શ્રી રાધાવતાર....
લેખક શ્રી ભોગીભાઈ શાહ....
પ્રકરણ 21 શ્રી રાધા અવતાર નું સાફલ્ય.....
ઈશ્વરીય દ્રષ્ટિનો સંસ્પર્શ એટલે પ્રકૃતિ.એક નાનો કણ પણ વ્યર્થ નથી. એ જ તો છે બ્રહ્માંડનું સાફલ્ય.....તો પછી સર્વ યુગોમાં અદ્રશ્ય રૂપે સતત અનુભવાતા ઈશ્વરીય અવતારો અમસ્તા જ અવતરતા નથી .
જેમ જેમ કૃતિના અંત તરફ જતાં જઈએ તેમ તેમ નવા રહસ્યો અનેક મહાન પાત્રો દ્વારા લેખક વ્યક્ત કરતા જાય છે.અંધાર સમા ભવિષ્યની આગલી સાંજે એટલે કે પૂર્ણાહુતિના દિવસે દ્વારિકામાં મહર્ષિ વેદ વ્યાસ ની પધરામણી થી સોનેરી સૂર્ય ઊગે છે.
અંતિમ મહોત્સવ એટલે નવ ગ્રહ શાંતિ યગ્નની પૂર્ણાહૂતિ અને તે પણ આર્ષદ્રષ્ટા, પરાશર મુનિના પૂત્ર અને શુકદેવ જેવા સમર્થ જ્ઞાની વૈરાગી પુત્રના પિતા કૃષ્ણદ્વૈપાયન ના વરદ હસ્તે.અંતિમ આહુતિ આપ્યા બાદ સત્યા રાણીના મહેલ એથી લાવવામાં આવેલી શ્રી રાધામાધવયુગલ સ્વરૂપની આ રસ પ્રતિમાનું અનાવરણ થયું.
બધા જ પોતાના સ્વસ્થાને જવા લાગ્યા પરંતુ સંત શિબિરમાં હજુ પણ મહર્ષિ વેદ વ્યાસ ના રોકાણને કારણે અલગ જ હર્ષોલ્લાસ નજરે પડતો હતો. આજે ધર્મ સભા નું અંતિમ પ્રવચન તેઓ કરવાના હતા જેમાં શ્રીકૃષ્ણની આઠ રાણીઓને પણ આવવાની સંમતિ મળી ગઈ હતી.
મહર્ષિ વેદ વ્યાસ દ્વાપર યુગ ની મહાન કૃતિ મહાભારતના આલેખન પાછળના ઉદ્દેશ્ય સ્પષ્ટ કરતા હતા.શ્રીકૃષ્ણના અવતાર ના ચરિતાર્થ માટે જ મહાકાવ્યનું આલેખન કર્યું તે સ્પષ્ટતા કરે છે આલેખનથી વેદ વ્યાસ પોતાને થતા માનસિક સંતાપ નો પણ ઉલ્લેખ કરે છે આવી સાત્વિક અજંપાભરી સ્થિતિ માં થી મુક્ત થવા જ તેમણે અઢાર પુરાણોની રચના કરી આમ છતાં તેઓ મુક્ત ન થયા તેથી નારદજી એ ચીંધેલા અને પ્રેરણાથી જ શ્રીમદ્ ભાગવત નામના પ્રેમ ભક્તિ સભર ગ્રંથની રચના કરી તેથી નારદજીનો ઋણ સ્વીકાર કરે છે .
શ્રીમદ્ ભાગવતના મૂલાધાર અધ્યાત્મિક પ્રેમ સંબંધને વર્ણવી શ્રીકૃષ્ણનો કેટલો બધો સહયોગ કૃતિની રચના માં છે તે જણાવે છે. અને દસમસ્કંધ ની પુર્ણાહુતી માં તો ખુદ વાસુદેવ એ જ સક્રિય રીતે સહાયતા કરી છે.
આ સાથે જ પોતાની ઈચ્છા દ્વાપર યુગમાં જ કૃતિ નું પ્રાગટ્ય થાય તે જણાવે છે પરંતુ વાસુદેવ ની ઈચ્છા ન હતી.આ સાથે બીજું પણ ભવિષ્ય ભાખે છે કે સુભદ્રાનો સ્વર્ગસ્થ પુત્ર અભિમન્યુ નો દીકરો પરીક્ષિત જ શ્રીમદ્ ભાગવતનો પ્રથમ સુજ્ઞ શ્રોતા બનશે. અને વેદ વ્યાસના પુત્ર શુકદેવજી ભરી સભા વચ્ચે ભાગવતની કથા એક અઠવાડિયું ગાઈ સંભળાવી પરીક્ષિતનો ઉદ્ધાર કરશે.
મહર્ષિ વેદ વ્યાસ શ્રી કૃષ્ણ ની બેવડી ભૂમિકા નો ઉલ્લેખ કરે છે શ્રી કૃષ્ણ અવતાર ત્રિઅંકી નાટક છે ત્રણેય અંક નું વિવરણ કરી અને પોતાની પુષ્પમાળા શ્રી કૃષ્ણ ના કંઠમા આરોપી દે છે.
🍂 છે અદ્વિતીય
આ અવતાર લીલા
શ્રી રાધા કૃષ્ણની 🍂
શ્રીમદ્ ભાગવતના દશમ સ્કંધના પૂર્વાર્ધને લખતા લખતા વેદવ્યાસની જે દશા થઈ તેને વર્ણવી.વેદ વ્યાસ શ્રી રાધા ના નામ ને લખવા જ શક્તિ માન બન્યા નથી કેમકે ફ્કત રા હોઠે આવી જાય ત્યાં જ ભાવ સમાધિ લાગી જતી અને વ્રજલીલા તાદ્રશ્ય થઈ જતી સાથે આ રચના સ્થગિત થઈ જતી . નારદજીની સલાહથી રાધા ને બદલે મુખ્ય ગોપી શબ્દ પ્રયોગ કર્યો. તેમના પુત્ર ને પણ આજ વસ્તુ પુનરાવર્તિત થઈ અને 18000 શ્લોકોમાં રાધાજીનું નામ અધ્યાહાર જ રહ્યું.આમ શ્રીમદ્ ભાગવતના શબ્દે શબ્દમાં શ્રી રાધાભાવ નિહિત વ્યાપ્ત છે.
અને અંતે બંને કૃષ્ણ નામધારી મહર્ષિઓ, નારદ અને મહાત્મા એ ખૂબ જ ગોપનીય ચર્ચા કરી. પ્રભાત ઉગે એ પહેલાં જ બંને મહાત્માઓ દ્વારિકા થી દુર ચાલ્યા જવા માગતા હતા કેમ કે સવારે જે થવાનું હતું તે ટાળી શકવા કોઈ સમર્થ ન હતું.
કૃષ્ણ ભવન તરફ પાછા ફરતા કૃષ્ણની પીઠ પાછળ અમંગળ ઘટનાનો ઉલ્લેખ કરતી લાલ રંગની ઉષા ક્ષિતિજને રક્તવર્ણી બનાવી રહી હતી.