વાર્તા- કોમન પ્લોટ-5 લેખક- જયેશ એલ.સોની.ઊંઝા મો.નં.9601755643
રઘુવીર સોસાયટીના રહીશો વેકેશનમાં સુંદર સામાજિક નાટકોનો રસાસ્વાદ માણી રહ્યા હતા.રતનલાલ સંચાલકે એક પછી એક ચડિયાતા સામાજિક નાટકો રજુ કરીને લોકોને પ્રેમ જીતી લીધો હતો.વડીલોતો ઠીક પણ નવી પેઢી નાટકોમાં રસ લઇ રહી હતી.કયારે સાંજ પડે અને પોતપોતાની ખુરશીઓમાં ગોઠવાઇ જઇએ એવો બધાને રસ પડી ગયો હતો. દિવસ દરમિયાન કોઇ રતનલાલ ને મળવા માગતું હોયતો તેઓ મળતા.કોઇ સામાજિક પ્રશ્નો ની ચર્ચા કરતા.પણ એમનો કોઇ કલાકાર દિવસ દરમિયાન કોઇને જોવા ના મળતો.કોઇ એમને આ બાબતે પૂછતું તો એમનો જવાબ એવો રહેતો કે જે કલાકારો રોજ અલગ અલગ ભૂમિકાઓ ભજવતા હોય એ લોકો જો રોજ જનતાના સંપર્ક માં રહે તો જનતા એમને સામાન્ય માણસ તરીકે જ જુએ.પછી એ કલાકારની ભૂમિકા નું કોઇ મૂલ્ય ના રહે.એટલે જ ફિલ્મી કલાકારો પણ ક્યાં કોઇને જોવા મળે છે? કલાકારો નું વ્યક્તિત્વ અસામાન્ય હોયછે.ભલે લોકો એમને અતડા કે અભિમાની સમજતા હોય પણ એમને એમની પ્રતિભા જાળવવાની હોયછે.
આજે રાત્રે પવન વધારે ફુંકાઇ રહ્યો હતો.કોમનપ્લોટ માં મંડપ પણ હાલકડોલક થઇ રહ્યો હતો.આજનો નાટકનો શો થશે કે નહીં એની ચિંતા માં હતા બધા.પણ થોડીવારમાં તોફાન શાંત થઇ ગયું અને નાટકની તૈયારી થવા લાગી.ખુરશીઓ ભરાઇ ગઇ.સ્ટેજ ઉપર કર્ણપ્રિય સંગીત વાગી રહ્યું હતું.પરદા પાછળ કલાકારો ની તૈયારી ચાલી રહી હતી.
પરદો ખુલ્યો.ગામડાના એક ફળિયામાં આંગણામાં ખાટલો ઢાળીને એક વડીલ રણછોડભાઇ બેઠા બેઠા પાન બનાવી રહ્યા હતા.કપુરી પાન ઉપર ચૂનો, કાથો લગાવીને સોપારી, વરિયાળી,ધાણાદાળ નાખીને પાન મોંઢામાં મુક્યું. સવારનો સમય હતો.રણછોડભાઇનો આ નિત્યક્રમ હતો પાન ખાઇને પછી ખેતરમાં આંટો મારી આવવો.પછી વડલા આગળ બાંકડા મુક્યા હતા ત્યાં મિત્રો સાથે પંચાતો કૂટીને પછી જમવાના સમયે ઘરે આવવાનું.આજે પાન ખાઇને ઊભા થવાની તૈયારી કરતા હતા ત્યાં એકસાથે બે ઘટનાઓ બની.એમના ઘર આગળ એક મર્સિડીઝ બેન્ઝ ગાડી આવીને ઊભી રહી.અંદરથી એક રૂઆબદાર વડીલ ઉતર્યા અને રણછોડભાઇના ઘરમાં પ્રવેશ્યા.રણછોડભાઇ હજી કંઇ વિચારે એ પહેલાં તો એમનો દીકરો નવનીત ખાટલા પાસે આવીને ઊભો રહ્યો અને કહેવા લાગ્યો 'બાપા ,બધા મિત્રો તળાવમાં ન્હાવા જાયછે.મારે પણ જવું છે.' અને રણછોડભાઇ બગડ્યા' દીકરા ગાંડો થઇ ગયોછે? ડૂબી જઇશતો મારૂં કોણ પાછળ? ઘરમાં જતો રહે નથી જવાનું તળાવમાં ન્હાવા.'
હજી તો બાપદીકરાનો આ સંવાદ ચાલુ હતો એટલામાં પેલા વડીલ અંદર આવી ગયા અને નવનીતને કહેવા લાગ્યા' નવનીત, તું ત્યારે જા તળાવમાં ન્હાવા.જોઉંછું કોણ રોકેછે તને? તારા બાપે ભક્તિબાપા નું કહ્યું માન્યું હતું કદી? ભક્તિબાપા ના કહેતા તો પણ તળાવમાં સંતાઇને ન્હાવા જતા રહેતા.તું ગભરાયા વગર જતો રહે.' રણછોડભાઇ કશું બોલે એ પહેલાં તો નવનીત ભાગ્યો તળાવ બાજું.રણછોડભાઇ આશ્ચર્ય થી આ વડીલ સામે જોવા લાગ્યા કે મેં જે માણસ ને કદી જોયા નથી એ મારા બાપાનું નામ પણ જાણેછે!
' રણછોડ, હજી મને ના ઓળખ્યો? લે ચશ્મા કાઢ્યા હવે ઓળખ્યો? તારા લગ્ન ના વરઘોડામાં નાચતાં નાચતાં મારો પાયજામો ફાટી ગયો હતો અને બધાં એ મારી ઠેકડી ઉડાડી હતી.હવે કંઇ યાદ આવેછે? ' આટલું સાંભળતાં જ રણછોડભાઇ ઊભા થઇને વડીલને ભેટી પડ્યા અને ' અરે મારા જીગરજાન લીલાભાઇ કેટલા વર્ષે મળ્યા આપણે? હવે ઘરડા ઘડપણે લંગોટિયો મિત્ર મળશે એવી તો કલ્પના પણ કેવી રીતે કરી હોય? બંને મિત્રો એકબીજાને ભેટીને રડ્યા.થોડીવારે સ્વસ્થ થયા પછી રણછોડભાઇ એ ઘરમાં જઇને ચા બનાવી.લીલાભાઇએ પ્રશ્નાર્થ નજરે જોયું એટલે રણછોડભાઇ એ કહ્યું ત્રણ વર્ષ પહેલાં તારી ભાભી શ્રીજીચરણ પામી.લીલાભાઇના ચહેરા ઉપર વેદના હતી.જે મિત્ર ના વરઘોડામાં નાચ્યા હતા એ અત્યારે વિધુર થઇ ગયો છે.વર્ષો પાણીના રેલાની જેમ વહી ગયા હતા.
' પણ લીલાભાઇ તમે આટલાં વર્ષો ક્યાં હતા? આ ગરીબ સુદામા કેમ કદી યાદ ના આવ્યો?'
' એવું નથી ભાઇ.મારો દીકરો ભણીગણીને અમેરિકા ગયો એટલે પચીસ વર્ષ થી અમે પણ અમેરિકામાં હતા.પરમદિવસે આવ્યો અને પહેલા તને જ મળવા આવ્યો છું.'
' પણ તેં મારા દીકરાને તળાવમાં ન્હાવા કેમ જવા દીધો?
' એટલા માટે કે રણછોડ તું જ્યારે ભક્તિબાપા થી છુપાઇને તળાવમાં ન્હાવા આવતો ત્યારે તું અમારા આગળ એવું બોલતો કે આ ડોહો લોહી પી જાયછે, કશું કરવા જ નથી દેતો. જવાબ આપ સાચું કે ખોટું? એ વખતે તારા ડોહા કેમ તને તળાવમાં ન્હાવા જવાની ના કહેતા હતા એ તને સમજાવવા અને એમની વેદનાનો તને અનુભવ કરાવવા મેં નવનીતને તળાવમાં જવા દીધો છે.અમુક વાતો અભ્યાસ થી નહીં પણ અનુભવથી જ સમજાયછે.માબાપ ટોકતા હોય એ સંતાનોને ગમતું નથી પણ માબાપ એમના અનુભવના આધારે અને અંતરની લાગણી થી આપણા હિતમાં ટોકતા હોયછે.પણ જ્યારે આપણે માબાપ બનીએ ત્યારે જ આ વાત સમજાય છે.'
' લીલાભાઇ, આખું ગામ મારા બાપાને ભક્તિબાપા કહેતું અને હું એમને ડોહા ડોહા કરતો એટલે જ ભગવાને મને સજા કરી લાગેછે.હું સાચા દિલથી મારા ભક્તિબાપા ની માફી માગું છું અને આ ઉંમરે તમે આ સુદામા પાસે આવીને સાચું જ્ઞાન આપ્યું અને મારૂં ઘડપણ સુધાર્યુ એ બદલ આપનો આભાર માનું છું.'
નાટક ટૂંકુ હતું પણ સુંદર સંદેશ હતો એટલે લોકોને મજા આવી ગઇ.
રતનલાલે સ્ટેજ ઉપર આવીને જાહેરાત કરીકે હજી કલાક જેટલો સમય છે તો અમારા હાસ્ય કલાકાર આપને પેટ પકડીને હસાવશે.(ક્રમશઃ)
લેખક તરફથી બે શબ્દો- મિત્રો, કોમન પ્લોટ નો ભાગ-6 પણ આવશે.અગાઉના પાંચ ભાગ ગમ્યા હોયતો મને ફાઇવ સ્ટાર આપીને પ્રોત્સાહિત કરશોજી.