Kudaratna lekha - jokha - 21 books and stories free download online pdf in Gujarati

કુદરતના લેખા - જોખા - 21


આગળ જોયું કે અનાથાશ્રમમાં કેશુભાઈ, મીનાક્ષી અને મયુર બાળકોને આગળ કઈ કઈ પ્રવૃતિ કરવાની છે તેનું આયોજન કરે છે જેમાં બાળકોને પહેલા મેદાન પર જુદી જુદી રમતો રમાડવી અને પછી બાળકોને ભોજન કરાવવું અને છેલ્લે ત્રણેએ બાળકોને પ્રોત્સાહિત કરવા માટે વ્યક્તવ્ય આપવાનું નક્કી કરવામાં આવ્યું.
હવે આગળ

* * * * * * * * * * * * *

નક્કી કરેલા આયોજન પ્રમાણે બાળકોને પહેલા મેદાન પર લીંબુ ચમચી, સંગીત ખુરશી, લંગડી દાવ, લુક્કા છુપી અને કોથળા દોડ જેવી રમતોમાં બાળકોએ ખૂબ ઉત્સાહથી ભાગ લીધો. સાથો સાથ કેશુભાઈ, મયુર અને મીનાક્ષી પણ બાળકો સાથે બાળકો બની રમતો રમવા લાગ્યા જેથી બાળકો વધારે ખુશ થયા.


મયુરને તો બાળકો સાથે રમવાનું ખૂબ જ ગમ્યું. તે બાળકોના આનંદિત ચહેરાને જોઇ ને પોતાના બધા જ દુઃખો ભૂલી ગયો. એથી પણ વધારે એ વાતનો આનંદ આવ્યો કે એના સથવારે મીનાક્ષી હતી. લુક્કા છુપી રમતમાં પણ એક જ ઓરડામાં બંને સંતાયા હતા ત્યારે અજાણતા જ થયેલો મીનાક્ષી ના હાથનો સ્પર્શ મયૂરને ખુબ જ મીઠો લાગ્યો હતો. અત્યાર સુધી મયુરે પોતાના સિદ્ધાંતોને વળગીને મનની અંદર સંઘરેલી છુપી લાગણીઓ આજે અચાનક જ ઉછળ કુદ કરવા લાગી. મયુર થોડી થોડી વારે મીનાક્ષિથી વેગળો પડી જતો. એની અંદર એક એવો ભય સતાવવા લાવ્યો કે જો વધારે વખત મીનાક્ષી સામે રહશે તો પોતાની લાગણીઓ જરૂર દર્શાવી દેશે. મયુર આટલો સમય મીનાક્ષી સાથે રહ્યા પછી એટલો આત્મવિશ્વાસ તો બંધાઈ જ ગયો હતો કે જિંદગીભર ના સથવારા માટે મીનાક્ષી થી વિશેષ બીજું કોઈ પાત્ર મળી જ ના શકે. માટે જ એણે મનોમન નક્કી કર્યું કે આ કાર્યક્રમના અંતે એ પોતાના મનનો વિચાર કેશુભાઈ સમક્ષ રજૂ કરશે.


રમતો રમીને બધા થાક્યા હતા માટે જ બધા થોડો આરામ કરવાના હેતુથી લોબી પર બેઠા હતા ત્યારે મયુરના ફોન પર એક unknown નંબર પરથી ફોન આવ્યો.


મયુર : હેલ્લો


અજાણ્યો માણસ: હું રિક્ષાવાળો ભાઈ બોલું છું. સાગરભાઈ એ તમારી વસ્તુ મોકલી છે હું અનાથાશ્રમ ની બહાર ઊભો છું તમે આવી ને બધી વસ્તુ લઈ જાવ.


મયુર :- ઓહ..... ચાલો હું બહાર આવું છું. ( ખરેખર મયુર રમતમાં એટલો ઓતપ્રોત થઈ ગયો હતો કે સાગરને યાદી આપવાની પણ ભૂલી ગયો હતો. એ મનોમન સાગરનો આભાર માનતો અનાથાશ્રમ ની બહાર જવા માટે નીકળ્યો)


મયુરે બધી વસ્તુઓ અનાથાશ્રમ ના એક રૂમ પર મૂકી દીધી પછી બધા બાળકોને મેદાનમાં બેસવા માટે કહ્યું. એક પછી એક બધા બાળકોને ચોકલેટ, રમકડાં અને પુસ્તકોનું વિતરણ કર્યું. બાળકો તો આટલી વસ્તુઓ મળતા ખુશ ખુશાલ થઈ ગયા.


બપોરે બધા જ અલગ અલગ વાનગીઓ મિશ્રિત જમણવારને ન્યાય આપ્યો. પછી બધા બાળકોનો ઉત્સાહ વધારવા માટે મયુરે, મીનાક્ષીએ અને કેશુભાઇ એ વ્યક્તવ્ય આપ્યું.


કેશુભાઈ આ કાર્ય પૂર્ણ થયા પછી મીનાક્ષી અને મયુરના લગ્ન વિશે બંનેને સાથે બેસાડી આ બાબતે વાત કરવાનું નક્કી કર્યું હતું પણ ફરી તેને વિચાર આવ્યો કે પહેલા મીનાક્ષી ની પસંદ વિશે જાણી લેવું જરૂરી છે જો મીનાક્ષીને જ મયુર પસંદ ના હોય તો આગળ વાત વધારવાનો કોઈ પ્રશ્ન જ નથી. માટે કેશુભાઇએ મીનાક્ષીને પોતાની ઓફિસમાં સાથે આવવા કહ્યું.


મીનાક્ષી પણ કોઈ સામો પ્રશ્ન કર્યા વગર કેશુભાઈ સાથે ઓફિસમાં ગઈ. બંને એ સામ સામી ખુરશીમાં બેઠક લીધી.


કેશુભાઈ :- બેટા, તારા જીવનની ખૂબ જ અગત્યની વાત માટે આજે તને અહી બોલાવી છે.


મીનાક્ષી :- કઈ અગત્યની વાત. આશ્ચર્ય સાથે કહ્યું.


કેશુભાઈ :- બેટા તને મયુર પસંદ છે? ગોળગોળ વાત કરવાની જગ્યા એ કેશુભાઇએ સીધું જ પૂછી લીધું. પછી મીનાક્ષી ના ચહેરાના ભાવને સમજવા તેના તરફ નજર સ્થિર કરી.


મીનાક્ષી આ પ્રશ્ન સાંભળતા જ થોડી શરમાઈ ગઈ. એણે પોતાની નજર નીચી કરી લીધી. કેશુભાઈને શું જવાબ આપવો એ વિચારવા લાગી. પછી માંડ આટલું બોલી શકી "કેમ આવો પ્રશ્ન કર્યો"


કેશુભાઈ :- જો બેટા હવે મારી ઉંમર વધતી જાય છે. ભગવાન ની ચિઠ્ઠીમાં ક્યારે નામ આવી એ ના કહી શકાય. એટલે હું જાવ એ પહેલાં મારી ઈચ્છા તારા હાથ પીળા કરવાની છે. અને મયુર મને ગમ્યો છે. મયુર તને જીવનભર દુઃખી નહીં કરે એવો મને અંદરથી વિશ્વાસ છે. હું તમને બંનેને પાસે બેસાડીને જ આ વાત કરવાનો હતો પરંતુ મને એમ થયું કે પહેલા હું તારી પસંદ પૂછી લવ પછી જ મયૂરને આ વાત કરું.


મીનાક્ષી :- મહેરબાની કરીને આજ પછી મરવાની વાત ના કરતા. આ દુનિયામાં તમારા સિવાય મારું છે પણ કોણ? મીનાક્ષી ની આંખો ભીંજાઈ ગઈ.


કેશુભાઈ :- ઓકે બેટા હવે નહિ કહું બસ. પણ મને તારા લગ્નની ચિંતા છે એટલે જ કહું છું બેટા.


મીનાક્ષી :- તમે મારા પિતા સમાન છો. તમે મારું ક્યારેય અહિત વિચારો જ નહિ એવી પૂર્ણ શ્રદ્ધા છે. તમે કહેશો ત્યાં લગ્ન કરવા હું તૈયાર છું. આ શબ્દોમાં મીનાક્ષીને કેશુભાઈ પર પૂર્ણ વિશ્વાસ છલકાતો હતો.


કેશુભાઈ :- હવે જમાનો બદલાઈ ગયો છે મને પસંદ પડે એ જરૂરી નથી. તમે બંને એકાબીજાને પસંદ કરો એ જરૂરી છે. શું તને મયુર ગમે છે? કેશુભાઇએ ફરી એ જ પ્રશ્ન પાછો દોહરાવ્યો.


મીનાક્ષી :- મયુર એમ તો સારો છોકરો છે. આમ ગણો તો મારી ઈચ્છા પણ એક અનાથ છોકરા સાથે જ લગ્ન કરવાની હતી. જો કદાચ આ સબંધ આગળ વધે તો મને કાંઈ વાંધો નથી.


કેશુભાઈ :- હા તો વાંધો નહિ. જો કે મને વિશ્વાસ છે કે મયુર પણ તને પસંદ કરે છે. હવે તું બહાર જા અને મયૂરને ઓફિસમાં આવવાનું કહજે. હું તેની સાથે પણ આ વાત કરી લવ.


મીનાક્ષી :- મોકલું છું મયૂરને. ખુરશી પરથી ઉભા થતા કહ્યું.


કેશુભાઇની વાત સાંભળી મીનાક્ષી અંદરોઅંદર મલકાઈ રહી હતી. કારણકે મયુરમાં એ બધી જ ખાસિયત હતી જે મીનાક્ષી એ સ્વપ્નના રાજકુમાર માં જોઈ હતી.


મીનાક્ષીએ મયૂરને કહ્યું કે ઓફિસમાં કેશુભાઈ બોલાવે છે.


મયુર સાંભળતા જ ઓફિસ તરફ ડગલાં આગળ વધારે છે. ત્યાં પહોંચતા સુધીમાં તો અઢળક સવાલ મયુરના મન ને ઘેરી વળે છે. કેશુભાઈ એ મને શા માટે બોલાવ્યો હશે? શું મીનાક્ષી એ મારી લાગણીઓ પારખી લીધી હશે? એટલે જ કદાચ ઠપકો આપવાના હેતુ થી મને ત્યાં બોલાવ્યો હશે? અજાણતા જ મીનાક્ષી ના હાથનો સ્પર્શ થઈ ગયો હતો એ બાબતે તો મને નથી બોલાવ્યો ને? જો કે એવી કોઈ વાત તો ના જ હોય. મીનાક્ષી નો હસતો ચહેરો જોતા તો એ વાત માટે બોલાવ્યો હોય એવું નથી લાગતું. જો હું જ એવા અપરાધ ભાવના વિચારો કરીશ તો કેશુભાઈ સામે મારે જે વાત કરવાની છે એ નહિ કરી શકું. પોતે જ પોતાને સવાલ જવાબ આપી મનોમંથન કરતો કેશુભાઇની ઓફિસ સુધી પહોંચે છે. ત્યાં સુધી પોતાના મનને મક્કમ કરી આજે પોતાના મનની વાત કેશુભાઈને કહી જ દેશે એવો નિર્ધાર કરે છે.


મયુર :- મને બોલાવ્યો. ઓફિસ માં અંદર પ્રવેશતા કહ્યું.


કેશુભાઈ :- આવો આવો મયુરભાઈ હું તમારી જ રાહ જોતો હતો.


કેશુભાઇની આ આદત મયૂરને સ્પર્શી જતી. તેનાથી ગમે તેટલી નાની વ્યક્તિ હોય તો પણ એને સન્માનથી જ બોલાવતાં. અત્યાર સુધીમાં ક્યારેય મયૂરને તુકારાથી નથી બોલાવ્યો. એકાદવાર મયુરે આ બાબતે કેશુભાઈને કહ્યું પણ હતું કે હું તમારા દીકરા સમાન છું મને મયુર કહીને બોલાવો તો પણ ચાલશે ત્યારે પણ કેશુભાઇએ કહ્યું હતું કે "મારાથી વ્યક્તિ ભલે નાની હોય પણ એના વ્યક્તિત્વને સન્માન આપવું એ મારી ફરજ છે માટે હું બધાને સન્માનથી બોલાવું છું."


ક્રમશઃ
પ્રમોદ સોલંકી


મનની અંદર ધરબાયેલી વાત કોણ પહેલા કહેશે મયુર કે કેશુભાઈ?

આગળ મયુરની જિંદગી કેવી રહશે?


જાણવા માટે વાંચતા રહો "કુદરતના લેખા - જોખા"

વધુ આવતા અંકે........

આપનો કિંમતી પ્રતિભાવ આપવાનું ચૂકશો નહિ
આભાર🙏🙏🙏

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED