25.
સમય : સવારનાં દસ કલાક
સ્થળ : મહારાજા હર્ષવર્ધનનો રાજખંડ.
મહારાજા હર્ષવર્ધન પોતાનાં રાજખંડની આગળની તરફ આવેલાં ઝરૂખામાં રહેલાં આસન પર બેસેલાં હતાં. આસન પર બેસીને તેઓ હાલ કોઈ ગહન વિચારોમાં ખોવાયેલાં હતાં. તેઓ મનોમન વિચારી રહ્યાં હતાં કે, શાં માટે મહારાણી સુલેખાએ પોતાની સાથે આવો વિશ્વાસઘાત કર્યો હશે ? શું મહારાણી સુલેખા ખરેખર દોષી હશે ? કે પછી તેણે કોઈનાં દબાણવશ થઈને આવું પગલું ભર્યું હશે ? શું મહારાણી સુલેખા આજીવન કાયમિક માટે મૂર્તિ બનીને જ રહેશે ? શું પોતે પેલો દિવ્ય, તેજસ્વી અને ચમત્કારી “રુદ્રાક્ષ” ને પ્રિન્સ પ્લૂટોથી બચાવવામાં સફળ રહેશે ? જો એ દિવ્ય રુદ્રાક્ષ પ્રિન્સ પ્લૂટોનાં હાથે ચડી જશે તો તેનું પરિણામ કેવું ભયંકર આવશે ?” આમ હાલ આવાં અનેક પ્રશ્નો હાલ રાજા હર્ષવર્ધનને ચારેબાજુએથી ઘેરી રહ્યાં હતાં.
બરાબર એ જ સમયે રાયસંગ ગભરાયેલી હાલતમાં હાંફળા ફાંફળા થતાં રાજખંડમાં આવી પહોંચે છે. હાલ તેનાં શ્વાસોશ્વાસ ધમણની માફક એકદમ તેજ ચાલી રહ્યાં હતાં, કપાળ પર ચિંતાઓની લકીરો છવાય ગયેલ હતી. આંખોનાં કોઈ એક ખૂણામાં ડર સ્પષ્ટપણે દેખાય રહ્યો હતો.
“મહારાજા હર્ષવર્ધનનો જય હો !” રાયસંગ પોતાનું શીશ ઝુકાવતા થોડું નમીને બોલે છે.
“એ બધુ તો ઠીક છે.. પરંતુ હાલ તમારા ચહેરા પર બાર કેમ વાગી ચૂકેલા છે ? હર્ષવર્ધન પરિસ્થતિનો તાગ મેળવતા રાયસંગની સામે જોઈને પૂછે છે.
“મહારાજા ! વાત જ એવી છે કે જેને લીધે મારા ચહેરા પર બાર વાગી ચૂક્યાં છે.” પોતાની વાત આગળ વધારતાં રાયસંગ બોલે છે.
“હા ! તો તમે તમારી એ ચિંતા, વ્યથા કે દુવિધા મને બેજીજક થઈને જણાવી શકો છો !” હર્ષવર્ધન પોતાનાં હાથ વડે સહમતી દર્શવાત બોલે છે.
“મહારાજા ! આજે અંતે એ દિવસ આવી જ ગયો કે જે દિવસનો આપણને ડર હતો..!” રાયસંગ થોડુંક આચકતા બોલે છે.
“રાયસંગજી ! તમે મને શું જણાવવા માંગો છો ? થોડું વિસ્તારપૂર્વક જણાવો.” હર્ષવર્ધન રાયસંગની સામે જોઈને ભારે અવાજે જણાવે છે.
“મહારાજા ! પ્રિન્સ પ્લૂટો હાલ આપણાં રાજ્યની સરહદ નજીક આવેલ યુદ્ધ ભૂમિ પર આવી પહોંચ્યો છે, અને આ વખતે તેની સેનાં પહેલાં કરતાં પણ વધુ વિશાળ બની ગઈ છે. તેણે પોતાનાં રાજદૂત દ્વારા તમને સંદેશો મોકલાવેલ છે કે, “મહારાજા હર્ષવર્ધન ! જો તમે તમારા રાજય અને પ્રજાનું હિત કે ભલું ઇચ્છતા હોવ, તો પેલો દિવ્ય અને ચમત્કારી રુદ્રાક્ષ મારે હવાલે કરી આપો..જો તમે આમ કરવાં માટે ઈચ્છા ના ધરાવતાં હોવ તો પછી સૂર્યપ્રતાપ ગઢનાં મહાવિનાશ થવાં માટે માત્રને માત્ર તમે પોતે જ જવાબદાર રહેશો. પછી સૂર્યપ્રતાપગઢને મારા ગુસ્સા રૂપી પ્રલયથી કોઈ જ નહીં બચાવી શકે ..!” રાયસંગ હર્ષવર્ધનને વધુ માહિતી આપતાં જણાવે છે.
આ સાંભળતાની સાથે જ હર્ષવર્ધન ગુસ્સાથી લાલધુમ થઈ ગયાં, તેની આંખોમાં ક્રોધ ભરાય ગયો, પોતે હાલ જે આસન પર બેસેલાં હતાં તે આસન પરથી એકદમ ઝડપથી ઊભા થઈને સામે ટીપાઈ પર રહેલ “ગરુડા તલવાર” ને મ્યાનમાંથી બહાર કાઢીને ઉપર આકાશ તરફ કરતાં ગુસ્સા સાથે બોલે છે કે.
“જાવ ! જઈને ! પ્રિન્સ પ્લૂટોને ચોખા શબ્દોમાં જણાવી દો, કે ભલે તેણે અત્યાર સુધી ઘણાં બધાં યુદ્ધમાં જીત હાંસલ કરેલ હોય, ભલે તેનું આધિપત્ય અડધી દુનિયા પર હોય, પરંતુ અત્યાર સુધી તેનો સામનો ગુર્જર ભૂમિના એકપણ રાજા સામે થયેલ નથી. જે ભૂમિના કણે- કણમાં વીરતા અને શોર્યતા રહેલ છે, જે ભૂમિમાં નાના બાળકોનો “મહાપરાક્રમી” એવાં “શિવાજી મહારાજ” ના હાલરડાં સાંભળીને ઉછેર થયેલો હોય તે ભૂમિનો એકપણ વ્યક્તિ નમાલો ક્યારેય નાં હોય શકે.. ભલે તેનાં કરતાં મારી સેનાં કદમાં નાની હોય પરંતુ મારા એક એક સૈનિક તેનાં દસ સૈનિકો પર ભારે પડી શકે એવાં છે. હાલ તેને અહી તેનું મોત જ ખેંચી લાવ્યું છે, માટે હવે યુદ્ધ એ જ શ્રેષ્ઠ વિકલ્પ છે. આ સાથોસાથ તેને જણાવી દેજો કે જ્યાં સુધી સૂર્યપ્રતાપ ગઢમાં રાજા હર્ષવર્ધનનું શાસન છે ત્યાં સુધી રુદ્રાક્ષ તો શું ? પરંતુ એક ધૂળની ચપટી પણ સૂર્યપ્રતાપગઢમાંથી નહીં લઈ જઈ શકે..!”
“જી ! મહારાજા !” રાયસંગ હર્ષવર્ધનને સલામી કરીને રાજખંડમાંથી બહાર નીકળી જાય છે.
ત્યારબાદ રાયસંગ પોતાની સેનાને યુદ્ધ માટે તૈયાર કરે છે, બધાં સૈનિકો હાલ પોતાનાં રાજ્ય પર”પ્રિન્સ પ્લૂટોના” રૂપે આવી પડેલ આફતોનો સામનો કરવાં માટે હોંશે હોંશે અને જુસ્સા સાથે તૈયાર થઈ જાય છે. જ્યારે આ બાજુ રાજા હર્ષવર્ધન યુદ્ધ માટે સજ્જ થઈને પોતાનાં મહેલમાં આવેલ તેમનાં ઇષ્ટદેવ એવાં “ભોળાનાથ” મંદિર પાસે ઊભાં રહીને બે હાથ જોડીને પ્રાર્થના કરતાં કહે છે કે..
“હે ! દેવોના દેવ મહાદેવ ! તમે મને “દિવ્ય રુદ્રાક્ષ” નાં રક્ષણ માટેની જે જવાબદારી સોંપેલ છે. તે રુદ્રાક્ષનાં રક્ષણ કાજે હાલ હું યુદ્ધભૂમીમાં પ્રિન્સ પ્લૂટો સામે લડાય કરવાં માટે જઈ રહ્યો છું. તમારા પરમભક્તનું રક્ષણ કરજો અને તમારા એ દિવ્ય રુદ્રાક્ષની હું રક્ષા કરી શકુ એટલી મને હિમત અને જુસ્સો અર્પણ કરજો.. બાકી હું એ રુદ્રાક્ષને મારા છેલ્લાં શ્વાસ સુધી પ્રિન્સ પ્લૂટો જેવાં શેતાનનાં હાથે કદાપી નહીં લાગવાં દઇશ.” મંદીરનાં આગળનાં ભાગે રહેલ ચંદન અને ભસ્મ પોતાનાં કપાળ અને ગુરુડા પર લગાવતાં લગાવતાં હર્ષવર્ધન બોલે છે.
થોડી જ કલાકોમાં મહારાજા હર્ષવર્ધન અને રાયસંગ સૂર્યપ્રતાપગઢની બહાર આવેલાં યુદ્ધ મેદાનમાં પોતાની સેનાં સાથે પ્રિન્સ પ્લૂટોનો સામનો કરવા માટે આવી પહોંચે છે. ત્યારબાદ રાયસંગ પ્રિન્સ પ્લૂટોને રાજા હર્ષવર્ધને જે વાત જણાવી હતી. તે વાત પ્રિન્સ પ્લૂટોને જણાવે છે. રાયસંગની વાત સાંભળીને પ્રિન્સ પ્લૂટો જોર જોરથી અટ્ટહાસ્ય કરવાં માંડે છે અને રાયસંગની સામે જોઈને જણાવે છે કે..
“હું રહ્યો આખી દુનિયાનો મહાન પરાક્રમી રાજા અને મને આ નાના એવાં સૂર્યપ્રતાપગઢનાં રાજા ધમકી આપે..? સૂર્યપ્રતાપગઢને જીતવા મારે વધારે સમય નહીં લાગશે, બાકી યુદ્ધ તો થશે જ તે !”
ત્યારબાદ રાયસંગ પ્રિન્સ પ્લૂટોએ પોતાને જણાવેલ આ બાબત હર્ષવર્ધનને જણાવે છે. આ સાંભળીને હર્ષવર્ધન એકદમ ગુસ્સે ભરાય જાય છે. ધનુષબાણ પોતાનાં હાથમાં ઉઠાવતા ઉઠાવતા ગુસ્સા સાથે બોલે છે.
“આક્રમણ.. હર હર મહાદેવ”
આ સાથે જ હર્ષવર્ધનની સેનાં અને પ્લુટોની વિશાળ સેનાં વચ્ચે ખૂબ જ ભયંકર યુદ્ધ ખેલાય છે. જોત જોતામાં આખું યુદ્ધ મેદાન જાણે લોહિયાળ મેદાન બની ગયું હોય તેમ રક્તરંજિત બની જાય છે. આખા મેદાનમાં સેનિકોના હજારો મૃતદેહો લાવરીશ હાલતમાં પડેલાં નજરે પડે છે. ત્યારબાદ હર્ષવર્ધનને ખ્યાલ આવે છે કે હવે તેનાં સૈનિકો પ્રિન્સ પ્લૂટોની વિશાળ સેનાનો સામનો કરવામાં ટૂંકા પડી રહ્યાં છે. જો આમ જ ચાલશે તો થોડી જ વારમાં પોતાની પરાજય થશે તે નક્કી જ હતું. આથી રાજા હર્ષવર્ધન થોડું વિચર્યા બાદ..
“રાયસંગ..!” રાયસંગની સામે જોઈને પોતાનાં હાથ દ્વારા કોઈ ઈશારો કરે છે.
“હર હર મહાદેવ..!” રાયસંગ જાણે હર્ષવર્ધનનો ઈશારો ખૂબ જ સારી રીતે સમજી ગયો હોય તેમ પોતાની તલવાર ઊંચી કરીને એક અલગ જ ઉત્સાહ સાથે નારો લગાવે છે.
ત્યારબાદ રાયસંગ પ્રિન્સ પ્લુટોની સેનાને ચીરતાં ચીરતાં અને રસ્તામાં આવતાં સૈનિકોને મોતને ઘાટ ઉતરતા ઉતારતા સીધો જ હાલ જે જગ્યાએ પ્રિન્સ પ્લૂટો પોતાનાં રથ પર સવાર થઈને યુદ્ધ લડી રહ્યો હતો, ત્યાં આવી પહોંચે છે. અને પ્રિન્સ પ્લૂટો પર જીવલેણ હુમલો કરી બેસે છે, જ્યારે આ બાજુ પ્રિન્સ પ્લૂટો જાણે પોતાનાં જીવ પર આવી બન્યું હોય તેમ મહામહેનતે રાયસંગનાં પ્રહારથી માંડ માંડ બચે છે. બરાબર એ જ સમયે પ્રિન્સ પ્લૂટોના જમણા હાથમાં અસહ્ય વેદના અને પીડા થવાં માંડે છે. આથી તે પોતાનાં જમણા હાથ તરફ નજર કરે છે. નજર કરતાની સાથે જ પ્રિન્સ પ્લૂટો જોવે છે કે કોઈએ પોતાનો જમણો હાથ કોણીથી અલગ કરી નાખ્યો હતો, જેમાંથી પાણીનાં ધોધની માફક લોહી દડ દડ કરીને ફુવારાની માફક વહી રહ્યું હતું.
આથી પ્રિન્સ પ્લૂટો પોતાની સામેની તરફ હેરાની સાથે નજર કરે છે, જેવી પ્રિન્સ પ્લૂટો પોતાની નજર ઊંચી કરે છે, એ સાથે જ તેની આંખોમાં ડર છવાય જાય છે, ચહેરા પર હતાશા છવાય જાય છે. હ્રદયના ધબકાર અને શ્વાસોશ્વાસ એકદમથી વધી જાય છે.. કારણ કે પોતાની નજર સમક્ષ હાલ હર્ષવર્ધન સાક્ષાત કાળ સ્વરૂપે તાંડવ કરવાં માટે ઉભેલ હતો. તેની તલાવર “ગરુડા” માંથી હજુપણ “ટપ ટપ” કરીને લોહીનાં ટીપાઓ પડી રહ્યાં હતાં. આ જોઈ પ્રિન્સ પ્લૂટોને ખ્યાલ આવી ગયો કે ગરુડા તલવારમાંથી હાલ જે લોહીનાં ટીપાઓ ટપકી રહ્યાં હતાં તે બીજા કોઈનાં નહીં પોતાનાં લોહીનાં જ બુંદો હતાં.
આ જોઈ પ્લુટોની સેનામાં ભાગદોડ મચી ગઈ. પ્રિન્સ પ્લૂટોને આવી રીતે હર્ષવર્ધન સામે લાચાર હાલતમાં જોઈને તે લોકોનાં મનમાં ડર છવાય ગયો. તે લોકોને પોતાની હાર દેખાય રહી હતી. એવામાં હર્ષવર્ધન પોતાનાં અશ્વ પરથી ઉતરીને પ્રિન્સ પ્લૂટોનાં ખભા પર ગરુડા તલવાર ટેકવતાં બોલે છે.
“તને શું લાગી રહ્યું હતું કે તું એકદમ આસાનીથી સૂર્યપ્રતાપગઢ પર વિજય મેળવીને ચમત્કારી રુદ્રાક્ષ તારી સાથે લઈ જઈશ એવું ? ક્યારેય કોઈને પોતાનાંથી ઓછા નાં આંકવા....કોઈપણ વ્યક્તિ ભલે ગમે તેટલો મહાન હોય પરંતુ એક દિવસ તો તેનો પણ અંત આવે જ છે, જે સનાતન સત્ય છે. અમારે ત્યાં એક કહેવત છે કે, “શેર માથે સવા શેર” તેમ હાલ તારા પર હું હાવી થઈ ગયેલો છું.” રાજા હર્ષવર્ધન પ્રિન્સ પ્લૂટોને વાસ્તવિકતા જણાવતાં બોલે છે.
“મહારાજા ! મારી ભૂલ થઈ ગઈ.. આજે મારો અહમ અને ભ્રમ સંપૂર્ણપણે દૂર થઈ ગયાં છે. અત્યાર સુધી હું જીતનાં નશામાં ચકચૂર બની ગયેલ હતો. જે પૂરેપૂરો નશો આજે ઉતરી ગયો... મને ક્ષમા કરો !” પ્રિન્સ પ્લૂટો હર્ષવર્ધનની સામે દયા યાચના કરતાં કરતાં બોલે છે.
“હા ! હું ચોક્કસથી તને અને તારા જીવને બક્ષી દઇશ..પણ મારી એક શરત છે !” મનમાં કાંઇક વિચારતા વિચારતા હર્ષવર્ધન બોલે છે.
“શું ? શરત છે ? આપણી મહારાજ ?” પ્રિન્સ પ્લૂટો હેરાનીભર્યા અવાજે પૂછે છે.
“બસ ! મારી શરત માત્ર એટલી જ છે કે તું મને એ વિશ્વાસઘાતી વ્યકિતનું નામ આપ કે જેણે તને મારી પાસે રહેલ દિવ્ય “રુદ્રાક્ષ” વિશે બાતમી આપેલ હતી ?” હર્ષવર્ધન થોડાં ગુસ્સા સાથે પ્રિન્સ પ્લૂટોને પૂછે છે.
“મહારાજ ! મને તમારી પાસે રહેલ એ દિવ્ય “રુદ્રાક્ષ”ની બાતમી આપનાર બીજું કોઈ નહીં પરંતુ તમારા સસરા રાઘવેન્દ્ર સિંહ જ હતાં. જેઓ તમારી સાથે પોતાની હારનો વર્ષો જૂનો બદલો લેવાં ઈચ્છતા હતાં. તેઓ ખુદ તમારું કઈ બગાડી શકે તેમ ન હોવાથી તેઓએ મને આ રુદ્રાક્ષ વિશે બાતમી આપી, મે જ્યારે તેઓને પૂછ્યું કે આ બાતમીનાં બદલામાં તમારે શું જોઈએ છે ? તો તેઓએ મને જણાવ્યું કે, “મારે તમારી પાસેથી કઈ જ નથી જોઈતું, બસ આ બાતમીનાં બદલામાં જો તમારે મને કઈ આપવું જ હોય.. તો હર્ષવર્ધનનું કપાયેલ મસ્તક મારી સામે ધરજો..!” પ્રિન્સ પ્લૂટો રાજા હર્ષવર્ધનને વાસ્તવિકતા જણાવતાં બોલે છે.
“રાઘવેન્દ્ર સિંહ ! જે થાળીમાં ખાતા હતાં એ જ થાળીમાં છેદ કરશે એવું મે સપનામાં પણ વિચારેલ હતું નહીં ! રાઘવેન્દ્ર સિંહને આવો રાજદ્રોહ કરવાનાં ગુનાહ બદલ કડકમાં કડક સજા ફટકારવામાં આવશે..!” હરશવર્ધન પોતાની તલવાર ઊંચી કરીને દ્રઢ નિશ્ચય સાથે ગુસ્સાપૂર્વક બોલે છે.
પ્રિન્સ પ્લૂટોએ પોતાને સાચી હકીકત જણાવી હોવાથી રાજા હર્ષવર્ધન પ્રિન્સ પ્લૂટોને આપેલાં વચન કે જુબાની મુજબ તેનો જીવ બક્ષી દે છે. ત્યારબાદ પ્રિન્સ પ્લૂટો રાજા હર્ષવર્ધન સામેનાં યુદ્ધમાં કારમી પરાજયનો સામનો કરીને પોતાની સેના સાથે પોતાનાં દેશ તરફ પાછા ફરવાં માટે પ્રયાણ કરે છે. જ્યારે આ બાજુ હર્ષવર્ધનનાં મનમાં એક ઝબકાર સાથે પ્રશ્ન ઉદભવે છે કે, “પ્રિન્સ પ્લૂટો એ પોતાને જે પ્રમાણે જણાવ્યું તે મુજબ “રાઘવેન્દ્ર સિંહ” રાજદ્રોહી છે.. તો પછી શું સુલેખા નિર્દોષ હતી ? શું હાલ પોતે જાણતા અજાણતા સુલેખા સાથે ક્યાંક અન્યાય તો નથી કરી બેસલ ને ? પોતે જેના પર આંખો બંધ કરીને વિશ્વાસ કરી રહ્યાં છે તે “રાયસંગ” સાચા છે ? કે પછી પોતાનાથી એક ઈંચ મોત દૂર ભાળીને વાસ્તવિકતા જણાવનાર પ્રિન્સ પ્લૂટો સાચો છે ? આવા વિચાર આવવાથી રાજા હર્ષવર્ધન હેરાની સાથે રાયસંગ તરફ નજર કરે છે.
રાયસંગ જાણે હર્ષવર્ધનનાં મનમાં ચાલી રહેલ વિચારોની ગડમથલને માત્ર આંખો દ્વારા જ સમજી ગયો હોય તેમ રાયસંગ હર્ષવર્ધનની સામે પોતાનાં ગોઠણીએ બેસીને ખુલ્લી તલવાર પોતાનાં બંને હાથમાં રાખી અને નતમસ્તક થઈને બોલે છે.
“મહારાજ ! હાલ તમે જે વિચારી રહ્યાં છો તેવું કાંઇ નથી. મે તમને રાજદ્રોહી વિશે જે કઈ જણાવેલ હતું. એ બધુ મે મારી સગી આંખો દ્વારા નિહાળેલ હતું. બાકી મારી જેવાં સામાન્ય સેવકની એટલી શું મજાલ કે મહારાણી સુલેખા પર ઇનજામ લગાવી શકુ ? રાજદ્રોહી કે વિશ્વાસઘાતી તરીકેની નામના લઈને ફરવા કરતાં હું મોતને વધુ વ્હાલું કરીશ ! બાકી હું કાલે પણ તમારા માટે જીવનું જોખમ ખેડવા તૈયાર હતો અને આજે પણ તૈયાર છું..!” રાયસંગ આત્મવિશ્વાસ સાથે બોલે છે.
“હશે ! રાયસંગજી ! ઊભા થાવ !” ખભા પર હાથ મૂકીને ઊભા થવાં માટેનો ઈશારો કરતાં હર્ષવર્ધન બોલે છે.
“મહારાજા ! હર્ષવર્ધનનો જયજય કાર હો..!” યુદ્ધ મેદાન આવાં પ્રચંડ જયકારથી ગુંજી ઉઠે છે.
ત્યારબાદ રાજા હર્ષવર્ધન પોતાની સેનાં સાથે રાજમહેલ પાછા ફરે છે. સૂર્યપ્રતાપગઢમાં પ્રવેશતાની સાથે જ રાજા હર્ષવર્ધન અને તેની સમગ્ર સેનાનો પુષ્પવર્ષા કરીને આવકારવામાં આવે છે. બધાં જ નગરજનો “મહારાજા હર્ષવર્ધનનો જય હો..!” એવાં નારા લગાવવા માંડે છે. પરંતુ હાલ રાજા હર્ષવર્ધનનાં મનમાં કઈ અલગ જ વિચારોની ટ્રેન દોડી રહેલ હતી. એવામાં તે પોતાનાં રાજમહેલ ખાતે આવી પહોંચે છે. રાજમહેલમાં પણ તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવે છે.
એ જ દિવસે રાતે.
રાજા હર્ષવર્ધન સુવા માટે પોતાનાં શયનખંડમાં સુવા માટે જાય છે. પ્રિન્સ પ્લૂટો સામેની જીતનો ઉત્સાહ જાણે તેનાં રોમે રોમમાંથી ઓસરી ગયો હોય તેવું પોતે હાલ અનુભવી રહ્યાં હતાં. તેણે સપનામાં પણ એવું નહીં વિચાર્યું કે પ્રિન્સ પ્લૂટો સામેનું યુદ્ધ પોતાનાં જીવનને આટલું વિરે વિખરે કરી દેશે ? કોણ પોતાનું અને અને કોણ પારકું છે એ પારખવું પણ પોતાનાં માટે મુશ્કેલ થઈ બનશે ? સાચું કોણ હશે ? શું પોતાની ધર્મ પત્ની સુલેખા સાચી હશે ? પોતાનાં માટે જીવની પણ ક્યારેય પરવાહ ના કરનાર રાયસંગ સાચા હશે ? કે પછી મોતનાં કગાર પર ઉભેલો પ્રિન્સ પ્લૂટો સાચો હશે ? એવાં વિચારો કરતાં કરતાં પથારીમાં આમતેમ પડખા ફરી રહ્યાં હતાં. ઊંઘ પણ જાણે આજે આવવાનું નામ નહોતી લઈ રહી તેવું હર્ષવર્ધન અનુભવી રહ્યાં હતાં.
“એકવાર ! તો મારી વાત કે રજૂઆત સાંભળી હોત..!” બરાબર એ જ સમયે રાજા હર્ષવર્ધનનાં કાને કોઈ યુવતી રડતાં રડતાં બોલી રહી હોય તેવો અવાજ સાંભળાય છે.
આથી રાજા હર્ષવર્ધન સફાળા પોતાની પથારીમાંથી બેઠા થઈ જાય છે, અને પેલો અવાજ કોનો હશે ? - એવો વિચાર આવતાની સાથે હાંફળા ફાંફળા થતાં થતાં શોધખોળ કરવામાં લાગી જાય છે.
“શું ! તમને તમારી ધર્મપત્ની પર એટલો પણ વિશ્વાસ નહોતો કે તે ક્યારેય તમારું ખરાબ ના ઈચ્છે ? શું સુલેખા મારી સાથે આવો ક્યારેય આવો વિશ્વાસઘાત કરી શકે ? આવો પ્રશ્ન તમારે તમારી જાતને એકવાર પૂછવાની જરૂર હતી..!” આટલું સાંભળતાની સાથે હર્ષવર્ધનની આંખોમાંથી દડ દડ કરતાં આંસુઓ વહેવાં લાગ્યાં. પોતે જાણતા કે અજાણતા પોતાની સુલેખા સાથે અન્યાય કરી બેસેલાં હતાં - એ વાત હાલ પોતાને ખૂબ જ સારી રીતે સમજાય રહી હતી.. આથી રાજા હર્ષવર્ધન પોતાનાં શયનખંડમાં રહેલ સુલેખાની મૂર્તિ સામે ગોથણીયે પડીને નાના બાળકની માફક ધ્રુસકે ધ્રૂસકે રડવા માંડયા...પોતે સુલેખા સાથે જે અન્યાય કરી બેસેલાં છે એનાં ભાર સાથે જીવવું હાલ હર્ષવર્ધનને ખૂબ જ કપરું લાગી રહ્યું હતું.
આથી હર્ષવર્ધન સુલેખાની મૂર્તિની બાજુમાં રહેલ કટારી હાથમાં લે છે અને પોતાનાં પેટ પર મારવાં માટે હાથ ઊંચો કરે છે. બરાબર એ જ સમયે જોર જોરથી સુસવાટા મારતો પવન ફુંકાવવા માંડે છે. બારી અને પ્રવેશદ્વાર પર રહેલાં પડદામાં જાણે એકાએક જીવ આવી ગયો હોય તેમ ફફળાટ કરીને ઉડવા લાગ્યાં, શયનખંડમાં રહેલ ઝૂમરોમાંથી કિચૂડ કિચૂડ એવો તીખો કર્કશ અવાજ આવવાં માંડયો. બરાબર એ જ સમયે જોતજોતામાં સુલેખાની મૂર્તિમાં રહેલ દુધિયા આંખો એટલે કે “ક્રિસ્ટલ આઈ” માંથી આંખો આંજી દે તેવી એક દિવ્ય રોશની નીકળે છે.
ક્રમશ :
મકવાણા રાહુલ.એચ.
"બે ધડક"