જવાબદારી Writer Unknown દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જવાબદારી

"પાંત્રીસ મિનિટ !" અકળાઇને મિતાલીએ ઘડિયાળમાં જોયું. એરેન્જ્ડ મેરેજ માટે જે મુરતિયાને મળવા અાવી હતી એનાં હજું દુર દૂર સુધી કોઇ ઠેકાણા દેખાતાં નહોતા અને રાહ જોઇને કંટાળેલી મિતાલીએ ઘરે જવાનું મન બનાવી લીધું. યુપીએસસીની તૈયારીઓ કરી રહેલી મિતાલી માટે અામ પણ એક-એક ક્ષણ કિંમતી હતી અને અા રીતે સમય વેડફનારા માટે ભારે અણગમો..

"શું જરુર હતી એરેન્જ્ડ મેરેજ માટે હા પાડવાની? હવે મમ્મી અાવા નમુનાઓ એરેન્જ્ડ કર્યાં કરશે અને તું મળતી રહેશે.." મિતાલી સ્વગત બબડી અને ત્યાં જ રેસ્ટોરન્ટનાં દરવાજેથી એક છોકરો વરસાદમાં પુરી રીતે ભીંજાયેલો અંદર દાખલ થયો.

એ ભીના કપડા અને વાળ માંથી ટપકી રહેલાં પાણી સાથે અાવીને ખુરશી ઉપર ગોઠવાયો. મિતાલી સામે નજર નાખતા પહેલાં એણે વેઇટર સામે જોઇને ગુડ ઇવનિંગ કહ્યું. વેઇટરે એની વિચિત્ર વેશભૂષા જોઇને સામે કોઇ પણ જવાબ અાપવાનું ટાળ્યું.

"સોરી મિતાલી તમને અાટલું મોડું કરાવ્યું. અા સાંજનો ટ્રાફિક તો તમે જાણો જ છો અને ઉપરથી વરસાદ..અરે હા મારું નામ તો કહેવાનું જ રહી ગયું. હું નિલેશ..!" નિલેશે ભીનો હાથ અાગળ લાંબો કર્યો અને મિતાલીએ તરત જ બંને હાથમાં મેનુ પકડી લીધું.

"કાંઇ વાંધો નહીં." મિતાલી દાંત કચકચાવીને બેસી રહી. બીજું કશું કહેવાનો કોઇ ફાયદો પણ નહોતો.

"અરે તમે કશું ઓર્ડર નથી કર્યું હજું સુધી ? વેઇટર બે કોફી લઇ અાવો અને હા ખાંડ ઓછી નાખજો." નિલેશે મિતાલીની સામે જોયા વિના જ કહી દીધું. મિતાલી ફાટી અાંખે એને જોતી રહી.

પાંત્રીસ મિનિટ મોડો અાવ્યો તો અાવ્યો, અા છોકરો તો પોતાની પસંદ પુછવાની પણ દરકાર નથી કરતો..!

"મને કોફી નહીં, ચા પસંદ છે." મિતાલી અકળાઇને બોલી. મનોમન અા લગ્ન માટે ના પાડવાનો નિર્ણય એ લઇ ચુકી હતી.

"પણ અા રેસ્ટોરન્ટની તો કોફી જાણીતી છે. કોફી ચાખી તો જુઓ એક વાર." નિલેશે મિતાલીની વાત સાંભળી ના સાંભળી કરી દીધી અને અાતુરતાથી કોફીની રાહ જોવા લાગ્યો.

થોડી વારમાં કોફી અાવી ગઇ અને નિલેશે મિતાલીને પુછ્યાં વિના બંને માટે ઓર્ડર કરેલાં ક્રીમ રોલ્સ પણ.

"અા ક્રીમ રોલ્સ વરસાદી ઋતુમાં ના ખાવા જોઇએ. પચવામાં ભારે પડે." મિતાલીએ પોતાનાં ભાગે અાવેલાં ક્રીમ રોલને સહેજ બાજુમાં હટાવ્યો અને નિલેશ હસી પડ્યો.

"અપચાની સમસ્યા છે કે શું તમને? સુદર્શન ચુર્ણ લેવાનું રાખો. બાકી અાપણને તો લક્કડ હજમ, પથ્થર હજમ..!" કહીને નિલેશ બાઘા જેવું હસ્યો. મિતાલી ગુસ્સામાં તમતમતી બેસી રહી.

માંડ કોફી અને ક્રીમ રોલ ગળા નીચે ઉતારીને મિતાલીએ પૈસા ચુકવવા માટે કાર્ડ કાઢ્યું જ હતું કે નિલેશ વચ્ચે કુદી પડ્યો.

"અરે મિતાલી હું છું પછી તમે પૈસા કેમ ચુકવશો ? હું ચુકવી દઉં છું." કહીને નિલેશે ખિસ્સામાં હાથ નાખ્યો. ખિસ્સા માંથી કોઇ પર્સ કે પાકીટની જગ્યાએ જુની ટીકીટો, સો-બસોની નોટોની ગડીઓ, લાયસન્સ, છુટાછવાયા લખી રાખેલા ફોન નંબર, ગાડીની ચાવીઓ અને બીજો કેટલોય ખજાનો નીકળ્યો. મિતાલી અા અદ્ભૂત વ્યક્તિને જોઇ રહી.

"કુંવારા રહેવાનાં પોતાનાં ફાયદા છે. જેમનું રહેવું હોય એમ રહેવાનું, કોઇ રોકટોક નહી." નિલેશે પોતાનાં ખિસ્સાની દયનીય હાલતનો લુલો બચાવ કરતાં કહ્યું.

તો પછી કુંવારો જ રહે ને મુરખ પરણવાની જરુર શું છે..મિતાલી મનમાં જ બોલી

"ચાલો મિ.નિલેશ મારે હવે નીકળવું જોઇએ. બહુ મોડું થઇ ગયું છે." મિતાલી ઝપાટાબંધ ઉભી થઇ.

"અત્યારથી ? પણ હજું તો અાપણે કોઇ વાત જ નથી કરી."

"હું અત્યારે પુણેની કંપનીમાં એચઅાર તરીકે કામ કરું છું અને અાઇએસ ઓફિસર બનવા માંગુ છું. તમે એન્જિનિયરિંગ કરેલું છે અને તમારા પપ્પાની મસાલાની મિલ છે. હાલમાં તમે ઘરે બેઠા છો અને ટુંક સમયમાં પણ તમારો નોકરી કરવાનો કોઇ ઇરાદો નથી. હું બધું જાણું છું મિ.નિલેશ." મિતાલી નિરસતાથી બોલી. એને હવે અહિયાંથી નીકળવાની ઉતાવળ હતી. અાટલી હટકે એરેન્જડ મેરેજની મીટીંગ ફક્ત પોતાની સાથે જ બની હતી એની મિતાલીને ગળા સુધીની ખાતરી થઇ ગઇ.

"ના ના તમે ખોટું સમજ્યાં. હું બહુ જલ્દી અમારી મસાલા મિસમાં જોડાવવાનો છું." નિલેશ પણ ઉભો થઇ ગયો.

"ચાલો અાનંદની વાત છે. તાજા પીસેલા મસાલાની કોઇ નવી વાનગી ઘરે ચોક્કસ મોકલાવજો." કહીને મિતાલી ઝડપથી નીકળી ગઇ.


................


"મે છોકરી પસંદ કરી લીધી છે પપ્પા." નિલેશે ઘરનો દરવાજો ખોલતાની સાથે જ કહ્યું. સામે જોકે ગુસ્સામાં તમતમી રહેલાં એનાં પપ્પા દેવજીભાઇ ચુપ રહ્યાં.

"હા પણ છોકરીએ તને પસંદ નથી કર્યો. એમનો હમણાં જ ફોન અાવ્યો હતો. તારા ઘરે અાવ્યા પહેલાં જ એમનો ફોન અાવી ગયો. કેટલી ઉતાવળ હતી એ છોકરીને ના કહેવાની ?" દેવજીભાઇ કાંઇક ટોણાનાં સ્વરમાં બોલ્યાં અને નિલેશને અાઘાત લાગ્યો. એણે મિતાલીને પહેલી નજરમા જ પસંદ કરી લીધી હતી જ્યારે અહિયાં તો મિતાલી પોતાને નાપસંદ કરી ચુકી હતી.

"પણ પપ્પા એણે મારી સામે તો કાંઇ ના કહ્યું." નિલેશે નિરાશા સાથે કહ્યું.

"એવું મોઢા ઉપર કોઇ ના પાડીને ના જાય. અા ચોથી છોકરી છે જે તને ના પાડી ચુકી છે. મે નિર્ણય કરી લીધો છે. તારે હવે જવાબદાર બનવું પડશે." દેવજીભાઇએ નિર્ણય સંભળાવી દીધો અને નિલેશ મુંઝવાયો.

"શું નિર્ણય ? હું મિલમાં છ મહિના પછી જોડાઇ જઇશ. હજું જીંદગીમાં થોડી મજા કરવા દો." નિલેશ સામે સોફા ઉપર લાંબો થયો.

"ના તારે મિલમાં નથી જોડાવવાનું. મે તારી નોકરી બાબતે મારા એક ઓળખીતા સાથે વાત કરી છે. કહેતાં હતાં કે પુણેની કોઇક કંપનીમાં કમ્પ્યુટર એન્જિનિયરની જરુર છે. મે તારું નામ અાપી દીધું અને એ તને સેટ કરવા માટે રાજી થઇ ગયાં છે. એક અઠવાડિયા પછી તું પુણે જઇ રહ્યો છે." દેવજીભાઇ અદબ વાળીને ઉભા રહ્યાં અને નિલેશ કફોડી પરિસ્થિતિમાં મુકાયો..

"નોકરી ? મારે નોકરી કરવાની શું જરુર છે?"

"સવારે દસ વાગ્યા સુધી પથારીમાં પડી રહીને બાકીનો દિવસ તારા નાલાયક દોસ્તો સાથે રખડ્યા સિવાય બીજા પણ કામો હોય છે જીવનમાં. એ સમજવા માટે તારે નોકરી કરવી જ પડશે નિલેશ. જ્યાં સુધી મિલનો સવાલ છે તો તું હજું સુધી એ મિલ સંભાળવા લાયક નથી થયો. મારા મિત્રએ તારી રહેવાની વ્યવસ્થા કરી દીધી છે અને તું ત્યાં પહોંચીશ એટલે તને સરખી રીતે સેટ કરી દેશે." દેવજીભાઇએ અંતિમ નિર્ણય સંભળાવી દીધો અને નિલેશ વીલા મોઢે પોતાનાં ઓરડામાં ચાલ્યો.


.................


ટ્રીન ટ્રીન ટ્રીન ટ્રીન..

અલાર્મનો અવાજ પાંચમી વખત રણકી ઉઠ્યો અને નિલેશ સફાળો બેઠો થયો. ઘડિયાળનાં સવા સાતનો સમય બતાવતા હતાં. સાડા અાઠની નોકરી માટે બસ પકડીને ઓફિસ પહોંચતા જ અડધો કલાક લાગી જવાનો હતો અને અાજે પહેલાં દિવસે નિલેશને મોડું નહોતું પડવું.

ડાબા હાથનું મોજું જમણા પગમાં અને જમણાનું ડાબામાં નાખીને મહામહેનતે બસ સ્ટેન્ડ પહોંચ્યો. બસ છુટી જ જવાની હતી કે કોઇએ નિલેશનો હાથ પકડીને અંદર ખેંચી લીધો અને એણે રાહતનો શ્વાસ લીધો. પુણેમ‍ાં પોતાનાં ખર્ચે રહેવાનું પપ્પા તરફથી મળેલું ફરમાન હજું કેટલું લાંબુ ચાલવાનું હતું એનો નિલેશને કોઇ અંદાજો નહોતો.

હાંફળો હાંફળો નિલેશ અંદર દાખલ થયો અને ઇન્ડક્શન પ્રોગ્રામ માટે ઓડિટોરિયમ તરફ ચાલ્યો. થોડે અાગળ વધ્યો જ હતો કે એનાં અાશ્ચર્યની વચ્ચે મિતાલી હાથમાં ફાઇલો લઇને અાવતી દેખાઇ.

"અરે મિતાલી તમે ? શું વાત છે તમે અહિયાં નોકરી કરો છો ?" નિલેશે ખુશ થઇને કહ્યું. એને પુણેમાં નોકરીની વાત યાદ અાવી ગઇ.

"હા અને મને તમારો એપોઇન્મેન્ટ લેટર મળી ગયો છે ઓપરેશન ડિપાર્ટમેન્ટ તરફથી. ઇન્ડક્શન માટે મોડા ના પડતાં. ચાલો ઝડપ રાખો." મિતાલીએ એની સાથે સરખી રીતે વાત કરી એટલે નિલેશને અાશાનું કિરણ દેખાયું.

નિલેશને કેતન વર્માની ટીમમાં સામેલ કરવામાં અાવ્યો. કેતન મહત્વાકાંક્ષી અને મહેનતુ હતો. ઓફિસમાં એવી વાતો પણ ચાલતી રહેતી કે મિતાલી અને કેતન વચ્ચે કાંઇક તો ચક્કર ચાલી રહ્યું હતું. નિલેશ અા અફવાઓ સાંભળીને નિરાશ થતો પણ મોટાભાગે તો મિતાલીને દુરથી જોઇને જ ખુશ રહેતો.

મિતાલી એને કોઇક વાર ઓફિસમાં મળી જતી તો હસી દેતી. ક્યારેય ઓફિસનાં કેફેટેરીયામાં તો ક્યારેય સેલરી ચેક લેવાનાં બહાને નિલેશ એની પાસે પહોંચી જતો.

"કેતન સર કેબિનમાં બોલાવે છે તમને. મિતાલી મેડમ પણ ત્યાં જ છે." ઓફિસ બોય અાવીને ઉડતી ખબર અાપી ગયો અને મિતાલીનું નામ સાંભળીને ખુશ થઇ ગયેલો નિલેશ બધું કામ પડતું મુકીને ચાલ્યો.

"અાવ નિલેશ..અમે ઓફિસનાં સ્ટાફ માટે એક નાની ટુરનું અાયોજન કર્યું છે. દુર ક્યાંય નથી જવાનું બસ અહિયાં જ મહાબળેશ્વર જઇ અાવીએ અા બે દિવસની રજાઓમાં. તને કાંઇ વાંધો ના હોય તો તારી ટીકીટનાં પૈસા મિતાલીને અાપી દેજે. એ બધાની ટીકીટ કરાવી રહી છે." કેતને ચાનો ઘુંટ ભરતા કહ્યું અને નિલેશ પ્રવાસનું ન‍ામ સાંભળીને મલકાયો પણ બીજી જ ક્ષણે કશું યાદ અાવ્યું હોય એમ ઝડપથી પરવાનગી લઇને બહાર નીકળ્યો.

ખાણીપીણી અને સિનેમામાં એટલા રુપિયા ઉડાવી દીધા હતાં કે હવે નિલેશ પાસે મહિનાનાં અંતે કશું બચ્યું નહોતું. જોકે અા વાત મિતાલીને કેવી રીતે કહેવી ? પોતાને પહેલેથી નાલાયક સમજતી મિતાલી અા વાત સાંભળીને પોતાનો અભિપ્રાય યોગ્ય સમજવા લાગશે.

છેવટે કાંઇ બીજું ધ્યાનમાં ના અાવતા નિલેશ પહોંચ્યો પોતાનાં કંજુસ મકાનમાલિક રાયબહાદુર સાહેબ પાસે. જેઓ ના બહાદુર હતાં અને ના જેમની કોઇ રાય લેતું..!

"અંકલ મે પેલા રુમનો પંખો રીપેર કરાવી દીધો છે." નિલેશ અાવીને તડકાની મજા કઇ રહેલાં રાયસાહેબની બાજુમાં ગોઠવાયો. નવા શહેરમાં કોઇને જાણતો ના હોવાથી હવે મકાનમાલિક જ એનો એક માત્ર અાશરો હતાં. ઘરે તો પૈસા માંગવાનો સવાલ જ પેદા નહોતો થતો.

"સરસ સરસ..એટલો સ્પીડમાં ચોવીસ કલાક ફરતો રહે છે કે બગડી ગયો હશે. તું ઓફિસ જાય ત્યારે પણ ફરતો જ રહે છે." રાવસાહેબ કટાક્ષ કરતાં બોલ્યાં અને નિલેશ બાઘાની જેમ હસ્યો.

"અરે અંકલ એ તો કોઇક વાર ચાલું રહી જાય બાકી હું બધી લાઇટો અને પંખો બંધ કરીને જ નીકળું છું. મારે તમારી એક મદદ જોઇતી હતી. બહુ પ્રોબ્લેમમાં છું." નિલેશ ધીમેથી બોલ્યો.

"મદદ કેવી મદદ? ગયા મહિનાનું ભાડું તો તે અડધું જ અાપ્યું છે એટલે મદદની જરુર તો મારે વધારે છે દિકરા." રાવસાહેબ ફરીથી ટોણાનાં સ્વરમાં બોલ્યાં અને નિલેશ થોથવાયો.

"અંકલ જવા દો ને એ બધી વાતો. હું અાવતાં મહિના તમને બે મહિનાનું એડવાન્સ અાપી દઇશ. હાલ તમે મને પૈસા અાપી દો. હું જલ્દી જ અાપી દઇશ."

"ચાલ ઠીક છે. તું સારો છોકરો છે એટલે અાપી દઉં છું. હું સમજી શકું છું ખરાબ સમયે પૈસા ના મળે તો કેવું લાગે ?" નિલેશને પગમાં પડતો જોઇ રાવસાહેબ પીગળી ગયા અને પોતાનું પાકીટ લઇ અાવ્યાં. નિલેશનાં મનમાં મહાબળેશ્વરનાં સપના હિલોળા લેવા લાગ્યાં.

"પૈસા કેમ જોઇએ છે તને ? ઘરમાં સૌ સાજા તો છે ને?" રાવસાહેબ ચિંતામાં બોલી ઉઠ્યાં.

"અરે ઘરમાં બધા મજામાં છે. અા તો ઓફિસ માંથી મહાબળેશ્વર જવાનું અાયોજન કરેલું છે." નિલેશનાં મોઢા માંથી નીકળી ગયું અને રાયસાહેબ ગુસ્સે ભરાયા.

"પાછા અાપ પૈસા. પાછા અાપ હમણાં ને હમણાં. મને તો લાગ્યું કે છોકરો મુસીબતમાં હશે. બિચારો શહેરમાં એકલો રહે છે અને તું તો સેરસપાટા માટે પૈસા માંગે છે." કહીને રાવસાહેબે પોતાન‍ાં પૈસા પાછા લઇ લીધા અને નિલેશ વીલા મોઢે અંદર ચાલ્યો.

બીજા દિવસે ઓફિસ પહોંચેલો નિલેશ સૌથી પહેલાં મિતાલી સાથે અથડાયો અને મિતાલીએ એને જોઇને હળવું સ્મિત અાપ્યું.

"તારી ટીકીટનાં પૈસા હજું સુધી અાવ્યા નથી નિલેશ. બસ ખાલી તારા જ બાકી છે. તું અાપી દે એટલે ટીકીટનું બુકિંગ કરી નાખું."

"ના હું વિચારતો હતો કે રજાઓમાં ઘરે જઇ અાવું." નિલેશ માથું ખંજવાળતો બોલ્યો અને મિતાલી હસી પડી.

"ના એની જરુર નહીં પડે. મે તારી ટીકીટનાં પૈસા પહેલાથી જોડી દીધા છે. મને ખબર હતી કે જે રીતે તું પૈસા ઉડાવે છે, તારી પાસે છેલ્લી તારીખ સુધી કશું નહીં હોય."

મિતાલી હસીને ત્યાંથી નીકળી ગઇ. નિલેશ જાણે સ્વપ્નલોકમાં વિહરતો હોય એવું અનુભવી રહ્યો.

થોડા દિવસો બાદ રવિવાર પણ અાવી પહોંચ્યો અને ઓફિસની ટુકડી મહાબળેશ્વર પહોંચી. ઓફિસ માંથી એક મહિનાનો એડવાન્સ મળી ગયો હતો એટલે હવે નિલેશને નિરાંત હતી. પુણે અાવતા પહેલાં એણે વિચાર્યું નહોતું કે અા રીતે મિતાલી અહિયાં મળી જશે. નિલેશ પોતાનાં વિચારોમાં હતો ત્યાં જ કોઇના ઝઘડવાનો અવાજ સંભળાયો.

નિલેશ ધીમા પગલે હોટેલનાં રુમ માંથી બહાર નીકળીને વરંડામાં અાવ્યો. મિતાલી અને કેતન કોઇક બાબતે ઝઘડી રહ્યાં હતાં. નિલેશને કશું વધારે તો ના સંભળાયું પણ કાંઇક પૈસાને લઇને માથાકુટ થતી હોવાનું લાગ્યું.

"અરે નિલેશ તારા પપ્પાની તો મસાલા મિલ છે યાર તું અા ફાલતુની નોકરી કેમ કરી રહ્યો છે?" નિલેશનો ઓફિસનો દોસ્ત કાર્તિક બોલી ઉઠ્યો અને એણે ખભા ઉછાળ્યાં.

"પપ્પાને લાગે છે કે મારે જવાબદાર બનવાની જરુર છે. જવાબદારી અાપશે તો જવાબદાર બનીશ ને ? મિલનું કામ સૌંપવાને બદલે અહિયાં પુણે મોકલી દીધો." નિલેશે ચાની ચુસ્કી લેતાં કહ્યું. કોફીહાઉસનાં સામેનાં ખુણે બેસીને રડી રહેલી મિતાલી એની નજરે ના ચડી.

"બિલકુલ બરાબર કહે છે અંકલ..મહિનાની વીસ તારીખ અાવતા સુધીમાં તો તું ઉધાર માંગતો થઇ જાય છે. અાજકાલ તો મ્યુચ્યુઅલ ફંડ, ઇન્ડેક્સ ફંડ જેવી કેટલી સ્કીમો ચાલે છે. એમાંથી કોઇ એકમાં રોકાણ કરવાનું રાખ. અા ટ્રીપનાં પૈસા પણ મિતાલી પાસેથી લેવા પડ્યા તારે. અરે અા મિતાલી ત્યાં એકલી શું કરે છે?" કાર્તિકે સામે ઇશારો કરતાં કહ્યું અને નિલેશે પાછળ વળીને જોયું જ્યાં મિતાલી ખુણામાં બેસીને રડતી હતી. નિલેશ તરત જ ચાનો કપ નીચે મુકીને એની તરફ દોડ્યો.

"મિતાલી ?" નિલેશે એનાં ખભે હાથ મુક્યો અને મિતાલી ઝડપથી અાંખો સામે કરીને સરખી બેઠી.

"સોરી ‍નિલેશ તું ક્યારે અાવ્યો?"

"શું થયું મિતાલી કોઇ પ્રોબ્લેમ છે કે શું ? મે તને કેતન સર સાથે ઝઘડો કરતાં જોઇ લીધી હતી. કશું હોય તો કહી દે મને." નિલેશે કહ્યું અને એ પહેલાં કે મિતાલી કાંઇ સમજી શકે, પાછળથી ધસી અાવેલાં કેતને એનાં શર્ટનું કોલર પકડીને ખેંચ્યો.

"નાલાયક સિનિયરની વાતમાં વચ્ચે પડે છે? ચોરીછુપીથી વાતો સાંભળે છે ? મને ખબર છે પહેલાં દિવસથી તારી નજર મિતાલી ઉપર છે." કેતન બરાડી ઉઠ્યો. એનાં મોઢા માંથી દારૂની દુર્ગંધ અાવી રહી હતી.

"કેતન તું અત્યારે ભાનમાં નથી. છોડી દે નિલેશને." મિતાલીએ વચ્ચે પડીને નિલેશને બચાવવાનો પ્રયત્ન કર્યો પણ નશામાં ચુર કેતને એને ધક્કો મારીને એક બાજું હડસેલી. ગુસ્સે ભરાયેલાં નિલેશે કેતનને લાફો મારી દીધો અને ભીડ માંથી દોડી અાવેલો કાર્તિક કેતનને લઇને હોટેલ ચાલ્યો ગયો.

મિનિટોમાં બની ગયેલાં અા અાખા કાંડથી પુતળું બની ગયેલી મિતાલી નિલેશ પાસે અાવી અને રડવા લાગી. સિનિયર ઉપર હાથ ઉઠાવવા માટે નિલેશની નોકરી હવે જવાની હતી એમાં કોઇ બેમત નહોતો.

"નિલેશ મને માફ કરી દે. અા બધું મારા કારણે થયું છે. કેતને પોતાનો બિઝનેસ શરું કરવા માટે મારી પાસે પૈસા માંગ્ય‍ા હતાં. મને પણ પાર્ટનર બનાવવાનું કહેતો હતો. મે ના પાડી દીધી એટલે એણે મારી સાથે ઝઘડો કરવાનું ચાલું કરી દીધું. ઓફિસમાં મને બદનામ કરવાની ધમકી અાપી."

"પૈસા? પણ તને પાર્ટનરશીપ મળતી હતી તો પછી તે ના કેમ પાડી ?"

"કારણકે કેતનમાં ધંધો કરવાની કોઠાસુઝ નથી. મે એને પૈસા અાપ્યા હોત તો એણે ડુબાડી જ દીધા હોત. હું પૈસા વગરનાં દિવસો જોઇ ચુકી છું એટલે અાવા ગેરજવાબદાર લોકો ઉપર બિલકુલ ભરોસો નથી કરતી. પપ્પાને પણ જુગારમાં પૈસા લગાવવાની અાદત હતી અને એમની અા અાદતને લીધે અમે કેટલું ભોગવ્યું છે એ હું જ જાણું છું. પૈસાનું સન્માન ના કરનારા લોકો માટે મને એટલે જ સખત નફરત છે." મિતાલીએ કહ્યું અને નિલેશ ચુપચાપ સાંભળી રહ્યો.

પોતે પણ તો કેતન જેવો જ હતો. પોતે પણ તો ફક્ત પૈસા ઉડાવતા જ શીખ્યો હતો જીવનમાં. હા કેતનની જેમ ક્યારેય પૈસા માટે બીજા ઉપર હાથ ના ઉપાડ્યો હોત પણ એનાં સિવાય ? શું ફરક હતો પોતાનાં અને કેતનમાં? નિલેશ વિચારી રહ્યો અને એને પહેલી વાર પસ્તાવો થઇ અાવ્યો.

"અાઇ એમ સોરી નિલેશ. મારા લીધે તારી નોકરી મુસીબતમાં મુકાઇ ગઇ છે. હું સિનિયર મેનેજમેન્ટ સાથે વાત કરીશ. તું ચિંતા ના કર." મિતાલીએ સહાનુભૂતિથી કહ્યું અને નિલેશનાં મોઢે મર્માળું સ્મિત ફરી વળ્યું.

"એની જરુર નહીં પડે. હું પોતે જ કંપની માંથી રાજીનામું અાપવા માંગુ છું. કેતનની પહોંચ વધારે છે અને નોકરી હવે કોઇ કાળે નહીં બચાવી શકાય. હું ઘરે પાછો જઇને મારી મિલ સંભાળવા માંગુ છું."

"પણ નિલેશ ?"

"વાંધો નહીં મિતાલી, માણસ જ્યારે થોડો પરેશાનીમાં હોય ત્યારે ડરી જાય કે રસ્તો શોધે પણ જ્યારે સઘળું ખતમ થઇ ગયું હોય ત્યારે બધી ચિંતાઓ એળે મુકીને દાર્શનિક બની જવામાં જ મજા છે..હું પણ હવે અા નોકરી મુકીને ઘરે પાછો જવા માંગુ છું. કદાચ પપ્પા મને જેટલો જવાબદાર બનાવવા માંગતાં હતાં એટલો જવાબદાર હું બની ગયો છું." નિલેશે અાછું સ્મિત અાપ્યું અને ચાલી નીકળ્યો. મિતાલી એને દુર સુધી જતા જોઇ રહી.


.............


"નિલેશ હું બહું ખુશ છું બેટા કે તને તારી જવાબદારીઓનું ભાન થઇ ગયું છે. અાજથી અા મિલનાં બધા જ કામ તું સંભાળીશ અને હું ફક્ત હિસાબનું ધ્યાન રાખીશ." દેવજીભાઇ પુણેથી પરત ફરેલાં નિલેશમાં અાવેલું પરીવર્તન જોઇને ગળગળા થઇ ગયાં.

"પપ્પા હું પુરી મહેનતથી કામ કરીશ અને કોઇ વધારાનો ખર્ચો નહીં કરું."

"સાહેબ પુણેથી કોઇક મિતાલીનો ફોન છે?" મજુરે અાવીને કહ્યું અને નિલેશનાં ક‍ાન સરવા થયાં.

"મિતાલી?"

"હા કહેતાં હતાં કે લગ્ન માટે હા પાડતા પહેલાં એ તમને બીજી વખત મળવા માંગે છે અને એવું પણ કીધું છે કે એમને ચા પસંદ છે પણ ચા સાથે ક્રીમ રોલ નહીં ખાય..!" મજુરે ભોળાભાવે કહ્યું અને નિલેશનાં ચહેરા ઉપર હાસ્યનું મોજું ફરી વળ્યું.