ઘણા સમયથી મારા મનમાં સવાલ થય રહ્યો હતો કે આપના દેશની પરિસ્થિતિ ખૂબ ખરાબ કેમ છે?
એક દિવસ હું અને મારો એક મિત્ર ભેગા થયા હતા.
તો આ સવાલ મેં મારા મિત્રને પૂછ્યો તો જવાબ એવો મળ્યો કે અરે ભાઈ આ કોરોના જેવી મહામારી આવી ગય ને એટલે આપડા દેશની આવી હાલત થયેલી છે.જો આવી મહામરી ના આવી હોત ને તો આપડો દેશ અત્યારે વિશ્વશક્તિ બની ગયો હોત.
મેં ફરી આગળ સવાલ કર્યો કે ખરેખર જો કોરોના મહામારી ના આવી હોત તો શું આપડે સાચે જ વિશ્વશક્તિ બની ગયા હોત?
મારો મિત્ર થોડા ગુસ્સા સાથે બોલ્યો. અરે ના એલા!જો સાંભળ! મુખ્ય વાત તો એ છે કે આપણા દેશમાં સારા નેતાઓ જ નથી. મોટાભાગના નેતાઓ પોતાના ખિસ્સાં ભરવામાં જ માને છે. એમાં પણ આ પોલીસવાળા સાહેબો તો નાના મોટા બધા જ લોકો પાસેથી પૈસા પડાવી લેતા હોય છે. સરકારી અધિકારીઓ લોકોના કામ પૈસા વગર કરી આપતા નથી.
આખરે મેં પૂછ્યું કે તો આ કારણોથી દેશ આગળ ના આવ્યું એમ ને! તો તેને વળતો જવાબ આપ્યો કે ના ના આખી વાત તો સાંભળ! એમ બોલી તે આગળ બોલ્યો, ઘણી વખત દેશના મોટા વડાઓ લોકો માટે સારી સારી યોજનાઓ બહાર પાડે છે પરંતુ તે સામાન્ય નાગરિક સુધી પહોચતી જ નથી. વચ્ચેથી જ મોટા સાહેબો બધા રૂપિયા કાઢી લેતા હોય છે. દેશમાં વારંવાર કૌભાંડ થતાં હોય છે. દેશમાં ભષ્ટ્રાચાર પણ વધી ગયો છે.ગરીબ લોકો તો ભૂખે મારવા લાગ્યા છે. ગરીબી,મોંઘવારી,છેતરપિંડી,ચોરી,રાજનીતિ, કોમી હુલ્લડો અને શિક્ષીત બેરોજગારી આ બધું ખૂબ વધી ગયું છે એટલે દેશ પાછળ છે.
આખરે જવાબ સાંભળી હું થોડું હસ્યો અને ત્યાંથી ઘર તરફ નીકળી ગયો.
મેં આ સવાલ મારી આસપાસના મોટા વડીલોને કર્યો તો એમનો જવાબ પણ આવો જ હતો કે દેશમાં અપ્રમાણિક લોકોને (પોલીસવાળા, રાજનેતા, મોટા અધિકારીઓ, વકીલો, વગેરે.) કારણે જ દેશમાં વધારે ગંભીર સ્થિતિ નિર્માણ પામી છે.
પણ હું આ જવાબ સાથે સંમત ન હતો.
મારા મત મુજબ તો ગરીબી, ભષ્ટ્રાચાર, મોંઘવારી વગેરે વધવાનું કારણ, 'હું, તમે અને દેશના તમામ નાગરિકો છે'.
"શું મેં ભૂલથી તમને પણ ગુનેહગાર કહ્યા છે?" હા, કહ્યા છે પણ ભૂલથી નહિ. હકીકતમાં તમે પણ આ પાપમાં ભાગીદાર છો.
ના સમજાયું ને! તો આવો થોડી કડવી હકીકતથી ભરેલી વાતો કરીએ!
ખરેખર, તો ભૂલ આપડી બધાંની છે! મારી અને તમારી, આપડા બધાંની ભૂલ છે!
કેમ કે જે અધિકારીઓ તમને લૂંટે છે, જે ડોક્ટરો તમને લૂંટે છે, જે પોલીસવાળા , કલેકટર આજે લોકોની મદદ કરવાની બદલે લૂંટે છે અથવા તો ફરજ નિભાવતા નથી. તે બધા કોઈ એક સમયે કોઈ નો દીકરો કે દીકરી હશે! ,તે કોઈ શાળામાં ભણતો વિદ્યાર્થી હશે!,તે કોઇનો ભાઈ કે કોઇનો સગો કે કોઇની બેન હશે! તેનું પણ બાળપણ હશે! તેને પણ ગાંધીજી, વલ્લભભાઈ, સ્વામી વિવેકાનંદ,અબ્દુલ કલામ જેવા મહાપુરુષો વિશે સાંભળ્યું હશે! તેમ છતાં પણ તેઓ ભણી-ગણી ને તેના જેવા જ સામાન્ય માણસોને લૂંટે છે, છેતરપિંડી કરી છે! અને પોતાની ફરજ નિભાવતા નથી. અને આનું પાછળનું મૂળ કારણ આપડે બધા છીએ કેમ કે આજના સમયે બધાને પોતાના બાળકને ડોક્ટર , એન્જિનિયર, વકીલ, પોલીસ બનાવવો છે પણ કોઈ પણ માતપિતા તેને એમ નહિ કહે કે,"બેટા તું ગમે તે કરે પણ પહેલા એક સારો માણસ બનજે." અને આ ભૂલ ને લીધે આજે માણસ તેની માણસાઇ ભૂલી ગયો છે! આજે લોકો વિદેશી સંસ્કૃતિ ને આચરવામાં પોતે શું હતા એ ભૂલી ગયા. કોઈ પણ માનવીની અમીરી રૂપિયામાં નહિ પણ તેના ગુણોમાં છે. દયા,વિનમ્રતા,પ્રમાણિકતા, નિસ્વાર્થતા- આ બધા શબ્દો આજે કોઈ લેખકના પુસ્તકોમાં દબાયને રહી ગયા. આજે લોકો મદદ કરવા કરતાં ફોટો પડાવીને તેને મદદ કરી છે તે દેખાડવા વધારે ઉત્સુક છે.
ખરેખર,ભૂલ આપડી જ કે સાચા સમયે આપડે તેને ટકોર ના કરી કે બેટા આ ખોટું છે અને આ સાચું છે? ના કોઈ શાળાના શિક્ષકે આવું કીધું કે ના કોય પરિવારના વ્યક્તિ એ સમજાવ્યું કે દીકરા, "પેલા સારો માણસ બનજે." પછી ભલે તું ફિલ્મ કલાકાર કે ડોક્ટર કે શિક્ષક,વકીલ કે કલેકટર બન,પણ તું મૂળ માનવધર્મ પહેલા સમજજે.
તમે થોડો સમય આપી વિચાર તો કરો કે કોઈને પોલીસ કે કલેક્ટર બનવું હોય તો કેટલું મહેનત કરવી પડે ,વિવિધ પ્રકારની સમજ કેળવવી પડે.
આટલું જ્ઞાન અને સમજ મેળવ્યા બાદ પણ તેમાંથી ઘણા બધા વ્યક્તિઓ પદ પર આવ્યા બાદ ભષ્ટ્રાચાર આચરે છે ,લાંચ લેતા પકડાય છે.
અને આવું જ કંઇક ડોકટર કે બીજા વિભાગોમાં હોય શકાય.
જો કોઈ વ્યક્તિ ભણી ગણીને પણ આવું કાર્ય કરવામાં સંકોચ કે શરમ ના અનુભવે તો આવા અભ્યાસનો ફાયદો શું?
સેવા, પરોપકાર, ઉદારતા, નિઃસ્વાર્થતા , પ્રમાણિકતા- આ બધા ગુણો જે લોકોને ગળથૂંથીમાંથી જ મળવા જોઈએ તે આટલા વર્ષોના અભ્યાસ બાદ પણ નથી આવતા છે એક શરમજનક વાત કેવાય.
આજે કોઈ મલ્ટીસ્પેશીયલ હોસ્પિટલોમાં જશો અને દર્દી સારો થાય ત્યાં સુધીમાં લાખોના બિલ બની જતા હોય છે. પછી ભલે તે દર્દી તે રૂપિયા આપવા સક્ષમ હોય કે ના હોય.
દયાધર્મ કે માનવતા કોને કહેવાય એ તો લોકો સાવ ભૂલી જ ગયા છે.
આજે ચારેબાજુ હાહાકાર થય રહ્યો છે,ક્યાંક ચોરી, ક્યાંક કોરોનાનાં ઇંજેક્શનની કાળાબજારી,
ક્યાંક નકલી દવાનું વેચાણ, બધી જ વસ્તુઓમાં ભેળસેળ, જ્યાં ત્યાં બધે જ લાગવક કે ઓળખાણથી નોકરીઓ કે બધી સુવિધા મેળવવી છે. જો આવું જ થતું રહેશે તો ગમે તેવી સરકાર આ દેશમાં આવે આપણા દેશની હાલત માં કોઈ ફરક નથી પડવાનો. કેમ કે સમાન્ય ટ્રાફિક નિયમો માટે મોટા દંડ અને કાયદા કડક કરવા પડે તો પણ લોકો પાંચસો રૂપિયા આપીને બચવા માંગતા હોય તો કશું થવાનું જ નથી.
પબજી જેવી મોબાઇલ ગેમ્સ બંધ થવાથી જો યુવાઓને સરકાર પર ગુસ્સો આવતો હોય તો ભલું થય ગયુ આ દેશનું તો!
હજી પણ એક મુખ્ય વાત છે કે બધાને આજે રાજનીતિમાં પોતાના જ સમાજનો આગેવાન જોઈએ પછી ભલે તે વ્યક્તિ સારો હોય કે ખરાબ હોય, તે જે તે પદને યોગ્ય હોય કે ન હોય.ભલેને ગમે તેવો હોય આપણું કામ તો તેના થકી થય જશે ને!. લોકો માત્ર પોતાના જાતનું જ વિચારે છે અને હાલની પરિસ્થિતિ એનું જ પરિણામ છે.
જો સાચા સમયે લોકોને શાળામાં કે પરિવાર વડે સાચી સમજ આપવામાં આવી હોત તો કદાચ આવું થયું ના હોય.ક્યારેક કોઈક માતાએ કે પિતાએ તેના દીકરાને જો કીધું હોત કે બેટા તારો પ્રથમ ધર્મ માનવસેવા છે.પણ કેવાય ને કે "કૂવામાં હોય તો હવેડામાં આવે"
વિદ્યાનું મંદિર એટલે તમારી શાળા પણ એને પણ આજે આ રીઢા અને પૈસાના લાલચી માણસોએ એક ધંધો બનાવી દીધો.જો ગુરુમાં જ પૂરતી સમજ ના હોય તો બાળકો પણ શું સિખવાના!
એટલે જો દેશની ,તમારી, મારી કે સમાજની દશા બદલવી હોય તો સરકાર કે નેતાને નહિ આપણે બદલવું પડશે. બદલાવની શરૂઆત બીજા કોઈ થી નહી પણ આપણા અને આપણા પરિવારથી કરવી પડશે.
તમારી આવનારી પેઢી ૧૦૦ રૂપિયા પકડાવતા નહી પણ દાન કે સેવા કે કોઈ ગરીબનું પેટ ભરવામાં માને તેવું જીવન જીવજો.
યાદ રાખજો મૂળ ધર્મ પરોપકાર અને નિઃસ્વાર્થ સેવાનો છે.
તો ખરેખર "ભૂલ કોની છે " એ વિચારજો..
આ લેખમાં દરેક અપ્રમાણિક , લાંચ લેતા, જે જવાબદારી નિભાવીને મદદ કરી શકે તેવા મોટા ડોક્ટરો,વકીલો,પોલીસ અધિકારીઓ અને બીજા તમામ સામન્ય નાગરિક(૧૦૦ રૂપિયા આપવાવાળા) વગેરેની ટીકા કરી છે.
બધા ડોકટરો કે પોલીસવાળા આવા નથી હોતા.
પણ બાકીના જે ખરાબ કે અનીતિથી ભરેલા છે એમને તો દેશની પથારી ફેરવી નાખી.
મને આશા છે કે તમે પણ ૧૦૦ રૂપિયા આપવા કે ઓળખાણથી કામ કરવાને બદલે થોડાક પ્રમાણિક બનશો.
અને જો કોઈને મદદ કરવા સક્ષમ હો તો જરૂર કરશો.
"માનવસેવા જ પ્રભુ સેવા છે"