કુદરતના લેખા - જોખા - 26 Pramod Solanki દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કુદરતના લેખા - જોખા - 26


આગળ જોયું કે મયુરના બધા જ મિત્રો ઘરે ગયા પછી મયૂરને ઘરમાં ખાલીપો લાગી રહ્યો હતો એટલે આ ખાલીપો દૂર કરવા માટે પોતાના ગામડે જવાનું નક્કી કરે છે. આ બાબતની મીનાક્ષીને જાણ કરીને ગામડે જવા નીકળે છે
હવે આગળ........


* * * * * * * * * * *

જામખંભાળિયા થી ૨૫ કિલોમીટર દૂર ઝાકસિયા ગામ આવેલું છે. જ્યાં મયુરે પોતાનું બાળપણ વિતાવ્યું હતું. ગામ ખૂબ નાનું, વધીને ૧૦૦૦ ની વસ્તી ગામમાં રહેતી હશે. પરંતુ ગામનો સંપ એટલો સારો કે કોઈ પણ સુખ દુઃખના પ્રસંગે ગામના લોકો પાસે આવીને ઊભા રહે.


મયુર ગામમાં પ્રવેશે છે અગાવથી જ પોતાને ત્યાં ભાગ્યા તરીકે કામ કરતા ભોળાભાઈને જાણ કરી હોવાથી ભોળાભાઇ એ મયુરના મકાનની સાફસફાઈ કરી રાખી હતી. મયુર તેમના ઘરે પહોંચે છે. જેવું ઘર છોડીને ગયો હતો એવું જ ઘર હતું. કશોય ફેરફાર નહોતો થયો. ડેલી માં પ્રવેશતા જ મોટું ફળિયું, ફળિયામાં વાવેલા આસોપાલવ અને નારિયેળી ના ઝાડ, આગળ જતાં ૪૦ ફૂટ લાંબી ઓસરી, જમણી બાજુ પાણીયાળું એને અડીને જ રસોડું, કતારબદ્ધ ૩ મોટા રૂમ અને ઓસરીની વચ્ચે ફીટ કરેલો સાગનો જૂલો. આ એજ જૂલો હતો જેમાં તેના માત પિતા રોજ રાત્રે ઠંડી હવાને માણતા. ત્યારે વચ્ચેની બેઠક લેવા માટે ભાઈ બહેન અચૂક ઝઘડો કરતા. એ ઝઘડો ત્યારે પૂર્ણ થતો જ્યારે બહેનને પપ્પા તેના ખોળામાં બેસાડતા અને મમ્મી મયૂરને ખોળામાં બેસાડતી. પછી મમ્મી વાર્તા કહેતી ત્યારે માતાના મધુર કંઠ અને પવનની લહેરોમાં ક્યારે ભાઈ બહેનને ઊંઘ આવી જતી એ બંને પણ ખ્યાલ ના રહેતો.


"આવી ગયા મયુરભાઈ" મયુર હજુ ઓસરીમાં જૂલાને જોઈને જૂની યાદીમાં ખોવાયેલો હતો ત્યાં દરવાજા તરફથી આવેલા અવાજને સાંભળીને મયુરની તંદ્રા તૂટી તેણે પાછળ ફરીને જોયું તો તે અવાજ ભોળાભાઈ નો હતો. "હા હજુ આવ્યો છું ભોળાભાઈ" મયુરે પગે લાગતાં ભોલાભાઈને કહ્યું. "ખૂબ ખૂબ જીવો મારા બાપ" ભોળાભાઇ એ આશીર્વાદ આપતા કહ્યું.


ભોળાભાઈ :- આવવામાં કંઈ તકલીફ તો નથી થઈને?


મયુર :- ના કંઈ તકલીફ નથી થઈ. તમે તો ઘરની સજાવટ હતી તેવી ને તેવી રાખી છે. નાનપણમાં જે વસ્તુ જ્યાં હતી એ વસ્તુ અત્યારે પણ ત્યાંની ત્યાજ છે. અને ઘરની સાફસફાઇ પણ મારા મમ્મી રાખતા તેવી જ ચોખ્ખી છે. મયુરે ભોળાભાઈ ના વખાણ કરતા કહ્યું.


ભોળાભાઈ :- હું સમયાંતરે આ ઘરની સાફસફાઇ કરતો રહું છું. બાકી હું તો વાડીએ જ રહું છું આ બાજુ આવવાનું ઓછું બને પણ પંદર વીસ દિવસે સાફસફાઈ જરૂર કરી જાવ છું. આમ પણ અર્જુનભાઈ જ્યારે ફોન કરતા ત્યારે અચૂક કહેતા કે ઘરની દેખરેખ રાખજે અમે ગમે ત્યારે આવીએ તો ઘર એકદમ ચોખ્ખું હોવું જોઈએ. પણ હવે એવું કહેવા વાળું પણ નથી. અર્જુનભાઇ એ અમને ખૂબ સહકાર આપ્યો છે અમારા એકપણ કામ અટકવા નથી દીધા એમનો ઉપકાર જેટલો માનું એટલો ઓછો પડે એમ છે. આટલું બોલતાં જ ભોળાભાઈ ની આંખો ભીની થઈ ગઈ.


મયુર વિચારવા લાગ્યો કે પોતાના પપ્પા કેટલા સમજદાર હતા કે એ દરેક વ્યક્તિને સમજી શકતા હતા અને તેમનાથી બની શકતી મદદ પણ કરતા. હું પણ મારા પપ્પાની જેમ આ લોકોને સમજી શકવાના પ્રયત્નો કરીશ. ભલે મારા પપ્પા જેવો ના થઈ શકું તો વાંધો નહિ પરંતુ તેના જેવા થવાનો પ્રયત્ન જરૂર કરીશ.


મયુર :- કુદરતના લેખ સામે આપણું તો નાજ ચાલે ને ભોળાભાઈ. જે બનવા કાળ હતું તે બની ગયું. ચાલો હવે કંઇક ચા પાણીની વ્યવસ્થા કરો પછી આપણે વાડીએ જવાનું છે. મયુરે વાત ફેરવતા કહ્યું. મયૂરને ખ્યાલ હતો જ કે આ બાબતે વધારે વાત કરશે તો પોતે જ ભાંગી પડશે માટે વાત ફેરવી નાખવી જ હિતાવહ છે.


ભોળાભાઈ :- હમણાં જ તમારા માટે ગરમ ગરમ ચા બનાવી આપુ. આંખો લૂછતાં ભોળાભાઈ રસોડા તરફ આગળ વધે છે.


ચા પીધા બાદ મયુર અને ભોળાભાઈ વાડીએ જાય છે ત્યાં લહેરાતી હરિયાળી ને જોઈ ને મયુર આનંદિત થઈ જાય છે. થોડા ખેતરમાં આંટો માર્યા બાદ ભોળાભાઈ માટે ખેતરમાં જ બનાવેલ મકાન માં બેસે છે. જ્યાં મયુરે વાડીમાં ક્યાં ક્યાં પાક લેવામાં આવે છે, આટલું મોટું ખેતર ભોળાભાઈ કેવી રીતે સંભાળે છે, પાકનું ઉત્પાદન કેટલું આવે છે, તેનું વેચાણ કેવી રીતે કરવામાં આવે છે જેવી બેઝિક જાણકારી મયુરે મેળવી.

ભોળાભાઈ ના જવાબથી મયૂરને ભોળાભાઈ પ્રત્યે માન ઉપસી આવ્યું. કારણ કે ભોળાભાઈ પોતે ખેતરમાં કામ નહોતા કરતા પરંતુ અલગ અલગ ટીમને પોતાની નીચે રાખી તેમની પાસે કામ કરાવતા. ભોળાભાઈ ની નીચે કામ કરનાર વ્યક્તિ માટે તો ભોળાભાઈ જ આ ખેતરના માલિક. હવે આ જ વ્યક્તિ તેના માલિક માટે જાતે જ ચા બનાવીને આપે અને માલિકના ઘરની સાફસફાઇ પણ જાતે જ કરે એ મયૂરને અજુગતું લાગ્યું. બાકી ભોળાભાઈ કોઈ માણસને રાખીને પણ આ કરી જ શકે તેમ હતા. મયુરના મનમાં આ પ્રશ્ન ઘોળાતો હતો પણ ભોળાભાઈ ના સાહજિક સ્વભાવના કારણે પૂછી ના શક્યો.

ભોળાભાઈ ની સાથે તો મયુર એક જ દિવસ જમી શક્યો બાકી ના દિવસો ગામ લોકોના ખૂબ જ આગ્રહ ના કારણે મયુર જુદા જુદા ઘરે જમવા ગયો હતો. દરેક ઘરે તેમના પરિવારના વખાણ સાંભળવા મળ્યા. મયુર અંદરો અંદર આ વખાણ સાંભળી ખુશ થતો તો બીજી પળે જ દુઃખની લાગણી પણ અનુભવતો. મયૂરને ગામ લોકોના આ પ્રેમથી ઘણી સહાનુભૂતિ મળી. આ ૧૦ દિવસોમાં મયુર પણ ગામ લોકો સાથે ભળી ગયો હતો. ગામલોકોની અને ભોળાભાઈની રજા લઈ મયુર અમદાવાદ જવા નીકળી ગયો.

અમદાવાદ પહોંચીને મયુર સીધો મીનાક્ષીને મળે છે. જ્યાં પહોંચીને ગામડે વિતાવેલા અદભૂત દિવસોને મીનાક્ષી સામે વાગોળે છે. મીનાક્ષી પણ મયૂરને ખુશ જોઈને ખુશ થાય છે.


મીનાક્ષી :- તો હવે આગળ શું પ્લાન છે? રિઝલ્ટ ક્યારે બહાર પડશે?


મયુર :- રિઝલ્ટ આવતા હજુ એક મહિનો નીકળી જશે પરંતુ હવે મારે રિઝલ્ટ ની રાહ નથી જોવી. હવે કોઈ જગ્યા પર નોકરીએ લાગી જવું છે. નોકરી માટેના પ્રયત્નો પણ આજથી શરૂ જ કરી દેવા છે.


મીનાક્ષી :- રિઝલ્ટ પહેલા કેવી રીતે નોકરી મળશે?


મયુર :- દર વખતે કોલેજમાં કેમ્પસ ઇન્ટરવ્યૂ થતાં પરંતુ આ વખતે કોઈ કારણોસર એ ઇન્ટરવ્યૂ કેન્સલ થયું હતું. માનીલે કે એ ઇન્ટરવ્યૂ થયું હોત તો એ સમયે પરિક્ષા પણ લેવાની બાકી હોત જો એ લોકો પરિક્ષા પહેલા જ વિદ્યાર્થીને પોતાની કંપનીમાં કામ કરવાની પસંદગી કરી શકતા હોય તો અત્યારે તો મે પરિક્ષા પણ આપી દીધી છે અને મારી પાસે કેમ્પસમાં દર વખતે ભરતી કરવા આવતી કંપની ની યાદી પણ છે. હું બધી જ કંપનીમાં મારો resume આપી દઈશ.
(મયુરના શબ્દોમાં તેમના કાર્ય પ્રત્યેની ઘેલછા સ્પષ્ટ વર્તાતી હતી.)


મીનાક્ષી :- તારી જરૂર પસંદગી થઈ જ જશે મને વિશ્વાસ છે. મીનાક્ષી મયૂરને વિશ્વાસ અપાવતા કહ્યું.


મયુર :- એ તો હવે જોઈએ. પણ આપણે આપણું કામ પૂરી મહેનત અને ઈમાનદારીથી કરવાનું પછી ભગવાનને જે ઈચ્છા હશે તે ફળ આપશે?


મીનાક્ષી :- હા એ સાચી વાત છે.


મયુર મીનાક્ષીને મળીને પોતાના ઘરે જાય છે. ત્યાં પહોંચી ને સૌથી પહેલા લેપટોપ પર પોતાનો resume બનાવે છે અને પોતાની પાસે જે કંપની ની યાદી હતી તેમાં પોતાનો resume મોકલી દે છે. પછી ફ્રેશ થયા વગર જ સોફા પર લંબાવે છે.


ક્રમશ:

પ્રમોદ સોલંકી

શું મયૂરને રિઝલ્ટ પહેલા નોકરી મળી જશે?


જાણવા માટે વાંચતા રહો "કુદરતના લેખા - જોખા"


વધુ આવતા અંકે........


આપનો કિંમતી પ્રતિભાવ આપવાનું ચૂકશો નહિ
આભાર🙏🙏🙏