આગે ભી જાને ના તુ - 23 Sheetal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આગે ભી જાને ના તુ - 23

પ્રકરણ - ૨૩/ત્રેવીસ

ગતાંકમાં વાંચ્યું.....

અનંત અને સુજાતાના લગ્નમાં ખીમજી પટેલ વિઘ્ન બની ઉભા રહે છે પણ લાજુબાઈ પોતાની ચાલાકીથી એમને ત્યાંથી વળાવે છે. જામનગર આવેલી જાન પાછી વડોદરા પહોંચે છે. સુજાતાનો ગૃહપ્રવેશ થાય છે. વલ્લભરાય અને લાજુબાઈ વચ્ચે ખીમજી પટેલ અને કમરપટ્ટાને લગતી વાતચીત થાય છે.....

હવે આગળ.....

"એ મને નહીં છોડે, એમ... ને..., લાજુબાઈ, તમે જરાય ચિંતા કર્યા વગર સુઈ જાઓ, ખીમજી પટેલને કેમ વારવા એનો ઉપાય મને જડી ગયો છે...... તમતમારે નિરાંતે સુઈ જાઓ. તમારા ચહેરા પર ચિંતા અને થાક બંને દેખાય છે." એક લુચ્ચાઈભર્યા સ્મિત સાથે વલ્લભરાય ઉભા થઇ પોતાની ઓરડીમાં ગયા.

"શેઠને એવો તે કયો રસ્તો જડી ગયો છે કે એ ખીમજી પટેલ જેવા જમાનાના ખાધેલ અને લુચ્ચા માણસની ધમકીને આમ સહજતાથી લઈ રહ્યા છે.... નક્કી દાળમાં કાંઈક તો કાળું છે પણ એ કાળું શું છે એ મારે વહેલી તકે શોધવું તો પડશે જ," લાજુબાઈ મનમાં ને મનમાં કોઈ રમતના પ્યાદા ગોઠવતી ડંખીલું સ્મિત આપી ઓરડીમાં જતી રહી અને જેમતેમ પડખા ફેરવતી રાત પસાર કરી.

સવારે વલ્લભરાય અને નિર્મળા રોજિંદા સમયે જાગી ગયા, ઉઠીને જોયું તો સુજાતા એમનાથી પણ વહેલી ઉઠી નાહીતૈયાર થઈને રસોડામાં કામે લાગી ગઈ હતી.

"અરે.... દીકરી, આટલી વહેલી શું કામ ઉઠી ગઈ છે તું? હજી તો તારા હાથની મેંદી પણ નથી સુકાઈ, ચાલ.... આ બધું રહેવા દે..... કામ તો થયા કરશે. તું ઓરડીમાં જા. આમ પણ લાજુબાઈ, જમના અને હું ચપટી વગાડતામાં જ બધુ કામ પતાવી લઈશું," નિર્મળાએ સુજાતાના હાથમાંથી સાવરણી લઈ બાજુ પર મૂકી દીધી, " હમણાં તો તમારા હરવા-ફરવા ને પહેરવા-ઓઢવાના દિવસો છે પછી તો ઘર સંભાળવાનું જ છે. જા..... બેટા... અનંત સાથે આવજે, જા આરામ કર હજી કાલનો થાક પણ નથી ઉતર્યો... જો તારી આંખો ઉજાગરાથી કેવી લાલઘૂમ થઈ ગઈ છે..."

સુજાતા શરમાઈને પોતાના ઓરડામાં દોડી ગઈ.

"સુજાતા જેવી પુત્રવધૂ પામીને અમે તો ધન્ય થઈ ગયા. વહુના લક્ષણ બારણાંમાંથી એ કહેવત આજે સાચી ઠરતી લાગે છે. સુજાતા આ ઘર અને અનંતને બરાબર સાચવી લેશે. હે... પ્રભુ... બસ આ ઘરના વારસને જોવાની ઈચ્છા જલ્દી પુરી કરજો, બસ... એનાથી વિશેષ કાંઈ નથી જોઈતું, પછી આયખું ખૂટે તોય કોઈ અફસોસ નથી... કેમ અનંતના બાપુ, સાચું કહું છું ને હું?"

"હા... નિર્મળા, સો ટકા સાચી વાત કરી તેં પણ... હજી એક મહત્વનું કામ કરવાનું બાકી છે... ભૂલી ગઈ તું?"

"હવે શું બાકી છે... સમજાણું નહીં કાંઈ. ફોડ પાડીને બોલો."

"અરે.... આપણી જમના માટે સારો મુરતિયો શોધી એનાય હાથ પીળા કરી એને પણ સાસરે વળાવવાની જવાબદારી આપણે નિભાવવાની છે."

"હમમમ... અનંતના લગ્નની ખુશાલીમાં એ વાત તો હું સાવ વિસરી જ ગઈ. ઝટ કોઈ સારો મુરતિયો શોધો."

"આ શું....હજી ગઈકાલે જ ભાભી એ ઘરમાં પગ મૂક્યો અને આજે તમે બંનેએ મને આ ઘરમાંથી કાઢવાની વાત કરો છો. હજી તો મારે ભાભીની સાથે થોડાક દિવસો તો રહેવા દો... અને આમ પણ મારે અહીંથી ક્યાંય નથી જવું... હું ક્યાંય નથી જવાની," જમના મોઢું ફુલાવી વલ્લભરાય અને નિર્મળાની સામે ઉભી રહી ગઈ. એની ભોળી નાદાનિયતભરી સુરત જોઈ એ બંને હસી પડ્યા.

"જમના..., શેઠ અને બેનબા સાચું જ કહે છે, હવે તને પણ સાસરે વળાવવાનો ટેમ આવી ગયો છે. સારો છોકરો મળી જાય તો મનેય શાંતિ... પછી તો હું, શેઠ અને બેનબા ત્રણેય નિશ્ચિન્ત બની જાતરાએ જઈ શકશું...હવે અમારો સમય પૂરો થવા આવ્યો છે. હજી કેટલું જીવવાનું છે એ ખબર નથી એટલે હવે ભગવાનને ભજી લઈએ."

"લાજુબાઈ... તમારી વાત એકદમ સાચી છે. અનંતના બાપુને પણ હવે નિવૃત્તિ લેવાની જરૂર છે. હવે અનંત જાણે, સુજાતા જાણે એ એમનો સંસાર કેમ ચલાવવો એ જાણે. પણ.... હજી સુજાતા નવીસવી છે, એ વ્યવસ્થિત રીતે અહીંયા ગોઠવાઈ જાય પછી વિચારીએ."

"ચાલો, બેસી જાઓ.... ગરમાગરમ ચા-નાસ્તો તૈયાર છે." જમના ચા ના કપ ને નાસ્તાની ડિશો લઈ આવી.

લગ્નનો થાક ઉતરતાં બધા ધીમે ધીમે રોજિંદા કામે વળગ્યા. અનંત અને સુજાતા પણ તૈયાર થઈ કુળદેવીના દર્શન કરવા માટે રવાના થયા.

આખો દિવસ બધી વસ્તુઓ સમી કરવામાં ને ગોઠવવામાં જ નીકળી ગયો. સાંજે અનંત અને સુજાતા દર્શન કરીને પાછા ફર્યા ત્યારે લગભગ સુજાતાને આણામાં મળેલી દરેક વસ્તુ જમના અને નિર્મળાએ વ્યવસ્થિત રીતે કબાટમાં ગોઠવી દીધી હતી.

"વાહ... જમનાબેન..... બહુ સરસ ગોઠવણી કરી છે તમે તો..... મેં પણ કદાચ આટલું વ્યવસ્થિત રીતે ના ગોઠવ્યું હોત" સુજાતાએ જમાનાની પ્રશંસા કરતા એના હાથમાં એક થેલી આપી, " આ લ્યો.....આ તમારા માટે, નાનકડી ભેટ."

"ભાભી આની શું જરૂરત છે....આ ઘરમાં તમે આવી ગયા તો મને બધું જ મળી ગયું."

"એય... ચિબાવલી, લઈ લે હવે, બહુ નાટક કર્યા વગર. આટલા વર્ષોમાં મેં ક્યારેય તને કોઈ વસ્તુ માંગતા જોઈ નથી. સુજાતાએ કેટલા પ્રેમથી તારા માટે સાડી લીધી છે. લઈ લે અને આ સાડી માસી માટે લીધી છે," અનંતે બીજી થેલી જમનાના હાથમાં પકડાવી.

"સુજાતા... આ છોકરી જેટલી મૂરખ દેખાય છે એટલી છે નહીં. કામકાજ પણ ઠીકઠાક કરી લે છે. બસ...ક્યારેક ક્યારેક નાનીમોટી ગરબડ પણ કરી દે છે....પણ હું એને બેન સમજી જવા દઉં છું. આપણે જ એના માટે એના જેવો જ કોઈ મુરખનો સરદાર શોધી કાઢીએ ને એને સાસરે વળાવીએ. એય....ને... પછી નિરાંત."

"શું તમે પણ.... જ્યારે જુઓ ત્યારે એ બિચારી છોકરીને પજવ્યા કરો છો." સુજાતાએ ખોટો રોષ વ્યકત કર્યો. "અને જમનાબેન... તમે જરાય ચિંતા ન કરતા, હું છું ને તમારી સાથે." સુજાતાએ ઉષ્માપૂર્વક જમનાનો હાથ પકડી લીધો.

"અનંત દીકરા... શેઠ બોલાવે છે," લાજુબાઈએ ત્રણેયની ગોષ્ઠીમાં ખલેલ પહોંચાડતા કહ્યું.

"જી.. માસી, હમણાં જ આવ્યો." અનંત રૂમની બહાર નીકળ્યો ને વલ્લભરાયની ઓરડીમાં ગયો.

"શું થયું બાપુ? મને બોલાવવાનું કોઈ ખાસ કારણ? તબિયત તો બરોબર છે ને?"

"અનંત બેટા, આવ અહીં.. મારી બાજુમાં બેસ, બધું જ બરાબર છે, મારી તબિયત પણ એકદમ ઘોડા જેવી છે. એક ખાસ વાત કરવા જ મેં તને અહીં બોલાવ્યો છે." એટલામાં નિર્મળા અને લાજુબાઈ પણ ઓરડીમાં પ્રવેશ્યા એટલે વલ્લભરાયે દરવાજો બંધ કરવાનો ઈશારો કરતાં લાજુબાઈએ દરવાજો બંધ કરી અંદરથી કડી લગાવી દીધી. અનંતને સમજાતું નહોતું કે એવી તે કઈ ખાસ વાત છે કે બાપુ આમ બંધ બારણે એને કહેવા જઈ રહ્યા છે.

"એક વાત પૂછવી છે, સુજાતાએ લગ્ન વખતે જે કમરપટ્ટો પહેર્યો હતો એના વિશે."

"ઓહહ...! બાપુ એમ વાત છે. એ કમરપટ્ટો તો મેં જ સુજાતાના બાપુ એટલે...કે મારા સસરા નગીનદાસને વેચ્યો હતો. એક દિવસ હું તમારી તિજોરીમાંથી ઘરેણાં કાઢતો હતો ત્યારે મારી નજર એક નાનકડી પેટી પર પડી અને ઉત્સુક થઈ એ પેટી મેં ખોલી અને એમાં રહેલો કમરપટ્ટો જોતાં મને એમ થયું કે બીજા ઘરેણાં સાથે એને પણ લઈ જાઉં કેમકે આટલા અનોખા અને કિંમતી કમરપટ્ટાનો કોઈ ને કોઈ ખરીદનાર તો મળી જ જશે. એ કમરપટ્ટો લઈ હું જામનગર પહોંચ્યો અને કમરપટ્ટા સાથે હું પણ સુજાતાની નજરમાં વસી ગયો અને પછી તો તમને બધી ખબર જ છે... પ....ણ.... બાપુ વાત શું છે? અનંતને હકીકત જાણવાની આતુરતા હતી.

"વા...ત... જાણે એમ છે ને...." વલ્લભરાયે ટૂંકમાં તરાનાના અમૂલ્ય કમરપટ્ટા અને આમિર અલી ઉર્ફે ખીમજી પટેલની કથા કહી સંભળાવી અને હવે એ કમરપટ્ટો પાછો મેળવવા માટે ખીમજી પટેલે એમને પંદર દિવસની મુદત આપી હતી જે બે દિવસમાં પુરી થઈ રહી હતી. જો કમરપટ્ટો નહીં મળે તો ખીમજી પટેલ કઈ હદ સુધી જઈ શકે એ એનો ચિતાર પણ આપ્યો. હવે શું કરવું એ પ્રશ્ન ચારેયને સતાવી રહ્યો.

"બાપુ...... હું સુજાતાને વાત કરી જોઉં છું.... "

"ના.....ના.... એને આ બધી વાતની ખબર હમણાં નથી આપવી. હજુ ગઈકાલે તો એણે આ ઘરમાં પગ મૂક્યો છે અને આમપણ એ કમરપટ્ટો હવે એનો છે, એની કિંમત ચૂકવીને લીધો છે. બીજો કોઈ માર્ગ શોધવો પડશે." વલ્લભરાય તોળી વિચારીને બોલી રહ્યા હતા.

"આપણે એવો જ બીજો નકલી કમરપટ્ટો બનાવીને ના આપી શકીએ?" લાજુબાઈએ સૂચવ્યું.

"લાજુબાઈ, એ આમિર અલી છે.... હાથ લગાડતાં જ એને કમરપટ્ટો અસલી છે કે નકલી એની જાણ થઈ જશે. એ પોતે જ આ કામમાં માહિર છે."

"વાત તો તમારી સાવ સાચી છે શેઠ, હવે શું કરવું? બે દિવસ પછી માલિક પાછા આવશે અને જો કમરપટ્ટો એમને પાછો નહીં મળે તો....." લાજુબાઈએ મનમાં રહેલી શંકા રજૂ કરી.

"કોઈક રસ્તો તો વિચારવો જ પડશે અને આપણી પાસે સમય પણ ઓછો છે." અનંત પણ થોડો ચિંતાગ્રસ્ત બની ગયો.

"બાપુ, મારે આઝમગઢ જવું છે... આવતીકાલે જ..... ગમે એ રીતે ત્યાં પહોંચવું જ પડશે." અનંતની વાત સાંભળી ત્રણેય ડોળા ફાડી એને જોઈ રહ્યા.

"પણ... અનંત, ખંડેર બની ગયેલા આઝમગઢમાં જઈને શું કરવું છે તારે... શું વિચાર ચાલે છે તારા મનમાં?"

"એ બધું હું પાછો આવીને સમજાવીશ. હવે તમે બધા નિરાંતે સુઈ જાઓ, હું વહેલી સવારે જ આઝમગઢ જવા નીકળી જઈશ." અનંત વલ્લભરાયના રૂમમાંથી નીકળી પોતાની રૂમમાં ગયો.

"સુજાતા.... એક અગત્યનું કામ આવ્યું હોવાથી, વહેલી સવારે જ હું નીકળી જઈશ અને રાત સુધીમાં અથવા પરમદિવસે આવી જઈશ. તને એકલી મૂકીને જવાનું મન તો નથી પણ જવું જરૂરી છે."

"કેવી વાત કરો છો તમે, તમતમારે નિરાંતે જજો, મારી ચિંતા ના કરો. કામ પહેલા, આપણી આગળ તો આખી જિંદગી પડી છે. સહજીવનની શરૂઆત એટલે ફક્ત તનથી જ સાથે રહેવું એવું નથી, દૂર રહીને પણ મનથી જોડાયેલા જ રહેશું. હવે નિશ્ચિન્ત બની સુઈ જાઓ, વહેલી સવારે તમારે નીકળવાનું છે."

મુક સંમતિ આપી અનંત સુજાતાને આગોશમાં લઈ સુઈ ગયો.

વલ્લભરાય, નિર્મળા અને લાજુબાઈ ત્રણેય પોતપોતાની પથારીમાં હજી જાગતા પડ્યા હતા. ત્રણેયના મનમાં એક જ સવાલ ઘુમરાઈ રહ્યો હતો 'આખરે અનંત આઝમગઢ શા માટે જવા માંગે છે. શું યોજના છે એના મનમાં?'

વધુ આવતા અંકે......

આગે ભી જાને ના તુ’ શિર્ષક હેઠળ આ વાર્તાના તમામ કોપી રાઇટ્સ લેખક પાસે છે. આ વાર્તાના વિષયવસ્તુ, કથાનક અથવા કોઈ અંશને કોઈપણ ક્ષેત્રમાં ઉપયોગમાં લેતાં પહેલાં લેખકની લેખિત મંજુરી લેવી અનિવાર્ય છે તેમજ આ કથાના પાત્ર કે ઘટનાને કોઈ જીવિત કે મૃત વ્યક્તિ સાથે કે ઘટના સાથે કોઈ સંબંધ નથી.