાથમાં લઈને વાયુવેગે કોઈ મહાન યોદ્ધાની પેઠે વિકાસ નાયક તરફ આગળ વધતાં વધતાં બોલે છે.

"અરે...પ્રિન્સ પ્લુટો જેવાં પ્રિન્સ પ્લુટોનાં હાથમાં પણ મેં આ દિવ્ય અને તેજસ્વી રુદ્રાક્ષ નથી ચડવા દીધો, તેની વિશાળ સેનાં હોવાછતાં પણ મેં મારી ગરૂડા તલવારની મદદ થકી તેને ધૂળ ચાંટતો કરી દીધેલ હતો તો પછી તારી શું હેસિયત કે ઔકાત છે કે તું એ પવિત્ર અને દિવ્ય રુદ્રાક્ષનો સ્પર્શ પણ કરી શકે…!" શિવરુદ્રા બદલાયેલાં અલગ અવાજ સાથે વિકાસ નાયક તરફ હાથમાં ગરૂડા તલવાર લઈને દોટ મૂકે છે.

શિવરુદ્રાનું આવું વર્તન અને બદલાયેલો અવાજ સાંભળતાની સાથે જ શ્લોકા, આકાશ અને આલોક એકદમ સ્તબ્ધ બની ગયાં, અને અચરજ સાથે શિવરુદ્રા તરફ જોઈ રહ્યાં હતાં. પોતાની નજરો સમક્ષ હાલ તેઓનો મિત્ર શિવરુદ્રા નહીં પરંતુ ખુદ મહાન પરાક્રમી, વીર, બહાદુર, ખુમારીવાળા રાજા હર્ષવર્ધનને જ હાલ નિહાળી રહ્યાં હોય તેવું શિવરુદ્રાનાં મિત્રો મહેસુસ કરી રહ્યાં હતાં.

હાથમાં ગરૂડા તલવાર લઈને પોતાની સમક્ષ કાળ બનીને તૂટી પડવાં માટે આગળ વધી રહેલાં શિવરુદ્રા પર વિકાસ નાયક પોતાનાં ગાર્ડને ફાયરિંગ કરવાં માટેનો આદેશ આપે છે. પરંતુ વિકાસ નાયકનાં ગાર્ડ બંદૂકમાંથી ગોળી ચલાવે એ પહેલાં જ શિવરુદ્રા વાયુવેગે એકદમ વીજળીની માફક તેઓ પર તૂટી પડે છે. થોડીવારમાં તો શિવરુદ્રા વિકાસ નાટકની આખેઆખી ટીમને વેરવિખેર કરીને મોતને ઘાટ ઉતારી દે છે...એવામાં કોઈએ પોતાનાં પગ પકડેલાં હોય તેવું શિવરુદ્રા અનુભવે છે. આથી શિવરુદ્રા નીચેની તરફ નજર કરે છે, તો વિકાસ નાયક શિવરુદ્રાનાં બંને પગ પકડીને પોતાનાં દ્વારા જે કંઈ ભૂલ થેયલ હતી તેનાં માટે માફી માંગે છે. અને ભવિષ્યમાં ક્યારેય આવી ભૂલ નહીં કરીશ એવી ખાતરી આપે છે. જેવી રીતે વર્ષો પહેલાં પ્રિન્સ પ્લુટો મહારાજા હર્ષવર્ધનનાં ચરણોમાં પડીને માફી માંગી રહ્યો હતો, બરાબર તેવી જ રીતે હાલ વિકાસ નાયક શિવરુદ્રાનાં ચરણોમાં પડીને પોતાનાં દ્વારા થયેલ ભૂલની માફી માંગી રહ્યો હતો. જાણે હાલ ઈતિહાસ પોતાનાં પન્નાઓ ફેરવી ફેરવીને એ જ વર્ષો જૂનો સુવર્ણ અક્ષરે લખાયેલ ઈતિહાસ ફરી પાછો દોહરાવી રહ્યાં હોય તેવું પ્રતિત થઈ રહ્યું હતું.

આથી શિવરુદ્રા રાજા હર્ષવર્ધને જેવી રીતે પ્રિન્સ પ્લુટોનાં પ્રાણ બક્ષી દીધેલાં હતાં, તેવી જ રીતે હાલ વિકાસ નાયકનાં પ્રાણ બક્ષે છે, અને હાથમાં ગરૂડા તલવાર સાથે શિવરુદ્રા પોતાનાં મિત્રો તરફ આગળ ધપવા લાગે છે.

"શિવા.. શિવા…પાછળ...જુઓ...પાછળ…!" બરાબર એ જ સમયે શ્લોકા ગભરાયેલ અવાજે એકાએક જોરદાર મોટી ચીસ પાડી ઉઠે છે, આથી શિવરુદ્રા ઘડીનાં છઠ્ઠા ભાગમાં ફરીને પોતાની પાછળનાં ભાગે નજર કરે છે. બરાબર એ જ સમયે વિકાસ નાયક પોતાની બાજુમાં રહેલ બંદૂક શિવરુદ્રા તરફ તાકીને ઉભેલો હતો, તેની આંગળી બંદૂકની ટ્રિગર પર હતી, બસ ટ્રિગર દબાવે એટલી જ વાર હતી, વિકાસ નાયક બંદૂકની ટ્રિગર દબાવે એ પહેલાં જ શિવરુદ્રા પોતાનાં હાથમાં રહેલ પોતાની ખાનદાની અને શાહી તલવાર વાયુવેગે વીજળીની ગતિએ વિકાસ નાયક તરફ ફેંકે છે, અને આ ગરૂડા તલવાર ઘડીનાં છઠ્ઠા ભાગમાં વિકાસ નાયક કાંઈ સમજે એ પહેલાં જ તેનાં શરીરને ચીરીને આરપાર નીકળી જાય છે, અને વિકાસ નાયકનાં રામ રમી જાય છે, અને તેનું પ્રાણ પંખેરૂ ઉડી જાય છે.

ત્યારબાદ શિવરુદ્રા પોતાનાં મિત્રો પાસે પરત ફરવાં માટે આગળ ચાલે છે, બરાબર એ જ સમયે જાણે શિવરુદ્રાનાં મનમાં કોઈ વિચાર આવ્યો હોય કે કોઈ ઉપાય સૂઝયો હોય તેવી રીતે પેલાં રુદ્રાક્ષની સામે ઊભો રહે છે, અને વનરાવનનાં ગજકેશરી ડાલામથા સિંહની માફક બે ચાર કદમ પાછળ ચાલે છે, અને ત્યારબાદ પૂરેપૂરી તાકાત અને જોશ સાથે એક મોટી છલાંગ લગાવે છે. અને પોતાનાં હાથમાં રહેલ ગરૂડા તલવાર દ્વારા પેલાં દિવ્ય અને તેજસ્વી રુદ્રાક્ષ પર એક જોરદાર પ્રહાર કરે છે, શિવરુદ્રા દ્વારા રુદ્રાક્ષ પર કરવામાં આવેલાં જોરદાર પ્રહારને લીધે એ દિવ્ય અને તેજસ્વી રુદ્રાક્ષ એક સરખાં પાંચ ભાગોમાં વહેંચાય જાય છે, અને ઉડીને તેની ફરતે આવેલ લાવરસ ભરેલ ઊંડી ખીણમાં જઈને પડે છે.

જેવાં આ રુદ્રાક્ષનાં પાંચ ટુકડાઓ લાવારસ ભરેલ ઊંડી ખીણમાં જઈને પડે છે, એ સાથે જ ખીણમાં રહેલ લાવારસ દુધિયા રંગના પાણીમાં ફેરવાય જાય છે, અને આકાશવાણી થાય છે કે, 

"હે ! પરમ શિવભક્ત શિવરુદ્રા...તમે હાલ જે કાંઇ પણ કર્યું તે યથાયોગ્ય છે, જો મારું અસ્તિત્વ કે હાજરી હશે તો આજનાં જમાનાનાં વિકાસ નાયક જેવાં બીજા ઘણાં બધાં લાલચુ અને લોભી લોકો રૂપિયાનાં અને રાતોરાત અમીર બનવાની લાલચમાં મોહાંધ બનીને મને પામવાં માટેનો ચોક્કસ પ્રયત્ન કરશે જ તે જેમાં કોઈ બેમત નથી….પરંતુ હું તમને વચન આપું છું કે જ્યારે પણ તમારે મારી આવશ્યકતા કે જરૂરિયાત આવી પડશે, ત્યારે હું તમારી ખીદમતમાં ધરતીનાં પેટાળમાં હોઈશ તો પણ ધરતી ચીરીને હાજર થઈ જઈશ… બસ માત્ર એ સમયે તમારા શાહી પરીવારની ઓળખ સમાન "ગરૂડા તલવાર" તમારી સાથે હોવી જોઈએ…!" - શિવરુદ્રા, શ્લોકા, આલોક અને આકાશ મુકપ્રેક્ષક બનીને એકચિત્તે હાલ થઈ રહેલ આકાશવાણી સાંભળી રહ્યાં હતાં.જોતજોતામાં શિવરુદ્રા માટે તેઓનાં મિત્રો સુધી પહોંચવા માટેનો રસ્તો આપમેળે બની જાય છે.

ત્યારબાદ શિવરુદ્રા અઘોરીબાબાનાં આસન પાસે પહોંચે છે. અને આસનની નજીક રહેલ "મહારાણી સુલેખા" ની મૂર્તિ પોતાનાં હાથમાં ઊંચકાવે છે. એક હાથમાં ગરૂડા તલવાર અને બીજા હાથમાં જેવી રીતે આપણે કોઈ નાના શિશુને એક હાથ વડે તેડીએ તેવી રીતે "મહારાણી સુલેખા" ની મૂર્તિ ઊંચકીને તેનાં મિત્રો તરફ ખુશ થતાં થતાં આગળ ચાલવા માંડે છે.

હાલ શ્લોકા, આકાશ અને આલોક શિવરુદ્રા પ્રત્યે ગર્વની લાગણીઓ અનુભવી રહ્યાં હતાં, શિવરુદ્રા સાથે કામ કરવું એ ખરેખર એક લહાવો ગણાતું હતું, પરંતુ હાલ તેઓએ શિવરુદ્રા સાથે માત્ર કામ જ નહીં પરંતુ પોતાનાં જીવનની એક એવી યાદગાર સફર ખેડેલ હતી કે જે યાદ કરતાંની સાથે જ ડરને લીધે સમગ્ર શરીરનાં રુવાડા ઉભા થઇ જતાં હતાં, પરંતુ આ મુસાફરી જ્યારે પણ યાદ આવે ત્યારે પોતાની સાથે વર્ષોજુનાં રહસ્યો અને એક અલગ જ પ્રકારનો રોમાંચ લઈને ચોક્કસ આવે તેવું હતું.

ત્યારબાદ શિવરુદ્રા શ્લોકાની નજીક જઈને ઉભો રહે છે, અને તેની આંખોમાં આંખ પરોવીને કાંઈક ઈશારો કરે છે, શ્લોકા પણ જાણે શિવરુદ્રાનાં માત્ર આંખનાં ઇશારાને સમજી ગઈ હોય, તેમ હાલ શિવરુદ્રાનાં હાથમાં રહેલ "મહારાણી સુલેખા" ની આરસની મૂર્તિને પોતાનાં હાથમાં ઊંચકવા માટે હાથ લગાવે છે, જ્યારે શ્લોકા અને શિવરુદ્રાનાં હાથ એકસાથે "મહારાણી સુલેખા" ની મૂર્તિને સ્પર્શે છે. એ સાથે જે તેઓનાં હાથમાં રહેલ મૂર્તિ આપમેળે જ હવામાં ઉડી જાય છે, અને જોતજોતામાં એક દિવ્ય પ્રકાશ સાથે એ આરસની મૂર્તિમાંથી ખુદ મહારાણી સુલેખા પ્રગટ થાય છે, અને શિવરુદ્રા અને શ્લોકાની સામે પોતાનાં બંને હાથ જોડીને મધુર અને હળવા અવાજ સાથે જણાવે છે કે…

"મને સૂર્યપ્રતાપગઢનાં રાજગુરુ શંકારાચાર્યનાં વર્ષો જુનાં શ્રાપમાંથી મુક્ત કરવાં બદલ હું તમારા બંનેની આભારી છું...હાલ મને શ્રાપમાંથી મુક્તિ મળી ગઈ છે..!"

"પણ…હું અને શ્લોકા તો એકદમ સામાન્ય મનુષ્ય માત્ર છીએ તો પછી અમે તમને કેવી રીતે આ વર્ષો જુનાં શ્રાપમાંથી મુક્તિ અપાવવામાં સફળ રહ્યાં…?" શિવરુદ્રા પોતાનાં મનમાં રહેલ મૂંઝવણ મહારાણી સુલેખાને જણાવતાં પૂછે છે.

"મને શ્રાપ આપ્યાં બાદ મારા પતિ એટલે કે રાજા હર્ષવર્ધન અને તેનાં રાજગુરુ શંકારાચાર્યને પોતાનાં દ્વારા જાણતાં અજાણતાં થયેલ ભૂલ સમજાઈ ગઈ હતી, આથી શ્રાપમાંથી મુક્તિ માટેનો ઉપાય જણાવતાં શંકારાચાર્યે એ મને અને રાજા હર્ષવર્ધનને જણાવ્યું હતું કે, " મારા દ્વારા મહારાણી સુલેખાને જે શ્રાપ આપવામાં આવેલ છે, એ શ્રાપ મેં મારા તપોબળ અને પ્રબળ યોગસાધનાની શક્તિ દ્વારા અપાયેલ છે, જેનો હલ ખુબ જ મુશકેલ છે...પરંતુ હા...હું એટલું ચોક્કસથી કહી શકું છું કે જ્યારે રાજા હર્ષવર્ધન પોતે પુનર્જન્મ લઈને આ ધરતી પર જન્મ લેશે...એ વ્યક્તિ અને તેની પ્રેમિકા બંને મળીને જ્યારે તમારી આ મૂર્તિનો સ્પર્શ કરશે, ત્યારે તમને મારા દ્વારા આપવામાં આવેલ શ્રાપમાંથી કાયમિક માટે મુક્તિ મળી જશે...બસ શરત માત્ર એટલી કે એ સમયે જે વ્યક્તિ રાજા હર્ષવર્ધનનો પુનર્જન્મ લઈને જન્મેલ હોય તેનાં હાથમાં "વિક્રમાદિત્ય પરીવારની બહાદુરીનાં પ્રતીક સમાન ગરૂડા તલવાર હોવી જોઈએ..!" આમ તમારા દ્વારા રાજગુરુ શંકરાચાર્યએ મને શ્રાપમાંથી મુક્તિ માટે જે શરત મુકેલ હતી, તેની પૂર્તિ થતાંની સાથે જ હું શ્રાપમાંથી વર્ષો બાદ કાયમિક માટે મુક્ત બની ગઈ…માટે હું પણ તમને જતાં જતાં ચોક્ક્સથી તમારી એક મદદ કરીશ..!"

આટલું બોલતાની સાથે જ એક તેજસ્વી અને દિવ્યપ્રકાશ મહારાણી સુલેખાને ચારેબાજુએથી ઘેરી વળે છે. જોતજોતામાં એ તેજસ્વી રોશની એટલી હદે તીવ્ર બની જાય છે, કે જેનાં કારણે શિવરુદ્રા, શ્લોકા, આકાશ અને આલોક પોત પોતાની આંખો મીંચી લે છે. થોડીવાર બાદ આ તેજસ્વી રોશની આપમેળે જ ગાયબ થઈ ગઈ હોય તેવો અહેસાસ થતાંની સાથે જ તે બધાં જ મિત્રો હળવેકથી પોત પોતાની આંખો ખોલે છે, આંખો ખોલતાની સાથે જ તેઓનાં આશ્ચર્ય અને નવાઈનો કોઈ જ પાર નહોતો રહ્યો, કારણ કે શિવરુદ્રા, શ્લોકા, આકાશ અને આલોક હાલ પોતાનાં કવાર્ટરની નજીક આવેલાં એ જ બગીચામાં ફરી પાછા આવી પહોંચ્યા હતાં, કે જે બગીચાએથી જ આ રહસ્યમય, ડરામણી, થ્રિલર, રોમાંચક, અવિશ્વનિય અને અમાનનીય મુસાફરીની શરૂઆત કરેલ હતી, આ જોઈને સૌ કોઈની આંખોમાં ખુશી અને આનંદ છવાય ગયાં, આ સાથોસાથ તેઓને એ બાબત ખૂબ જ સારી રીતે સમજાય ગઈ હતી કે રાણી સુલેખાએ જતાં જતાં તેઓની જે મદદ કરવાં માટે જણાવેલ હતું, તે મદદ તેઓને પોતાની દુનિયામાં સહી સલામત પાછાં પહોંચાડવાની હતી. જયારે હાલ હજુપણ તેઓની આસપાસનું વાતાવરણ જાણે કાઈ ઘટનાં ઘટી જ ના હોય તે માફક હજુપણ શાંત અને સન્નાટાભર્યું હતું.

 

------- સમાપ્ત ------

 

મિત્રો, તમે આ નવલકથાનો આપનો પ્રતિભાવ ચોકકસથી જણાવી શકો છો, જો તમને આ નોવેલ પસંદ પડી હોય તો આ નોવેલને વધુમાં વધુ લોકો સુધી પહોચાડવાં માટે મારી તમને નમ્ર વિનંતી...જેથી કરીને મને આવી અન્ય નવલકથાઓ લખવાં માટે પ્રોત્સાહન મળી રહે…..અને આ નવલકથા માટેના રીવ્યુ તમે નીચે જણાવેલાં મેઈલ આઈ ડી કે નંબર પર જણાવી શકો.

મકવાણા રાહુલ.એચ

મોબાઈલ નં - 9727868303

મેઈલ આઈડી - rahulmakwana29790@gmail.com