કોમન પ્લોટ - 1 Jayesh Soni દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કોમન પ્લોટ - 1

વાર્તા- કૉમનપ્લોટ-1 લેખક- જયેશ એલ.સોની.ઊંઝા મો.નં.9601755643
રઘુવીર સોસાયટી ના કોમન પ્લોટમાં મોટો મંડપ બંધાઇ રહ્યો હતો.લોકોનું ટોળું જોવા ભેગું થયું હતું.અંદરના ભાગમાં મોટું સ્ટેજ બનાવવામાં આવી રહ્યું હતું. સ્ટેજથી દસ ફૂટ જગ્યા છોડીને પછી ખુરશીઓ ગોઠવાઇ રહી હતી.કોમન પ્લોટ વિશાળ હતો એટલે આશરે ચારસો ખુરશીઓ આવી શકે એમ હતી.સોસાયટીના લોકો ભેગા થયા હતા.સોસાયટી પણ મોટી હતી.ચાર બ્લોકમાં પથરાયેલી સોસાયટીમાં લગભગ બસો જેટલા રો હાઉસ હતા.
ઉનાળાનું વેકેશન પડી ગયું હતું.એપ્રિલ મહિના ની ગરમી પણ અસહ્ય હતી.એવામાં લોકોએ જાણ્યું કે મોહન નાટ્ય કલા મંડળ નામની જૂની દેશી નાટકોની કંપની આપણી સોસાયટીના કોમન પ્લોટમાં એક મહિના સુધી રોજ રાત્રે નવથી બાર સુધી અલગઅલગ નાટકો ભજવશે.લોકો ખુશ થઇ ગયા.ધીરેધીરે લોકો હવે ટી.વી.અને મોબાઇલ થી કંટાળી રહ્યા હતા.જે વડીલો હયાત છે એમને તો ખબર હતીકે દેશી નાટકો જોવાની કેવી મજા હતી! એક મહિના સુધી રોજ અલગઅલગ નાટકો મોડી રાત સુધી ભજવાતા હોય, કલાકારોને પ્રોત્સાહન આપવા માટે લોકો તાળીઓ થી વધાવતા હોય,સવારે આ કલાકારો એમની મહેનતના બદલામાં લોકો પ્રેમથી આપે તે રકમ અને સીધુ સામાન પણ સ્વીકારતા.એ સુવર્ણસમય વૃદ્ધોને યાદ હતો.
મંડપપ બંધાઇ રહ્યો હતો ત્યાં જુવાનિયાઓ તથા બાળકો પણ ટોળે વળ્યા હતા.ચાર દિવસ પછી નાટક શરૂ થશે એવી જાહેરાત કરવામાં આવી હતી.કલાકારો કોમન પ્લોટમાં ખુરશીઓ પર બેસીને વાતો કરી રહ્યા હતા.કલાકારોની આસપાસ લોકો તેમને જોવા ભેગા થયા હતા.કલાકારોમાં છ પુરૂષો અને છ સ્ત્રીઓ હતી.
મંડપની બહાર ટિકીટ બારી બનાવી હતી.ટિકીટ આખા મહિનાની ફક્ત ત્રણસો રૂપિયા રાખવામાં આવી હતી.જુવાનિયાઓને તો નવાઇ લાગતી હતી.અત્યારે તો શહેરમાં એક મુવીની ટિકીટ ત્રણસો રૂપિયા કે તેનાથી પણ વધારે છે તો અહીં તો આખા મહિનાની ટિકીટ ત્રણસો રૂપિયા એટલે મફત જેવું કહેવાય.જેમને ખુરશીમાં ના બેસવું હોય તેઓ માટે ટિકીટ દોઢસો રૂપિયા રાખી હતી.ચાર દિવસમાં બધી ટિકીટો વેચાઇ જાય પછી નાટક શરૂ કરીશું એવું મોહન નાટ્ય કલા મંડળ ના માલિક રતનભાઇએ લોકોને જણાવ્યું અને હાઉસફૂલ શો થઇ જાય એવી આશા વ્યક્ત કરી હતી.
જોતજોતામાં તો બધી ટિકીટો વેચાઇ ગઇ.રતનભાઇ સંચાલકને સંતોષ થયો એ વાતનો કે આજના ફાસ્ટ સમયમાં લોકોએ દેશી નાટકો પર વિશ્વાસ મુકીને ટિકીટો ખરીદી.
કોમન પ્લોટ ખીચોખીચ ભરાઇ ગયો હતો.આજે પ્રથમ દિવસે ' ભાઇબંધી' નામનું નાટક ભજવવામાં આવનાર હતું.પ્રાર્થના વગેરે પત્યા પછી નાટક શરૂ થયું.જુવાનિયા રોમાંચિત હતા કેમકે કલાકારો નજર સામે જ નાટક ભજવી રહ્યા હતા અને કોઇ ભૂલ વગર.નાટકનો વિષય હતો બે જીગરજાન મિત્રો વિશે થોડી ગેરસમજ થઇ હોયછે અને અબોલા થયા હોયછે.એ ગેરસમજ કેવીરીતે દૂર થઇ અને અબોલા દૂર થયા એ વિષય ઉપર નાટક હતું.સંવાદો દિલને ટચ કરી જાય એવા હતા.બે મિત્રો ની ભૂમિકા નિભાવનાર કલાકારો અભિષેક અને તપન નો શાનદાર અભિનય જોઇને લોકો આફરિન થઇ ગયા હતા.નાટક પ્રેક્ષકો એકચિત્તે જોઇ રહ્યા હતા.કલાકારોએ બેનમૂન અભિનય કર્યો.જરૂરી હોય ત્યાં પ્રેક્ષકો તાળીઓના ગડગડાટ થી કલાકારોને પ્રોત્સાહિત કરી રહ્યા હતા.ત્રણ કલાકે નાટક પૂરૂં થયું ત્યારે પ્રેક્ષકો નાટકના સુખદ અંત વિશે ચર્ચા કરતા કરતા બહાર આવી રહ્યા હતા.નાટકના એક બે સંવાદો બધાના દિલને ટચ કરી ગયા હતો.એક મિત્ર તેના મિત્ર ને કહેછે કે ' સંસારમાં માબાપ પછી જો કોઇ પવિત્ર સંબંધ હોયતો એ છે મિત્રતા.સારો મિત્ર ભાગ્યશાળી ને જ મળે છે.'બીજો સંવાદ હતો ' મિત્રતા માં વળી ખોટું શેનું લાગવાનું હોય.ઠઠ્ઠા મશ્કરીઓ, ગમ્મત બધું મિત્રતા માં જ હોયને?એકબીજાની મશ્કરીઓ કરવાનો તો મિત્રો પાસે અધિકાર હોયછે.જેની પાસે એક બે સારા મિત્રો હોય એ જીવનમાં કદી હતાશ ના થાય.એમાં પણ જે લંગોટિયા મિત્રો હશે એમની વચ્ચે ભાઇ કરતાં પણ વધુ પ્રેમ હશે'નાટકના અંતમાં બે મિત્રો ભેટી પડેછે એ દ્રશ્ય જોઇને પ્રેક્ષકોની આંખો પણ ભીંજાઈ ગઇ હતી.
' કાલે રાત્રે નાટક જોઇને આવ્યા ત્યારથી તમે અપસેટ દેખાઓ છો.શું વાત છે? કંઇ ટેન્શન જેવું છે? દસ દિવસ પછી તો મેઘના નાં લગ્ન છે.' અંજનાબેને ચા નો કપ હાથમાં આપતાં ભુવનભાઇને કહ્યું.
' દીકરીના લગ્નની કંકોત્રીઓનું લિસ્ટ લઇને તો બેઠો છું.યાદ કરી કરીને કંકોત્રી ઓ લખી છે.કોઇ રહી ના જાય એની પૂરતી કાળજી લીધી છે.' આટલું બોલ્યા પછી ભુવનભાઇ અટકી ગયા પણ આંખોમાં ઝળઝળીયાં તો આવી જ ગયાં.
' તમારા મનમાં કંઇક છે પણ કહી શકતા નથી' અંજનાબેને ભુવનભાઇનો હાથ થપથપાવતાં કહ્યું.
' તને કહ્યા વગર થોડું ચાલશે? વિચારતો હતો કે અશોકભાઇને કંકોત્રી લખું કે નહીં.' અંજનાબેને કોઇ જવાબ ના આપ્યો.
રઘુવીર સોસાયટીમાં ભુવનભાઇ અને અશોકભાઈની મિત્રતાની ચર્ચા થતી.સાચી મિત્રતા કોને કહેવાય તો આ બંનેની મિત્રતા નું ઉદાહરણ આપવામાં આવતું.સગા ભાઇઓથી પણ અધિક મિત્રતા હતી.સોસાયટીમાં બંનેના બંગલા પણ જોડે હતા.છ મહિના પહેલાં અશોકભાઇની દીકરીનાં લગ્ન લેવાયાં પણ આ પ્રસંગે અશોકભાઇ એ ભુવનભાઇ ને કંકોત્રી જ ના લખી.એવું તો શું બન્યું હશે એ આખી સોસાયટીમાં ચર્ચા નો મુદ્દો બની ગયો.ભુવનભાઇ તો લોકોને જવાબ આપી આપીને થાકી ગયા.અશોકભાઇએ કેમ આમંત્રણ ના આપ્યું એ એમના મનમાં બેસતું જ નહોતું.લગ્નના દિવસ સુધી કંકોત્રી ની રાહ જોઇને બેસી રહ્યા પણ કંકોત્રી ના આવી.
એ દિવસથી બંને મિત્રો વચ્ચે અબોલા થઇ ગયા.કોની ભૂલ હતી અને શું ભૂલ હતી એ ચોખવટ પણ ના થઇ અને વર્ષો જૂનો સંબંધ કપાઇ ગયો.પણ ગઇકાલે નાટક જોયા પછી એમનું મન બેચેન બની ગયું.નાટકના ચોટદાર સંવાદો અને કલાકારો ની એક્ટિંગે તેમના દિલના તાર ઝણઝણાવી દીધા.અંજનાબેન ભુવનભાઇના મનમાં ચાલતી ગડમથલ ઉકેલવા મથી રહ્યા હતા.થોડીવાર પછી ભુવનભાઇએ એક કંકોત્રી લીધી અને લાલ પેનથી અશોકભાઇ નું નામ લખ્યું અને અંજનાબેન સામે જોયું.હવે અંજનાબેન ની આંખો વરસવા લાગી.ભુવનભાઇએ કહ્યું ચાલ અશોકભાઇ ને કંકોત્રી આપવા જઇએ.
દરવાજો ખોલવા અશોકભાઇ પોતે જ આવ્યા.બંને મિત્રો દરવાજા આગળ જ ભેટી પડ્યા.એકબીજાની માફી માગવા લાગ્યા.ભુવનભાઇએ ગીતાબેન ના હાથમાં કંકોત્રી આપી.ગીતાબેને કહ્યું ' ગઇકાલે નાટક જોઇને આવ્યા ત્યારથી અપસેટ છે.અને સવારથી એકજ વાતનું રટણ ચાલુ છે કે ભુવન મને કંકોત્રી આપવા આવશે જ'
' ભાઇબંધી' નાટકે બે જીગરજાન મિત્રો ના અબોલા છોડાવ્યા.
લેખક તરફથી બે શબ્દો:- મિત્રો, કોમન પ્લોટ ના બીજા ભાગ માટે થોડી રાહ જોશો.અને પ્રથમ ભાગ ગમ્યો હોયતો મને ફાઇવ સ્ટાર આપી પ્રોત્સાહિત કરશોજી.