23.
(આલોકશર્માને વિકાસ નાયક જે માહિતી આપે છે, તે આધારે તેને ખ્યાલ આવે છે કે તેણે સૂર્યપ્રતાપ મહેલે જે પેલી આરસની મૂર્તિ જોઈ હતી તે મૂર્તિની ઇમ્પોર્ટ એક્સપોર્ટ માર્કેટમાં કરોડો રૂપિયા કિંમત છે. આથી આલોકનાં મનમાં લાલચ જાગે છે, અને તે મૂર્તિ મેળવવાં હાંસિલ કરવાં માટે તે જ દિવસે રાતે પોતાનાં ક્વાર્ટરેથી કોઈને પણ કહ્યાં વઘર કાર લઈને નીકળી જાય છે. આપણે ત્યાં કહેવત છે ને કે, “વધુ પડતી લાલચ વિનાશ નોતરે છે.” આલોકનાં કિસ્સામાં પણ કઈક આવું જ બનેલ હતું. આલોક મહેલ પહોંચીને તેની પાસે રહેલ “ક્રિસ્ટલ આઈ”ની મદદથી પેલી આરસની મૂર્તિ મેળવવામાં સફળ તો થઈ જાય છે, પરંતુ જેવો આલોક તે મૂર્તિને સ્પર્શે છે, એ સાથે જ અમુક રહસ્યમય અને ડરામણી ઘટનો ઘટવાં માંડે છે. આલોક પોતાની સાથે શું ઘટી રહ્યું છે, એ સમજે તે પહેલાં જ એકાએક જમીન સરકી જાય છે અને આકાશ જમીનમાં ગરકાવ થઈ જાય છે. જ્યારે પેલી “ક્રિસ્ટલ આઈ” કોઈ સજ્જન માણસની મદદ મળશે એ આશા સાથે ફરી પાછી આલોક શર્માનાં ક્વાર્ટરમાં જે જગ્યાએ રાખેલ હતી તે જગ્યાએ આપોઆપ પહોંચી જાય છે.
સવાર એ કુદરતે મનુષ્યને આપેલ એક અણમોલ ભેટ છે, સવાર એટલે પૂરી રાત આરામ કરીને ચાર્જ થઈને ફરી પાછા કામધંધે લાગવાનો સમય. જો સવારનો સાચો લુપ્ત મણવો હોય તો તેનાં માટે આપણાં દેશમાં રહેલ ગામડાંની સવાર માણવી જોઈએ જે ખરેખર આહલાદક અને આનંદદાયક હોય છે, વહેલી સવારે ખેડૂતો પોતાનું બળદ ગાડું લઈને ગીતો લલકારતા – લલકારતા ખેતરે જતાં હોય એ દ્રશ્ય આપણાં શરીરમાં એક અલગ જ સ્ફૂર્તિ પ્રેરે છે. જ્યારે બીજી તરફ વહેલી સવારે પક્ષીઓનો સાંભળવા મળતો કલરવ આજનાં સમયની સાઉન્ડ સિસ્ટમને પણ ઝાંખી પાડે તેવો સુમધુર અને કર્ણપ્રિય હોય છે, જે કલરવ હાલનાં સિમેન્ટ કોન્ક્રીટનાં જંગલોમાં સાંભળવો એક સપના સમાન બની ગયું છે. એમાં પણ ગામનાં પાદરે આવેલ મંદિરમાં થતી મંગળા આરતીનું મહત્વ દરેકનાં જીવનમાં એક અલગ જ મહત્વ ધરાવતું હોય છે, જે હાલ 2 B.H.K કે 4 B. H. K ની નાની એવી દુનિયામાં રહેતો મનુષ્ય ક્યારેય નહીં સમજી શકે. આ સવાર એ પોતાની સાથે અમુક વ્યક્તિઓ માટે સારા અને ખુશીઓનાં સમાચાર લઈને આવતી હોય છે, જ્યારે અમુક વ્યક્તિઓ માટે આવનાર સવાર દુ:ખ ભરેલ અને શોકભરેલ સમાચાર લઈને આવતી હોય છે. હાલ આવી જ એક સવાર આલોકનાં જીવનમાં દસ્તક દેવાં માટે આવી પહોંચેલ હતી.
હાલ આલોક શર્મા બેભાન હાલતમાં જમીન પર પડેલ હતો, એકાએક આલોક પોતાની આંખો ખોલે છે. આંખો ખોલતાંની સાથે જ આલોક એકદમથી ગભરાય જાય છે, આથી તે પોતાની સાથે રાતે જે કઈ ઘટનાંઓ ઘટેલ હતી તે બધી ઘટનાઓ એક પછી એક યાદ કરવાં માંડે છે, પછી તેને માલૂમ પડે છે, કે જ્યારે તે પેલી યુવતી દ્વારા કરવામાં આવતી ભવિષ્યવાણી વિશે સાંભળી રહ્યો હતો, બરાબર એ જ સમયે સુસવાટા મારતો પવન ફુંકાવવા માંડયો હતો, ધરતી ડોલવાં માંડી હતી, જે યુવતી ભવિષ્યવાણી કરી રહી હતી તે યુવતીનો અવાજ એકાએક કિકિયારીઓમાં ફેરવાઇ ગયો, આ સાથે જ ધરતી ચિરાઈ ગઇ હતી અને પોતે એ ખાડામાં ગરકાવ થઈ ગયેલ હતો.
આથી આલોક કપડાં પર રહેલ ધૂળ ખંખેરતા - ખંખેરતાં ઊભો થાય છે, પોતાનાં શરીરમાં હાલ થોડો દુખાવો થઈ રહ્યો હોવાને લીધે આલોક બગાસું ખાતા ખાતા આળસ મરડે છે, એવામાં આલોકનું ધ્યાન પોતાની સામે આવેલ મેદાન તરફ પડે છે. આ જોઈ આલોક ખૂબ જ મૂંઝાય જાય છે, કારણ કે તેની નજર સમક્ષ એક વેરાન જમીન જ આવેલ હતી, દૂરદૂર સુધી માણસનાં નામે કોઈ દ્રશ્યમાન નહોતું થઈ રહ્યું. આથી આલોક આ મેદાનની પેલે પાર જવાં માટે કોઈ રસ્તો હશે એવું વિચારીને તે મેદાન તરફ જવાં પોતાનાં પગલાં ભરે છે. ત્યારબાદ થોડા જ સમયમાં આલોક તે મેદાનની એકદમ નજીક પહોંચી જાય છે.
જેવો આલોક તે મેદાનમાં પોતાનો પગ મૂકે છે એ સાથે “ધડાક” એવો અવાજ આવે છે, અને આલોક દ્વારા “ઓહહ” એવો એક ઉદગાર નીકળી જાય છે, કારણ કે જ્યારે આલોક પેલાં મેદાન તરફ આગળ વધી રહ્યો હતો, ત્યારે તે એકાએક કોઈ પારદર્શક દિવાલ સાથે અથડાય જાય છે, જેને લીધે “ધડાક” એવો અવાજ આવેલ હતો. ત્યારબાદ આલોક એ પારદર્શક દરવાજાને પાર કરવાં માટે અથાક પ્રયત્નો કરે છે, પરંતુ આલોકનાં તમામ પ્રયત્નો વ્યર્થ ગયાં. આથી આલોક હતાશ અને માયુસ થઈને એક પથ્થર પર જઈને બેસી જાય છે અને વિચારોનાં ચક્રવાતમાં ફસાય જાય છે.
“હું ! અહિયાં કેવી રીતે આવ્યો ? શું હું આ આફતમાંથી બહાર નીકળી શકીશ ? શું હું આ પારદર્શક દિવાલની પેલે પાર જવામાં સફળ રહીશ ? કે પછી હું કાયમિક માટે આ પારદર્શક દિવાલોની વચ્ચે ફસાયેલો રહીશ ? શું આ આફતમાંથી બહાર નીકળવા માટેનો કોઈ ઉપાય હશે ? જો ઉપાય હશે તો શું ઉપાય હશે ? શું આ બધુ હું હાલ જે કઈ ભોગવી રહ્યો છું એ મારી લાલચનું પરીણામ છે ? શું કોઈ મારી મદદ કરવાં માટે આવશે ?” હાલ આલોક ચારેબાજુએથી આવા વિચારોથી ઘેરાયેલો હતો, પરંતુ હાલ તેની પાસે આમાંથી એકપણ પ્રશ્નનો ઉત્તર હતો નહીં.
ધીમે - ધીમે સેકન્ડો, મીનીટો અને કલાકો વીતવા માંડી, જેમ જેમ સમય પસાર થઈ રહ્યો હતો તેમ તેમ આલોકની ચિંતાઓમાં પણ વધારો થઈ રહ્યો હતો, બરાબર એ જ સમયે એકાએક આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાય ગયાં, વિજળીઓ કડકવા માંડી, જોર જોરથી પવન ફુંકાવવા માંડયો, જે જોતાં એવું લાગી રહ્યું હતું કે થોડીવારમાં જ ધોધમાર વરસાદ આવી પડશે, આ જોઈ આલોક પોતાની જાતને બચાવવા માટે તેની એક તરફ આવેલ નાની ગુફામાં છુપાય જાય છે, જ્યારે આલોક આ ગુફામાં પ્રવેશી રહ્યો હતો, બરાબર એ જ સમયે આલોકનું માથું કોઈ વસ્તુ સાથે ટકરાયું, આથી આલોક ગુસ્સા સાથે તે વસ્તુ તરફ નજર કરે છે, ત્યારબાદ આલોકને ખ્યાલ આવે છે કે ગુફામાં પ્રવેશતી વખતે પોતાનું માથું કોઈ મૂર્તિ સાથે અથડાયેલ હતું. આથી આલોક ઝડપથી પેલી મૂર્તિ તરફ પોતાનાં હાથ લંબાવે છે અને પોતાનાં બંને હાથ મારફતે તે મૂર્તિને ઊંચી કરે છે. ત્યારબાદ આલોકને ખ્યાલ આવે છે કે પોતાનું માથું જે મૂર્તિ સાથે ટકરાયેલ હતું તે મૂર્તિ તો “નટરાજ” એટલે કે ભગવાન શિવની હતી.
હાલ પોતાની પાસે બચવા માટેનો કોઈ જ ઉપાય ન હોવાને કારણે આકાશ આ “નટરાજ”ની મૂર્તિ સમક્ષ પોતાનાં બંને હાથ જોડી, આંખો બંધ કરી, શિશ ઝુકાવીને પ્રાર્થના કરતાં કરતાં બોલે છે.
“હે ! દેવોનાં દેવ મહાદેવ.. તમે તો ભોળાનાથ છો, મનુષ્યનાં મનમાં છળ, કપટ, દગો, વિશ્વાસઘાત અને બેઈમાની હોય છે, જ્યારે તમારા મનમાં આવી કોઈ જ વૃતિને સ્થાન નથી, આથી જ તમને “ભોળાનાથ” કહેવામાં આવે છે, હાલ મને મારી ભૂલ ખૂબ જ સારી રીતે સમજાય ગઈ છે, જેનું મને દુખ અને રંજ પણ છે, હવે હું ભવિષ્યમાં ક્યારેય આવી લાલચ નહીં કરીશ ! બસ મને તમારું નાનું બાળક સમજીને મારી ભૂલને માફ કરીને મારા પર કૃપા કરો..!” -
જેવી આલોક “નટરાજ” ની મૂર્તિ સમક્ષ આવી દયા યાચના કરે છે, એ સાથે જ તે મૂર્તિમાંથી એક તેજસ્વી રોશની નીકળે છે અને પેલી પારદર્શક દિવાલ સાથે અથડાય છે, અને તે પારદર્શક દિવાલ પળભર માટે અદ્રશ્ય થઈ જાય છે, આથી આલોક ખુશ થતાં થતાં દિવાલની આરપાર નીકળીને આગળ તરફ વધે છે. જેવો આલોક પેલાં મેદાનમાં પ્રવેશે છે એ સાથે જ વેરાન મેદાન એકાએક હરિયાળું બની જાય છે. તેમાં મોટાં મોટાં વૃક્ષો આવેલા હતાં, રંગબેરંગી અને મનમોહક સુગંધિત પુષ્પો આવેલાં હતાં, પક્ષીઓ ઉચ્ચ ગગનમાં કોઈપણ જાતનાં ડર વગર મુક્તમને ઉડાન ભરી રહ્યાં હતાં. જ્યારે બીજી તરફ પાલતુ પ્રાણીઓ જેવાં કે ગાય, ભેંસ, બકરી , ધેટા વગેરે આ હરીયાળી જમીન પર ચરી રહ્યાં હતાં. આ જોઈ આલોકનાં જીવમાં જીવ આવ્યો, હવે પોતાને કોઈ મદદ મળી રહેશે એવાં દ્રઢ નિર્ણય સાથે આલોક આગળ ધપે છે.
એવામાં એકાએક જમીનમાંથી આઠ દરવાજાઓ પ્રગટે છે, આ બધાં જ દરવાજાઓ એકબીજાથી અલગ અલગ ચોક્કસ ખૂણે ગોઠવાયેલાં હતાં, આ જોઈ આલોક ક્ષણિક મૂંઝાય જાય છે, આથી તે પોતાનાં મનમાં વિચારવા માંડે છે કે આમાંથી કોઈ એક દરવાજો તેને આ ભૂલ ભૂલૈયામાંથી બહાર નીકળવા માટે ચોક્કસથી મદદ રૂપ થશે, આથી આલોક આ દરવાજા વિશે પોતાનાં જ્ઞાનનો નિચોડ કરતાં - કરતાં અભ્યાસ કરવાં લાગે છે, લાંબા સમય સુધી આ દરવાજાનું બારીકાય ભર્યું નિરીક્ષણ કર્યા બાદ આલોકને ખ્યાલ આવે છે કે “આ પ્રત્યેક દરવાજા કોઈ ચોક્કસ દિશાનાં પ્રતિક સમાન છે, કારણ કે આલોક ખૂબ જ સારી રીતે જાણતો હતો કે વાસ્તુશાસ્ત્ર અનુસાર અને આપણાં ગુજરાતી પંચાંગ મુજબ કુલ આઠ દિશાઓ જેમ કે ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, ઇશાન, અગ્નિ, નૈઋત્ય અને વાયવ્ય આવેલ હોય છે, અને આ દરવાજા પણ કુલ આઠ છે, જે આ દિશાના ક્રમાનુસાર જ ગોઠવાયેલાં હતાં..
આથી આલોક ખૂબ જ વિચાર્યા બાદ “નૈઋત્ય” દિશા તરફ રહેલાં દરવાજામાં પ્રવેશવાનું મનોમન નક્કી કરે છે, જે કદાચ આલોકનાં જીવનની મોટામાં મોટી હશે, જેનો આલોકને જરાપણ અણસાર હતો નહીં. આથી આલોક દ્રઢ સંકલ્પ કરીને નૈઋત્ય દિશા આવેલાં દરવાજામાં પ્રવેશવા માટે આગળ વધે છે, જેવો આલોક આ દરવાજામાં પ્રવેશે છે, એ સાથે જ પેલો દરવાજો આપમેળે બંધ થઈ જાય છે, આલોક હાલ કોઈ મોટી અને અંધકારમય ગુફામાં આવી ચડેલ હતો, એવામાં આકાશને કોઈ મૃતપ્રાણી કોહવાયા બાદ જેવી ગંધ આવે તેવી ગંધ આવે છે, આથી આલોક પોતાનું નાક બંને હાથ વડે બંધ કરે છે, બરાબર એ જ સમયે આલોકનાં કાને કોઈએ મોટેથી ઓડકાર ખાધો હોય તેવો અવાજ સાંભળાય છે. બરાબર એ જ સમયે આલોકને પોતાની સામેની બાજુએથી પીળા રંગની રોશની દેખાય છે. આથી આલોકનાં ગભરાયેલાં જીવને થોડી શાંતિ મળે છે. ધીમે ધીમે જોત જોતમાં એ પીળા રંગની રોશની એ અંધકારમય ગુફામાં ચારેકોર ફેલાય જાય છે, ત્યારબાદ આલોકને માલૂમ પડે છે કે હાલ તેની સામે જે પીળો પ્રકાશ છવાયેલો હતો તે પ્રકાશ મસાલમાંથી આવી રહ્યો હતો, એવામાં એકાએક આલોકની નજર સમક્ષ આઠ કદાવર, બિહામણાં ચહેરો ધરાવતા દાનવો આવીને ઊભા રહી જાય છે. આ દાનવો ખૂબ જ ડરામણાં અને ભયાનક લાગી રહ્યાં હતાં, જેની આંખો ગુસ્સાને લીધે લાલચોળ હતી, હાથ અને પગમાં મોટાં મોટાં નખ આવેલાં હતાં, લાંબા અને ધારદાર દાંત આવેલા હતાં. અને તેઓનાં હાથમાં હાડકાઓનાં ટુકડા રહેલાં હતાં જેમાંથી હજુપણ લોહીનાં બુંદો ટપકી રહ્યાં હતાં, આથી આલોકને ખ્યાલ આવી ગયો કે આ બધાંએ ભેગા મળીને કોઈ પ્રાણી કે મનુષ્યને ખાવાની મિજબાની માણેલ હશે, થોડીવાર પહેલાં જે ઓડકારનો અવાજ સાંભળાયો તે આમાંથી જ કોઈ રાક્ષસનો હોવો જોઈએ એવું આલોકને લાગી રહ્યુ હતું.
હાલ આલોક બધી બાજુએથી મુશ્કેલીઓથી ઘેરાય ગયેલો હતો, એક બાજુ આ નરભક્ષી દાનવો તેની તરફ ધીમે ધીમે આગળ વધી રહ્યાં હતાં, તો બીજી તરફ જે દરવાજેથી પોતે અહી પ્રવેશ્યો હતો, તે દરવાજો ખૂલવાનું નામ નહોતો લઈ રહ્યો, આલોકે પોતાનો જીવ બચાવવા મરણીય પ્રયાસો કર્યા પરતું હાલ તેનાં બધાં જ પ્રયત્નો વ્યર્થ ગયાં, જ્યારે આ બાજુ પેલાં દાનવો આલોકની વધુને વધુ નજીક આવી રહ્યાં હતાં.
આથી આલોક પોતાનાં શરીરમાં જેટલું જોર હતું, તે બધુ જોર લગાવીને પેલાં દરવાજાને “હર હર મહાદેવ” - એવી જોરથી બૂમ પાડીને ધક્કો મારે છે, આ સાથે જ પેલો દરવાજો ખૂલી જાય છે, બરાબર આ જ સમયે ત્યાંથી ઘણે દૂર રહેલ પેલી “નટરાજ”ની મૂર્તિમાંથી એક તેજસ્વી રોશની બહાર નીકળે છે, જે પળભરમાં આ નરભક્ષી દાનવોનો ખાતમો કરી નાખે છે.
આથી આલોક ખુશ થતાં થતાં “નટરાજ” ની મૂર્તિ તરફ દોટ મૂકે છે, હજુ તો માંડ આલોક થોડું જ દોડયો હશે એ સાથે જ કોઈએ તેનો પગ જકડી રાખ્યો હોય તેવું લાગ્યું. આથી આલોક પાછું વળીને જોવે છે, તે જોવે છે કે તેનો પગ પેલાં દાનવનાં હાથમાં જકડાયેલ હતો, આ જોઈ આલોક ખૂબ જ ડરી જાય છે કારણ કે હાલ તેનો પગ માત્ર પેલાં દાનવનાં કપાયેલાં હાથે જ જકડી રાખ્યો હતો, આથી આલોક પોતાનો પગ છોડાવવા માટે ઘણાં ધમ પછાડા કરે છે. અને મહાનહેનતે પોતાનો પગ પેલાં દાનવનાં હાથમાંથી છોડાવે છે. બરાબર આ જ સમયે આલોક પેલાં દરવાજાથી થોડે દૂર આવેલાં એક ઊંડા ખાડામાં પડી જાય છે, અને આલોકને પેલાં દાનવોથી બચાવવા માટે એ ખાડાની ઉપરની તરફ પેલી “નટરાજ” ની મૂર્તિ ગોઠવાય જાય છે.
જ્યારે આ બાજુ બધુ પહેલાંની માફક નોર્મલ બની જાય છે, પેલાં આઠે આઠ દરવાજાઓ આપમેળે જ અદ્રશ્ય થઈ જાય છે, પેલી પારદર્શક દીવાલો પોતાની જગ્યાએ આવી જાય છે, પહેલાંની માફક ચારેકોર હરીયાળી છવાય જાય છે, અને પાલતુ પ્રાણીઓ ફરી એ જ જમીનમાં ચરવાં માંડે છે.
ક્રમશ :
મકવાણા રાહુલ.એચ.
"બે ધડક"