શિવરુદ્રા.. - 7 Rahul Makwana દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

શિવરુદ્રા.. - 7

7.

(શિવરુદ્રા અમદાવાદથી ગાંધીનગર ખાતે આવેલ ડિપાર્ટમેન્ટ ઓફ આર્કિયોલોજી ખાતે પહોંચે છે, અને ત્યાં તે મિ.સુનિલ યાદવને મળે છે, જેઓ ડિપાર્ટમેન્ટનાં હેડ હતાં, ત્યારબાદ સુનિલ યાદવ શિવરુદ્રાને સૂર્યપ્રતાપગઢ ખાતે પોતાની ફરજ બજાવવા માટે નિયુક્ત કરે છે, ત્યારબાદ શિવરુદ્રા પોતાનો અપોઈન્ટમેન્ટ લેટર લઈને ટેક્ષી દ્વારા સૂર્યપ્રતાપગઢ ખાતે જવાં માટે રવાનાં થાય છે, થોડીવારમાં શિવરુદ્રા સૂર્યપ્રતાપગઢ ખાતે પહોંચી જાય છે, સૂર્યપ્રતાપગઢમાં પ્રવેશતાની સાથે જ શિવરુદ્રાની નજર ગામની બહાર આવેલ વર્ષો જૂની હવેલી પર પડે છે, જે રાજવંશી પરિવાર દ્વારા નિર્માણ પામેલ હતી, પરંતુ હાલ તે જર્જરીત હાલતમાં હતી, ત્યારબાદ શિવરુદ્રા પોતાનાં સેન્ટરે પહોંચે છે, જ્યાં તેનું અન્ય કર્મચારીઓ દ્વારા સ્વાગત કરવામાં આવે છે, અને સાંજે શિવરુદ્રા કેમ્પસમાં આવેલ પોતાને જે કવાર્ટર મળેલ હતું, તેમાં જાય છે અને જમીને ઘસઘસાટ ઊંઘી જાય છે…….)

ધીમે ધીમે દિવસો, અઠવાડિયા અને મહિનાઓ, અને વર્ષો વીતવા લાગ્યાં, જ્યારે આ બાજુ શિવરુદ્રા પોતાનાં કાર્યમાં મહારથ હાસિલ કરી રહ્યો હતો, આ ઉપરાંત તે અન્ય આર્કીયોલોજીકલ કોલેજમાં વિઝીટિંગ લેક્ચરર તરીકે પણ પોતાની સેવા આપતો હતો, ગઈ કાલનો એકદમ નિખાલસ યુવક આજે જવાબદાર અધિકારી બની ગયો હતો, ધીમે ધીમે શિવરુદ્રા પોતાનાં ઇન્ટરસ પ્રમાણે અલગ - અલગ રિસર્ચ કરવાં લાગ્યો, જેમાં તેને કેટલાંક રિસર્ચ પ્રોજેક્ટમાં જ્વલંત સફળતા મળી, જેનાં બદલામાં શિવરુદ્રા અને તેનાં રિસર્ચ પ્રોજેકટને સન્માનીત પણ કરવામાં આવેલ હતાં, જ્યારે અમુક રિસર્ચ પ્રોજેકટમાં શિવરુદ્રાને નિષ્ફળતાનો પણ સામનો કરવાની નોબત આવી પડેલ હતી…..પરંતુ શિવરુદ્રા નિષ્ફળતા મળવાથી હાથ પર હાથ મુકીને બેસી રહેનાર લોકોમાંથી હતો જ નહીં, આથી તેણે આ રિસર્ચ પ્રોજેકટમાં સફળતા મેળવવા માટે દિવસ રાત એક કરી નાખ્યા, અંતે સફળતાને પણ શિવરુદ્રાનાં પગ ચુમવાની ફરજ પડી…

આમ શિવરુદ્રા ખુબ જ થોડા સમયમાં ખુબ જ પ્રખ્યાત થઈ ગયો, ગુજરાત કે ભારતમાં જ્યારે પણ આર્કીયોલોજી શબ્દ આવે તો તેની સાથોસાથ શિવરુદ્રાનું નામ અચૂક લેવાતું હતું…..આમ યંગ, ડાયનેમિક, ડેરિંગ, શાર્પ ઇન્વેસ્ટિગેટર એટલે શિવરુદ્રા….જે તેની એક આગવી ઓળખ બની ચૂકેલ હતી…!

બે વર્ષ બાદ……

સમય : સવારનાં 9 કલાક.

સ્થળ : શિવરુદ્રાનું કવાર્ટર.

શિવરુદ્રા હવે એકદમ મેચ્યુર બની ગયેલ હતો, તે હાલ એક જીમેદાર અધિકારી, સીટીઝન, બેસ્ટ એડમિનિસ્ટ્રેટર બની ગયેલ હતો, પોતાનાં ડિપાર્ટમેન્ટનાં અન્ય કર્મચારીઓને પણ શિવરુદ્રા સાથે કામ કરવાની ખુબ જ મજા આવતી હતી, અને સાથોસાથ તે બધાં કર્મચારીઓને ઘણું બધું જાણવાં અને શીખવા પણ મળતું હતું….

આજે મહાશિવ રાત્રી હોવાને લીધે શિવરુદ્રા ફ્રેશ થઈને ભગવાન શિવની આરાધના કરે છે, અને શીવસ્તુતિ અને શિવરુદ્રી પાઠનું પઠન કરે છે, ત્યારબાદ શિવરુદ્રા ડાઇનિંગ ટેબલ પાસે રહેલ ચેર પર નાસ્તો કરવા માટે બેસે છે, આ બાજુ શિવરુદ્રા ચાની એકપછી એક ચૂસકીઓ લગાવી રહ્યો હતો, એવામાં એકાએક અચાનક જોર જોરથી પવન ફૂંકાવા માંડે છે, જેને લીધે બારીઓ ધડાધડ ખોલબંધ થવાં માંડે છે, આથી શિવરુદ્રા ચાનો કપ ટેબલ પર રાખીને બારી બંધ કરવાં માટે ઉભો થાય છે.

શિવરુદ્રા બળપૂર્વક જોરથી તે બારી બંધ કરે છે, બારી જોરથી બંધ થવાને લીધે, બારીની બાજુમાં રહેલ એક જૂની ઘડિયાળ નીચે પડે છે, જેથી તે ઘડિયાળ તૂટી જાય છે….આથી શિવરુદ્રા એ ઘડિપાળ ઉઠવવા માટે નીચે તરફ ઝૂકે છે, જેવી ઘડિયાળ ઉઠવાવ જાય છે, એ સાથે જ શિવરુદ્રાની આંખોમાં એકાએક નવાઈને લીધે ચમક આવી જાય છે, કારણ કે ઘડિયાળની પાછળ રહેલ પોલાણવાળા ભાગમાં એક પોટલી હતી, જેનાં પર ધૂળ જામી ગયેલ હતી, આથી શિવરુદ્રા એ ઘડિયાળને પડતી મૂકીને નવાઈ અને આશ્ચર્ય સાથે તે પોટલી ઉઠાવે છે, અને એ પોટલીમાં શું હશે…? એ જાણવાની આતુરતાનો લીધે શિવરુદ્રા ઝડપથી એ પોટલી ખોલે છે, શિવરુદ્રા જેવી એ પોટલી ખોલે છે, એ સાથે જ એ પોટલીમાંથી આંખોને આંઝી દે તેવો દુધિયા રંગનો પ્રકાશ ફેલાય જાય છે, આ પ્રકાશ શેમાંથી આવી રહ્યો હતો, તે જણવાં માટે શિવરુદ્રા એ પોટલીમાં જે વસ્તુ કે પદાર્થ હતો, તેને બહાર કાઢે છે…..તો તે પોટલીમાં દુધિયા રંગનો નાનો એવો ક્રિસ્ટલ નીકળે છે..જે નાનો હોવાં છતાં પણ આખા ઓરડામાં પોતાનો પ્રકાશ ફેલાવી રહ્યો હતો, આ જોઈ શિવરુદ્રા એકદમ હેરાન અને દંગ રહી ગયો…..!

ત્યારબાદ શિવરુદ્રા એ ક્રિસ્ટલને ફરીથી એ જ બેગમાં રાખીને પોતાનાં કબાટમાં લોક કરીને સાચવીને મૂકી દે છે, અને ફરીપાછો ડાઈનીંગ ટેબલ પર ચા નાસ્તો કરવાં બેસે છે, થોડીવાર બાદ શિવરુદ્રા ચા નાસ્તો કરીને પોતાનાં સેન્ટરે પહોંચી જાય છે.

ત્યારબાદ શિવરુદ્રા પોતાની ચેમ્બરમાં ટેબલ નજીક રહેલ રિવોલવિંગ ચેર પર બેસે છે, હાલમાં શિવરુદ્રાનાં મનમાં વિચારોનું એક જોરદાર ચક્રવાત સર્જાયેલ હતું….શિવરુદ્રાને હાલ ઘણાંબધાં પ્રશ્નો સતાવી રહ્યાં હતાં, કે પોતાને ઘડિયાળની પાછળથી જે પોટલી મળી તેમાં રહેલ પેલો વાદળી રંગનો ક્રિસ્ટલ વાસ્તવમાં શું હશે…? તે કદમાં એકદમ નાનો હોવાછતાં પણ આટલો બધો પ્રકાશ કેવી રીતે રેલાવી શકતો હશે…? શું એ ક્રિસ્ટલ કોઈ જાદુઈ પદાર્થ તો નહીં હશે ને…? આખરે અહીં એ ક્રિસ્ટલ કોણ લાવેલ હશે…? જે કોઈ આ ક્રિસ્ટલ લાવેલ હશે તેને આ ક્રિસ્ટલ ક્યાંથી મળેલ હશે…? આ ક્રિસ્ટલ કોની માલિકીનો હશે…? તેઓ શાં માટે અહીં જ મૂકીને જતાં રહ્યાં હશે…? - આવા અનેક પ્રશ્નો શિવરુદ્રાને ચારેબાજુએથી ઘેરી રહ્યાં હતાં.

એવામાં શિવરુદ્રા પોતાનાં ટેબલ પર રહેલ બેલ બટનની સ્વીચ દબાવે છે, એ સાથે જ પ્યુન મહેશ શિવરુદ્રાની ચેમ્બરનાં દરવાજા પાસે આવી પહોંચે છે.

"હા...સાહેબ…!" - મહેશ વિનમ્રતાપૂર્વક પૂછે છે.

"મહેશભાઈ ! તાત્કાલિક બધાં સ્ટાફને મારી ચેમ્બરમાં આવવાં માટેની સૂચના આપો….!" - શિવરુદ્રા આદેશ કરતાં બોલે છે.

ત્યારબાદ મહેશ બધાં સ્ટાફને શિવરુદ્રાની ચેમ્બરમાં જવાં માટે જણાવે છે, થોડીવારમાં તમામ કર્મચારીઓ શિવરુદ્રાની ઓફિસમાં આવી પહોંચે છે….ત્યારબાદ શિવરુદ્રા એક પછી એક કર્મચારીને તેઓ છેલ્લાં કેટલાં વર્ષથી અહીં જોબ કરે છે, તેની માહિતી એક કાગળ પર લખીને તાત્કાલિક પોતાની ઓફિસમાં પહોંચાડવા માટે જણાવે છે, પછી ક્લાર્ક હિતેન અડધી કલાકમાં એક કાગળ પર બધી માહિતી તૈયાર કરીને શિવરુદ્રાની ચેમ્બરમાં આપી જાય છે.

શિવરુદ્રા પેલાં કલાર્કે આપેલ માહિતીનો ખુબ જ ઝીણવટ ભરેલ નજરે અભ્યાસ કરે છે, અભ્યાસ કર્યા બાદ શિવરુદ્રાને ખ્યાલ આવે છે કે તેનાં સેન્ટર પર ફરજ બજાવતાં કર્મચારીમાંથી એકપણ કર્મચારી પાંચ વર્ષ જુના નથી….એવામાં શિવરુદ્રાનું ધ્યાન છેલ્લી કોલમ પર પડેલ હતું….જેમાં લખેલ હતું...રવજી ભીમજી દામાણી તેની સામેની કોલમમાં લખેલ હતું….સિક્યુરિટી ગાર્ડ...આથી શિવરુદ્રા ઝબકારા સાથે મહેશને બોલાવીને આકાશ તન્ના અને હિતેનને પોતાની ઓફિસમાં મોકલવા માટે જણાવે છે.

થોડીવારમાં હિતેન અને આકાશ તન્ના શિવરુદ્રાની ચેમ્બરમાં આવી પહોંચે છે..

"હિતેનભાઈ….આમાં રવજી ભીમજી દામાણીનાં નામની સામેનું ખાનું શાં માટે ખાલી રાખેલ છે….?" - શિવરુદ્રા વિસ્મયતા સાથે હિતેનને પૂછે છે.

"જી ! સર...ગઈકાલે તેઓની તબિયત થોડીક નાદુરસ્ત હતી, આથી તેઓ આજે નોકરી પર આવેલ નથી….!" - હિતેન શિવરુદ્રાને જણાવતાં બોલે છે.

"તો….તમને એ બાબતનો ખ્યાલ નથી કે તેઓ આ સંસ્થા ખાતે છેલ્લા કેટલાં વર્ષોથી પોતાની ફરજ બજાવી રહ્યાં છે….!" - શિવરુદ્રા થોડાક ભારે અવાજે પૂછે છે.

"સર…! હું માનું છું ત્યાં સુધી રવજીદાદા આ સંસ્થામાં સૌથી જુના છે, તેઓ મારી પહેલાનાં આ સંસ્થા ખાતે પોતાની ફરજ બજાવી રહ્યાં છે….આથી મને એક્ઝેટ ખ્યાલ નથી….મને ખ્યાલ છે ત્યાં સુધી આ સંસ્થાનાં પાયા નંખ્યા ત્યારથી તેઓ આ સંસ્થા ખાતે સિક્યુરિટી ગાર્ડ તરીકે પોતાની ફરજ બજાવી રહ્યાં છે, ઉપરાંત તેઓ આ ગામનાં જ વતની હોવાથી તેઓ સ્ટાફ કવાર્ટરને બદલે પોતાનાં પરીવાર સાથે આ જ ગામમાં રહે છે!" - હિતેન શિવરુદ્રાને વધુ માહિતી આપતાં જણાવે છે.

"ઓકે…આ કાગળ પર રાવજીભાઈનું સરનામું લખીને તમે જઈ શકો છો...!" - શિવરુદ્રા હિતેનની સામે જોઇને બોલે છે.

હિતેન ત્યારબાદ એક કાગળમાં રવજીભાઇનાં ઘરનું સરનામું લખીને શિવરુદ્રાની ચેમ્બરમાંથી બહાર નીકળી જાય છે, જ્યારે આ બાજુ શિવરુદ્રા આકાશની સામે જોઇને બોલે છે કે….

"આકાશ ! ડ્રાઇવરને બોલાવીને કહો કે મારે રવજીભાઇનાં ખબર - અંતર પુછવા માટે તેઓનાં ઘરે જવું છે, અને તારે પણ મારી સાથે આવવાનું છે…!"

થોડીવાર બાદ આકાશ શિવરુદ્રાની ચેમ્બરમાં આવીને “કાર તૈયાર છે”, એવું શિવરુદ્રાને જણાવે છે, ત્યારબાદ શિવરુદ્રા અને આકાશએ કાર દ્વારા રવજીભાઈનાં ઘરે જવાં માટે રવાનાં થાય છે, રવજીભાઈનાં ઘરે પહોંચીને શિવરુદ્રા અને આકાશ રવજીભાઈનાં ખબર - અંતર પૂછે છે….પોતાનાં સાહેબને આવી રીતે પોતાની ખબર અંતર પૂછવા માટે ઘરે આવે જોઈને રવજીભાઈની આંખોમાં હરખનાં આંસુ આવી ગયાં….

"સાહેબ...તમે આટલા મોટા અધિકારી હોવા છતાંપણ મારી જેવાં મામુલી સિક્યુરિટી ગાર્ડનાં ઘરે મારી ખબર અંતર પૂછવા માટે આવ્યાં એ જોઈને મારા હૈયે ટાઢક મળી…..બાકી….તો….!" - રવજીભાઈ ખોડુક ખચકાતા બોલે છે.

"બાકી….?" - શિવરુદ્રાને જાણે પોતાએ મનમાં બનાવેલો પ્લાન સફળ થઈ રહ્યો હોય તેવી રીતે બેબાકળા થતાં - થતાં રવજીભાઈને પૂછ્યું.

"બાકી...તો...સાહેબ...અમારી જેવાં નાના કર્મચારીની મોટા અધિકારીઓને ક્યાં કંઈ ચિંતા હોય છે….તમારા પહેલાં એક સાહેબ હતાં…..જેનું નામ આલોક શર્મા હતું….તેઓ આ ગામમાં નવા હોવાથી શરૂઆતમાં તો અમારી સાથે સારો એવો વ્યવહાર કરતાં હતાં….પરંતુ...એક દિવસ અચાનક….!" - રવજીભાઈ ઉધરસ ખાતા - ખાતાં અટક્યા.

"હા...પછી...એક...દિવસ અચાનક શું થયું….?" - આકાશ આશ્ચર્ય સાથે રવજીભાઈને પૂછે છે.

"સાહેબ ! એક દિવસ આલોક શર્મા એકદમ મોંઘી દાટ અને ચકચકિત કાર લઈને આપણી સંસ્થા ખાતે આવ્યા, અને મને જણાવ્યું કે હવે તમારી આ સંસ્થા ખાતે કોઈ જ જરૂર નથી...તમે આજથી છુટ્ટા….એક જ પળમાં તેઓએ અમારી જેવાં ગરીબ માણસનો જરાપણ વિચાર કર્યા વગર મારાથી મારી રોઝી છીનવી લીધી….આલોક સાહેબ એક જ રાતમાં અમીર બની ગયા હતાં, જાણે તેઓને ઘરે એકાએક રૂપિયાનું વૃક્ષ ઉગયું હોય, તેમ બેફામ રૂપિયા વેડફવા માંડ્યા હતાં, તેઓની જાહોજલાલી કોઈ મહારાજથી કાંઈ કમ ન હતી….!" - રવજીભાઈ આલોક વિશે વધુ માહિતી આપતાં જણાવે છે.

"પછી...આલોકનું શું થયું….!" - શિવરુદ્રા હળવા અવાજે રવજીભાઈ તરફ જોઈને પૂછે છે.

"સર...એ કદાચ આલોકનો છેલ્લો દિવસ હતો….બીજા દિવસથી આલોક એકાએક ક્યાંક ગાયબ થઈ ગયેલ છે….જેઓ ફરી ક્યારેય પાછા આ સંસ્થા ખાતે પરત આવેલ નથી….!" - રવજીભાઈ હળવા અવાજે બોલે છે.

"તો….એની બીજી કોઈ સંસ્થા ખાતે બદલી થઈ ગઈ હોય તેવું પણ બની શકે ને…?" - આકાશ રવજીભાઈની સામે જોઇને પૂછે છે.

"ના ! સાહેબ...એની બદલી બીજી કોઈ સંસ્થા ખાતે નહોતી થયેલ….!" - રવજીભાઈ આકાશને જણાવતાં બોલે છે.

"એ….તમે...આટલાં વિશ્વાસ સાથે કેવી રીતે કહી શકો છો….?" - આકાશ હેરાની ભરેલાં અવાજે પૂછે છે.

"જી ! સાહેબ ! આ બનાવનાં બે દિવસ બાદ પોલીસ પણ આપણી સંસ્થા ખાતે પૂછપરછ કરવાં માટે આવેલ હતી….તેઓએ આલોકનો ફોટો મને બતાવ્યો હતો...જેનાં પર લખેલ હતું…"આ વ્યક્તિ કોઈપણ પ્રકારની જાણ કર્યા વગર ગુમ થયેલ છે….ત્યારબાદ આલોકનાં પરિવારજનો અલોકનો સામાન તેમનાં ઘરે પાછો લઈ જવાં માટે આવેલ હતાં….આલોક આવી રીતે રહસ્યમય રીતે ગુમ થયાં હોવાની વાત વાયુવેગે ફેલાઈ ગઈ….અને આ સંસ્થા ફરી પાછી નોંધારી થઈ ગઈ….અને થોડા સમય બાદ મને ગાંધીનગરથી ફરી ફોન આવેલ કે, "તમારે આ સંસ્થામાં ચોકીદારી કરવાની છે….બસ ત્યારથી માંડીને આજસુધી આપણી સંસ્થા ખાતે સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરું છું…..!" - સંપૂર્ણ માહિતી આપતાં રવજીભાઈ બોલે છે.

"સારું ! રવજીભાઈ….ઝડપથી તંદુરસ્ત થઈને ફરી પાછા નોકરી પર આવી જજો…!" - ખાટલા પરથી ઊભાં થઈને રવજીભાઈના પીઠ પર હાથ ફેરવતાં શિવરુદ્રા બોલે છે.

"જી...સાહેબ...ચોક્કસ….!" - રવજીભાઈ પોતાનાં બંને હાથ જોડીને બધાંનો આભાર વ્યક્ત કરતાં બોલે છે.

ત્યારબાદ શિવરુદ્રા અને આકાશ ફરીપાછા પોતાની સંસ્થા ખાતે પરત ફરે છે, આ સમયે શિવરુદ્રાનાં મનમાં ઉઠેલ પેલું જોરદાર ચક્રવાત જાણે પળવાર માટે શાંત પડ્યું હોય તેમ શિવરુદ્રાની આંખોમાં એક અલગ પ્રકારની ચમક દેખાય રહી હતી, પછી શિવરુદ્રા આકાશ સાથે પોતાની ચેમ્બરમાં પ્રવેશે છે.

"સાહેબ ! તમને શું લાગે છે….કે આલોક સર ખરેખર એક જ રાતમાં અમીર બન્યા હશે….? જો તે એકાએક આટલાં બધાં અમીર બન્યાં તો કેવી રીતે બન્યા હશે…? શું તેઓ પાસે કોઈ પારસમણી આવી ગઈ હશે...કે પછી "દેને વાલા જબ ભી દેતાં દેતાં છપ્પર ફાડકે…!" માફક એકાએક ઈશ્વરની મહેરબાની થઈ ગઈ હશે….? આમ આટલા બધાં અમીર બન્યાં પછી આલોક સર કોઈ પણ પ્રકારની જાણ કર્યા વગર એકાએક ક્યાં ગાયબ થઈ ગયાં હશે…? શું તેઓ સાથે કોઈ અણબનાવ તો નહીં બન્યો હશે ને…? શું તેઓ હાલ પણ જીવતા જ હશે…? કે પછી આ રહસ્યો કાયમિક માટે રહસ્યો બની ને જ રહી ગયાં હશે…..!" - આકાશ પોતાનાં મનમાં ચાલી રહેલ ગડમથલ શિવરુદ્રાને જણાવતાં બોલે છે.

"બની શકે….!" - શિવરુદ્રા બે જ અક્ષરોમાં આકાશનાં તમામ પ્રશ્નોનો ઉત્તર આપતા બોલે છે.

"પણ...સર…!" - આકાશ વિસ્મયતા સાથે શિવરુદ્રાને પૂછે છે.

"આકાશ ! આ ઘટનાઓને આપણે જેટલી સરળ સમજીએ છીએ વાસ્તવમાં આ બધી ઘટનાઓ પોતાની સાથે અનેક રહસ્યો સાંકળીને બેસેલ છે….આ બધાં જ રહસ્યો માત્રને માત્ર આવનાર સમય જ ઉકેલી જ ઉકેલી શકશે….!" - શિવરુદ્રા આકાશને સમજાવતાં બોલે છે.

"જી…! સર યુ આર રાઈટ…!" - આકાશ શિવરુદ્રાની વાતમાં સહમતી દર્શવાતા બોલે છે.

ત્યારબાદ આકાશ પોતાની ચેમ્બરમાં જાય છે, જ્યારે આ બાજુ શિવરુદ્રા પોતાની સાથે આજે સવારે ઘટેલ ઘટનાઓને રવજીભાઈએ જણાવ્યું તે મુજબ આલોક સાથે ઘટેલ બધી ઘટનાઓ સાથે જોડાવા માટેનો પ્રયત્ન કરવાં માંડે છે….ખુબ જ મનોમંથન કર્યા બાદ શિવરુદ્રા માંડ એક કે બે કડીઓને આલોક શર્મા સાથે ઘટેલ ઘટનાઓ સાથે જોડી શક્યો હતો….હજુપણ ઘણી કડીઓ ખૂટી રહી હતી, હજુપણ ઘણાં રહસ્યો ઉકેલવાનાં બાકી હતાં, હજુપણ ઘણાં પ્રશ્નોનાં ઉતરો મેળવવાનાં બાકી હતાં.

ક્રમશ :

મકવાણા રાહુલ.એચ.

"બે ધડક"