ઓળખ તુષાલ વરિયા દ્વારા પુષ્તક અને વાર્તા PDF

ઓળખ

નમસ્કાર હાય હેલો ! કેમ છો સુરત ? રાત્રિનાં નવ વાગી ગયાં છે ને તમે તમારા રેડિયો પર અત્યારે ટ્યુન કર્યું છે એફએમ નાઇન્ટી સિક્સ પોઇન્ટ થ્રી, રેડીયોહાર્ટ; સાંભળો એ જેને તમારું દિલ પસંદ કરે.

( એફએમ 96.3 ની ટ્યુન )

મારું નામ છે આરજે તાર્વિક અને લઈને આવ્યો છું તમારો ને મારો ફેવરિટ સ્ટોરી શો, પોઇન્ટ થિંક ઇન્સાઈડ.

( પોઇન્ટ થિંક ઇન્સાઈડ શોની ટ્યુન )

આજની વાર્તાનું નામ છે, ' ઓળખ '.

મિત્રો, વાર્તા શરૂ થાય છે સુરતથી. સુરત. માત્ર સપનાઓનું જ નહીં, સપના સાકાર કરવાનું શહેર. સુરત નામ જ જાણે શંખ જેવું બની ગયું છે, એ નામ સાથે જ વિકાસ ને શાંતિનો નાદ સંભળાય છે.

આ જ શહેરનાં નહેરુ બ્રિજ પરથી એક કાર શહેરમાં પ્રવેશી રહી હતી. ડ્રાઇવિંગ સીટ પર એક જોશીલો લાગતો યુવાન, વ્હાઇટ શર્ટ, બ્લ્યુ જીન્સ, ચહેરા પર થોડીક એવી સ્માઈલ ને આંખોમાં; અરે ભાઈ સાંજનાં સાત વાગ્યે નહેરુ બ્રિજ પરનાં ટ્રાફિકમાંથી નીકળી જવાની આશા સિવાય આંખોમાં બીજું શું હોય ! પણ બાજુમાં બેઠેલી યુવતીને માટે એવું નહોતું. શૈલી, આજની આપણી વાર્તાની નાયિકા, હિરોઇન. રંગમાં થોડી ઉજળી, થોડી ઘઉંવર્ણી, હા તમે એને મિસ વર્લ્ડનો ખિતાબ તો ના આપી શકો, પરંતુ બે ક્ષણ માટે તમારું હૃદય થંભાવી જરૂર દે. એની નજર તાપીમાં હિલોળા લેતી હતી, હળવેથી વિશાલ તરફ ફરી, " રાઈટ પર્સન . " મનોમન વિચારી રહી, " લવ યુ વિશાલ ! " વિશાલની આંખોમાં જોતા એણે હળવેથી કહ્યું.

" લવ યુ ટુ, શૈલી ! " વિશાલે ટ્રાફિકને અવગણી અડધી ક્ષણ શૈલીને નિહાળી.

જો કે આ સંવાદ નવો નહોતો બંનેની વચ્ચે, પણ દર વખતે નવીન ઉર્જાથી કહેવાતો, નવીન સપના, નવીન લાગણીઓ, જાણે કે નવી આઝાદી.

( રેડિયો પર ગીત શરૂ થયું,
પંછી બનું, ઉડતી ફિરું,
મસ્ત ગગન મેં;
આજ મેં આઝાદ હું,
દુનિયા કે ચમન મે.
ઓ મે તો ઓઢૂંગી બાદલ કા આંચલ,
ઓ મે તો પહનુંગી બીજલી કી પાયલ,
ઓ છીન લૂંગી ઘટાઓ સે કાજલ,
ઓ મેરા જીવન હૈ નદીયાં કઈ હલચલ,
દિલ સે મેરે લહર ઉઠે ઠંડી પવન મે,
આજ મે આઝાદ હું,
દુનિયા કે ચમન મે.  )

શૈલી અને વિશાલ, નહેરુ બ્રિજ પરથી ગાડીએ લેફ્ટ ટર્ન લીધો.
" જો સામે દેખાય એ છે સુરત એસબીઆઈ મેઈન બ્રાન્ચ. " વિશાલે જમણી તરફ ઈશારો કરતાં કહ્યું.

" હં, " શૈલીએ બ્લ્યુ અને વ્હાઇટ રંગનાં લોગો જોઈને હસીને કહ્યું, " તો યે હૈ તુમ્હારા નયા ઓફીસ, મિસ્ટર મેનેજર ! "

" હા, પરમ દિવસથી અહીં જ. અને આ જો, " લેફ્ટ કોર્નરનાં એક જુનાં મકાનને બતાવતાં વિશાલ બોલ્યો, " આ છે એન્ડ્રુઝ લાઈબ્રેરી, અંગ્રેજોનાં સમયમાં અહીં એક કવિને ફાંસી અપાઈ હતી ! જો કે એ હવે એટલી ફેમસ નથી, આશ્રમો યાદ રહી ગયા, ને ફાંસીઘરો ભુલાઈ ગયાં ! "

ગાડી કતારગામ તરફ આગળ વધી. ગુલાબી રંગનાં સુરત વહીવટી ભવન પસાર કરતાં ટ્રાફિક વધતો જતો હતો.

" અરે ! આ આટલી જાડી દીવાલ ! એય અડધી તૂટેલી, અધવચ્ચે કેમ બનાવેલી છે ? " શૈલીએ એક દીવાલ જોઈને પૂછ્યું.

" આ વેડ દરવાજા છે, સુરતનાં કિલ્લાની દીવાલ હતી એ. હવે પોસ્ટર્સ લગાવવા કામ આવે છે. " વિશાલે ગાડી 7, નિઃસ્વાર્થ હાઉસીઝની બહાર ઉભી રાખી. બંનેને એ બોર્ડ જોઈને આનંદ થયો.

વિશાલ અને શૈલી, અમદાવાદની કે. એલ. કોમર્સ કોલેજથી જ સાથે હતાં. ઓળખાણ, દોસ્તી, પ્રેમ અને લગ્ન. વિશાલને સુરત એસબીઆઈમાં મેઈન મેનેજરની પોસ્ટ મળી હતી, એટલે જ બંને સાબરમતીથી તાપીનું પાણી ચાખવા આવ્યા હતાં. શૈલી માટે સુરત નવું હતું, વિશાલ ક્યારેક અહીં રહેતો હતો. પણ હવે બંને પહેલીવાર નવાનિશાળીયાની જેમ ઘરથી દૂર ઘર કરવા આવ્યા હતાં. કોઈ સમસ્યા નહોતી બન્નેનાં જીવનમાં, હતો તો બસ પ્રેમ !

એમને મળેલાં મકાનને 'ઘર' બનાવવા બંને મથવા લાગ્યાં. સામાન અને સપનાની ગોઠવણી થવા લાગી. બંનેને પોતાનું વતન છોડ્યાનો રંજ થતો તો તરત જ એકબીજાની આંખોમાં સાત જનમનો સથવારો જોઈ લેતાં. એમ જ શૈલી વિશાલને જોઈ રહી હતી. આખા દિવસનાં થાકી જવા છતાં કોઈ ફરિયાદ નહોતી, બસ સાથે રહેવાની ઈચ્છા જ !

( રેડિયો પર બીજું ગીત શરૂ થયું,
તેરા સાથ હે તો,
મુજે ક્યાં કમી હૈ,
અંધેરો સે ભી,
મિલ રહી રોશની હૈ, તેરા સાથ હૈ તો.
હર ઈક મુશ્કિલ, સરલ લગ રહી હે,
મુજે ઝોંપડી  ભી મહલ લગ રહી હે,
ઇન આંખો મે માના નમી હી નમી હૈ,
મગર ઇસ નમી પર હી દુનિયા થમી હૈ,
તેરા સાથ હે તો,
મુજે ક્યાં કમી હૈ,
અંધેરો સે ભી,
મિલ રહી રોશની હૈ,
તેરા સાથ હૈ તો. )

( જાહેરાતો શરૂ થઈને પુરી થાય પછી, સ્ટોરી શોની ટ્યુન વાગી )

વિશાલ અને શૈલી, સુરત આવી તો ગયાં, પણ આ સ્થળ, સંજોગ ભૂતકાળનાં પડઘા વર્તમાનમાં પાડીને ભવિષ્યને ડામાડોળ કરવાની તૈયારી કરી રહ્યું હતું. નાઇન્ટી સિક્સ પોઇન્ટ થ્રી રેડીયોહાર્ટ પર તમે મને સાંભળી રહ્યાં છો, હલો, મારુ નામ છે તાર્વિક અને કહી રહ્યો છું વાર્તા, " ઓળખ. "

વિશાલે બેંકની પોસ્ટ સાંભળી લીધી. સૂરજ ઉગીને સ્હેજ તપે ત્યારથી લઈને સ્હેજ ઠંડો પડે ત્યાં સુધી તે બેંકમાં જ હોતો, ને એ સિવાય શૈલી સાથે. શૈલીને પડોશીઓ સાથે બની ગયું હતું. જે જીવનની કલ્પના એણે ક્યારેક કરી હતી, લગભગ એવું જ જીવન ચાલી રહ્યું હતું. રોજ વિશાલ આવીને એને હગ કરે પછી, રિવરફ્રન્ટ કે ડુમસને કિનારે વિતતી સુંદર પળો.

આજે પણ એણે રેસ્ટોરન્ટ જવાનો પ્લાન બનાવી લીધો હતો, રાહ જોઇને જ બેઠી હતી. વિશાલ આવ્યો અને સોફા પર ઢળી જ પડ્યો, હાથથી ચહેરો ઢાંકીને એક ઉચ્છશ્વાસ છોડ્યો, " ઉફ્ફ ! "

" શું થયું સ્વીટહાર્ટ ? આજે બહુ થાકી ગયાં લાગો છો ? " શૈલીએ એની પાસે બેસતાં પૂછ્યું.

" બ્યાસી કરોડ ! " વિશાલે એમ જ રહીને બોલ્યો.

" બ, બ, બ્યાસી કરોડ ! શું થયું બ્યાસી કરોડનું ? કોના બ- "

" મારાથી, મારાથી " વિશાલ કોઈ શબ્દ શોધવા રોકાયો, " બ્યાસી કરોડનો ગફલો થઈ ગયો ! " શૈલીનાં ચહેરા પર કોઈ ભાવ પડઘાવા એ તાકી રહ્યો.

" વોટ ? " શૈલી એની વધુ નજીક આવી, " એઇટી ટુ ક્રોર્સ ! આઈ મીન, તુ, બેન્ક બધા રેકોર્ડ્સ રાખે જ છે ને ? "

" હા, પણ, પણ આ ખબર નહિ કઈ રીતે. કરંટ એકાઉન્ટ્સ અને લોન બાબતનાં ખાતામાં હિસાબ મળતો નથી ! સાત દિવસ પછી સ્ટેટ ઓથોરિટીને રિપોર્ટ કરવાનો છે, ત્યારે તો પ્રોબ્લેમ થશે જ, પણ જો એ પહેલાં આ વાત બહાર લીક થઈ ગઈ તો, " વિશાલ થૂક ગળે ઉતારતાં બોલ્યો, " તો એસબીઆઈની ફજેતી થશે, શેર્સ ઘટી જશે, દંડ ભરવો પડશે, નોકરી જશે ને, ને સજા પણ થાય ! " વિશાલનાં નખ સોફાનાં કવરને વીંધી રહ્યાં.

શૈલીથી એક સિસકારો નીકળી ગયો. એની સ્ત્રીસહજ ચિંતાઓ શબ્દોને રોકી રહી હતી, વાતાવરણ ગમગીન બનતું હતું.

પછી તો ઘરની શાંતિ ચૂભે એવી લાગવા માંડી હતી. એમનાં શિડ્યુલનો સૂરજ સાથેનો સંબંધ પણ વિખેરાઈ ગયો, ખુશીઓ વરાળ બનતી જતી હતી. વિશાલ મોડે સુધી કમ્યુટરમાં મથતો રહેતો. ક્યારેક સવારે શૈલી એનું ચાલુ લેપટોપ ને એમનેમ પડેલો કોફીનો કપ, કપાળની સળમાં જામી ગયેલ એકાદ પરસેવાનાં બુંદ જોઈને એની  માંડ સુકાયેલી આંખો ફરી ભીંજાઈ જતી. સાવ નિર્દોષ વ્યક્તિત્વ ધરાવતાં એમનાં જીવનમાં  ન જાણે કેવી હરકતો સર્જાઈ હતી.

( ફરી એક ગીત વાગ્યું,
સાંસ હેરાન હે, મન પરેશાન હે,
હો રહી સી ક્યુ રુઆંસા યે મેરી જાન હૈ,
ક્યું નિરાશા સે હૈ, આસ હારી હુઈ
ક્યું સવાલો કા ઉઠાં સા, દિલ મેં તુફાન હૈ,
નૈના, થે આસમાન કે સિતારે,
નૈના, ગ્રહણ મેં આજ તુટતે હૈ યું,
નૈના, કભી જો ધૂપ સેકતે થે,
નૈના, ઠહર કે છાંઓ ઢૂંઢતે હે યું,
જુદા હુએ કદમ, જીંહોને લી થી યે કસમ,
મિલકે ચલેન્ગે હરદમ, અબ બાટતે હે યે ગમ,
ભીગે નૈના. )

છ દિવસ સુધી વિશાલ એની ભૂલ શોધવા મથતો રહ્યો, છતાં બ્યાસી કરોડની ઘટ પૂરી થતી નહોતી. આજે સાતમો દિવસ હતો અને એ હવે ફાઇનલ રિપોર્ટ સંબિટ કરવાથી માત્ર એક ક્લિક દૂર હતો. એની ધડકનો અને પરસેવો ખ્યાતનામ બ્રાન્ડેડ એસીની મશ્કરી કરતાં હતાં.

" મિ. જાની ! અંદર આવું કે ? " વિશાલ ક્લિક કરે એ પહેલાં જ એક હસમુખો, ઉત્સાહી અવાજ અંદર ડોકાયો.

" અરે મિ. શાહ ! " રિપોર્ટની વિન્ડો મિનિમાઇઝ કરીને એ ઉભો થઇ ગયો, " અરે માધવ શાહ, તમે અહીં ? આવો સાહેબ ! "  વિશાલે એની સ્માઇલની બને એટલી

" થેન્ક યુ મિસ્ટર જાની ! " આગંતુક વિશાલની સામેની ચેર પર બેઠો. એની પાછળ એક આધેડ, જે એનો મેનેજર લાગતો હતો, એ એની પાછળ ઉભો રહ્યો.

માધવ શાહ, ગુજરાતનાં ટોપ અસોસિયેટ ગ્રુપ રણજીત વાલિયા ગ્રુપનો સાઉથ ગુજરાત હેડ, એ પોતે પણ શેરબજાર ને મનીમાર્કેટનો શોખીન હતો. એનો એસબીઆઈ સાથે પણ સંબંધ હતો. વિશાલ એને એક-બે વાર મળ્યો હતો, પરિચય સારો કેળવાયો હતો, એનું અચાનક અહીં આમ આવવું તોયે આશ્વર્યજનક હતું.

" તમારું પ્રોફિટ ટ્રાન્ઝેક્શન રેગ્યુલર જ છે, અને એ- " વિશાલે સ્ક્રીન પર ઝડપથી એનું એકાઉન્ટ પણ શોધી લીધું.

" ઓહ કમ ઓન મિ. જાની, આવી વાતો તો મારી ઓફિસનો સામાન્ય અકાઉન્ટન્ટ પણ સાંભળી લેશે, પણ જે વાતો બીજાને ખબર નથી હોતી, એની માધવ શાહને ખબર હોય છે. " માધવ મુસ્કુરાતો બોલ્યો.

" સર, આ અ, " વિશાલને શું બોલવું સમજાતું નહોતું, " શું લેશો તમે ? ચા, ઠંડુ કે- "

એની વાત કાપતાં માધવ સ્થિર આંખે બોલ્યો, " બ્યાસી કરોડ ! લઈશ નહિ દઈશ. "

" હે ? " જે વાતની હજી કોઈ બ્રાન્ચ મેનેજરને પણ ખબર નહોતી પડવા દીધી એ વાત માધવ શાહને કેવી રીતે ખબર પડી, એ વિચારી વિશાલ ચોંકી ગયો.

" સુરત એસબીઆઈમાં એઇટી ટુ ક્રોર્સની મિસિંગ ! આટલી વાતમાં ગભરાઈ ગયાં હતાં મિ. જાની ? " માધવ ખુરશીને ટેકો દેતાં બોલ્યો.

" હા સર, પણ આ વાત તમને કેવી રીતે- " વિશાલનું આશ્વર્ય હજી શંકારહિત હતું.

" છોડોને મિ. જાની એ વાત. જુઓ થોડાં સમયમાં મારી એસબીઆઈ રિલેટેડ એક મોટી ડીલ થવાની છે, અને આવી કોઈ નુકસાનની વાત બહાર આવવાથી મારી ડીલને અસર પહોંચી શકે છે, મારે એ પ્રોપર્ટીમાંથી છૂટવું છે, અને એનાં માટે બ્યાસી કરોડ સાવ નાની રકમ છે, " માધવ શાહનાં શબ્દોમાં એનો બિઝનેસ પાવર ભળતો જતો હતો, " બાય ધ વે, ચેક કે કેશ ? "

" હે ? " વિશાલ હજી આશ્વર્યમાં હતો.

" એઇટી ટુ ક્રોર્સ, બાય ચેક ઓર કેશ ? " માધવે પાછું દોહરાવ્યું.

" ઓહ સર, બટ; આઈ મીન થેન્ક, પણ માત્ર તમારી ડીલ માટે તમે આ પૈસા આપી રહ્યાં છો ? "

" ઓકે, લેટ મેક ઇટ મોર ઇઝી એન્ડ રેલાઈએબલ, તમે કે. એલ. કોલેજનાં ટોપર સ્ટુડન્ટ છો, ચલો મારી નવસારી ફર્મમાં ચીફ એકાઉન્ટન્ટ માટે તૈયાર છો ? " માધવ શાહે બીજો પાસો ફેંક્યો, " ત્યારે પછી આપણે સમજી લઈશું. "

વિશાલને પણ આવી અસુરક્ષિત જોબમાંથી છૂટવું હતું, અને જ્યારે માધવ શાહની ફર્મમાં જોબ મળતી હોય તો તક જાતી કરાય જ નહીં એવી સમજણ એને સુરત આવ્યા પછી પડી ગઈ હતી, " થેન્ક યુ સર, થેન્ક યુ વેરી મચ. આઈ એમ એક્સસ્ટ્રીમલી ગ્રેટફુલ. "

" ઓકે, આવતી કાલે જલસાલેન્ડમાં એક પાર્ટી છે, તમે આવો, સજોડે, બીજી વાતો ત્યાં કરીએ. "

" ઠીક છે. "

માધવ શાહ ત્યાંથી ગયો એનાં અડધાં જ કલાકમાં બ્યાસી કરોડ જમા થઈ ગયાં. હવે બધું હેમખેમ જાણીને વિશાલે ફાઇનલ રિપોર્ટ સંબીટ કરી દીધો. એના ફોનની રિંગ વાગી.

" હલો ! "

" હા મિ. જાની, મળી ગઈ એન્ટ્રી ? "માધવ શાહનો અવાજ એવો જ ઉત્સાહી હતો.

" હા, સર. "

" ઓકે ધેન, મળીએ કાલે. "

" ચોક્કસ "

ફોન કટ થતાં માધવ શાહની કારમાં ચાલતાં ગીતનું વોલ્યુમ વધ્યું.

( રેડીયોહાર્ટ પર ગીત શરૂ થયું,
જો દિલ મેં ભરા તૂને,
દેખેગી ઉસ ઝહર કો,
ભૂગતેગી મેરે ગમ કો,
મેરે આહ કે કહેર કો,
અપની ખુદગરઝી કા અબ અંજામ દેખેગી;
ઠુકરા કે મેરા પ્યાર, મેરા ઇન્તેકામ દેખેગી,
ઠુકરા કે મેરા પ્યાર, મેરા ઇન્તેકામ દેખેગી. )

( એફએમ પર જાહેરાતો પૂરી થયા પછી સ્ટોરી શોની ટ્યુન વાગી )

વિશાલને માધવની અણધારી મદદ મળી ગઈ એનાથી એ મોટી મુશ્કેલીમાંથી છૂટી ગયો હતો. શૈલીને માટે તો આ ખૂબ રાહતની વાત હતી. નાઇન્ટી સિક્સ પોઇન્ટ થ્રી રેડીયોહાર્ટ પર તમે સાંભળી રહ્યાં છો સ્ટોરી શો પોઇન્ટ થિંક ઇન્સાઈડ. મારુ નામ છે આરજે તાર્વિક, કહી રહ્યો છું તમને વાર્તા, ' ઓળખ ' .

( સ્ટોરી શોની મ્યુઝિક ટ્યુન વાગી. )

વિશાલ તો માધવ શાહની ઓફર મળવાથી સાવ ખુશ હતો, પણ શૈલીની સ્ત્રીસહજ છઠ્ઠી ઇન્દ્રિયને આમ કંઈક ગરબડ લાગતી હતી, તોય વિશાલ સાથે એ જલસાલેન્ડમાં પહોંચી જ ગઈ.

ત્યાં ઘણાં મોટાં મોટાં બિઝનેસમેન આવેલા હતાં. એ વાતાવરણમાં માધવ શાહ બ્લેક સૂટમાં કેન્દ્રિત હતો. એને જોઈને લાગતું હતું કે કાં તો આ પાર્ટી તેની પર્સનલ છે કાં તો આખા સાઉથ ગુજરાતનો બિઝનેસ જ એનો પર્સનલ છે.

વિશાલ અને શૈલીને જોતાં માધવ એમની નજીક આવ્યો. એનાં એક હાથમાં ડ્રિન્કનો ગ્લાસ હતો તોય બીજા બધાની જેમ એણે વિશાલ સાથે હાથ મિલાવ્યો નહિ, " ઓહો મિ. જાની ! વેલકમ ! "

" હેલો માધવ શાહ ! થેન્ક્સ, " માધવ શાહ શૈલી તરફ જોઈ રહેતાં વિશાલે એનો પરિચય આપ્યો, " ઓહ, શૈલી, ધીઝ ઇઝ માધવ શાહ, એન્ડ સર, શી ઇઝ શૈલી, માય બેટ- "

એનાં વાક્યની પરવા ના કરતાં માધવ શાહે બોલ્યે રાખ્યું, " શૈલી ! યોર વાઈફ. " એનાં સ્વરમાં કંઈક મર્મ ગૂંથાવા લાગ્યો, " આવી સ્ત્રીએ તમારી જ વાઈફ થવું જોઈએ. "

શૈલી પણ માધવ શાહનાં ચહેરાને અજીબ ભાવથી તાકી રહી, " એક્સકયુઝ મી, શું આપણે પહેલાં ક્યારેય મળ્યાં છીએ મિ. શાહ ? " શૈલીએ પૂછ્યું.

" અત્યારે તમને મળીને આનંદ થયો. " માધવે ડ્રિન્ક પીતાં કહ્યું.

" મને પણ. " ભૂતકાળનાં ચહેરા શોધવાની વધુ મહેનત છોડતાં શૈલીએ કહ્યુ

" અચ્છા, તમને તો મારી જરૂર પડી જ ! હવે તો બીજી કોઈ તકલીફ નથી ને ? " માધવ શાહની નજર ફરી શૈલી પર સ્થિર થઈ.

શૈલી બને એટલુ નોર્મલ રહેતાં બોલી, " નો, મિ. શાહ; એન્ડ થેન્ક યુ, વિશાલને હેલ્પ કરવા બદલ ! અમે તો એટલા ટેંશનમાં હતાં કે કોઈ સાયકીયાટ્રીસ્ટને મળવા જવું પડત ! "

" જવું પડત નહિ, શૈલી, મળવા આવત. સાયકીયાટ્રીસ્ટ મને જેલમાં મળવા આવત. " વિશાલે કહ્યું.

" હા, એ જ, " શૈલીને માધવ એકીટશે જોઈ રહ્યો હતો, તેથી તે વિશાલ તરફ ફરી, પણ આગળનાં સંવાદ માટે માધવ તરફ જોવું જ પડ્યું, " વેલ, થેન્ક્સ અગેઇન. "

" વેલ, સુરતમાં ચેનથી રહેવવાળાંને ક્યારેક તો મને થેન્ક યુ કહેવું જ પડે ! " માધવે એનો ગ્લાસ પૂરો કરતાં કહ્યું. એની વાતો, અનિમેષ એને જોઈ રહેવું, અસ્પષ્ટ વર્તન પરથી શૈલીની છઠ્ઠી ઇન્દ્રિયને લાગતું હતું જાણે પોતે એની કોઈ જૂની ગુનેગાર હોય, એના પતિની હાજરીની કોઈ અસર જ ના હોય ને આ પાર્ટી એને સજા આપવા માટે હોય !

હવે શૈલીએ એનાં વિચારોને બેબુનિયાદ માનવાનું છોડી દીધું. એક તો માધવે સાવ અણધારી, રહસ્યમય રીતે મદદ કરી, મોટી જોબની ઓફર કરી, ને અહીં આવું વર્તન. ઉપરથી, શૈલીને માધવનાં ચહેરામાં બીજો કોઈ ચહેરો દેખાતો હતો, જે એણે પહેલાં ક્યાંક તો જોયો હતો. પાર્ટીમાં એને કોલેજ સમયનો એક છોકરો પણ મળ્યો હતો. ને ઉપરથી અહીં વાગતાં ગીત. એક ગીતે શૈલીને ભૂતકાળમાં ધક્કો માર્યો.

( સ્ટોરી શોમાં ફરી એક ગીત વાગ્યું,
કુછ ખાસ થા યે જાન લેતી જો,
મેરી નઝર સે દેખા હોતા તમને;
ઇસ બાત કા બસ ગમ હુઆ મુજકો,
થોડીસી ભી કોશિશ ના કી તમને,
ઇસમે તેરા ઘાટા, મેરા કુછ નહિ જાતા,
ઝ્યાદા પ્યાર હો જાતા, તો મેં સહ નહિ પાતા. )

પાર્ટીમાં બધાં માધવ શાહને જ વીંટળાયેલા હતાં, એ એક નાનકડાં સ્ટેજ પર ચડ્યો, " લેડીઝ એન્ડ જેન્ટલમેન, પ્લીઝ. " માઈકમાં એનો અવાજ સાંભળતાં બધાનું ધ્યાન એના તરફ ગયું, " આજે મે મારી લાઈફની સૌથી મોટી ડિલ્સમાની એક ડીલ કરી છે. પણ અહીં સુધીની સફર એટલી આસાન નહોતી, " પાછળ એક સ્ક્રીન પર એના ફોટાનો સ્લાઈડ શો ચાલતો હતો, " વો કહતે હૈ ન, બિહાઇન્ડ એવરી સક્સેસફુલ મેન, ધેર ઇઝ વન વુમન, " એની નજર ફરી શૈલી તરફ સ્થિર થઈ.

એ જ સમયે સ્ક્રીન પરનો માધવ શાહનો એક જૂનો ફોટો જોતાં શૈલીને એક ના કળાય એવો ધ્રાસકો પડ્યો, " મયંક !! " એની આંખો પહોળી થઈ, " માધવ જ મયંક છે !! " એણે ફરી માધવ શાહ તરફ જોયું, એક પાર્ટી લાઈટનો શેરડો માધવને અડીને નીકળી ગયો, શૈલી એ શેરડા સાથે જ ભૂતકાળમાં મયંકને શોધીને માધવ શાહ સાથે સરખાવવા માંગતી હતી, પણ એનાથીય વધુ આશ્વર્યજનક ઘટના વર્તમાનમાં ઘટી રહી હતી, માધવ શાહ માઇક સાથે એની તરફ આવી રહ્યો હતો, એના શબ્દો એનાથીય પહેલાં,

" દોસ્તો ! જીવનમાં અમુક લોકો તમારું મહત્વ નથી સમજતાં, તમારાં પોટેન્શિયલને ઓળખી નથી શકતાં, " એના અવાજમાં ડ્રિંક્સનો હળવો નશો ભળતો જતો હતો, " અગિયાર વર્ષ પહેલાં, એક્ઝેક્ટલી ઇલેવન યર્સ અગો, હું એક છોકરી સાથે રિલેશનશિપમાં હતો, એક દિવસ મે એને પ્રપોઝ કર્યું, પણ એણે મને ના પાડી, કારણ એણે આપ્યું નહિ, મારા સપનાઓ ને ગોલ્સ એને નહોતાં ગમતાં કદાચ, " માધવ શાહ ચાલતો ચાલતો શૈલીની નજીકથી ફરી સ્ટેજ તરફ ફરી ગયો, " શી રિફ્યુઝડ મી, "

" ઓહ ! " ટોળામાંથી અમુક લોકોએ ઠંડો રીપ્લાય કર્યો.

" બટ બટ બટ, આજે જુઓ, હું કોણ છું, માધવ શાહ, ધ બિગ બ્રાન્ડ ઓફ સાઉથ ગુજરાત. આ વાત મે ત્યારે પણ એને કરી હતી, તોય ના માની, અને આજે એ હશે કોઈ, કોઈ, અહ, " માધવ વ્યંગ્યથી ઉભરાતાં સ્મિત સાથે બોલ્યો, " હશે કોઈ બેંકરની વાઈફ, જેની જોબની કોઈ સુરક્ષિતતા નહિ હોય, અને જો એ સાઉથ ગુજરાતમાં હશે તો એને મારી જરૂર પડે જ, ને પડી પણ ! " ટોળું હસ્યું, " એને મારી જરૂર પડી, તો આ વાતથી આપણને એ શીખ મળે છે કે નેવર રિફ્યુઝ માધવ શાહ ! " 

ટોળામાં ચિચિયારીઓ ઉઠી. વિશાલ પણ એનાં દોસ્તો સાથે તાળીઓ પડતો હતો. પણ શૈલીને હવે બધો ખેલ સમજાઈ ગયો હતો, એ ભૂતકાળમાં જઇ આવી હતી, થોડાંક આંસુઓ ને ઘણાં ક્રોધ સાથે પાછી આવી હોય એવું લાગતું હતું. એ જ આવેશમાં એ માધવ શાહ સુધી પહોંચી ગઈ, " મયંક ! " એ જોરથી બોલી. મયંક, માધવ શાહ પાછળ ફર્યો. એના ચહેરા પર ગુમાનીભર્યું સ્મિત હતું, આખું ટોળું આ દ્રશ્ય આશ્વર્યથી જોઈ રહ્યું હતું. 

શૈલીએ માધવ શાહને લાફો ચોડી દીધો, " સો યુ ડિડ ઓલ ધીઝ મેસ અપ, હા ? "

" શૈલી ! " વિશાલ ટોળામાંથી રસ્તો કરીને એની પાસે આવ્યો, " વોટ હેપ્પન્ડ શૈલી ? તું શુ કરી રહી છે ભાન છે તને ? " 

" ભાન નહિ ધ્યાન, ધ્યાન તમારું નહિ ગયું હોય અત્યાર સુધીની ઘટનાઓમાં, એસબીઆઈનાં આકડાઓમાં જરૂર આણે જ ગરબડ કરી છે, અને પછી સામેથી તમારી મદદ કરવાને બહાને મારા સુધી પહોંચ્યો ! " શૈલી આવેશમાં બોલી.

" આર યુ ગોન મેડ શૈલી ? " વિશાલે એનો હાથ પકડતાં કહ્યું, " માધવ સર આવું શું કામ કરે ? "

" આપણને એનાં ઓશિયાળા જોવા માટે, એટલા માટે કે આપણને સતત એવું લાગ્યો રાખે કે એનાં વિના આપણે ફસાઈ ગયા હોત અને એને થેન્ક યુ કહે રાખીયે, તું નહિ તો હું, મારા લીધે એણે આવું કર્યું છે, રાઈટ ને મયંક ? " શૈલીએ માધવને પૂછ્યું.

માધવ શાહ હજી એનો ગાલ પંપાળતો એનાં વ્યગભર્યાં સ્મિતમાં મૌન હતો.

એને જોઈને વિશાલ વધુ ક્ષોભમાં મૂકાતો હતો, " શૈલી માઈન્ડ યોર લેન્ગવેજ ! હાઉ કેન યુ સે ધેટ ? "

" ધીઝ ઇઝ નોટ માધવ, વિશાલ; હી ઇઝ મયંક, યાદ છે તને ? હી વોઝ માય ફ્રેન્ડ, અત્યારે એણે જે જે વાત કરી, પેલી છોકરી વિશે, એ મારા વિશે જ કરી. "

વિશાલ ચોંકી ગયો, હાજર બધાં પણ. 
શૈલીએ બોલવાનું શરૂ રાખ્યું, " હા લેડીઝ એન્ડ જેન્ટલમેન ! આઈ એમ ધેટ ગર્લ ! એન્ડ ડુ યુ ઓલ વોન્ટ ટુ નો, વાય આઈ રીફ્યુઝ્ડ હિમ ? એણે કહ્યું કે મે એને ઓળખ્યો નહિ, હા મે તેને ઓળખ્યો નહિ, ઓળખી જાત તોયે ના જ પાડી દેત. હું એને ઓળખી ના શકી, ઓળખી ના શકી કરીને એણે મારા પપ્પાનાં એકાઉન્ટને ડિફોલ્ટ કરી દીધું, ક્રેશ કરી દીધું, બધી રકમ અટવાઈ ગઈ, બિઝનેસ તૂટવા લાગ્યો, અમે તકલીફમાં આવી ગયાં હતાં, અને એટલે અમદાવાદ છોડી વિશાલ સાથે હું સુરત આવી ગઈ, પણ એ તો અહીં માધવ શાહ બનીને બેઠો હતો, એણે અહીં પણ એ જતાવવાનો પ્રયાસ કર્યો કે મેં એને ના ઓળખીને ભૂલ કરી. " શૈલીનો અવાજ મોટો થયો, " અરે ફક વિથ યોર આઈડેન્ટિટી ! છોકરાઓને ઓળખવા એ શું છોકરીઓની જન્મજાત ફરજ છે ? ભાઈને, બોયફ્રેન્ડને, પતિને, સંતાનોને મહાન માનીને પોતે સેક્રીફાઇઝ કરતાં રહેવું, ક્યારેય કોઈ છોકરીને ઓળખવા પ્રયત્ન કરે છે ? આ વ્યક્તિએ મને આટલી હેરાન કરી, તકલીફ આપી, ફક્ત એટલા માટે કે એણે જ્યારે મને પ્રપોઝ કર્યું ત્યારે હું ભવિષ્યવેત્તા નહોતી, નહિતર એનું ઉજળું ભવિષ્ય જોઈને ના ન પાડત ! અફસોસ કે આવી માનસિકતા ધરાવતાં વ્યક્તિઓ આટલાં ઉપર પહોંચી જાય છે, " 

ડીજે તરફ નજર જતાં શૈલીએ એના તરફ આંગળી ચીંધીને કહ્યું, " અને અહીં જે જે પણ ગીત વાગ્યા એમાં પણ આવી સડી ગયેલી માનસિકતા જ દેખાતી હતી, ક્યાં સુધી આવું ચાલતું રહેશે ? એન્ડ યુ નો વોટ માધવ શાહ, મારે તારી જરૂર હજી સુધી પડી નથી ને પડશેય નહિ, બલ્કે અત્યારે સુધી તને જ મારી જરુંર હતી, મને દુઃખી કરીને તારો અહમ પોષવા, પણ હવે હું એય નહિ થવા દઉં. મને અહીંયા એક ક્ષણ પણ રહેવું મારુ અપમાન લાગે છે. " માધવ અને બધાં મૂર્તિમંત બનીને ઊભાં હતાં, " આઈ એમ લિવિંગ, ફ્રોમ યોર લાઈફ અગેઇન, પણ આ વખતે કમ્પ્લીટલી, તને ઓળખીને, યાદ રાખજે આ વાત. " ચપટી વગાડતાં કડક શબ્દોમાં એ બોલી.

શૈલી ક્રોધમાં ત્યાંથી નીકળી ગઈ. વિશાલ પણ તેની પાછળ ગયો. માધવ એની ઘવાયેલી માનસીકતાની જેમ હાંફતો ઉભો હતો. ટોળું જોતું હતું.

અને તમે શીખી શકો છો આ વાર્તા પરથી, સ્ત્રી એ પુરુષને ઓળખીને એની સેવા કરવા માટે નથી સર્જાઈ, એનું પણ એક અસ્તિત્વ છે, જેનું સન્માન કરવું જોઈએ. મારા ઘણાં વ્હાલા શ્રોતામિત્રો માધવ શાહને રસ્તે ચાલતાં હશે, એના જેવી માનસિકતા પોષતા હશે, અને અમુક સમયે અમુક પ્રકારની ફિલ્મો, ગીતો , વ્યક્તિઓ પણ આવી ખરાબ માનસિકતા ખાસ કરીને યુથમાં રોપી દેતાં હોય છે. માય ડિયર લિસનર્સ, પ્લીઝ પ્લીઝ આવી થીંકિંગમાંથી બહાર આવો, શૈલીને એની શૈલીમાં જીવવા દો. તમારી ઓળખ તમારાથી છે, બીજાથી નહિ. પુરુષની ઓળખ અને સ્ત્રીની ઓળખ બંનેનું સ્વતંત્ર અસ્તિત્વ છે, બંને અનન્ય છે. પ્લીઝ ડોન્ટ મેસ ઇટ અપ. વિચારી જુઓ, પણ માત્ર ઉપરથી નહિ, અંદરથી વિચારો. ને માત્ર વિચારો જ નહિ એપ્લાય પણ કરો. આ જ સાથે પોઇન્ટ થિંક ઇન્સાઈડ સ્ટોરી શો અહીં પૂરો થાય છે, હું છું આરજે તાર્વિક, મળીશું એક નવી વાર્તા, એક નવા બદલાવ સાથે. કિપ લિસનિંગ નાઇન્ટી સિક્સ પોઇન્ટ થ્રી રેડીયોહાર્ટ, સાંભળો એ જેને તમારું દિલ પસંદ કરે. ગુડ નાઈટ, શુભ રાત્રી, સ્વીટ ડ્રિમ્સ. બાય, આવજો સુરત.

( રેડીયોહાર્ટની સિગ્નેચર ટ્યુન વાગી. )

( પૂર્ણ )

✍🏻તુષાલ વરિયા 'મુંજાલ'

રેટ કરો અને રિવ્યુ આપો

તુષાલ વરિયા

તુષાલ વરિયા 9 માસ પહેલા

Kashmira Prakruti

Kashmira Prakruti 9 માસ પહેલા

Krishna

Krishna માતૃભારતી ચકાસાયેલ 9 માસ પહેલા

Mukta Patel

Mukta Patel 9 માસ પહેલા

Ecosafe

Ecosafe 9 માસ પહેલા