રાધાવતાર..... ભાવ વિચાર 1 અને. 2 Khyati Thanki નિશબ્દા દ્વારા પુષ્તક અને વાર્તા PDF

રાધાવતાર..... ભાવ વિચાર 1 અને. 2

રાધાવતાર..
લેખક: શ્રી ભોગીભાઈ શાહ

પ્રથમ પ્રકરણ:' શ્રી કૃષ્ણનો રાધામહાભાવ '

             જેમ દરેક મનુષ્યની વ્યક્તિ કે વસ્તુને મૂલવવાની દ્રષ્ટિ અલગ-અલગ હોય છે, તેમ કોઈ પણ પુસ્તક પછી ભલે ગમે તે પ્રકારનું હોય પોતાના નવા રહસ્ય લઈને પ્રદર્પિત  થાય છે દરેક વ્યક્તિ જ્યારે તે વાંચે ત્યારે તે નવા જ રહસ્ય, નવા જ ભાવ સાથે વ્યક્ત થાય છે.

         ' રાધાવતાર ' શ્રી ભોગીલાલ શાહ લિખિત નવલકથારૂપ અધ્યાત્મ આનંદ પીરસતું પુસ્તક.............

             વિરહના અજંપાથી શરૂ થતી કથા ની બાંધણી અધ્યાત્મની પૂર્ણતા એ પૂર્ણ થાય તેનાથી ઉત્કૃષ્ટ સાહિત્ય ની વ્યાખ્યા ન હોઈ શકે .....રાધાવતાર નામ વાંચીએ કે સાંભળીએ એટલે પ્રથમ વિચાર પ્રેમ સાથેની ભક્તિનો આવે અને એ સત્ય સાબિત થતું જાય જેમ જેમ નવલકથા આગળ વાંચીએ તેમ.

                     🍂 અધુરી સાંજે
                       ઉભો  હું અટારીએ
                            ઉરે રાધા જ 🍂

              અરબી સમુદ્ર ની લહેરો સાથે સમી સાંજે ઉછળતા રાધા મય બનેલા કૃષ્ણના શબ્દ ચિત્ર થી શરૂ થતી રાધા અવતાર ની કથા મનુષ્ય હ્રદય ને ભવસાગર માં ખેંચી જવા પુરતી છે.....

              શ્રીકૃષ્ણ જન્મ્યા માનવ સ્વરૂપે તો પછી માનવ યાત્રાના છેલ્લા પડાવ સમયે ઉદભવતી વ્યથા અને મુંઝવણથી શા માટે દૂર રહે? દ્વાપર યુગના અંત ભાગમાં અનેક ચહેરાઓ મહોરા પહેરી છેવટે જીવન સંધ્યા એ પોતાનું જ મન સરવૈયું કાઢે છે અને એક અકથ્ય પીડા તેમની આંખોમાં દેખાય છે તેમના સ્વજનો અને પ્રિયજનો ને......

             આ અકથ્ય સંવેદના જ રાધાઅવતાર નવલકથા સ્વરૂપ પુસ્તકનો પ્રથમ કુંપળ બિંદુ છે જે આવનારી કથાને વિષયવસ્તુના વસ્ત્રો પહેરાવે છે આ પીડા શું છે? તેના માટે રાધા મય બનેલા કૃષ્ણના વિચાર રસમાં નહાવું, ડૂબવું જ રહ્યું.

             વેદના અને આનંદ એ બે માનવ હૃદયની એવી ભાવ સ્થિતિઓ છે જેમાં એકમાં વેદના કે જે સુવા નથી દેતી અને બીજો આનંદ  જેમાં આપણે સુવા માગતા નથી.અને જ્યારે આ સંવેદનાઓ માનવ સ્વરુપે કૃષ્ણ અનુભવે ત્યારે
એક નવા પ્રેમની પરિકલ્પના રચાય છે.
          
          શ્રી કૃષ્ણ ભગવાન નજીકના ભવિષ્યમાં યાદવોનો અંત અને પોતાનું મૃત્યુ જોઈ રહ્યા હોય ત્યારે જલ્દીથી પોતાના મૂળ સ્વરૂપમાં ભળવા તત્પર બની જાય છે આ બાહ્ય પરિસ્થિતિની ચિંતાઓ અને અંતરની વ્યથા ઓને લેખક શ્રી એ ખૂબ જ સારી રીતે પીરસી  છે.

         કોઈપણ અધ્યાત્મની વાત ને સાહિત્યનું રૂપ આપવું એ અઘરું કામ છે લેખકશ્રીએ પોતાની કલ્પનાને પાત્રો અને પરિસ્થિતિમાં વિસ્તારી છે. ઘટના તેની તે જ છે પણ તેમાં પોતાના વિચારો, આનંદ અને સંવેદનાઓ નું તાદાત્મ્ય શ્રીકૃષ્ણ અને તેની આસપાસના પાત્રો સાથે સાધ્યું છે આ વાંચતા વાંચતા દરેક વાચક પોતાના અંતરમાં ડોકિયું કર્યા વિના રહી શકતો નથી.

         નવલકથા ની શરૂઆત ને બિરદાવી જ રહી કેમકે પ્રથમ ભાગમાં જ સમગ્ર કથાનો ચિતાર આપી દીધો છે.... સૌથી ધ્યાન ખેંચનાર શીર્ષક છે. રતિ,સ્નેહ, માન, પ્રણય, રાગ, અનુરાગ, અને ભાવ આ સાત ભાવોને પાર કરી આઠમા મહા ભાવમાં પ્રવેશતા કૃષ્ણ અને રાધાના પ્રેમ ની વાત.. 

રાધાવતાર...

પ્રકરણ 2: શ્યામસુંદર ની સ્વપ્નલીલા

  

            શ્રેષ્ઠ સર્જકની કૃતિમાં જકડી રાખે તેવો આરંભ અને જિજ્ઞાસા પ્રેરે તેવો અંત આકર્ષણનું કેન્દ્ર બને છે આ બંને તત્વનો અનુભવ આપણને ભોગીલાલ શાહની રાધાવતાર ના દરેક પ્રકરણમાં થયા વિના રહેતો નથી.

              

            પ્રથમ પ્રકરણમાં શ્રીકૃષ્ણના મનમાં ઉઠેલી દ્વિધાનું અનુસંધાન બીજા પ્રકરણમાં સ્વપ્ન સાથે સાધવામાં આવ્યું છે જેનો નિર્દેશ શીર્ષકમાં જ કરી દેવામાં આવ્યો છે

         

                     🍂 મારું સપનું

                         જાગરણ તમારું

                             જાગીએ બંને 🍂

             એક મનોવૈજ્ઞાનિક તથ્ય પ્રમાણે જ્યારે તમે કોઈ અન્ય વ્યક્તિના સ્વપ્નમાં જાગૃત હોય ત્યારે તમે સુઈ નથી શકતા આ તથ્ય સાથે શ્રીકૃષ્ણનું કહ્યું માનતી યોગમાયાના પાત્રને વણી લેવામાં આવ્યું છે. શ્રીકૃષ્ણની એક જ ઈચ્છા કે આખેઆખું દ્વારકા રાધા મય બની જાય અને પોતાના જીવનનો અંત સંસ્મરણો થી શણગારાય.....


           શ્રી કૃષ્ણનું પાત્ર એટલે દરેક મનુષ્યના સ્વપ્નનું આદર્શ પાત્ર. તે જે મનુષ્ય તરીકે લીલાઓ કરે છે તે માયા છે કે માયા ને લીધે તેઓ લીલાઓ કરે છે તે હજુ પણ વણઉકેલ્યો કોયડો છે.આવી જ લીલાનો પ્રારંભ દ્વારિકામાં થાય છે ,જેમાં તેમની સાથે રુકમણી સહિત બધી જ રાણીઓને પણ પોતાની માયા માં સમાવી લે છે. એવું વાતાવરણ સર્જાય કે શ્રીકૃષ્ણના કહ્યા વિના બધી જ રાણીઓ અને આખું દ્વારિકા રાધાનું નામ જપતું થઈ જાય.

     

          આ પુસ્તકમાં લેખકે પોતાની આધુનિક ભાષા શૈલી વાપરી છે. પૌરાણિક સમય ની વાર્તા પરંતુ તેમાં રહેલી આધુનિક વિચારસરણી ને લેખક પ્રકાશમાં લાવે છે. શ્રી કૃષ્ણનું પાત્ર હંમેશા સરળ પરંતુ તેમની બહિર્મુખી પ્રતિભાને કારણે ઘણી ગેરસમજો પ્રવર્તે છે અને આપણને મુંઝવણમાં મુકી દે છે .તેમના વિશેની આવી ઘણી ગેરસમજો દૂર થઈ  જાય છે આ વાંચ્યા પછી.

           

          અહીં નાના નાના પ્રસંગો દ્વારા શ્રીકૃષ્ણના એક પતિ તરીકે આદર્શ વ્યક્તિત્વ ની ઝાંખી કરાવી છે ,તો સાથે સાથે સંપીને રહેતી છતાં સ્ત્રી સહજ નાની-નાની ઈચ્છાઓ અને શ્રીકૃષ્ણ માટેનો પોતાનો પ્રેમ પણ વ્યક્ત કરતી રાણીઓનું ખુબ સુંદર વર્ણન કરવામાં આવ્યું છે,આ બધી જ રાણીઓના પાત્રાલેખન માં લેખક એ ખૂબ જ કાળજી રાખી છે .બધી જ રાણીઓ પોતાનું અલગ અલગ વ્યક્તિત્વ અને અસ્તિત્વ ધરાવે છે પરંતુ પોતાની મર્યાદામાં રહીને. એકબીજાના શ્રીકૃષ્ણ પ્રત્યે ના પ્રેમ ના હક ને પ્રેમથી સ્વીકારે છે ક્યાંય મર્યાદા ભંગ થતો નથી.


           પૌરાણિક પ્રસંગો ને લેખકે એવી મધુરતાથી નવલકથાનો ઓપ આપ્યો છે કે થોડીવાર માટે આપણને એમ જ લાગે કે આપણે કોઈ રસપ્રદ વાર્તાઓ વાંચીએ છીએ તેમાં માનવ સહજ લાગણી હોય એટલે ખોવાઈ જઈએ છીએ ને ભૂલી જઈએ છીએ કે આપણે યુગ પ્રવર્તક શ્રી કૃષ્ણની માયાને ને માણીએ છીએ.


             શ્રીકૃષ્ણ ભલે બધી રાણીઓમાં વહેંચાયેલા પતિ હતા અને હંમેશા સાંસારિક મોહમાયામાં રચ્યાપચ્યા હોય એવું લાગતું આમ છતાં તેમનું હૃદય એક જ નામ ઝંખતું હતું અને એક ચહેરો તેને ફરીથી બાળપણમાં ભૂતકાળમાં ખેંચી જતો હતો.આવી ભાવ સંવેદનાએ શ્રી કૃષ્ણ ના નવીન પાત્રાલેખન ને મમળાવવા  રાધાઅવતાર ખોલવું જ રહ્યું.,..


  
રેટ કરો અને રિવ્યુ આપો

Jalpa

Jalpa 7 માસ પહેલા

Amritlal Patel

Amritlal Patel 9 માસ પહેલા

Minal Sevak

Minal Sevak 9 માસ પહેલા

nilam

nilam 9 માસ પહેલા

Khyati Thanki નિશબ્દા

Khyati Thanki નિશબ્દા માતૃભારતી ચકાસાયેલ 11 માસ પહેલા