પ્રતિક્ષા - 21 Khyati Thanki નિશબ્દા દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રતિક્ષા - 21

આકર્ષણના ઉદગમ બિંદુ થી શરૂ થયેલી પ્રેમ ની સફર એકાકાર ના અંતિમ બિંદુએ સ્થિર થાય..... અને વચ્ચે તરતુ મધ્યબિંદુ એટલે આકર્ષણ અને નિર્વિકાર તાનો મિશ્ર ભાવ.....

અનેરી નો પ્રેમ મધ્યબિંદુ સુધી પહોંચી ગયો. અનિકેત નું આકર્ષણ ખેંચતું હતું તો ભાવિની વાસ્તવિકતા સ્થિર ભાવે અનેરીના પ્રેમને હકારાત્મક બાજુ વાળતી હતી... ગમતા પ્રિયજન નો પ્રેમ કદી સંકુચિત બનાવી દેતો નથી, ભય પમાડતો નથી.....

કવિતા મેમના ઘરેથી પાછા વળતી વખતે એક પ્રકારની હાશ નો અનુભવ અનેરી ને થયો. એક નવી જવાબદારી જાણે પોતે સાથે લઈને આવી.

કવન:-"અનેરી એક વાત કહું?"

અનેરી:-"હા વળી, તું શું હવે આગળના પ્રાસ્તાવિક પ્રશ્નો પૂછતો થઈ ગયો?"

કવન:-"અનુ આજે હું એક નવી અનેરી ને મળ્યો. તને ખબર છે શા માટે મને તું આટલી ગમે?"

અનેરી:-"હવે એ મને કેમ ખબર પડે આજે તો તું કહી જ દે (હસીને)

કવન:-"હવે મને ભવિષ્યની ચિંતા નથી આજે હું મારી બેસ્ટ ફ્રેન્ડ અનેરી ને કહી શકીશ મારી આદર્શ મૂર્તિ મિસ અનેરી મને કેમ ગમે છે..."
"અનુ તારી હકારાત્મકતા ચિંતા વિનાની વિચાર શક્તિ હૃદયની સાથે મનની ઉદારતા ખેંચે છે."

અનેરી:-"અને આ ખેચાણ ક્યાં લઈ જશે?"

કવન:-"ખેંચાણ હંમેશા નકારાત્મક જ ન હોય અનુ."

અનેરી:-"મને ખબર છે, આપણે બંને એક જ સરખા સમયમાંથી પસાર થઈ રહ્યા છીએ તારી આંખોમાં મને પ્રેમ દેખાય છે પણ લાલસા નથી દેખાતી તેમ હું અનિકેતના ગળાડૂબ પ્રેમમાં છું પણ મારો પ્રેમ અનિકેતને ફક્ત મારો બનાવવાની ઘેલછા નથી. હું બસ એટલામાં પૂર્ણતાનો ભાવ અનુભવું છું કે દુનિયાના કોઈપણ એક ખૂણામાં મારું કોઈ એવું નજીકનું વ્યક્તિ છે જેના વિચારો, સંવેદનાઓ, ભાવો સાથે મારું હૃદય આટલું તાદાત્મ્ય અનુભવે છે."

કવન:-"અને જ્યારે ભાવિની વાસ્તવિકતા તારી સામે આવી જશે ત્યારે અનુ?"

અનેરી:-"એ વાસ્તવિકતાની હું ખૂબ જ નજીક આવી ગઈ છું કવન.... આ ચાર દિવસના સેમિનારમાં અનિકેતની આંખોમાં મેં સ્વીકૃતિ જોઈ છે. વણકહ્યા શબ્દોથી ઘણું બધું એમની આંખોએ કહી દીધું છે .હવે અનિકેતે કંઇ કહેવાનું બાકી રહેતું નથી."

કવન:-"અને એટલે જ કદાચ ઋચા મેમ......

અનેરી:-"ઋચા મેમ નું શું કવન?"

કવન:-"હા અનુ કદાચ ઋચા મેમનો પ્રેમ અનિકેતને દૂર જવા નહિ દે. તારી આ લાગણી એ જ અનિકેતને નજીક લાવી દીધા .તે રાજીનામું આપી હંમેશા માટે આવી ગયા."

અનેરી:-"સાચે કવન એનાથી વધુ સારી શું વાત હોઈ શકે અનિકેત માટે?"

કવન:-"આ તો શું કહી રહી છે અનુ?"

અનેરી:-"હા કવન આ અનેરી છે જે મુક્તિમાં આનંદ અનુભવે કોઈને બાંધવામાં નહીં........"
હું જે અનિકેતને શ્વાસોમાં સાથે લઈને ચાલુ છું તે ઋચા મેમ ના અનિકેત નથી .મારા અનિકેત તો મારા હૃદયની આદર્શ વ્યક્તિ છે જેને સદનસીબે હું આ જન્મમાં મળી શકી . ઋચા મેમ ના અનિકેત ઋચા મેમ ના અનિકેત જ રહેશે. તેમની દુનિયામાં અનેરી નામનું પતંગિયું ક્યારેય પ્રવેશશે નહીં...."

કવન:-"તો પછી આવા સંવેદનનો શું અર્થ અનુ?"

અનેરી:-"તો આપણા?"

કવન:-"હું પણ તને બાંધવા નથી માગતો અને હું લગ્નની શરતો સાથે નો પ્રેમ નથી કરતો."

અનેરી:-"તો બસ હું પણ અનિકેતને પ્રેમ કરું છું નિર્મળ પ્રેમ ...જે સનાતન સત્ય છે.....
તને ન અપનાવવાનું કારણ આપ્યું છતાં તું મારી આટલી નજીક છે.તેમ અનિકેત મારા નથી તે સત્ય સ્વીકારી લીધા છતાં તેમની સાથેનું તાદાત્મય મને દૂર નથી થવા દેતું."

કવન:-"અને હું અનુ હજુ ત્યાં જ છું તું ગમે ત્યારે આવી શકે છે."

અનેરી:-"તને ના પાડવાનું કારણ અનિકેતના પ્રેમ કરતા તેમના પ્રત્યેની મારા પ્રેમ ની વફાદારી છે કવન......
પ્રેમની કુંપળ પહેલીવાર જ્યારે મારા હૃદયમાં ફુટી ત્યારે તે કુંપળ નો વિકાસ અનિકેતના સાંનિધ્યમાં જ થયો છે હું જ્યારે અનિકેતને પહેલીવાર મળી ત્યારે મારા મનમાં આદર્શ પતિ તરીકેની કલ્પના હતી જે ફળીભૂત થઇ અને પછી જયારે ઋચા મેમ ના પતિ તરીકે તેમને મળી ત્યારે મારા પ્રેમને હકારાત્મક રીતે બીજી બાજુએ વાળી દીધો પણ મારી કલ્પના ધૂંધળી નથી થઈ અને તેને સ્થાને બીજા કોઈને કલ્પી નહીં શકું.... આ વફાદારી જીવનપર્યંત રહેશે.....
તેમનું સ્થાન ખાલી જ રહેશે..... તારે આજે મને એક છેલ્લું પ્રોમિસ આપવાનું છે, આજ પછી કંઇ નહીં માંગુ...."

કવન:-"મને બીક લાગે છે અનુ શું માંગવું છે તારે?"

અનેરી:-"પપ્પાને મારા આ નિર્ણય વિશે જણાવતો નહીં એકવાર પપ્પા નવી જિંદગીની શરૂઆત કરી દે ,સ્થિર થઈ જાય પછી સમય જતાં હું બધું સંભાળી લઈશ."

કવન:-"તું મને એટલું સહેલું નથી અનુ."

અનેરી:-"સરળતા તો જીવનના અંતે હોય કવન અત્યારે તો દરિયાની મોજે ,લહેરો સાથે ભરતી અને ઓટ માં, પ્રકૃતિના સત્યને મમળાવવાનું છે ..... મારે ત્રણ લક્ષ્યો પૂર્ણ કરવા છે કવન.....
એક પપ્પાને પુનર્જીવન તરફ વાળવા....
બીજું મારા બેસ્ટ ફ્રેન્ડ કવન માટે સપ્તરંગી દુનિયાની નવી અનેરી શોધવી અને.... પ્રિય અનિકેતના જીવન બાગને મઘમઘતી સુંગંધ ની ભેટ આપવી....

કવન:-"i am always with you dear."
અનેરી:-" i know."

જીવનભરના તોફાન ખાળી રહ્યો છું, ફકત એના મોઘમ ઈશારે ઈશારે.
ગમે ત્યાં હું ડૂબું, ગમે ત્યાં હું નીકળું, છે મારી પ્રતિક્ષા કિનારે કિનારે–
‘મરીઝ’

ચિંતનભાઈ:-"અનુ બહુ રાહ જોવડાવી નાસ્તો ઠંડો થઈ ગયો."

અનેરી:-"પપ્પા so sorry આ કવન... એટલી બધી વાતો કરીને માથું ખાઈ ગયો."

ચિંતનભાઈ:-"કવનને ગુનેગાર બનાવી મારે તારી સાથે પાપના ભાગીદાર નથી બનવું હું ઓળખું મારા કવનને."

અનેરી:-"તો એક કામ કરો પપ્પા... કવન એ હમણાં જ મને કામ સોંપ્યું તેમાં મદદ કરો."

ચિંતનભાઈ:-"ક્યુ કામ?"
.
અનેરી:-"તેના માટે છોકરી શોધવી છે."

કવન:-"અરે અનુ ચૂપ રહે યાર...."

અનેરી:-"જો મેં કહ્યું ને પપ્પા આવો શરમાય તો કેમ ગોતવી છોકરી?"
.
ચિંતનભાઈ:-"અરે એમાં શરમાવાનું શું કવન? હું તો સવારે જ વિચારતો હતો તારા વિશે, તને કોઈ ગમતું હોય તો બેધડક કહી દે આ તારો અંકલ તારી સાથે જ છે."

કવન:-"ના અંકલે કાંઈ નથી અને તમે જે શોધશો તે મને મંજુર."

અનેરી:-"તો બસ હવે આ અનેરી શોધવાં તૈયાર."

ચિંતનભાઈ:-"તેમ નથી અનુ પ્રેમ હોવો જોઈએ આપણે ફક્ત પાત્ર શોધવાનું નથી પ્રેમ ભર્યું કુટુંબ પણ શોધવાનું છે."

અનેરી:-"પપ્પા તમે પ્રેમમાં માનો?"

ચિંતનભાઈ:-"હા બેશક."

અનેરી:-"કેવો પ્રેમ?"
.
ચિંતનભાઈ:-"એ પ્રેમ છે શિલ્પા ને સ્મરે, એ પ્રેમ જે મને જીવાડે છે...."

અનેરી:-"પપ્પા તમારો અને મમ્મી નો પ્રેમ વિસ્તરીને કોઈને જીવાડે તો?"

ચિંતનભાઈ:-"કોને?"

અનેરી:-"કવિતા મેમને પપ્પા .સવારે હું કવિતા મેમ ના ઘરે ગઈ હતી. તેમના એકલવાયા જીવનમાં પ્રેમ ખૂટે છે પપ્પા એ પ્રેમ જે આપણે બંને સાથે મળીને આપી શકીએ, તેમના હૃદયના ખૂણાઓને નવપલ્લિત કરી શકીએ છીએ."

ચિંતનભાઈ:-"દીકરા અત્યારે મારી જવાબદારી તારા લગ્ન કરાવવાની છે."

અનેરી:-"સૌ પ્રથમ તો આપણે બંને સારા મિત્રો છીએ પપ્પા. અને મિત્ર ભાવે ખુલ્લા મને આવનારા સમયને સ્વીકારવો જોઈએ. એક વખત તમે હા નામની મહોર મારી દો પછી બધું જ.... તમારી શિલ્પા નું ઘર લીલીછમ લાગણી વાળું ન થઈ જાય તો મારું નામ અનેરી નહિ."

કવન:-" હા, અંકલ અનુ સાચું કહે છે."

અને ચિંતનભાઈની આંખોના આંસુ ના તોરણો માં અનેરી અને કવનને કેસરવરણી સંધ્યાના સોનેરી રંગો દેખાયા.

(ક્રમશ)