વડોદરા...
રેલ્વે સ્ટેશન ઉપર પહેલો પગ મુકતા જ નવી સ્ફુર્તિ અાવી ગઇ હતી જાણે.. એ પહેલાં કે ટ્રેન સરખી રીતે ઉભી રહી શકે, મે મારું નાનું અમથું બેગ ઉઠાવ્યું અને ચાલુ ટ્રેનમાં જ ઉતરી ગઇ..
ત્રણ વર્ષ પછી પિયર અાવેલી હું દાળવડા અને મેગેઝિન્સ વેચી રહેલાં ફેરિયાઓની ભીડ વચ્ચેથી રસ્તો કરીને ઝડપથી બહાર સરકી. રીક્ષામાં બેસીને એક નજર ચારે તરફ નાખી. તેજ ગતિએ ભાગતું અા સંસ્કારી નગર કોઇ જમાનામાં એક શાંત સભ્ય શહેર હતું...મારું ઘર હતું...!!
નવા શરું થયેલાં મોલ્સ અને ઉભરાતી ગાડીઓથી ભરેલાં રસ્તાઓ ઉપર મારી રીક્ષા પણ પુરપાટ વેગે દોડવા લાગી. પ્રતાપગંજ જતાં રસ્તા વચ્ચે જોકે રીક્ષાચાલકને પોતાની અા રામપ્યારી ધીમી પાડવી પડી.
"અરે બેન જવા દો ને. અાજકાલ યુનિવર્સિટીમાં કલ્ચરલ ફેસ્ટિવલ ચાલે છે એટલે રસ્તો ક્યારે જામ થઇ જાય કાંઇ કહેવાય નહીં...!!" એણે કાંઇક અપરાધભાવ સાથે કહ્યું પણ હું હસી પડી. અા વીસ વર્ષોમાં ધરમુળથી હું બદલાઇ ગઇ હતી અને ધરમુળથી અા કોલેજ...પણ પોતાની કોલેજ તો અાખરે પોતાની જ હોય છે ને..??
દર વર્ષની જેમ કલ્ચરલ ફેસ્ટિવલ માટે સજીધજીને તૈયાર થયેલી કોલેજને જોઇને મારું મન ક્યારે ભુતકાળની યાદોમાં સરી પડ્યું મને ખ્યાલ જ ના રહ્યો...
વડોદરામાં રહેતું અમારું ચાર જણનું મધ્યમવર્ગીય પણ સુખી કુટુંબ..હું ત્યારે બારમામાં ભણતી. શાળાનો અભ્યાસ પુરો કરીને કોલેજમાં પ્રવેશ લઇ ચુકેલાં મારા ભાઇને હવે હું પણ શેરીનાં બાકી સૌ બાળકોની જેમ "બચ્ચા પાર્ટી" ની સભ્ય લાગતી જેની સાથે જાહેરમાં દેખાવવું એની શાનની વિરુદ્ધમાં હતું...
"નૈના હવેથી તું તારો સામાન નીચેનાં રુમમાં શિફ્ટ કરી લેજે. બે દિવસ પછી એક નવો ભાડુઅાત અાવવાનો છે ઉપરનાં માળિયે રહેવા..!!" પપ્પા જાણે મોસમની વાત કરતાં હોય એમ સહજતાથી બોલ્યા પણ હું મારી નાનકડી ઠકરાતમાં અા પરદેશી અાક્રમણ જોઇને ભડકી..
"અરે એવું કેમનું ચાલશે પપ્પા..?? મારે તો અા વર્ષે બોર્ડની પરીક્ષાઓ છે અને તમે નવો ભાડુઅાત લઇ અાવ્યાં..? ના હું મારો ઉપરવાળો રુમ ખાલી નહીં કરું..!!" મે પુરજોશથી મારા સાર્વભૌમત્વતાનું હનન કરતી જોહુકમીનું ખંડન કર્યું..
"મારા દોસ્તનો દીકરો છે. અમે સાથે કોલેજમાં ભણતાં હતાં. હવે એમની નોકરી સુરતમાં છે પણ એમનાં દીકરાને અહિયાં સાયન્સ ફેકલ્ટીમાં એડમિશન મળ્યું છે. એમને કેવી રીતે ના પાડું..?? તું તારે અંદરનો રુમ લઇ લેજે. અમે કોઇ તને હેરાન નહીં કરીએ..!!" પપ્પાએ પોતાનો નિર્ણય સંભળાવી દીધો અને મહારાજાધિરાજનાં નિર્ણયની સામે મારે અા નાની અમથી ઠકરાતનું બલિદાન અાપવું પડ્યું..
થોડા દિવસોમાં હું સામાન લઇને નીચે અાવી ગઇ અને કહેવાતાં દોસ્તનો એ દિકરો મારા માળીએ. માળીયું ગુમાવવાનો ગુસ્સો એટલો કે લગભગ મહિનો થવા અાવ્યા છતાં મે ક્યારેય એનું મોઢું જોવાની તકલીફ નહોતી ઉઠાવી. હા એ ભાઇનાં ક્લાસમાં એની સાથે જ ભણતો અને કોલેજની ઇત્તર પ્રવૃત્તિઓમાં અાગળ પડીને ભાગ લેતો એવું કાંઇક કાનનાં પડદે પડ્યું હતું...વધારે કશું જાણવાનો ના તો અા બોર્ડની પરીક્ષા અાપી રહેલાં મહારથી પાસે સમય હતો અને ના તો કોઇ રસ..!!
એ દિવસોમાં અમારી દુનિયા બસ અાટલી જ હતી. શાળાથી ઘરે અને ઘરેથી શાળાએ. સમય મળ્યો તો ક્યારેક શેરીની ઘંટીએ અનાજ દળાવવા પહોંચી જતાં તો ક્યારેય પડોશમાં રહેતાં બાળકો સાથે સાત ખિસકોલી રમવાં...
અમારા ઘરમાં નવા નવા અાવકાર પામેલાં ટીવીની કેબલ એન્ટેના સેટ કરવામાં મમ્મીનો અાખો દિવસ નીકળી જતો અને નવા નવા કોલેજમાં જોડાયેલાં મારા ભાઇનો વાળ સેટ કરવામાં...!!
ખેર...મારી કહાનીમાં ટ્વિસ્ટ અાવ્યો હતો ૨૩મી જાન્યુઆરી ૧૯૯૯નાં દિવસે. હા અા જ દિવસ હતો...!!
દરરોજની જેમ સ્કુલ જવા માટે બરાબર પૈડા ફેરવતી મારી સાયકલ અાજે રીસાઇને કોપભવનમાં ભરાઇ હતી. ઉતરી ગયેલી ચેઇન ચડાવવામાં હંમેશા અાગળ રહેતાં પપ્પા અાજે વહેલાં ઓફિસ જવા રવાનાં થઇ ગયા હતાં. છેવટે અાપબળે બનતી બધી જ ભાંગફોડ કર્યાં પછી મને "વિના સહકાર નહીં ઉદ્ધાર" કહેવતની મહાનતા સમજાઇ અને મે મદદ માટે અામ તેમ ફાંફા માર્યાં.
"શું થયું કોઇ પ્રોબ્લેમ છે...??" પાછળથી અવાજ અાવ્યો અને મે મારું શોધ અભિયાન મુલતવી રાખીને એની સામે જોયું..
"સાયકલની ચેઇન ઉતરી ગઇ લાગે છે તમારી...લાવો હું સરખી કરી નાખું...!!" કહીને એણે હાથમાં પકડેલું પુસ્તક બાજુમાં મુક્યું અને નીચે બેસી ગયો...હું થોડી વાર એને જોતી રહી...
"અા લો સરખું થઇ ગયું. ચેઇન ચડાવવાનું કામ અઘરું નથી હોતું...!!" એણે હસીને કહ્યું અને હું અાભાર વ્યક્ત કરીને સાયકલ ઉપર ગોઠવાઇ..
"અરે નૈના સહેજ વાર ઉભી તો રહે...!!" મે બસ પૈડા માર્યા જ હતાં કે એનો અવાજ સંભળાયો. મે ચમકીને જોયું તો એ મારી પાછળ અાવી રહ્યો હતો..
"હું તારા ઘરે જ રહું છું ઉપરનાં માળીએ. અાપણી ક્યારેય વાત નથી થઇ. મારું નામ નયન છે. મારી દોસ્ત બનીશ..??" કહીને એણે હાથ અાગળ કર્યો. હું ઘડીભર પોતાને નયન કહેવડાવતાં એ છોકરાને તો ઘડીભર એણે લાંબા કરેલાં હાથ સામે જોતી રહી ગઇ. તો અા જ હતો જેણે મારું પ્રાણપ્યારું માળીયું છીનવી લીધું હતું. જોકે હાલ તો વધારે અાશ્ચર્ય મને એની વાતો ઉપરથી થઇ રહ્યું હતું..
હું નૈના અને એ નયન...!!
અજીબ સંજોગ હતો ને...!!
"મને સમજાયું નહીં..!!" સ્કુલમાં મોડું થઇ રહ્યું હોવા છતાં હું હવે એની સાથે વાતોમાં પરોવાઇ..
"અરે અામા સમજવા જેવી શું વાત છે? મે પુછ્યું મારી દોસ્ત બનીશ..??" બે ચમચી ખાંડ ઉધાર માંગતો હોય એટલી જ સહજતાથી એણે ફરીથી પુછ્યું..
"તમે તમારી ઉંમરનાં લોકો જોડે દોસ્તી કરોને..!!" મે ભોળાભાવે કહ્યું અને એ ખડખડાટ હસવા લાગ્યો..
"અરે હું કોલેજનાં પહેલાં વર્ષમાં છું. રીટાયર્ડ નથી થઇ ગયો. અા તમારી ઉંમરનાં સાંભળીને સિનિયર સિટિઝન વાળી ફિલિંગ અાવે છે..કાંઇ નહીં વિચારીને કહેજે...!!" કહીને એ ચાલી નીકળ્યો. હું ક્યાંય સુધી એને જોતી રહી. મને અા છોકરો કાંઇક વિચિત્ર લાગ્યો..સાંજે પપ્પા અાવે એટલે મનોમન એની ફરિયાદ કરવાનું નક્કી કરીને મે પણ સાયકલ મારી મુકી..
"ઇક મહોબ્બત કા દિવાના ઢુંઢતા સા ફિરે, કોઇ ચાહત કા નઝરાના દિલરુબા કે લિયે...!!"
સાંજે સ્કુલેથી પાછા અાવીને થેલો ખુરશી ઉપર નાખ્યો જ હતો કે રેડિયો ઉપર વાગી રહેલું ગીત મારા કાને પડ્યું અને હું સમજી ગઇ કે અાજે ટીવી ફરી ત્રાગા કરવા ઉપર ઉતર્યુ હતું. મારી નજર અનાયાસે પપ્પાની બાજુમાં બેઠેલાં નયન ઉપર પડી અને હું ચમકી. જેની ફરિયાદ કરવાનું વિચારતી હતી એ તો અહિયાં જ હતો. હું કશું બોલ્યા વિના હાથ-મો ધોવા જતી રહી..
"તો પછી...??" હુ માળીએ જતાં દરવાજે ઉભી અને નયને પાછળથી અાવીને મારા વિચારોની હારમાળામાં ભંગ પાડ્યો..
"તો પછી શું...??"
"શું વિચાર્યું તે..? મારી દોસ્ત બનીશ કે નહીં..??" એણે સહજભાવે પુછ્યું અને મારો પિત્તો છટક્યો. અમારા ટીવી એન્ટેનાની જેમ અા છોકરાની પિન પણ એક જ જગ્યાએ ચોંટી હતી..
"નહીં બનું. માળીયું મળ્યું છે તો હવે ચુપચાપ પડી રહે. દોસ્ત-વોસ્ત બનવાની વાતો ના કરીશ નહીં તો પપ્પાને કહી દઇશ..!!" મે કહ્યું અને એ હસી પડ્યો..
"બાપ રે નૈના..જબરી છે યાર તું..કાંઇ નહીં પછી વિચારીને જવાબ અાપજે..!!" કહીને એ દાદરા ચડવા લાગ્યો. હું બસ મોઢું ખુલ્લું રાખીને એને જોતી રહી..
અા છોકરાનાં અાત્મવિશ્વાસ ઉપર હસવું કે ગુસ્સે થવું સમજાયું નહીં પણ એની ટીખળ જોઇને ક્ષણભર માટે મારા તરુણ ચહેરા ઉપર પણ સ્મિત અાવી ગયું..
બીજા દિવસે સવારે સ્કુલે જતાં પહેલાં મારી સાયકલ બહાર કાઢીને ગેટ પાસે પહેલાથી જ મુકી દેવામાં અાવી હતી. કદાચ મને ખબર હતી કે અા કોનું કામ હતું પણ કોણ જાણે કેમ મે પપ્પાને કાંઇ ના કહ્યું..
અાવું હવે દરરોજનું થવા અાવ્યું હતું. નયન હંમેશા મારી સાયકલ કાઢીને સવારે ગેટની બહાર મુકી દેતો. ક્યારેક જનરલ સ્ટોર ઉપર તો ક્યારેક નાકાની ઘંટીએ મળી જતો. લોટ દળવાની ઘંટીનું વળી એને શું કામ પડતું એ મને સમજાતું નહીં પણ અેનું મારી તરફ ધ્યાન અાપવું મને ગમતું. તરુણાવસ્થા છોડીને યુવાનીનાં ઉંબરે અાવીને ઉભેલું મારું હ્રદય નયનનું સ્મિત જોઇને ઘવાઇ જતું..
હંમેશા ગણિતની અાંટીધુંટીઓમાં ગુંચવાયેલી રહેતી હું હવે ઘરથી બહાર નીકળતાં પહેલાં અરીસો અચુક જોઇ લેતી. સ્વપ્નસૃષ્ટિની નાયિકા બની ગઇ હતી જાણે...નયન હવે મને કોઇ નાયકથી ઓછો ન લાગતો...સારું મુહૂર્ત જોઇને કોક વાર ચાલું થઇ જતાં ટીવીમાં પણ મને હવે હીરોની જગ્યાએ નયન જ દેખાતો...
હું નૈના અને એ નયન...!!
અજીબ સંજોગ હતો ને...!!
જોતજોતામાં સમય પાણીનાં વહેણની જેમ વહી ગયો અને હું શાળા પુરી કરીને હવે કોલેજ જવા લાયક બની ગઇ હતી. ગણિત સાથેનો મારો ઉષ્માભર્યો ભેદભાવ કોલેજમાં પણ ચાલું રહ્યો અને મે સાયન્સ કોલેજનાં મેથેમેટિક્સ ડિપાર્ટમેન્ટમાં એડમિશન લઇ લીધું...ઘરમાં તો કોઇ રીતે શક્ય ના બનતું પણ હવે કોલેજમાં જઇને નયન સાથે વાત કરી શકાસે એ વાતે હું રોમાંચિત થઇ ઉઠી..
"નવસો રુપિયા શાના..?? અાટલા અમથા સામાનના કોઇ નવસો રુપિયા લેતું હશે..? તું રહેવા દે નયન. અાપણે જ ગાડીમાં સામાન નાખીને બે ફેરા મારી લઇશું કોલેજ સુધી. હું ભાર્ગવને બોલાવી લઇશ એટલે એ પણ અાવી જશે એનાં પપ્પાની ગાડી લઇને..!!"
વહેલી સવારે ઘરમાં અાટલી ચહલપહલ સાંભળી એટલે હું પણ ઉંઘરેટી અાંખે નીચે અાવી. નયન પોતાનાં બધા સામાન સાથે તૈયાર હતો અને ભાઇ ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા કરવામાં લાગેલાં હતાં..
"શું છે અા બધું...??" મે મુંઝાઇને પુછ્યું..
"નયનને હોસ્ટેલમાં જગ્યા મળી ગઇ છે. ગયા વર્ષે એક મહિનો મોડી કોલેજ શરું કરી હતી એટલે રુમ ના મળ્યો પણ હવે વ્યવસ્થા થઇ ગઇ છે...!!" પપ્પાએ સમજણ પાડતાં કહ્યું અને હું ચુપ જ રહી..
ભાઇનાં મિત્રો થોડી વારમાં અાવી પહોંચ્યા અને સામાન લઇને રવાના થયાં. સૌ વિખેરાયા એટલે બાઇક ઉપરથી ઉતરીને નયન મારી પાસે અાવ્યો.
"તો પછી...??" ફરીથી એ જ સવાલ..
"હમ્મ્મ...??"
"દોસ્ત બનીશ કે નહીં મારી..? હવે તો અાપણે એક જ કોલેજમાં છે...!!" એણે ફરીથી ટીખળ કરી અને ચાલતો થયો. હવે હું એને કેવી રીતે સમજાવું કે ફક્ત દોસ્ત નહોતું બનવું મારે...!!
"હું કોલેજમાં તારી રાહ જોઇશ નૈના...અને હા સાયકલની ચેઇન ચડાવતા શીખી લેજે...એટલું પણ અઘરું નથી...!!"
મે કાંઇ પણ બોલવાનું ટાળ્યું. હંમેશાની જેમ તોફાન કરવાની એની અાદતનો પરચો જતાં જતાં પણ અાપી રહ્યો હતો. હું સમસમીને ઉભી રહી ગઇ. મને છેલ્લી વખત સ્મિત અાપીને એ નીકળી ગયો અને હું પણ ઉંડો નિસાસો નાખીને અંદર અાવી. માળીયું તો પાછું મળી ગયું હતું પણ કદાચ એટલી ખુશી ના થઇ...
હું નૈના અને એ નયન...!!
અજીબ સંજોગ હતો ને...!!
થોડા દિવસોમાં મારી કોલેજ શરું થઇ ગઇ. ભાઇએ કહ્યું હતું એમ નયન ખરેખર કોલેજની દરેક પ્રવૃત્તિઓમાં અાગળ પડીને ભાગ લેતો. એમનું કેમેસ્ટ્રી ડિપાર્ટમેન્ટ અમારા મેથેમેટિક્સ ડિપાર્ટમેન્ટ સાથે એક જ કેમ્પસમાં હતું પણ અંતર વધારે અને ત્યાં જવામાં બહાનાં ઓછાં..
હું ક્યારેક નજર ચુકાવીને ભાઇને મળવાને બહાને એમનાં ડિપાર્ટમેન્ટ પહોંચી જતી અને નયનને તાકી રહેતી...ક્યારેક મહાકાળીનાં સેવઉસળ ઉપર તો ક્યારેક બંસલનાં બુકસ્ટોર ઉપર....હંમેશા ક્યાંક ને ક્યાંક ભટકાઇ જ જતો અને એક જ સવાલ કરતો.....
તો પછી...??
અમે હંમેશા સમાંતરે તો રહેતાં પણ સાથે નહી..જાણે ટ્રેનનાં બે પાટા...!! હું હવે કોલેજનાં બીજા વર્ષમાં અાવી ગઇ હતી. નયનની ચુપકીદી મને અકળાવી જતી. છેવટે પ્રેમનો એકરાર કરવાનું બીડું મે જ ઝડપી લીધું. અાટલી હિંમત તો એ સમયમાં અમારી ફિલ્મોની નાયિકાઓ પણ નહોતી બતાવી શક્તી પણ હું મેદાને ઉતરી..
"નૈના અા જો બેટા એક બાયોડેટા છે છોકરાનો. મારા સુરતનાં...!!" પપ્પા કાંઇક બોલવા ગયાં પણ મે હાથ કરીને અટકાવ્યાં.
"અાટલી જલ્દી લગ્ન? હજું તો કોલેજ પણ નથી પુરી થઇ..!!"
"અરે લગ્ન કરવાનું નથી કહેતો દિકરા બસ ખાલી જોઇ તો લે. તને નહીં ગમે તો ના પાડી દઇશું અને ગમી જાય તો પણ હમણાં કોઇ લગ્ન નહીં થાય. પહેલાં ભણવાનું પછી લગ્ન..!!" પપ્પાએ માથે હાથ ફેરવ્યો અને મને કવર અાપીને ચાલી નીકળ્યાં..
બીજા દિવસથી કોલેજમાં કલ્ચરલ ફેસ્ટિવલ શરું થઇ ગયો. સૌ મિત્રોની સાથે હું પણ ખીચોખીચ ભરેલી કેન્ટીનમાં અાવીને ગોઠવાઇ. પપ્પાએ અાપેલું કવર હજું પણ મારા બેગમાં જ પડ્યું હતું જેને જોવાની દરકાર મે કરી નહોતી..
"અરે નૈના સાંભળ્યુ તારા લગ્નની વાત ચાલે છે..!!" બીબીસીનાં રીપોર્ટરને પણ શરમાવે એટલી તેજીથી ખબરોનું વ્યવસ્થાપન સંભાળતાં મારા સખી બોલી ઉઠ્યાં..
પહેલાં તો હું એક જ ઝાટકે એની વાત કાપી નાખવા માંગતી પણ એટલામાં જ નયન અાવીને બાજુમાં ટેબલ ઉપર ગોઠવાયો અને મારો વિચાર બદલાયો..
"હા વાત તો ચાલે છે હજું કશું ફાઇનલ નથી. અા એનો બાયોડેટા છે..!!" મે જરા મોટા સાદે ચાલુ કર્યું અને ખુણામાં ફેંકી દીધેલું કવર ફંફોસીને બહાર કાઢ્યું. નયને મારી સામે જોવાનું ટાળ્યું. જે હદની બુમો મે પાડી હતી એ જોતાં અડધી કેન્ટીન હવે મારી સામે જોઇ રહી હતી.
સિગિંગ કોમ્પિટિશનની એનાઉન્સમેન્ટ થતાં સૌ વિખેરાયા અને નયન એનાં ટેબલ ઉપરથી ઉઠીને મારી બાજુમાં અાવીને બેઠો. મારા મનમાં અાશાનું કિરણ ફુટ્યું..
"તો લગ્ન હમ્મ્મ...??" છોકરો કોણ છે ?" નયને રસપુર્વક શરું કર્યું અને મને રડવું અાવી ગયું. અા છોકરાને મારા લગ્નની વાતથી પણ કોઇ ફરક પડતો હોય એવું લાગતું નહોતું..
"છે વળી તું જાણીને શું કરીશ..?" મે પણ બધી જ સભ્યતા ભુલીને સહેજ ગુસ્સામાં કહ્યું.
"અરે બાપ રે નૈના અાટલો ગુસ્સો ? તારા પતિનું તો લાગે છે અાવી જ બનશે લગ્ન પછી..!!" એણે હસતાં હસતાં કહ્યું
"કેમ તારે લગ્ન નથી કરવાનું..??"
"ના રે...અાપણે તો રહ્યાં મનમોજી માણસ...અા બધાં બંધનો અાપણને ના ફાવે..!!" કહીને એ ખુરશી ઉપર અારામથી ગોઠવાયો.
"ઠીક છે તો બેસી રહે...!!" દુ:ખી થયેલી હું બસ હવે ઘરે જવા માંગતી હતી. નક્કી કરી લીધું હતું કે નયન પાછળ અાસુંઓ પાડવાનો કોઇ અર્થ નહોતો. કદાચ એ ખરેખર ફક્ત મિત્ર જ બનવા માંગતો હતો..
"અરે હા કાલે ડાન્સ કોમ્પિટિશનમાં અાવવાનું ના ભુલતી. હું તારી ફ્રેન્ડ નિરાલી સાથે પાર્ટ લેવાનો છું..!!" નયને ચાનો ઘુંટો ભરતાં કહ્યું અને ક્ષણભર માટે હું નિરાલી ઉપર રોષે ભરાઇ..
બહું ડાન્સ વાન્સમાં પાર્ટ લેવો છે મેડમને...ઘરે કહી દઇશ તો બધા ડાન્સ ભુલીને દરરોજ બા સાથે સત્સંગમાં જતી થઇ જશે...
"નૈના...??
"હમ્મ્મ...??"
"તો પછી...??"
હું કાંઇ પણ બોલ્યા વિના નીકળી ગઇ. મનોમન હું લગ્ન માટે હા પાડવાનો નિર્ણય કરી ચુકી હતી. બે વર્ષથી જોયેલાં બધાં જ સપના ધુળધાણી જઇ જતાં લાગ્યાં. અા કેવી લવસ્ટોરી હતી મારી જે મારા મનમાં તો સતત ચાલતી હતી પણ વાસ્તવિકતામાં કોઇ અસ્તિત્વ નહોતું એનું...ક્યારેય વિચારતી કે જો સંજોગોવશાત્ એ દિવસે રસ્તામાં ના મળ્યાં હોત તો...?
તો કદાચ બીજા કોઇક સંજોગમાં મળી જાત અમે. પણ એને મળવું જાણે મારા ભાગ્યમાં અફર હોય એમ મને લાગતું..અાખરે..
હું નૈના અને એ નયન...
અજીબ સંજોગ હતો ને...
ખિન્ન મને હું ઘરે પહોંચી. ઘરનાં મુખ્ય ગેટ પાસે જ પહોંચતાં મારું ધ્યાન દરવાજે પડેલાં અનેક પગરખા ઉપર પડ્યું. અંદરથી હસવાનો અવાજ અાવી રહ્યો હતો. નક્કી મને જોવા માટે છોકરાવાળા અાવ્યા હતાં. હું મન મક્કમ કરીને અાગળ વધી અને દરવાજો ખોલવા ગઇ..
મારા અાશ્ચર્ય વચ્ચે દરવાજો ખોલનાર બીજું કોઇ નહીં પણ નયન જ હતો..
"અરે નૈના અાવી ગઇ તું બેટા. અા જો નયનને તો તું ઓળખતી જ હશે ને. અાપણા જ ઘરમાં રહેતો હતો...નિતિન અા જ છે મારી દિકરી નેૈના...!!' પપ્પાએ અાવેલાં મહેમાનને મારો પરીચય અાપ્યો અને મારું માથું ભમતું હોય એવું લાગ્યું..
તો જેનો બાયોડેટા હું બે દિવસથી લઇને ફરતી હતી એ નયન હતો..??
"ભાઇ અમારે તો કાંઇ નથી પુછવું. અમને નૈના પસંદ છે. તમે નૈનાને પુછી લો..!!"
નયન ઉઠીને મારી સામે અાવ્યો..હું ફાટી અાંખે એને જોઇ રહી.
"તો પછી...??"
એણે હસીને કહ્યું અને મે એ દિવસે પહેલી વાર મારું માથું હકારમાં હલાવ્યું..