મોરપીંછની મુલાકાતે Heli દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મોરપીંછની મુલાકાતે

"મોરપીંછ ની મુલાકાતે"

"ભલે જગતના સૈંકડો વિષ મળીને સો-સો ઘાત દે !
છે એવું વિષ કયાંય??? જે મોરપીંછ ને માત દે !!!"


અહીં વાત છે નકારાત્મકતા રૂપી તોફાની દરિયામાં ઝઝૂમી રહેલી સકારાત્મક હોડીની. જેને સ્વયં પર વિશ્વાસ છે.. તમે સાવ નાજુક ડાળ પર ઝૂલતા પંખીને નિરખ્યું છે!?
એ પોતાની મસ્તીમાં મધુર ટહુકાર કરતું હોય છે.. એને પડવાનો ડર નથી.. કેમ? એને પોતાની પાંખો પર વિશ્વાસ છે
વિશ્વાસ કોનાં પર છે એનાં કરતાં કેટલો છે એ વાત વધારે અગત્યની છે.. એ એવી સંજીવની છે જે વસ્તુમાં પણ પ્રાણ પુરી શકે.

"કૃષ્ણ, રાધાને આપેલું વચન પાળવા ભૂલોક પરથી ગયાં તો ખરાં પરંતુ મોરપીંછ આપી ને." આ ચાર અક્ષરો મળીને જે શબ્દ રચે છે એ માત્ર શબ્દ નથી એક અસ્તિત્વ છે. થીજી ગયેલું અસ્તિત્વ! એ જીવંતતાનાં હાર્દ સુધી પહોંચવા શ્રદ્ધા જોઈએ.. થિજેલા પાણી-બરફ માંથી વરાળ નીકળ્યાં કરે છે ને!? બસ એમ જ એનાં અસ્તિત્વની સાક્ષી પુરવા મોરપીંછ માંથી પણ સતત સકારાત્મકતા ઉર્જા વહ્યાં કરે છે જે એકાંતમાં તમારો મલાજો જળવાય એટલું અળગું રહે છે.. પહેરેદાર બની ને! અને એકલતામાં સાથી બનીને અડોઅડ આવી ને બેસી જાય છે.

કૃષ્ણ પરની શ્રદ્ધા અલૌકિક આભામંડળ રચે છે કે જે તમારી હિંમત ને પોષણ આપતું રહે છે. સફળતા અને સંકલ્પસિદ્ધિનાં માર્ગ પર પ્રતિકૂળતા દરેક પગથિયે વાટ જોઈને બેઠી જ હશે. એવાં સમયે એવાં સમયે કૃષ્ણનું પ્રતિનિધિત્વ કરતું મોરપીંછ સક્ષમ ઉર્જા રૂપે અંતઃકરણથી પડકાર કરે કે, ઓ પ્રતિકૂળતાઓ ! આમ એક એક કરી ને શું આવવું? ત્રેવડ હોય તો બધી સંપીને એક પ્યાલામાં વિષ ધોળો.


મોરપીંછનો સ્પર્શ તો દુરરરર ની વાત છે, માત્ર એની હાજરી પણ વિકૃતિને ડામ દેવાં સક્ષમ છે.

મોરપીંછ શ્રીકૃષ્ણનું સરનામું છે, કળિયુગમાં કૃષ્ણ નાં અસ્તિત્વનો અડીખમ દસ્તાવેજ છે મોરપીંછ ને સદાય સ્મિતનીલ્હાણી કરતાં કાન્હાની અવ્યક્ત વેદનાનું મૌન સંપેતરુ જ સમજવું. આ પંક્તિ, કૃષ્ણત્વને આપણાંમાં અવિરત ધબકતું રાખતાં મીરાંબાઈનાં અનુસંધાનમાં લખી છે. જાણે કદંબના ઝાડ નીચે રાસ રમતી વાંસળીને ઠેસ વાગી; અને એને વેરાઈ જતી બચાવવા મોરપીંછનાં મનોબળનો લાંબો થયેલો સક્ષમ હાથ મને દેખાણો! ( શારીરિક ક્ષમતાઓ અને યોગબળ બન્ને ભિન્ન લોક નાં પરિબળો છે. વાંસળી અને મોરપીંછની ક્ષમતા વિશે સરખામણી તમને દ્વિધામાં મૂકી શકે!.. માટે, આ વાસંતી વાયરામાં કલ્પનાની કામળી ઓઢી નીકળી પડો મારી સાથે..)

મોરપીંછ વિશ્વાસ, આશા અને નિર્જીવ હોવાં છતાં ચૈતન્યનાં બીજ સમું છે.. સાચું કઉં?! મોરપીંછનું માત્ર નામ પણ આવે ને તો મને લાગ્યાં કરે કે કૃષ્ણ અહીં આસપાસ છે!

અરે.. જેની રોમ-રોમમાં રંગ છે અને છતાંય એને મન કૃષ્ણ વગર સઘળું બેરંગ છે એ મોરપીંછ! જેને શ્યાહીનો સ્હેજ સાથ મળે ને ગ્રંથ રચાઈ જાય. દ્વારિકાનાં દરિયાઈ મોજાં જેવાં વાયરાની વાતમાં આવીને જ્યારે જ્યારે એ હરખાઈને લહેરાય ત્યારે હું વિચારું કે મારાં કાન માં સાચોસાચ વાગતી વાંસળી; એણે કેવીરીતે સાંભળી!?

વળી પાછું થાય કે હું એને આમ અપલક નેત્રે નિહાળ્યા કરું છું તો..આ બોલી તો નઈ ઉઠે ને!? કે આમ શું મને એકીટશે જોયાં કરે છે?
મારે એને કહેવુંય કેમ!? કે મારી નજરથી જો ને જરા ; તારામાં કૃષ્ણ દેખાય છે!

: હેલી અમરચોળી
૨૧/૨/'૨૧( વિશ્વ માતૃભાષા દિવસ )