ભાગ-9
ન્યુઝપેપરમાં બીજા પાના પર જ્યાં શહેરના સમાચાર આવતા હોય,ત્યાં મોટા અને ઘાટ્ટા અક્ષરે હેડલાઇન્સ હતા.
' જીવનની આશા વૃદ્ધાશ્રમમાંથી અક્ષરાદેવી અને અક્ષતભાઇ નામના બે વૃદ્ધો ભાગી ગયા.સમાજની લાજ શરમને નેવે મુકીને' નીચે તેમના બન્નેના ફોટો પણ હતા.
આ સમાચાર વાંચતા જ તેમના હાથમાંથી પેપર પડી ગયું.મન્વયે તે જોયું.મનસ્વી અને અક્ષરાબેન પણ બહાર આવ્યા.આ સમાચાર વાંચીને તેમને પણ ખુબ જ આઘાત લાગ્યો.તેમને તરત જ સમજાઇ ગયું કે આ કામ વૈશાલીબેનનું જ હોવું જોઇએ.તેમણે રસોડામાં જઇને અક્ષતભાઇને પાણી આપ્યું.
"આખી જિંદગીમાં કમાયેલી બધી જ ઇજ્જત પાણીમાં ગઇ.આપણા પવિત્ર પ્રેમ માટે કેવા ગંદા શબ્દો વાપર્યા છે."અક્ષતભાઇની આંખો ભીની થઇ ગઇ.
" અંકલ ,તમે ચિંતા ના કરો.હું આ ન્યુઝપેપર વાળાને પાઠ ભણાવીશ."ગુસ્સે થયેલો મન્વય બોલ્યો.
"ના મન્વય,તું એવું કશુંજ નહીં કરે.અગર તું ખરેખર કઇ કરવા માંગતો હોયને તો એક વાડી બુક કરાવ અને અમારા લગ્નની તૈયારી કર.કાલે સવારે હું અને અક્ષત લગ્ન કરીશું.પુરા સમાજ અને મીડિયાની સામે."અક્ષરાબેન મક્કમ સ્વરે બોલ્યા.
"મમ્મી,પણ આમ અચાનક."મનસ્વી બોલી.
અક્ષરાબેને મન્વયને લોકલ ન્યુઝચેનલ ચાલુ કરવા કહ્યું.જેમાં અક્ષરાબેન અને અક્ષતભાઇના સમાચાર જ આવી રહ્યા હતા.બે ત્રણ ન્યુઝ ચેનલ ચેક કરી,પણ બધાંમાં આ એક જ સમાચાર આવતા હતા.
"મન્વય,મારે જેમ તમે પોલીસ પ્રેસ કોન્ફરન્સ કરો,તેમ કઇંક કહેવું હોય તો કહી શકાય?"અક્ષરાબેન બોલ્યા.
"એવું તો ના થાય,પણ મારો એક મિત્ર છે ન્યુઝચેનલમાં રીપોર્ટર તેની સાથે હું વાત કરી લઉં."આટલું કહીને મન્વયે તેના મિત્રને ફોન કરીને વાત કરી.
" આંટી,વાત થઇ ગઇ છે આપણે એક કલાકમાં તેની ઓફિસ જવાનું છે અને તે આપણને તેની ચેનલમાં લાઇવ બતાવશે."મન્વયે કહ્યું.
અક્ષરાબેન મન્વય પાસે આવ્યા તેમણે તેને ગળે લગાવીને કપાળે ચુંબન કર્યું.
"સારું થયું ,મારી મનસ્વીના લગ્નના થયા આ ઉંમર સુધી,નહીંતર તેને તારાજેવો બહાદુર અને સમજદાર જીવનસાથી ના મળત.એકદમ સરસ પસંદગી છે મારી મનસ્વીની."અક્ષરાબેનની વાત પર મન્વય થોડો શરમાઇ ગયો અને તેણે મનસ્વીની સામે જોયું.
મન્વયે બે દિવસની રજા લઇને મનસ્વીની સાથે અક્ષરાબેન અને અક્ષતભાઇના લગ્નની તૈયારીમાં લાગી ગયો.બરાબર એક કલાકમા અક્ષરાબેન અને અક્ષતભાઇ તે ન્યુઝચેનલની ઓફિસ પહોંચી ગયા.ન્યુઝચેનલ રીપોર્ટરે લાઇવ ન્યુઝ બ્રેકિંગ ન્યુઝના હેડિંગ હેઠળ શરૂ કર્યા.
" આજે સવારથી ચર્ચામાં રહેલા અક્ષરાબેન અને અક્ષતભાઇ આજે અમારી સાથે છે.તો તેમની પાસેથી જ જાણીએ કે શું છે સત્ય વાત?અક્ષરાબેન અને અક્ષતભાઇ,સ્વાગત છે આપનું અમારા કાર્યક્રમમાં."એન્કર બોલ્યો.
"જી નમસ્તે,મારું નામ અક્ષરા છે.મારા સ્વ.પતિનું નામ અર્ણવભાઇ છે.આજે સવારે મે જે સમાચાર વાંચ્યા તેના પછી મને આપણા સમાજની માનસિકતા પર ખુબ જ દુખ થયું.મારા પતિ અર્ણવ એક ખુબ જ મુક્ત વિચારો ધરાવતા પુરુષ હતા.પુરા જીવન તેમણે મને ખુબ સાથ ,સહકાર અને પ્રેમ આપ્યો,પણ જ્યારે જીવનમાં તેમના સાથનો ,તેમની હુફનો અને એકબીજા સાથે સમય વિતાવવાનો સમય આવ્યો.ત્યારે જ તે તેમનું વચન તોડીને જતા રહ્યા.જતા જતા મારી પાસે વચન માંગતા ગયા કે હું મારું બાકીનું જીવન હું એકલા નહીં વિતાવું.
તેમના ગયા પછી મારે અહીં જીવનની આશામાં આવવાનું થયું ત્યાં મને અક્ષત મળ્યા.મારી કોલેજના સમયના પ્રેમી પણ અમારા લગ્ન કોઇ કારણો સર ના થઇ શક્યા.
હાં તો અગર મે મારા સ્વ.પતિની અંતિમ ઇચ્છાને માન આપી અને મારા અધુરા પ્રેમને પુરો કરવાનું નક્કી કર્યું તો શું ખોટું છે તેમા?
અગર સમાજને તે ખોટું લાગે છે તો ખોટું જ સહી,પણ અક્ષત સાથે લગ્ન તો હું કરીને જ રહીશ.કાલે સવારે નવ વાગે.મંદિર પાસે આવેલી વાડીમાં મારા અને અક્ષતના વીધીવત અને કાયદાકીય રીતે લગ્ન કરીશ.તાકાત હોયને તો રોકીને બતાવે."આટલું કહીને અક્ષરાબેન અક્ષતભાઇ પાસે ગયાં.
"અક્ષત,મારી સાથે લગ્ન કરશો.જીવનની આ ઢળતી સંધ્યાએ શું મને તમારો સાથ મળશે?"અક્ષરાબેને અક્ષતભાઇ સામે હાથ લંબાવ્યો.
જવાબમાં અક્ષતભાઈએ મજબુતી સાથે તે હાથ પકડી લીધો.
* * *
અહીં આ સમાચાર ન્યુઝ પેપરમાં વાંચીને અને ટીવીમાં અક્ષરાબેનના લગ્નના સમાચાર આગની જેમ ફેલાઇ ગયા.સમાજ બે ભાગમાં જાણે વહેચાઇ ગયો એક પક્ષ એ હતા જે અક્ષરાબેનના આ નિર્ણયની પ્રશંસા કરતું હતું અને બીજો પક્ષ રૂઢિચુસ્ત નિયમો વાળો જેમને આ પગલું ખોટું લાગતું હતું.તેમને એમ લાગતું હતું કે અક્ષરાબેનનું આ પગલું યોગ્ય નથી.
તેમના ઘરે પણ યુદ્ધનો માહોલ હતો.હર્ષ અને આયુષ સ્તબ્ધ હતા અને તેમની પત્નીઓ ગુસ્સામાં.તેટલાંમાં તેમના ઘરે તેમના કાકા આવે છે.
"હર્ષ અને આયુષ મારે તમારા બન્ને સાથે એકલામાં વાત કરવી છે."કાકા આટલું કહીને તેમને અંદર રૂમમાં જતા રહ્યા.
"જે થયું તે તમને પણ જાણ છે અને મને પણ.મારા મોટાભાઇ એક ખુબ જ મહાન માણસ હતા.મને ગર્વ છે કે હું તેમનો ભાઇ છું.તે ભાભીને ખુબ જ પ્રેમ કરતા હતા.તેમની અંતિમ ઇચ્છા હતીકે ભાભીના બીજા લગ્ન કરાવવામાં આવે.આજે તે અંતિમ ઇચ્છા પુરી થવા જઇ રહી છે તો તમે તેમા રસ્તાનો કાંટો ના બને.
તેમા પણ અક્ષત સાથે."કાકા આટલું બોલીને અટક્યાં.
" સમજ્યાં નહીં કાકા?"બન્ને ભાઇ એકસાથે બોલ્યા.
કાકાએ બન્ને ભાઇઓને અક્ષરાબેન અને અક્ષતભાઇના ભુતકાળ વિશે જણાવ્યું અને મનસ્વીના અસલી પિતા વિશે પણ જણાવ્યું.
"આ બધી વાતો કહેવાનો અર્થ તે નહતો કે તમે તમારી માઁ અને બહેનને નફરત કરો.ભાઈ અને ભાભીએ મને વાત કહી હતી કે હું યોગ્ય સમય આવ્યે કે જરૂર પડે તે વાત તમને કહી શકું.હું મારા મોટાભાઇની તપસ્યા અને તેમનો ભાભી અને મનસ્વી પ્રત્યેનો પ્રેમ એળે નહીં જવા દઉં.હું ભાભીની સાથે છું.તેમના લગ્નમાં હું ભાઇની ફરજ નીભાવીશ.અગર તમે મારી સાથે હોય તો પાંચ મીનીટમાં નીચે આવી જાઓ."કાકા આટલું કહીને બહાર નિકળી ગયા.
હર્ષ અને આયુષ તેમની પત્ની પાસે ગયા.
"અમે અમારી માઁનો સાથ આપવા જઇએ છીએ.અગર તમને તે મંજૂર હોય તો અમારી સાથે આવી શકો છો નહીંતર તમારા પિયર જઇ શકો છો."હર્ષનું આટલું બોલ્યા પછી તે જવાબ સાંભળવા પણ ના રોકાયા,પણ તેમની પત્નીઓ તેમની સાથે જ તેમની પાછળ ગઇ.અત્યાર સુધી કરેલી તેમની ભુલનો પ્રશ્ચાતાપ કરવા.
* * *
અક્ષરાબેન અને અક્ષતભાઇ જીવનની આશા વૃદ્ધાશ્રમમાં ગયા.તેમને ત્યાં જોઇને વૃદ્ધાશ્રમના બધા જ લોકો ત્યાં હાજર થઇ ગયા.વૈશાલીબેન ખુબ જ ખુશ હતા.તેમણે જ આ સમાચાર તેમના એક મિત્ર દ્રારા સમાચારપત્રની ઓફિસે પહોંચાડ્યા હતા.આજે તેમના આ કામના કારણે અક્ષરાબેનની ઘણી બદનામી થઇ હતી.
"નમસ્કાર ભાઇઓ અને બહેનો,નમસ્કાર વૈશાલીબેન.અહીં આવવાનો એક જ પ્રયોજન હતો.મને ખબર છે કે આ સમાચાર આવી રીતે કોણે ફેલાવ્યા હતા,પણ હું તેમનું નામ લઈને તેમને બદનામ કરવા નહીં માંગુ.કેમકે તેમનામાં અને મારામાં આ જ ફર્ક છે.હું તેમને માફ કરું છું.
તેમને થેંકયુ કહેવા માંગતી હતી,કેમકે તેમના આ પગલાના કારણે હું અને અક્ષત આવતીકાલે જ લગ્ન કરવા જઇ રહ્યા છીએ.હું અહીં આપ સૌને આમંત્રણ આપવા આવી છું.આપ સૌ સારા ખરાબ સમયમાં મારા સ્નેહીજન બનીને મારી સાથે રહ્યા.કેટલાય તહેવારો સાથે ઉજવ્યા.તે હિસાબે તમે મારા સૌથી પહેલા સગા થયા.
આજે મને ખબર છે કે બહારથી તમે ભલે મારા આ પગલાની નિંદા કરતા હશો,પણ અંદરથી તમે તેની પ્રશંસા કરો છો.તેનું કારણ તમે જાણો છો અને રોજ અનુભવો છો.અહીં ઘણાબધાના જીવનસાથી તેમની સાથે નથી, સ્વર્ગવાસી થઇ ગયા છે.તેમને રોજ અનુભવાતી એકલતા હું સારી રીતે જાણું છું.
બસ તોબ મે હિંમત કરી તે એકલતાનું પીંજરુ તોડવાની.તમે પણ કરી શકો છો હિંમત અથવા તો મારા આ નવા જીવનમાં મને આશિર્વાદ આપીને તેને શુભ બનાવવાની.
આખી જિંદગી ઘર,છોકરા,બાળકો અને સમાજ માટે જીવેલી હું શું મને અધિકાર નથી કે હવે હું મારું બાકીનું જીવન મારા જીવનસાથી સાથે રોજ માણું?
જો તમને લાગે કે મે ખોટું કર્યું તો આ રહી હું હાથ પકડીને મને કાઢી મુકો અને લાગે કે હું સાચી છું તો કાલે સવારે નવ વાગે જરૂરથી આવજો.જય શ્રી કૃષ્ણ."અક્ષરાબેન નિકળી ગયા.
આજે અક્ષરાબેનની આ હિંમત જોઇ અક્ષતભાઇ જાણે કે ચુપ થઇ ગયા હતા.
* * *
અહીં જાનભાઇ જેલમાં ખુબ જ સુરક્ષા સાથે કેદ હતા,પણ આજે રાત્રે તેમણે જેલમાંથી ભાગવાનો એક સજ્જડ પ્લાન બનાવી લીધો હતો.અસલી બેગ કોની પાસે હતી તે જાણવા માટે તે ખુબ જ ચિંતામાં હતા.
તે જાણવા માંગતા હતા કે કોણે ગદ્દારી કરી હતી અને તે સાથે તે અક્ષરાબેન,અક્ષતભાઇ અને મન્વયની જોડેથી બદલો પણ લેવા માંગતા હતા.
અહીં વિરાજભાઇ પણ આ બધું નાટક સવારથી જોઇ રહ્યા હતા.તે ફુડકોર્ટ અને મોલના પ્રોજેક્ટમાં તે ઘણુંબધું ઇન્વેસ્ટમેન્ટ કરી ચુક્યા હતા.તેમના કરોડો રૂપિયા દાવ પર લાગેલા હતા.
સાથે અક્ષતભાઇએ આપેલો દગો તમને ખુબ જ ગુસ્સો દેવડાવી ગયો હતો.તે કોઇપણ કાળે અક્ષતભાઇ અને અક્ષરાબેનને નુકશાન પહોંચાડી તે જમીન પચાવી પાડવા માંગતા હતા.
"કાલે સવારે લગ્ન કરવા છે તારે એમને ? જોઉં છું કેવી રીતે કરે છે લગ્ન?તે જમીન તો હું મેળવીને જ રહીશ.નહીંતર મારે બહુ નુકશાન વેઠવું પડશે,પણ એક વાત મારા કામની થઇ ગઇ.તે એ કે એક તો પેલો જાનભાઇ ગયો જેલમાં અને બીજી આ બેગ.હા હા હા. એક કાંકરે બે પક્ષી માર્યા." આટલું બોલીને વિરાજભાઇએ તે બેગ પર હાથ ફેરવ્યો.
કેવી રીતે વિરાજભાઇએ તે બેગ મેળવી?શું જાનભાઇ,વિરાજભાઇ અને વૈશાલીબેન જેવા લોકો મળીને અક્ષરાબેન અને અક્ષતભાઇના લગ્ન રોકી શકશે? શું તેમને તેમના જીવનની આ ઢળતી સંધ્યાએ એકબીજાનો સાથ મળશે?શું મન્વય જાનભાઇ અને વિરાજભાઇને પકડીને સજા અપાવી શકશે?
જાણવાં વાંચો અંતિમ ભાગ.