૨૦૨૦, જાન્યુઆરી ૧૧, સાંજના ૦૬:૩૦ કલાકે
સી.જી. રોડ પોલીસ સ્ટેશને, મેઘાવી અને વિશાલ ૧૨ જાન્યુઆરી માટે તૈયારીમાં હતા. વિશાલે વાયરલેસ દ્વારા એકબીજા સાથે જોડાઇ શકે તેવી ગોઠવણ કરી દીધી હતી. દરેક કર્મીઓએ તેમના કાનમાં એક પ્લગ લગાવવાનો હતો. જે પ્લગ બ્લુટૂથ દ્વારા ફોન સાથે અને ફોન દ્વારા એકબીજા સાથે જોડાયેલ રહેવાનું હતું. મેઘાવી તેમની સાથે જે કર્મીઓ આવવાના હતા, તેમને સમજાવવામાં વ્યસ્ત હતી. જસવંતે પણ ત્યાં હાજર રહેવા બાબતે સોનલની મંજૂરી મેળવી લીધેલી. સોનલ તેના કાર્યાલયમાં ટેબલ પર બે હાથના ટેકે માથું ઝુકાવી બેઠેલી હતી.
‘કાલે...’, મેઘાવીના દાખલ થવાને કારણે સોનલે માથું ઉંચક્યું. આંખો એકદમ લાલ બની ચૂકેલી. ચિંતાના વાદળોથી ઘેરાયેલો થાકેલો ચહેરો, ‘શું થયું?’
‘કંઇ નહિ???’, સોનલે ખભા ઉછાળ્યા, ‘શું કહેતી હતી...?’
‘હું કહેતી હતી કે કાલે સવારથી જ આપણે પહોંચી જઇશું કે પછી તારા મનમાં કોઇ યોજના આકાર પામી રહી છે?’, મેઘાવી બેસવા માટે ખુરશી ખેંચી.
‘હા… યોજના તો છે...’, બન્નેની ચર્ચામાં દરવાજા પાસે ઉભેલા ચિરાગના અવાજે ખલેલ પહોંચાડી. તેની પાસે જ હાથમાં નાનકડું ટેબલેટ સાચવીને ચશ્મા સરખો કરતો જય પણ ઊભો હતો.
‘યસ...! આઇ હેવ ડિસ્કસ્ડ વિથ ચિરાગ અબાઉટ ધ પ્લાન...’, સોનલે મેઘાવી સામે જોયું. ચિરાગ અને જય તેની પાસે રહેલી ખુરશીઓ પર બિરાજ્યા. જયે સ્થાનગ્રહણ કરતાં જ ટેબલેટ ચાલુ કર્યું... દસેક પંદરેક સેકન્ડના અંતે સ્ક્રીન પર નક્શો આવ્યો. નક્શો હતો “ગુજરી બજાર”નો.
જયે આંગળીઓના ટેરવાની મદદથી સ્ક્રીન વિશાળ કરી અને સમજાવવાની શરૂઆત કરી, ‘જુઓ… આ લોકમાન્ય તિલક બાગ છે.’, દરેકની નજર સ્ક્રીન પર ચોંટેલી હતી. સ્ક્રીન સોનલના ટેબલ પર બરોબર કેન્દ્રમાં જયે મૂકેલું. મેઘાવી ખુરશીને ટેબલ તરફ થોડી નમાવીને સ્ક્રીન પર ધ્યાન કેન્દ્રિત કરી રહેલી. જેના કારણે ખુરશીના પાછળના બે પાયા હવામાં ઉંચકાયા હતા. સોનલ, વિશાલ અને ચિરાગ પણ જયને સાંભળી રહેલા. ઓરડામાં મેઘાવીની ખુરશીની પાછળ બગલમાં પાકીટ દબાવીને જસવંત પણ ઊભેલો. જયે ટેરવાઓ વડે સ્ક્રીન ખસેડી, બાગથી બજાર તરફ જતો માર્ગ દર્શાવ્યો, ‘આ માર્ગ છે, બજારમાં દાખલ થવાનો, ‘ અને વીસેક મિનિટના અંતે જયે રાહતનો શ્વાસ લીધો, ‘સમજી ગયાને બધા... મારો પ્લાન...’, તે ચશ્મા ઉતારી સાફ કરવા લાગ્યો. હાજર દરેકે જય તરફ તીણી નજર નાંખી. બધાની આંખોની ગરમી જોઇ તેણે વાક્ય બદલ્યું, ‘એટલે કે... આપણો પ્લાન...’
સોનલ ખુરશી છોડી જયની નજીક આવી, તેના ખભા પર હાથ મૂક્યો, ‘યસ... આપણો પ્લાન...’ સોનલની કડકાઇ જોઇ જય થોડો ગભરાયો. તેની ગભરાહટ જોઇ હાજર પ્રત્યેક હાસ્ય રોકી શક્યા નહિ.
દરેકને હસતાં નિહાળી જય થોડો શાંત થયો... મુખમાંથી શાંતિનો શ્વાસ સિસકારારૂપે નિકળ્યો... ‘તમે... તમે... લોકોએ તો મને ડરાવી જ દીધો.’, તે પણ હસવા લાગ્યો.
સોનલે જયનો ખભો થપથપાવ્યો અને બધાની સામે નજર ફેરવી, ‘કાલે સવારે બધાએ, જે રીતે સમજાવ્યું છે, તે પ્રમાણે જ, તે જ સમયે અને તે જ જગાએ હાજર રહેવાનું છે... વિશાલ તમને અત્યારે જ પ્લગ આપે છે... તે કામ પતે નહિ ત્યાં સુધી, કાનમાં લગાવી રાખજો. આ પ્લગ આપણને એકબીજા સાથે જોડી રાખશે. ઓ.કે. તો કાલે સવારે મળીએ...’, સોનલે વાત પૂરી કરી.
‘આપણે મળીશું કેટલા વાગે?’, જસવંતનો અવાજ હતો.
‘આપણે ૯:૦૦ની આસપાસ, કારણ કે ચોપડીવાળા તો બપોરે જ આવતા હોય છે... એટલે ઘણાં વહેલા જઇને આપણને કોઇ લાભ નથી થવાનો...’, ચિરાગે સમય બાબતે ફોડ પાડ્યો.
મેઘાવીની ખુરશીના પાયા હજુ હવામાં જ મજા લઇ રહ્યા હતા. વિશાલે તેને પ્લગ આપતાંની સાથે ખુરશીના ટેકા પર વજન આપ્યું. ખુરશીના હવામાં ઝૂમી રહેલા પાયા અચાનક જમીન સાથે અથડાયા. મેઘાવી જબકી ગઇ. ગભરાઇ. હેબતાઇ. તેનો જમણો હાથ સ્ત્રીસહજ છાતી સરસો ચંપાયો અને આહ નીકળી ગઇ. તેની હાલત જોઇ બધા ગેલમાં આવી ગયા અને હસવાનો અવાજ ઓરડાની બહાર ગૂંજવા લાગ્યો.
*****
૨૦૨૦, જાન્યુઆરી ૧૨, સવારના ૯:૦૦ કલાકે
રવિવારીનો દરેક વિભાગ હજુ ગોઠવાયો નહોતો. અમુક વેપારીઓ વહેલી સવારથી જ ગોઠવાઇ જતા હતા, તો અમુક હજુ પહોંચ્યા હતા. પ્રત્યેકના પાથરણાની જગા નક્કી હોવાને કારણે ચોક્કસ જગા માટે કોઇ ઉતાવળ રહેતી નહિ. આમ તો મ્યુનિસિપલ કોઠા ચાર રસ્તા પાસેથી જ વેપારીઓ વિવિધ ચીજવસ્તુઓના વેપાર અર્થે બિરાજતા. પરંતુ ખરેખર બજારની રોનક લોકમાન્ય તિલક બાગથી જ શરૂ થતી હતી. બાગથી એલિસબ્રીજની નીચે રીવરફ્રન્ટ તરફ જતા માર્ગ પર, બ્રીજ શરૂ થતા જ રસોડાને શોભાવતા સ્ટીલ, એલ્યુમિનિયમ અને લોખંડના બનેલા વિવિધ વાસણોની ભરમાર રહેતી. સૂર્યપ્રકાશ પડતાંની સાથે જ સ્ટીલના વાસણો ઊર્જા મેળવતા જ સંગેમરમર જેવી રાધાની માફક તેમનું તન ચળકવા લાગતું; પાસે રાખેલા કૃષ્ણ સમા લોખંડના શ્યામ વાસણોને જાણે કંઇ પડી જ નહોય તેમ તેમની દુનિયામાં જ જીવતા હોય તેવું ભાસતું. જ્યારે રાધા સમા સ્ટીલની ચળકાટથી ઇર્ષા થતી હોય તેમ ગોપીઓ સમા એલ્યુમિનિયમના વાસણોમાં બળતરાને કારણે ઝીણા ઝીણા કાળા ટપકાંઓ પ્રદીપ્ત થતા હતા. જ્યારે બ્રીજની પગદંડી પાસે લાકડાના રાચરચીલા અર્થેના વેપારીઓ ક્રમબદ્ધ રાસ રમવાનો હોય તેમ વણઝારમાં રહેતા.
કૃષ્ણ, રાધા અને ગોપીઓના દર્શનથી સાબરમતી તરફ આગળ વધતાં જ સામાન્ય ઘરવખરી નજરે પડતી. થોડાંક જ આગળ શ્રી અન્નપૂર્ણા માતાજી મંદિર, શ્રી મહાલક્ષ્મી મંદિર અને ચોક્કસ ગણતરીનાં ડગલાંઓ ભરતાં જ ડાબી તરફ કુરૂક્ષેત્રના મેદાન જેવું વિશાળ બજાર ર્દશ્યમાન બનતું હતું. મેદાન તરફ મીટ માંડતા જ જમણી તરફ હથિયારો એટલે કે પાનાં-પક્કડ, ડીસમીસ... વગેરે, અને ડાબી તરફ નાના-મોટાં દરેક ઊંમરની વ્યક્તિઓ માટેના વસ્ત્રો...મળતાં, કુરૂક્ષેત્રમાં આગળ વધતાં જમણી તરફ ચિનાઇ માટીના બનેલા વાસણો અને મહેમાનોના મનને મોહી લે તેવા કાચના બનેલા વાસણોની રમઝટ જામેલી રહેતી. વળી, વચ્ચે વચ્ચે ક્યાંક ક્યાંક પ્રભુ સાથે સીધો સંપર્ક કરી શકાય તે માટે વપરાતા મોબાઇલને લગતી બધી જરૂરિયાતો વહેંચાતી. ત્યાંથી સહેજ જ આગળ વધી જાવ તો જમણી તરફ રીવરફ્રન્ટ માર્ગ પર જવા માટે નિસરણીઓ હતી, અને ડાબી તરફ લીંબુ શરબતથી છલકાતી હાટડી. અત્યંત નજીવી કિંમતે આજના જમાનામાં લીંબુ શરબત વહેંચનાર વિક્રેતા સુદામારૂપી ગ્રાહકો માટે દ્વારકાનો કાનુડો જ હતો. પાસે જ અન્નપૂર્ણા દેવીનો દૂત પાણીપૂરીની હાટડી સાથે સજ્જ હતો. ડાબી તરફ વિકર્ણની દિશામાં લાકડાની બનેલી લારીઓ, નાના નાના કબાટો, ફક્ત હાડકારૂપી ખાટલાના ઢાંચા, અલંકારીત પૌરાણીક ચીજવસ્તુઓ ચોક્કસ આકારના, આછા લીલા રંગના પથ્થરોથી બનેલા ચોરસ ઓટલા પર શોભાયમાન થતા હતા. થોડાંક અંતરે પક્ષીઓના પીંજરા અને પક્ષીઓ બન્ને એટલે કેદી કેદખાના સાથે બજારમાં વેંચાણ માટે મૂકવામાં આવેલા. બરોબર તેની સામે જ જૂના વસ્ત્રો વહેંચાઇ રહેલા. જેના વેપારી તરીકે લારી ઉપર સિંહરૂપી લોખંડની જર્જરીત ખુરશી પર જૂની ખવાઇ ગયેલી પરંતુ ભપકાદાર લાલ રંગની સાડીમાં માતાજીરૂપે વિક્રેતા બિરાજમાન હતી. તેની પાસેનો જ વિસ્તાર એટલે ચોપડીઓના વેચાણવાળો ભાગ. ત્રીજા ક્રમના ઓટલા પર દાસીની માફક સેવા અર્થે ચોપડીઓને ગોઠવતી સ્ત્રી હાજર હતી. ૦૯:૦૦ કલાકનો સમય હોવાને કારણે, યુદ્ધ અર્થેનું રણશિંગુ ફૂંકાયું ન હોય તેમ યુદ્ધસૈનિકોરૂપી ગ્રાહકોથી મેદાન હજુ ભરાયું નહોતું.
એલીસબ્રીજ પાસે વાસણોના વેપારીઓમાં એક વેપારી તરીકે આછા પાતળા સુતરાઉ કાપડનો ઝભ્ભો અને શ્યામ રંગના લેંઘામાં જય હાજર હતો. જ્યારે શરબતની હાટડી પર બ્લુ ડેનીમ અને તનને ચિપકી જાય તેવી લીલા રંગની ટી-શર્ટમાં ચિરાગ, અને પાણીપૂરીની હાટડી પાસે દેવીદૂત તરીકે, બે વળ વાળેલું કથ્થાઇ રંગનું પેંટ અને અત્યંત ઝીણી પાતળી કાળી રેખાઓ ધરાવતો સફેદ શર્ટ ધારણ કરીને જસવંત હાજર હતો. લારી પર ગોઠવેલી ખુરશી પર માતાજી સ્વરૂપી પગ માથે પગ ચડાવીને મેઘાવી, તો ચોપડીઓને ગોઠવતી અને વારેઘડીયે ફાટેલો દુપટ્ટો ચહેરા પર ફેરવતી સોનલ ભૂરા રંગના પંજાબી પોષાકમાં મેદાનમાં હાજર હતી. રમીલા ગ્રાહક બનીને પૂરા બજારમાં લટાર મારી રહી હતી. સંપૂર્ણ ટુકડી એકબીજા સાથે વિશાલે આપેલા પ્લગની મદદથી જોડાયેલી હતી. ટુકડી ઓળખી ન શકાય તેવા દેખાવમાં હતી.
‘એક વાગવા આવ્યો... આપણે ચારેક કલાકથી અહીં જ છીએ...’, જયનો અવાજ પ્રત્યેકના કર્ણપટલ સાથે અથડાયો. સાથે સાથે તે વાસણો સરખા કરી રહ્યો હોય તેનો અવાજ પણ અથડાયો.
‘સાચે જ. ઘણો સમય થયો...’, વિશાલે જયને સાથ આપ્યો. તે દરેકને એકબીજા સાથે જોડી શકે તેવી વ્યવસ્થા સાથે શ્વેતવાનમાં એલીસબ્રીજ પર હાજર હતો.
‘આપણે પ્રતીક્ષા કરીશું.’, સોનલના આટલા જ શબ્દો બધાને સંભળાયા.
વિશાલે બજારનું ઉપરથી નિરીક્ષણ કરવા માટે એક ડ્રોન ફરતું મૂક્યું હતું. જેનો કેમેરો વિશાલના લેપટોપ પર જીવંત પ્રસારણ કરી રહ્યો હતો. વિશાલ ઝીણવટપૂર્વક સ્ક્રીનનો અભ્યાસ કરી રહેલો. કોઇ પણ સંદિગ્ધ પ્રતીત થાય કે તુરત તે રમીલાને જણાવતો અને રમીલા શંકાસ્પદનો પીછો કરતી. થોડી ક્ષણોમાં તો તેને ખબર પડી જતી કે શંકાસ્પદ, તેમનો શિકાર નથી; અને તે પાછી બજારમાં ફેરા મારવા લાગતી.
‘રમીલા...! તારી બરોબર પાછળ જ શ્યામ ટોપી પહેરેલ વ્યક્તિ... ‘, વિશાલે રમીલાને વ્યક્તિ વિષે માહિતગાર કરી.
રમીલા તુરત જ પાછળ ફરી. તે વ્યક્તિની પીઠ જ દેખાઇ રહેલી. આછા વાદળી રંગનું ડેનીમ અને સફેદ શર્ટમાં સજ્જ તે વ્યક્તિ કાચના વાસણોના વેચાણથી થોડોક જ આગળ વધ્યો હતો. કાળા રંગની ટોપીના કારણે તેનો ચહેરો ડ્રોનના કેમેરામાં દેખાતો નહોતો. વળી, તેણે ચહેરા પર સફેદ રૂમાલ બાંધેલો હતો. મજબૂત બાંધાનો વ્યક્તિ ઝડપી પગલે આગળ વધી રહ્યો હતો. શરબતની હાટડી પાસેથી નીકળતા જ રમીલાએ ચિરાગને ઇશારો કર્યો. ચિરાગ અને જસવંત પણ રમીલા સાથે તે વ્યક્તિની પાછળ જવા લાગ્યા.
સંદિગ્ધ વસ્ત્રોની લારીથી ચોપડીઓ તરફના ઓટલા પાસે પહોંચ્યો. તેની ત્રણતરફ ચિરાગ, જસવંત, રમીલા અને પાછળની તરફ મેઘાવી ગોઠવાઇ ચૂકેલા. સોનલે નજર ઉપર કરી સંદિગ્ધને જોયો, ‘બોલો... સાહેબ...!’
‘હું જાતે ચોપડી પસંદ કરીશ...’, વ્યક્તિએ કહ્યું. વ્યક્તિએ આગળની તરફ સહેજ ઝૂકીને ડાબા હાથથી ચોપડી ઉપાડી.
સોનલે તેનો હાથ પકદી લીધો. તેના સ્મરણમાં ફોરેન્સીક અહેવાલ ફરવા લાગ્યો. જે રીતે પગ અને હાથ પર ચાકુથી રેખાઓ ખેંચવામાં આવી છે, ખૂની ડાબોડી હોવાનો પૂરાવો આપે છે., ‘બે દર્દનાક હત્યા... હવે તું બચીશ નહિ.’, સોનલે તેનો રૂમાલ ચહેરા પરથી ખેંચ્યો.
સંપૂર્ણ ટુકડી વ્યક્તિને જોઇએ અચંબિત હતી.
મેઘાવીના મુખમાંથી શબ્દો સરી પડ્યા, ‘રવિ...!’
*****
ક્રમશ: