દીકરી Dipika Chavda દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

દીકરી

“ કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો...”
“ પિતૃગૃહે જેમ વધે કુમારિકા..” એમજ પિતૃકુલક્યારામાં પાંગરી રહેલ તુલસીના છોડ સમી સુચિતા નાં લગ્ન નો અવસર આંગણે છે. મંડપ રોપાઈ ગયો છે. ઢોલ શરણાઈ વાગે છે. જાન આગમન નો સમય થઈ ગયો છે. ને બીજી બાજુ સુચિતા ને અંગે પીઠી ચોળાઈ ગઈ છે. વહેલી પરોઢે ગણેશ સ્થાપના કરી ને ગણેશ પુજન પણ સંપન્ન થયું છે ને હવે સુચિતા ને એની સખીઓ નવવધૂ નાં શણગાર સજવા લઈ જાય છે.
વાજતેગાજતે જાન નું આગમન થયું છે ને એવે જ સમયે ચંપકલાલ સુચિતા ની મમ્મી નાં ફોટા પાસે જઈને સજળ નયને જાણે ......
સ્વગત જ બબડતાં.....
“ મધુ જો આજે આપણી તુલસીના છોડ સમી સુચિતા નાં લગ્ન છે. તું તો એને ચાર જ વષૅ ની મારા ભરોસે મૂકીને આ દુનિયા છોડીને ચાલી નીકળી હતી. પણ મેં એને ખૂબજ હેતથી ને પ્રેમ થી મારા અને તારા ભાગના સ્નેહની સરવાણી ને સદાય વહેતી રાખીને જ એવા અઢળક લાડકોડથી ઉછેરીને ‘ એર હોસ્ટેસ ‘ બનાવી છે. જો તારીજ ઈચ્છા હતી ને કે આપણી દીકરી દુનિયા ની સફર કરે. આકાશ માં ઊડતાં વિમાન ને જોઈને તું મને કહેતી કે મારે તો મારી આ પરીને ‘એર હોસ્ટેસ ‘ જ બનાવવી છે.”
ને જો તારું એ સપનું સાકાર કરવા માટે જ મેં એની ઉપર સાવકી માં નો પડછાયો પણ નથી પડવા દીધો. મેં એકલે હાથે જ એનો ઉછેર કર્યો છે. એની દરેક ઈચ્છાઓ પૂરી કરીને ખૂબજ લાડકોડથી ઉછેરી છે એને, અને જોને આજે એજ આપણું પતંગિયું કોક બીજા દેશના રાજકુંવર નાં બગીચાનાં ફૂલ પર બેસવા જઈ રહ્યું છે. “
એકાએક જ .... નશામાં ચકચૂર સુચિતા નો અવાજ ચંપકલાલ નાં કાને અથડાયો, ને એ તરફ એમણે દોટ મૂકી. જોયું તો દારૂના નશામાં સુચિતા એ મંડપમાં ધમાલ મચાવી દીધી છે ને આ કહેવાતા લગ્ન અને એનાં રીતરિવાજ માટે બેફામ અને ના બોલવાનાં શબ્દો બોલે છે. નથી એને ભાન કપડાં નું કે નથી ભાન શરીર નું ! ને નથી ભાન એને એના પિતાની ઈજ્જત નું. બસ નશામાં ચકચૂર લથડીયાં ખાતી ખાતી તોરણે આવેલા વરરાજાને પણ ગમેતેમ બોલીને જાણે સ્વાગત કરે છે. જાનમાં આવેલા સૌ કોઈ સુચિતાનું આ સ્વરૂપ જોઈને ચકિત થઈ જાય છે સ્તબ્ધ બની જાય છે સૌ.
ચંપકલાલ તો ફસડાઇ જ પડ્યા .મંડપમાં તો સોપો જ પડી ગયો .સૌની આંખો સુચિતા ને જોઈને જ જાણે એક જ સવાલ કરતી હતી કે આ શું થયું છે સુચિતા ને? શું ખરેખર આવી જ છે સુચિતા ? ને ચંપકલાલ ની સજળ આંખો પોતાની પત્ની મધુ ને પુછે છે,
“ મધુ આ શું થયું ? મારી ક્યાં ભૂલ થઈ ગઈ એના ઉછેરમાં ? કઈ ખામી રાખી હતી મેં એને ઉછેરવામાં ? શું વધારે પડતાં લાડકોડ નું જ આ પરિણામ છે? “
અને હૈયા નો ડૂમો ધોધ બનીને આંખેથી વહેવા લાગ્યો.. ને મારી લાડકડી.... બોલતાં જ જાણે દીવા નું ઘી ખૂટી પડ્યું અને એની શગની છેલ્લી ધ્રુજારી સાથે એમના જીવનની જ્યોત હંમેશ માટે ઓલવાઈ ગઈ. સુચિતાને નશામાં કાંઇજ ના સમજાયું કે આ શું થઈ ગયું છે. પણ જ્યારે એ ભાનમાં આવી ત્યારે તેની દુનિયા લુંટાઈ ગઈ હતી. એ દુનિયામાં સાવ એકલી અને નિરાધાર બની ગઈ હતી.પણ હવે પસ્તાવાથી પણ શું વળે ??બસ એક ખાલીપો જ ને !!!
દીપિકા ચાવડા ‘ તાપસી ‘
નોંધ :- અતિશય લાડકોડથી ઉછેરેલી દીકરી ઓ ક્યારેક સ્વચ્છંદી પણ બનીને મા – બાપને શરમજનક સ્થિતિ માં મૂકી દે છે જેનું પરિણામ બહુ જ ખરાબ આવે છે.