પ્રતિક્ષા - 2 Khyati Thanki નિશબ્દા દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રતિક્ષા - 2




સમય એટલે એક અદ્રશ્ય ખજાનાની પેટી,જ્યાં ક્રમે ક્રમે ગમતી અને ન ગમતી ધટનાઓ એક પછી એક ગોઠવાતી જાય છે. કયારેક તે સંસ્મરણો રૂપે આપણા હૃદય સુધી પહોચી જાય છે.અને આપણી જિંદગીમાં ઍક અમીટ છાપ છોડી દે છે.અને આ સમય બસ પોતાની ગતિએ વહ્યા કરે છે, આપણે સાથે વહેતા વહેતા બસ તેને સાક્ષીભાવે જોયા કરવાનું. આ જ તો આશ્ચર્ય ની ચરમ સીમા........ સમયની....

આ નાની લાગતી અનેરી ક્યારે સ્નાતક થઈ ગઈ મમ્મી પપ્પા માટે જાણે સપનાની વાત.અનેરી ને નાનપણથી વાંચવાનો શોખ અને તેના કરતાં વધારે જીવંત વાર્તા સાંભળવાનો શોખ. અનેરી આમ તો મિતભાષી પણ તેને ગમતા વ્યક્તિઓને તે મિતભાષી ન લાગે અને આ સાહિત્યિક જીવનશૈલીને કારણે વિનયન શાખામાં મનોવિજ્ઞાન વિષય સાથે સ્નાતક પૂરું કર્યું. અને હવે તેની ઈચ્છા આગળ ભણવાની હતી. તેના મતે ભણવાનો સ્ટ્રેસ ન આવવો જોઈએ અને તો જ પોતાને ગમતા પુસ્તકો વધારે વાંચી શકે. ભણવું પણ ત્યારે જ ગમે જ્યારે પોતાની પસંદગીના વિષયો ભણવાના હોય.

સ્નાતક પૂરું કર્યું ત્યાં તો અનેરી ની મનોસ્થિતિ અમુક બાબતોમાં સ્થિર થઈ ગઈ પછી ભલે અનેરીની મનોસ્થિતિ મમ્મી-પપ્પાને અજીબ લાગે, પ્રિય મિત્ર કવનને જીદ લાગે. અમુક મનોવલણો એ અનેરીના હૃદયમાં સ્થાન લઈ લીધું જેના કારણે અનેરી અનેરી જ રહી.

આજે મનોવિજ્ઞાન વિષય સાથે જ અનુસ્નાતક કરવાનું વિચારી એડમિશન માટે કૉલેજ ગઈ. એડમિશન ની કાર્યવાહી પૂર્ણ કરી કોલેજના કેમ્પસમાં ગુલમહોરના ઝાડ નીચે થોડીવાર રોકાઈ ગઈ જાણે કે જીવતી જિંદગીમાંથી થોડો વિરામ લઇ પ્રકૃતિ સાથે સંવાદ કરવા લાગી. સાથે સાથે સવારના નાસ્તા સમયે થયેલો સંવાદ પણ મનમાં પુનરાવર્તિત થયો.

પપ્પા:- "તો અનેરી આગળ શું વિચાર્યું?"

અનેરી:-"બસ હવે નહાઈ લેવું જોઈએ"

મમ્મી:-"અનેરી બસ"

પપ્પા:-(હસતા હસતા)"એ તો ફરજિયાત છે પછી આગળ?"

અનેરી:-"બસ પપ્પા અનુસ્નાતક નું વિચારું છું"

પપ્પા:-" સરસ દીકરા"

અનેરી:-"આજે જ એડમિશન માટે જવાનું વિચારું છું"

પપ્પા:-"અને ત્યાંથી આગળ?"(હસતા હસતા)

અનેરી:-"બસ પપ્પા,એનાથી આગળ મારો ઈશ્વર જાણે."

પપ્પા:-"બેટા ભવિષ્ય તો આપણા હાથમાં નથી પરંતુ તેનું આયોજન જરૂર વિચારી શકાય."

અનેરી:-"ચોક્કસ પપ્પા"

પપ્પા:- " અનેરી તું મારા માટે દીકરા જેવી જ છે એટલે જ ખુલ્લા મને તારી સાથે વાત કરી શકું તથા અભિપ્રાય આપી પણ શકું અને લઈ પણ શકું"

અનેરી:-"હા પપ્પા"

પપ્પા:-"હું તારા ભવિષ્ય વિશે વિચારતો હતો તારી મમ્મી તો ચિંતા પણ કરવા લાગી."

અનેરી:-"wait wait પપ્પા ખાલી ૨ વર્ષ આપી દો મને વિચારવા, મારી જાતને મઠારવા અને પછી આ અનેરી તમને સામેથી આવીને કહેશે... પ્લીઝ"

પપ્પા:-"ઓફ કોર્સ બેટા"

અને ત્યાતો ક્યારે અનેરી કોલેજના ગેટ સુધી પહોંચી ગઈ ખબર જ ન રહી..ઘરે જતા પહેલા કવન ના ઘરે જવા વિચાર્યું. પન્નાબેન અનેરીને જોઈ ખુશ થઈ ગયા. અનેરી ને આવકારી.
પન્નાબેન:-" કેમ છે બેટા?"

અનેરી:-"મજામાં આંટી,તમે કેમ છો?"

પન્નાબેન:-"બસ કવન વિના નથી ગમતું"

અનેરી:-"ક્યારે આવે છે?"

પન્નાબેન:-" બસ interview પુરું થાય એટલે નીકળશે"

અનેરી:-"શેનું ઇન્ટરવ્યુ?"

પન્નાબેન:- તને વાત નથી કરી?" કાલે તેનું એક કંપનીમાં ઇન્ટરવ્યુ છે."

અનેરી:-" લે આ તો છુપો રૂસ્તમ નીકળ્યો."

પન્નાબેન;-"વાત કરી લે જે."

અનેરી:-"હા આંટી." ચાલો હવે નીકળું આવજો."
પન્નાબેન:-"આવજે બેટા."
રાત્રે અનેરી પોતાની ' સંસ્મરણ' નામની નોટમાં આખા દિવસની ચમકતી ક્ષણો ને નોંધી બારી બહાર આવી રહેલા વરસાદ ને જોઈ કવિ શ્રી મુકેશ જોષી ની પંક્તિઓને સ્મરી રહી..

"પથ્થર જેવા દિવસોને પણ માનભેર બોલાવો કે વરસાદ પડે છે' કૂણી કૂણી સાંજો’ ! મારી આંખે રહેવા
આવો કે વરસાદ પડે છે."

મુકેશ જોશી
(ક્રમશ)