આગળ જોયું કે કેશુભાઈ મયુરનું મન જાણવા માટે મયૂરને ઓફિસમાં બોલાવે છે જેમાં મયુર પણ જણાવે છે કે તેને મીનાક્ષી પસંદ છે. કેશુભાઈ મીનાક્ષીને ઓફિસમાં મયુર સાથે વાત કરવા મોકલે છે. જ્યાં મયુર પ્રથમ વાતની શરૂઆત કરે છે
હવે આગળ...........
* * * * * * * * * * * * * * *
મયુર :- હા સાચે જ તમે બાળકોને ખૂબ સ્નેહ અને પ્રેમથી લાડ લડાવો છો એટલે જ બાળકોને તમારા પ્રત્યે આટલી લાગણી છે.
મીનાક્ષી :- હા એવું પણ છે પરંતુ બાળકોને સમજવા માટે એની સાથે બાળક બનવું પડે તોજ એને સારી રીતે સમજી શકાય.
મયુર :- હા સાચી વાત છે.
થોડીવાર ફરી બંને વચ્ચે મૌન છવાય જાય છે. મયુરે થોડો વિચાર કરીને હિંમત સાથે મીનાક્ષીને પૂછી જ નાખ્યું કે કેશુભાઈ એ જે વાત કરી છે એ વિશે તમે સહમત છો? મીનાક્ષીએ પણ હકારમાં માથું હલાવી હા પાડી. મયુર મનોમન ખુશ થઈ ગયો. આજે એની બધી જ મનોકામનાઓ પૂર્ણ થઈ ગઈ. છતાં મયુરના મનને મુંઝવતો પ્રશ્ન મીનાક્ષીને કહી દીધો કે હાલ તો મે મારો અભ્યાસ પૂરો કરી દીધો છે અને રિઝલ્ટ આવતા કોઈ જગ્યા પર થોડા અનુભવ માટે નોકરીએ પણ લાગી જઈશ પરંતુ મારું પોતાનું એક સ્વપ્ન એવું છે કે હું મારો પોતાનો કોઈ બિઝનેસ શરૂ કરીશ. એ ક્યાં પ્રકારનો બિઝનેસ હશે, એમાં કેટલો સમય લાગશે એ મને ખબર નથી. પરંતુ એક વસ્તુ પાક્કી છે કે જ્યાં સુધી હું એ નવા બિઝનેસમાં સફળતા પ્રાપ્ત નહીં કરું ત્યાં સુધી હું આ લગ્ન નહી કરી શકું. શું તમે આટલી રાહ જોઈ શકશો?
મીનાક્ષીને એક આંચકો લાગ્યો. એ હજુ મયૂરને પુરે પુરો જાણી પણ નહોતી શકી. એને કંઈ રીતે વિશ્વાસ બેસી શકે કે મયુર તેના નવા બિઝનેસમાં આગળ સફળતા પ્રાપ્ત કરી જ શકશે. હજુ તો મયૂરને પણ ખબર નથી કે એને શું નવો બિઝનેસ કરવો છે. મયૂરને શું જવાબ આપવો એ મીનાક્ષીને નહોતું સમજાતું. પરંતુ તેને ફરી ફરીને મયુરના છેલ્લા શબ્દો કાને અફલાતા હતા. એ બધા જ શબ્દો મયુરે ખૂબ જ આત્મવિશ્વાસથી કહ્યા હતા. મયુરના શબ્દોમાં રહેલી મક્કમતા મીનાક્ષી પારખી શકી હતી. મયુરના ચહેરા પર નવા બિઝનેસ માટેનું ઝનુન વર્તાઈ રહ્યું હતું. હજુ મીનાક્ષી આ બધા વિચારોમાં હતી ત્યાં જ એના કાને શબ્દો પડ્યા કે અત્યારે જ જવાબ આપવો એ જરૂરી નથી તમે વિચારીને પણ જવાબ આપી શકો છો. મયુરના મક્કમ શબ્દો ફરી મીનાક્ષીને વિચારતી કરી દીધી.
"હું તમારી જિંદગી ભર રાહ જોવા તૈયાર છું." અમુક વિચારોના અંતે મીનાક્ષીએ મયૂરને કહ્યું. કદાચ મીનાક્ષીને મયુરની વાત પર વિશ્વાસ આવી ગયો હતો કે જરૂર મયુર કંઇક કરીને બતાવશે જ. મીનાક્ષીને એ પણ ખબર હતી જ કે મયુર પાસે અઢળક મિલકત છે જો એ આખી જિંદગી કોઈ કામ નહિ કરે તો પણ ચાલી શકે તેમ હતું જ. છતાં એ તેના પોતાનો બિઝનેસ શરૂ કરવા માટે આટલો આત્મવિશ્વાસ ધરાવતો હોય તો મયૂરને સાથ આપવો જ જોઈએ. મીનાક્ષી મનોમન મયુરના આત્મવિશ્વાસથી ખુબ પ્રભાવિત થઈ હતી. મીનાક્ષીએ જેમ એના ભાવિ પતિ વિશે વિચાર્યું હતું એમાં મયુર ખરો ઉતર્યો હતો. કદાચ એટલે જ મીનાક્ષીએ મયૂરનો સાથ આપવા તૈયારી બતાવી.
મયુર મીનાક્ષી ના જવાબથી ખૂબ ખુશ થઈ ગયો. એ એટલો ઉત્સાહમાં આવી ગયો કે જવાબ મળતાની સાથે ખુરશી પરથી ઉભા થઇ મીનાક્ષીને એક ગાઢ આલિંગન આપી દીધું. મીનાક્ષીને પણ આ આલિંગનમાં પોતિકાના સ્પર્શનો એહસાસ થયો એટલે પોતાના શરીરને મયુરની બાહોમાં સમાવી દેવા કોઈ વિરોધ વગર મયૂરને સમર્પિત થઈ ગઈ. સ્થળ કે સમયની કોઈ પરવા કર્યા વગર મયુર મીનાક્ષીમય અને મીનાક્ષી મયુરમય બની ગયા.
થોડા સમયના અંતરાલે એક તૃપ્ત મિલનના અહેસાસ પછી બંને અલગ થયા. મયુરે મીનાક્ષી ના બંને હાથ પોતાના હાથમાં લેતાં વચન આપ્યું કે હું તને વધારે રાહ નહિ જોવા દઈશ બને એટલી જલ્દી હું મારા નવા કામમાં સફળતાના શિખરો સર કરીશ. મીનાક્ષીએ પણ મયુરના હાથના મીઠા સ્પર્શને પંપાળતા કહ્યું કે મને તારા પર પૂર્ણ ભરોસો છે કે તું વેહલી તકે તારા નવા બિઝનેસ ને સ્થાપી અને એમાં સફળતા મેળવીશ જ.
મયુર અને મીનાક્ષી થોડી આસપાસની વાતો કર્યા પછી આ ખુશખબર ને બંને જણા સાથે કેશુભાઈને સંભળાવશે એવું નક્કી કરીને કેશુભાઈ પાસે જાય છે. બંને એ હસતા ચહેરે કેશુભાઈને આ સમાચાર આપ્યા. કેશુભાઈ પણ આ ખુશખબર સાંભળતા ખુશીમાં આવી ગયા. મયુર અને મીનાક્ષીએ કેશુભાઈને પગે લાગીને આશીર્વાદ લીધા. કેશુભાઇએ પણ બંનેના માથા પર હાથ મૂકી આશીર્વાદ આપ્યા.
કેશુભાઇએ થોડા સમય પહેલા જ મયુરના પરિવારની દુઃખદ ઘટનાં ઘટી છે એ બાબતને ધ્યાનમાં રાખીને બહુ ઓછા વ્યક્તિઓની ઉપસ્થિતિમાં સાદાઈથી સગાઈનું આયોજન નક્કી કર્યું. જેમાં ફક્ત મયુરના મિત્રો અને મીનાક્ષી ની સહેલીઓ ઉપસ્થિત રહેશે એવું નક્કી કરવામાં આવ્યું.
મયુરે સાગરને ફોન કરીને આજે બનેલી આખી ઘટના વિગતે કહી સંભળાવી અને અત્યારે જ અનાથાશ્રમ આવવા માટે કહી દીધુ. સાગરે પહેલા તો એને અભિનંદન આપ્યા અને ફરી પાછો એનો એજ પ્રશ્ન રજૂ કર્યો કે અમે આવીશું તો મીનાક્ષી અને કેશુભાઈને સારું નહિ લાગે કારણ કે અમે મીનાક્ષી નો નંબર મેળવવા તેની સામે ખોટું બોલ્યા હતા અને હું એવું નથી ચાહતો કે અમારા કારણે તારી છાપ કેશુભાઈ અને મીનાક્ષી સામે ખરાબ થાય. માટે અમે ત્યાં કોઈ નહિ આવીએ. સાગરે ફોનમાં સ્પષ્ટ શબ્દોમાં કહ્યું.
સાગરની વાતમાં દમ હતો. નવો નવો સબંધ બંધાયો હોય એમાં આવી નાની નાની બાબતો સબંધોમાં તિરાડ પાડવાનું કામ કરતી હોય છે. સબંધ બંધાયા પહેલા જ સબંધ તૂટવાનો ભય મયૂરને લાગવા લાગ્યો. એ છતાં મયૂરને એ પણ લાગ્યું કે જે તે સમયે તેના મિત્રો જે ખોટું બોલ્યા હતા એમાં એના પોતાનો કે એમના મિત્રોનો કોઈ દોષ હતો જ નહિ. એ લોકોનો ત્યારે પણ મને અને મીનાક્ષીને મેળવવાના જ પ્રયત્નો નોજ એક ભાગ હતો. અત્યારે જે મધ્યસ્થીની જે ભૂમિકા કેશુભાઇએ નિભાવી એજ ભૂમિકા એમના મિત્રો જે તે સમયે નિભાવવાના પ્રયત્નો કરતા હતા. કદાચ આ વાત અત્યારે છુપાવીને રાખીએ તો પણ ભવિષ્યમાં આ વાત બહાર નહીં આવે એની શું ગેરંટી! માટે અત્યારે જ આ વાતની ચોખવટ કરી લેવી શું ખોટી! મયુરે આદેશના સ્વરમાં સાગરને કહ્યું કે તમારે અત્યારે આવવાનું જ છે તમે અત્યારે જ અનાથાશ્રમ આવવા નીકળી જાવ વિપુલ અને હેનીશને પણ સાથે લેતો આવજે. અહી હું કેશુભાઈ અને મીનાક્ષીને તમારી વાતની ચોખવટ કરી દઈશ. પછી ભલે એ લોકો આવી નાની વાતમાં મારો સ્વીકાર ના કરે તો પણ મને મંજૂર છે પરંતુ ખોટું બોલીને સબંધ બાંધવો મને મંજૂર નથી. સાગરે મયુરના આદેશાત્મક શબ્દોને સાંભળી ફક્ત એટલું જ કહી શક્યો કે અમે નીકળીએ છીએ.
સાગર, વિપુલ અને હેનીશને લઈને થોડી વારમાં જ અનાથાશ્રમ પહોંચી ગયો. મયુરે સાગર પહોંચ્યો એ પહેલાં જ કેશુભાઈ અને મીનાક્ષીને સાગર જે તેમની સાથે ખોટું બોલ્યો હતો એ વાતની ચોખવટ કરી લીધી હતી. મયુરે એ વાત કહેતા જ કેશુભાઈ અને મીનાક્ષીએ એ વાતને હસી મજાક માં કાઢી નાખી. જેથી મયૂરને રાહત થઈ હતી.
મયુરના મિત્રો અને મિનાક્ષી ની સહેલીઓ તથા અનાથાશ્રમ ના બાળકો વચ્ચે ખૂબ જ સાદાઈથી મયુર અને મીનાક્ષી અરસ પરસ વીંટી પહેરાવી સગાઈની વિધિ સંપન્ન કરી.
ક્રમશઃ
પ્રમોદ સોલંકી
શું મયુર નવો બિઝનેસ શરૂ કરી શકશે?
જો શરૂ કરી પણ દે તો એમાં સફળતા મેળવી શકશે?
શું મીનાક્ષી મયૂરને સફળતા મળે ત્યાં સુધી રાહ જોય શકશે?
જાણવા માટે વાંચતા રહો "કુદરતના લેખા - જોખા"
વધુ આવતા અંકે........
આપનો કિંમતી પ્રતિભાવ આપવાનું ચૂકશો નહિ
આભાર🙏🙏🙏