કોમન પ્લોટ - 3 Jayesh Soni દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કોમન પ્લોટ - 3

વાર્તા- કોમન પ્લોટ-3
લેખક- જયેશ એલ.સોની- ઊંઝા
મો.નં.9601755643
આજે રવિવારે સવારે રતનભાઇ અને એમના કલાકારો મિની લકઝરીમાં ક્યાંક જઇ રહ્યા હતા.કોમનપ્લોટ આગળ બ્લેકબોર્ડ માં લખેલું હતું કે આજે જરૂરી કામે બધા બહાર જઇ રહ્યા હોવાથી આજનો શો બંધ રહેશે. કોમનપ્લોટની બાજુના બે બંગલામાં કલાકારોને ઉતારો આપવામાં આવ્યો હતો.સ્ત્રી કલાકારો અને પુરૂષ કલાકારો માટે અલગ બંગલા રાખ્યા હતા.લોકોમાં ચર્ચા હતીકે કેટલા ઊંચા ગજાના અને દેખાવે રૂડા રૂપાળા કલાકારો છે જે ફિલ્મી દુનિયામાં પણ શોભે એવા છે.અનુપમા અને મનોરમા, અભિષેક અને તપન આ કલાકારો તો એટલા દેખાવડા હતાકે રતનલાલ આ ચાર કલાકારોને તો લોકોની નજરે ખાસ ચડવા દેતા નહોતા.અનુપમા અને મનોરમા ની એક ઝલક જોવા સોસાયટીના યુવાનો બંગલાની પાસે મુકેલા બાંકડાઓ ઉપર આખો દિવસ બેસી રહેતા હતા.અને સોસાયટીની યુવાન છોકરીઓ ત્યાંથી પસાર થતી વખતે અભિષેક અને તપન ને જોવા આતુર રહેતી.હજીતો ચાર જ દિવસ થયા હતા પણ રઘુવીર સોસાયટીના વાતાવરણમાં પ્રાણ પુરાયો હતો.
એક નહીં પણ બે દિવસ નાટક બંધ રહ્યું.સોસાયટીના લોકો ને નાટકનો ચસ્કો પડી ગયો હતો એટલે બધા કલાકારોની કાગડોળે રાહ જોઇ રહ્યા હતા.
' અલ્યા મનન તું કેમ બે દિવસથી સાવ ઉદાસ ફરેછે? અઠવાડિયું વેકેશન પડ્યું છે તો જલ્સા કરને ભઇલા.' મિત્રોએ મનન ની ફિરકી ઉતારવાની ચાલુ કરી.
ભૃગેશ નામના મિત્ર એ પૂછ્યું' મનન, તારા ફાધર કહેતા હતા કે તારા માટે કન્યાઓનાં માગાં આવેછે પણ તું બધી કન્યાઓને નાપસંદ કરેછે.સાચી વાત છે?"
આખરે મનને મૌન તોડ્યું' મારા મન ને ગમે એવી છોકરી આવશે ત્યારે તને પૂછવા નહીં આવું ભૃગલા'
પણ મનન નો ચહેરો ચાડી ખાતો હતો કે એ કંઇક ઊંડા વિચારમાં તો છે જ.મનન ના પિતાએ જ મિત્રો ને બોલાવીને કહ્યું હતું કે મનન ને સમજાવો કેમ બધી છોકરીઓને નાપાસ કરેછે? કોઇ એને ગમતી છોકરી હોયતો જાણી લાવો.એટલે મિત્રો મનન ની ખણખોતર કરી રહ્યા હતા.પણ મનન નું મન કળી શકાતું નહોતું.
ત્રીજા દિવસે બધા કલાકારો આવી ગયા એટલે જાહેરાત થઇ ગઇ કે આજે નાટકનો શો થશે.રઘુવીર સોસાયટીમાં આનંદની લહેર આવી ગઇ.

કોમન પ્લોટ ખીચોખીચ ભરાઇ ગયો.સ્ટેજ ઉપર રંગબેરંગી લાઇટો ઝગારા મારી રહી હતી.ધીમું કર્ણપ્રિય સંગીત વાગી રહ્યું હતું.મનન અને તેના મિત્રોની ટીમ પણ સૌથી આગળની લાઈનમાં ગોઠવાઇ ગઇ હતી.એટલામાં માઇક ઉપર જાહેરાત થઇ કે આજના નાટકની મુખ્ય નાયિકા મનોરમા કોલેજના છેલ્લા વર્ષની પરીક્ષા હોવાથી આવી શકી નથી તેથી નાયિકાનું પાત્ર બદલવામાં આવ્યું છે તેની નમ્ર નોંધ લેશો.આપ સર્વેને કદાચ માલુમ નહીં હોય પણ મનોરમા શહેરના પ્રતિષ્ઠિત કુટુંબની કન્યા છે અને અભ્યાસમાં તેજસ્વી છે.તેનો કલા પ્રત્યે લગાવ હોવાથી અમારી સાથે જોડાઇ છે.પ્રેક્ષકો મનોરમા હાજર નથી એવું જાણ્યા પછી થોડા નિરાશ તો થયા.ખાસ કરીને મનન નો ચહેરો ઉતરી ગયો એ મિત્રો એ નોંધ્યું.મનન ‘ હું થોડીવારમાં આવું છું’ એવું કહીને બહાર નીકળી ગયો.મિત્રોને આશ્ચર્ય થયું.શો પૂરો થયો ત્યાં સુધી મનન આવ્યો નહીં.બધા મિત્રોમાં મનન ભણવામાં હોશિયાર અને ઠરેલ યુવાન હતો એટલે મિત્રો ને પણ તેના ઉપર બહુ લાગણી હતી.
બીજા દિવસે મનન ના પિતાજીએ આ મિત્ર ટોળકીનો સંપર્ક કર્યો.પણ મિત્રો પાસે કશી માહિતી નહીં હોવાથી તેઓ નિરાશ થયા.તેમના ચહેરા ઉપર મનન ની ચિંતા છવાયેલી હતી એ મિત્રો એ જોયું.બધા મિત્રોએ અંદરો અંદર ચર્ચા કરીને નક્કી કરી દીધું કે મનન ના મનની વાત જાણવી તો પડશે.મનન ના પિતાજીએ કહ્યું હતું કે આજે મનન શહેરમાં ગયો છે એટલે રાત્રે મોડો આવશે.

નાટકનો શો શરૂ થવાની ઘંટડી વાગી.મિત્રો બધા પ્રથમ હરોળમાં પોતપોતાની ખુરશીમાં ગોઠવાઇ ગયા હતા પણ મનન આવ્યો નહોતો.એટલામાં માઇક ઉપર એનાઉન્સ થયું કે ભાઈઓ બહેનો આજે આપ સૌની પ્રિય કલાકાર મનોરમા શો માં હાજર છે.લોકોએ તાળીઓનો ગડગડાટ કર્યો.એનાઉન્સ થયું કે તુરંત મનન આવીને ખુશખુશાલ ચહેરે એની ખુરશીમાં ગોઠવાઇ ગયો.મિત્રોને હાશ થઇ.

નાટક શરૂ થયું.આજના નાટકનો મુખ્ય રોલ મનોરમા હતી.થોડીવાર સુધી તો નાટક બરાબર ચાલ્યું પણ પછી એવું બન્યું કે મનોરમા નાટકના સંવાદો બોલવામાં ગોટાળા કરવા લાગી.સાથી કલાકારોને પણ નવાઇ લાગી.આવું કદી થયું નહોતું.ચહેરા ઉપર પાત્રને અનુરૂપ ભાવ પણ આજે દેખાતા નહોતા.છેવટે રતનભાઇ સંચાલકે માઇક ઉપર જાહેરાત કરી કે મનોરમા અસ્વસ્થ છે એટલે આજે નાટક અગિયાર વાગ્યે જ સમાપ્ત કરીએ છીએ.પ્રેક્ષકો થોડી નિરાશા સાથે બહાર નીકળ્યા.
કાયમ મશ્કરી કરતા ભૃગેશે મનનના ખભે હાથ મુકીને ગંભીર મુખે કહ્યું ‘ મનન આપણે બધાએ કાલે ચા નાસ્તો લઇને નદી કિનારે પીકનીક કરવા જવાનું છે.તું ખાસ તૈયાર રહેજે.તારી સાથે અગત્યની ચર્ચા કરવાની છે.’ મનને હા પાડી પછી બધા મિત્રો ગુડ નાઈટ કહીને છૂટા પડ્યા.

‘ બેટા મનોરમા કેમ આવી નંખાઇ ગઇ છે? આવું કદી બન્યું નથી.અરે તું તો સંવાદો કદી ગોખતી પણ નથી.નેચરલ એક્ટિંગ કરેછે.તો પછી આજે ? અત્યારે મોડું થઇ ગયું છે કાલે ચર્ચા કરીશું.તારી કોઇપણ સમસ્યામાં અમે બધા સાથે જ છીએ.”
' મનન, તું જે હોય એ સાચેસાચું કહીદે.તારા પિતાજી ને એવું છે કે તું કોઇ છોકરીને પ્રેમ કરેછે એટલે બધી છોકરીઓને જોયા પછી ના કહેછે.શું આ સાચું છે મનન?'
' મિત્રો, તમે મારા પિતાજી ને પૂછજો કે મનન કંઇ છોકરીને પ્રેમ કરેછે તમને ખબર છે?'
' એમને ખબર હોયતો અમને શું કરવા વચ્ચે લાવે? એમને જાણવું છે કે તારે કોઇ લફરૂં તો નથીને?'
' મિત્રો, મારા પિતાજી ને ખબરછે હું એક છોકરીને દિલોજાનથી પ્રેમ કરૂં છું.પણ તેઓ જ મારા પ્રેમમાં વિલન બન્યાછે.'
' શું વાત કરેછે મનન? તો પછી અમને વચ્ચે લાવવાનું કારણ?'
' તમે મને સમજાવીને એ બતાવે એ કન્યા પસંદ કરીને પરણી જાઉં'
' હવે અમને પૂરી વાત કર.છોકરી કોણછે ,ક્યાં રહેછે,કેવીછે?'
' મારી સાથે કોલેજમાં ભણતી હતી.ભણવામાં તેજસ્વી, ઉચ્ચ ખાનદાનની, દેખાવડી પણ અમારી જ્ઞાતિ અલગ.એટલેજ પિતાજી ના કહેછે.અમે બંને એકબીજાને ખૂબજ પ્રેમ કરતા હતા પણ હું ફસકી ગયો એટલે અમારો સંબંધ એક વર્ષ થી કપાઇ ગયો. બીજી કોઇ છોકરી મને ગમતી જ નથી.અને એ છોકરીએ તો મને હિંમત આપી હતી કે ચાલ આપણે પરણી જઇએ પછી જે થવું હોય એ થાય'
બધા મિત્રો એકબીજાની સામે જોવા લાગ્યા.પછી પવન બોલ્યો' આપણે કાલે શહેરમાં જઇએ અને એ છોકરી ને મળીએ.તું બીજી છોકરી સાથે પરણીશ તો સુખી નહીં થાય.અમે બધા તારી પડખે જ ઊભા છીએ.'

' મારા પરમ મિત્રો, છોકરીને મળવા શહેરમાં જવાની જરૂર નથી.આપણે એક યોજના બનાવવાની છે.હું કહું એ બરાબર સમજી લો.'
રતનલાલ સંચાલકે બ્લેકબોર્ડ ઉપર લખાવ્યું હતું કે આજનું નાટક જોવાનું ચૂકશો નહીં.વડીલોને પણ ખાસ આગ્રહ છે કે નાટક જોવા પધારે.
કોમન પ્લોટ ભરચક થઇ ગયો હતો.નીચે બેસવાની પણ જગ્યા નહોતી.
બે પ્રેમી પંખીડાં વિશે નાટક ભજવાઇ રહ્યું હતું.કોલેજમાં ભણતાં ભણતાં પ્રેમના અંકુર ફૂટ્યા હતા.છોકરી અત્યંત શ્રીમંત કુંટુંબની હતી.છોકરો મધ્યમ વર્ગ કુટુંબ નો હતો.પણ બંને વચ્ચે પ્રેમ સાચો હતો.છોકરો હિંમત માં પાછો પડતો હતો પણ છોકરી સાહસિક હતી.છોકરીએ એના ઘરમાં વાત કરીતો બધા સંમત થઇ ગયા પણ છોકરાના પિતા સંમત ના થયા કેમકે જ્ઞાતિ અલગ હતી.સમજાવવાના બહુ પ્રયત્નો કર્યા પણ છોકરાના પિતા સંમત ના થયા છેવટે છોકરાએ ટ્રેન નીચે પડતું મુકીને જીવન ટુંકાવ્યું.પ્રેમનો કરૂણ અંજામ આવ્યો.પ્રેક્ષકો લાગણીના પ્રવાહમાં તણાઈ ગયા હતા.નાટક પૂરૂં કરતાં પહેલાં રતનલાલ માઇક લઇને સ્ટેજ ઉપર આવ્યા અને ' મારા સ્વજનો, આપ સર્વે એ નાટક સારી રીતે માણ્યું.કોણ એવો બાપ હશે જે દીકરાનું કરૂણ મોત ઇચ્છે? પણ સમાજ આવા પિતાજી ઓ થી ભરેલો છે.પોતાની પ્રતિષ્ઠા પોતાના દીકરાથી પણ વધારે? ગુમાવેલી પ્રતિષ્ઠા તો પાછી આવશે પણ સંતાન? આજે નાટકમાં પ્રેમિકાનો રોલ કરનાર મનોરમા ના જીવન ઉપરથી જ આજનું નાટક બનાવ્યું હતું.મનોરમા જ સાચી પ્રેમિકા છે અને એનો પ્રેમી? '
' હું એનો પ્રેમી છું.' ઓડિયન્સમાંથી અવાજ આવ્યો.બધાની નજર અવાજની દિશા તરફ ગઇ.મનન સ્ટેજ ઉપર આવી રહ્યો હતો.જેવો મનન સ્ટેજ ઉપર આવ્યો કે મનોરમા દોડીને તેને ભેટી પડી.પ્રેક્ષકોએ તાળીઓથી બંનેને વધાવી લીધા.મનન ના માતાપિતા પણ સ્ટેજ ઉપર આવ્યા અને બંનેને આશીર્વાદ આપ્યા.
દૂરથી મનનની મિત્રટોળકી એ રતનલાલ નો આભાર માન્યો.રતનલાલે આકાશ સામે નજર કરી આ પુણ્ય કામનો નિમિત્ત બનાવવા બદલ ઇશ્વરનો આભાર માન્યો.
લેખક તરફથી બે શબ્દો- મિત્રો, કોમનપ્લોટ નો ભાગ-4 પણ આવશે.અગાઉના ત્રણ ભાગ ગમ્યા હોયતો મને ફાઇવ સ્ટાર આપવાનું ભૂલશો નહીં.આભાર