Featured Books
શ્રેણી
શેયર કરો

જીવનની ઢળતી સંધ્યાએ તારો સાથ - 1

પ્રસ્તાવના

નમસ્કાર વાચકમિત્રો,

આજ સુધી અલગ અલગ વિષય પર નવી નવી વાર્તા લઇને આપની સમક્ષ આવી છું.આજે ફરી એક નવો જ વિષય લઇને આવી છું.

જીવનની ઢળતી સંધ્યા એટલે કે ઘડપણ.તેમાં કોઇપણ વ્યક્તિને શું જોઇએ? પોતાના જીવનસાથીનો સાથ.અહીં પણ એક એવા જ કપલ વિશે વાત કરી છે .જે તેમના જીવનની સંધ્યાએ મળે છે અને પછી શરૂ થાય છે તેમનો એક રોમાંચક સફર.જેમા ભરપૂર વળાંકો આવે છે,પણ શું તે એકબીજાનો સાથ નિભાવી શકશે?

શું તે એક થઇ શકશે? તો આવો જોડાઇએ તેમના રોમાંચક સફરમાં..

ધન્યવાદ

રિન્કુ શાહ.

 

ભાગ-૧

પરોઢના સાત વાગ્યે શહેરથી દુર આવેલ જીવનની આશા વૃદ્ધઆશ્રમમાં સવારની પ્રાર્થનાનો સમય થઇ ગયો હતો.વૃદ્ધ સ્ત્રીઓ અને પુરુષો નાહીને તૈયાર થઇને પ્રાર્થનાખંડમાં જઇ રહ્યા  હતા.

જીવનની આશા એક એન.આર.આઇ કપલે પોતાની ખેતીની જમીન પર બાંધેલ વિશાળ અને આધુનિક સુવિધાવાળુ વૃદ્ધઆશ્રમ હતું.ત્યાં સારા ઘરના એકલવાયા વૃદ્ધોથી માંડીને ગરીબ કે મધ્યમ વર્ગના વૃદ્ધો રહેતા હતા.ત્યાં ગરીબ માટે વિનામુલ્યે રહેવાનુ અને ખાવપીવાનું હતું.જ્યારે મધ્યમ વર્ગ માટે સામાન્ય   ફીસ હતી.પૈસાદાર ઘરના એકલવાયા વૃદ્ધો પોતાની હેસીયત પ્રમાણે ડોનેશન આપીને રહેતા હતાં.અહીં રહેવા માટે કોમન રૂમથી માંડીને સ્પેશિયલ રૂમ સુધીની સુવિધા હતી.

 

પોતાની અનુકૂળતા પ્રમાણે ત્યજાયેલા કે એકલવાયા વૃદ્ધો હસીખુશીથી અહીં રહેતા હતાં.ત્યાં તેમની આજીવિકા માટે સ્ત્રીઓ અને પુરુષો મળીને ગૃહઉદ્યોગ પણ ચલાવતા હતા. તેમની આ સંસ્થાને ખુબ જ ફંડ પણ મળતા,પણ અહીંના નિયમો થોડા વધુ પડતા કડક હતા.અહીં વૃદ્ધોની તબિયતનુ પણ ખુબ ધ્યાન રાખવામાં આવતું.ડોક્ટર અને નર્સની પુરી ટીમ દર મહિને આવી તેમની સંભાળ લેતા.

 

જીવનના જે પડાવ પર વૃદ્ધોને પોતાનો સમય આઝાદી સાથે મળતો હોય તેમનોતે પોતાની મરજીથી ઉપયોગ ના કરી શકતા હતા.સવારે સાત વાગ્યે જે પણ વૃદ્ધ પ્રાર્થના માટે સમયસરના આવી શકતા તેને સૌથી છેલ્લે નાસ્તો મળતો.

 

આજે પણ હંમેશાંની જેમ અક્ષરાદેવીની આંખ પોણા સાત વાગ્યે ખુલી,૬૦ વર્ષની ઊંમરે પણ તેમના ચહેરા પર એજ ચમક ,એક પણ કરચલી નહી.વાળ હજી એટલા જ લાંબા અને ઘાટ્ટા કાળા.સુંદર રૂપાળો ચહેરો ઘડિયાળમાં સમય જોઇને ભડક્યો.પોતાના સ્પેશિયલ રૂમમાં એકલવાયુ જીવન જીવતા અક્ષરાદેવી  ફટાફટ બાથરૂમમાં જઇને નાહીને સાડી પહેરી તૈયાર થઇ ગયાં.

 

ગુલાબી કલરની સિલ્કની સાડી,કાળા લાંબા વાળને હાફપોનીમાં બાંધીને પોતાના સ્વ.પતિના ફોટાના દર્શન કરી તેમને ફ્લાઇંગ કીસ આપી તે ફટાફટ પ્રાર્થનાખંડ તરફ દોડ્યા.તેમની ચુસ્તી અને સ્ફુર્તી આ ઊંમરે પણ અદભુત હતી.

 

તે પ્રાર્થનાખંડમાં જઇમે ઊભા રહ્યા.તેમની એકમાત્ર સહેલી સીમાબેન પાછળ.

 

"આજે તો તમે સહેજથી બચી ગયાં."સીમાબેને કહ્યું.

 

"હા નહીંતર જેલર આવી ગયાં હોત તો આજે પણ મારે નાસ્તો સૌથી છેલ્લે નાસ્તો કરવો પડત.હવે તો કઇ ફરક નથી પડતો."અક્ષરાએ કહ્યું.

 

જેલર એટલે કે આ વૃદ્ધાશ્રમનું ધ્યાન રાખવાવાળા નિયામક  વૈશાલીબેન.જે આ વૃદ્ધાશ્રમની વ્યવસ્થાઓનું ધ્યાન રાખતા હતા. તેમનું અને અક્ષરાબેનનું હંમેશાં કોઇને કોઇ વાતે અણબનાવ કે બોલવાનું ચાલું રહેતું.તે બન્ને એકબીજાને નાપસંદ કરતા.પ્રાર્થના  અને પછી નાસ્તો પતાવીને અક્ષરાબેન આ વૃદ્ધાશ્રમમાં ચાલતા ગૃહ ઉદ્યોગમાં ગયા જ્યાં તેમનું કામ સુપરવાઇઝરનું હતું.

 

ત્યાં તેમની ખુરશી પર બેસી તેમના સ્માર્ટફોનથી તેમની દિકરીને ફોન કર્યો.

"મનસ્વી,કેમ છે મારી દિકરી?"અક્ષરાબેન તેમની દિકરી સાથે વાત કરતી વખતે ભાવુક થઇ ગયાં.

 

"મોમ,હું ઠીક છું.જો જોબ પર આવી હતી.તું કેમ છે?"

 

"ઓહ હું એકદમ ફીટ બટ નોટ ફાઇન.તું મારો સ્વભાવ  જાણે છેને આ આશ્રમની જિંદગી આપણને ના ફાવે મારા નપાવટ દિકરાઓએ વ્યવસ્થા તો સારી કરી છે.પણ મને મુક્ત થઇને જીવવું હતું.તારા પપ્પા સાથે જવાબદારીઓના ચાલતે જે જીવવાનું અને અહેસાસ કરવાનું રહી ગયું હતું તે જીવવું હતું.

 

તારા પપ્પા તો એમનું પ્રોમિસ તોડીને ચાલ્યા ગયા વહેલા અને મારી મુર્ખામીના કારણે હું અહીં આવીને રહી ગઇ."અક્ષરાબેને એ જ રોજનો બળાપો કાઢ્યો.

 

"મોમ,પ્લીઝ એવું ના બોલ તે કોઇ મુર્ખામી નહતી કરી એ તો મારા બન્ને ભાઇઓએ ચાલાકી કરી હતી."મનસ્વીએ કહ્યું.

 

"છોડ એ બધું.એ મનસ્વી તારું પ્રમોશન થઇને તને ટ્રાન્સફર મળવાની હતી.એ ક્યારે થશે?એકવાર તે થઇ જાયને તો આપણે બન્ને માઁ દિકરી એકલા શાંતિથી આપણું નાનું ઘર બનાવીને જીવીશું."અક્ષરાએ પુછ્યું.

 

"મોમ તને ખબર છેને મારો સ્વભાવ બહુ મળતાવડો નથી એટલે મારી પછી બધાં આવેલા ફાવી જાય છે અને હું કામ સારું કરું છું  છતાપણ રહી જઉં છું."મનસ્વી દુખી થઇને  બોલી.

 

"થઇ જશે મારી દિકરી ઉદાસ ના થઇશ. એક મોકો મળે મને.આપણે બન્ને આ બધાંથી દુર જતા રહીશું."આટલું કહીને અક્ષરાબેને ફોનમુકી દીધો.

 

અક્ષરાદેવી અને અર્ણવભાઇ ના કુલ ત્રણ સંતાન હતા,સૌથી મોટી દિકરી મનસ્વી સુંદર યુવતી હતી પણ સામાન્ય મંગળ ,ઉંમર વધુ હોવાના કારણે અને પસંદગી ના મળવાના કારણે હજી અવિવાહીત હતી.ત્યારબાદ બે જોડિયા દિકરા  હર્ષ અને આયુષ.તેમનો એક વિશાળ અને સુખી પરિવાર હતો.એક દિકરી,બે દિકરા અને તેમની પત્ની અને એક નાનકડો પૌત્ર,પણ આટલા સુખી અને સુંદર પરિવારને જાણે કોઇની નજર લાગી ગઇ.

 

એક સવારે અર્ણવભાઇને લોહીની ઉલટી થઇ અને નિદાન આવ્યું કે તેમને બ્લડ કેન્સર છે તે પણ લાસ્ટ સ્ટેજમાં અને તે તેમની અક્ષરાને આ દુનિયામાં એકલી મુકીને જતાં રહ્યા.તેમણે સાથે જોયેલા સપના તોડીને જતાં રહ્યા.

 

અક્ષરાબેન અને અર્ણવભાઇ એક ખુશમિજાજ અને મોર્ડન વિચારો ધરાવતું કપલ હતું.તેમણે સાથે મળીને ઘણાબધા સપના જોયા હતા.જે તેમણે પુરા પણ કર્યા હતા,પણ સ્વપ્નનું શું જે તેમણે ઘડપણ માટે જોતા હતાં.

 

પતિના મૃત્યુ પછી તમામ સંપત્તિ અક્ષરાબેનના નામ પર હતી.ચાર બેડરૂમવાળો મોટો ફ્લેટ એ પણ એક સારા વિસ્તારમાં,એક દુકાન ,થોડા ઘરેણા અને કેશ,પણ ચાલાક વહુઓના ભરમ‍ાવામા અાવીને દિકરાઓએ બધું જ તેમના નામ પર કરાવી લીધું.

 

અક્ષરાબેનને એક નાનકડી ઓરડી આપી દીધી.તેમની જોડે કામ કરવતા,પણ અર્ણવભાઇની અંતિમ ઇચ્છા હતી કે અક્ષરા બીજા લગ્ન કરે.જો અક્ષરાબેન બીજા લગ્ન કરી લે તો તેમની જવાબદારી બેવડાઈ જાય અને મુસીબત વધી શકે.તેવું તે ના કરી શકે એટલે સમજાવીને તેમને અહીં જીવનની આશા વૃદ્ધાશ્રમમાં એક સ્પેશિયલ રૂમ જ્યાં ખાસ સગવડ હોય ત્યાં તેમને મુકી ગયાં.

 

અક્ષરાબેન સહેલાઇથી અહીં આવવા તૈયાર તો નહતા,પણ પુત્રવધુઓ એ અવિવાહીત દિકરીને સાચવીશું અને તેના સારા ઘરમાં સારી રીતે લગ્ન કરાવશે તેવું વચન આપ્યું તેથી તે અહીં આવી ગયાં.મનસ્વી ખુબ જ વિરોધમાં હતીઅક્ષરાબેનને અહીં મોકલવામાં પણ એક તો તે લાચાર હતી અને તે ઇચ્છતી હતી કે તેની મમ્મી તેના ભાભીના ત્રાસથી મુક્તિ મેળવે,એટલે જ તે ચુપ રહી.

 

અક્ષરાબેન દેશ અને વિદેશમાં હરવા-ફરવાના,સારા કપડાં પહેરવાના,ક્લબમા જઇ વોક કરવી,યોગ કરવાના ખુબ જ શોખીન હતા.તે એક મોર્ડન વિચારસરણી ધરાવતા સ્ત્રી હતાં.તેથી અહીં ખાસ તેમને કોઇની સાથે  ભળવું  ફાવતું નહતું.

 

અક્ષરાબેન તેમના રોજનું સુપરવાઇઝરનું કામ કરતા હતાં.ત્યાં અચાનક જ તેમની ખાસ સહેલી સીમાબેન આવ્યાં તેમણે કહ્યું,

 

"એય અક્ષરા,તને ખબર છે કાલે આપણા આશ્રમમાં એક નવા વૃદ્ધ આવવાના છે."

 

"હા તો હું શું કરું ?"અક્ષરાબેને કોઇજ રસ ના દેખાડ્યો.

 

"સાંભળ્યું છે કે તે ખુબ જ હેન્ડસમ છે અને ખુબ જ વાતોડીયા."સીમાબેન તેમના વખાણ કરતા બોલ્યા.

 

"હશે તો હું શું કરું આરતી ઉતારુ તેની?"અક્ષરાબેન અકળાયા.

"ના તેમનું સ્વાગત તારે કરવાનું છે.સાંભળ્યું છે કે એકલા છે."સીમાબેન અક્ષરાને આંખમારીને જતાં રહ્યા.

 

"ઓહ ,આ હવે શું નવું નાટક છે?"અક્ષરાબેન કંટાળીને બોલ્યા.

 

બીજા દિવસે સવારે પ્રાર્થના  અને નાસ્તો પતાવીને  નવ વાગે આરતીની થાળી અને ફુલના ગુચ્છા સાથે અક્ષરાબેન કમને ગેટ પર તે વૃદ્ધની રાહ જોઇને ઊભા રહ્યા.

 

આજે ગરમીની સીઝનમાં પણ સવારથી વાતાવરણ બદલાયેલું હતું.વાદળો છવાયેલા હતાં,જાણે કે વરસાદ પડવાનો છે.અચાનક એક રીક્ષા આવીને ઊભી રહી.તેમાંથી કહેવા માટે તો એક વૃદ્ધ ઉતર્યા,પણ તે સહેજ પણ વૃદ્ધ જેવા નહતા લાગતા.

 

ડાર્ક બ્લુ કલરનું જીન્સ,તેની ઉપર ફુલ સ્લિવનું બ્લેક શર્ટ પહેરેલો એક ડેશીંગ પુરુષ ઉતર્યા.વાળમાં ક્યાંક ક્યાંક સફેદી ૬૧ વર્ષની ઊંમરનો પ્રતાપ હતો.ચહેરા પર ક્યાંક થોડી કરચલી હતી પણ તે અત્યંત હેન્ડસમ લાગતા હતા.તેમણે ખભે એક બેગ લગાવેલ હતો અને હાથમાં એક બેગ.તેમના શુઝ અને વોચ પરથી સાફ દેખાતું હતું કે તે એક અમીર પરિવારથી આવેલા હતા.

 

તેમણે જેવો દરવાજો ખોલી પોતાનો પગ અંદર મુક્યો અક્ષરા અને તેમની નજર મળી.અક્ષરાના પગ નીચેથી જાણે જમીન ખસી ગઇ.આરતીની થાળી પડતા પડતા રહી ગઇ.

 

"અક્ષત!!!"અક્ષરા સ્વગત બોલી.

 

અક્ષત પણ અક્ષરાને જોઇને ચોંકી ગયાં .વર્ષો પહેલાનો ઘટનાક્રમ કોઇ ફિલ્મની રીલની  જેમ નજર સમક્ષ ફરી ગઇ.આશ્રમના અન્ય વૃદ્ધોએ અને નિયામક વૈશાલીબહેને તેમનું સ્વાગત કર્યું.

 

"અક્ષરાબહેન,અહીં આવો ત્યાં શું ઊભા છો?આરતી ઊતારીને તેમને આ ફુલોનો ગુલદસ્તો આપો. "વૈશાલીબેને કહ્યું.

 

અક્ષરાબેન આવ્યાં તેમણે આરતી ઉતારી અને ફુલોનો ગુલદસ્તો આપ્યો.

 

"વેલકમ અક્ષત."

 

"થેંક યુ અક્ષરા."

 

બન્ને એકબીજાની સામે જોઇ રહ્યા હતા.અક્ષરાબેનને પણ તેમનો ભવ્ય ભુતકાળ યાદ આવી ગયો,તે અંદર જતાં રહ્યા.રાતના સમયે તે બગીચામાં ખુરશી નાખીને બેસેલા હતાં.તેટલાંમાં અક્ષત આવ્યાં અને તેની પાસે ઊભા રહીને બોલ્યા,

 

"હું અહીં બેસી શકું છું ?"

 

"હા બેસોને અહીં કોઇને પણ રોકવાનો કે ના પાડવાનો મને કોઇ અધિકાર નથી."અક્ષરાબેને કહ્યું.

 

"અક્ષરા,તારે અહીં કઇ રીતે આવવાનું થયું?"અક્ષતભાઇએ વાતની શરૂઆત કરી.

"બસ બાળકોને પિતાના ગયાં પછી માઁ ભારે પડી ગઇ.તો મોકલી દીધી અહીં અને તું પણ ભારે પડી ગયો તારા બાળકોને?"અક્ષરાબેને પોતાની વાત કહી.

 

"બાળકો કેવા બાળકો? અહીં લગ્ન જ કોણે કર્યા છે?આ તો એકલો હતો કોઇ સાથસંગાથ નહતો તો મિત્રો અને સગાવહાલાઓએ આ જગ્યા વિશે કહ્યું કે બહુ બધાં નવા મિત્રો મળશે.સારસંભાળ લેવાવાળા મળશે.તો  હું એક મહિનાની ટ્રાયલ માટે આવી ગયો જો ફાવી ગયું તો રોકાઇ જઇશ નહીંતર જતો રહીશ."અક્ષતભાઇએ તે જ બેફિકરા સ્વરમાં કહ્યું.

 

"કેમ લગ્ન ના કર્યાં? કોઇ મળી નહીં તને તારા ટાઇપની?"અક્ષરાબેને વ્યંગમ‍ાં કહ્યું.

 

"ના, મળી તો ઘણીબધી પણ તું ના મળીને એટલે બસ કુંવારો જ રહી ગયો.આજીવન મારા હ્રદયમાં તારું સ્થાન કોઇના લઇ શક્યુ."અક્ષતભાઇએ અક્ષરાબેનની સામે જોતા કહ્યું.અક્ષરાબેનની આંખોમાં આંસુ આવી ગયા.

 

"હં હ એ જ મીઠી મીઠી વાતો તું હજી એવોને એવો જ છે."અક્ષરાબેન વ્યંગમાં હસ્યા.

 

"તું હજી નારાજ છે મારાથી?"અક્ષતભાઇ.

 

"હા હતી નારાજ પણ મને અર્ણવ મળ્યાને મારા સ્વ.પતિ તેમના મારા જીવનમાં  આવ્યાં પછી મારું જીવન અને તેને દેખવાની રીત બદલાઇ ગઇ."અક્ષરાબેને કહ્યું.

 

"ઓહ સોરી ,તારા પતિ તેમને શું થયું  હતું?"

 

આમ જ વાતો કરતા કરતા રાતના બાર વાગી ગયાં.અક્ષતભાઇ અને અક્ષરાબેન એકબીજાની સાથેનો કડવો ભુતકાળ ભુલાવી જાણે નવી દોસ્તીની શરૂઆત કરી રહ્યા  હતાં.તે લોકો નિયમ પ્રમાણે હવે વધુ બહાર બેસી શકે તેમ નહતા એટલે પોતપોતાના રૂમ તરફ જવા ઊભા થયાં.

 

"અક્ષરા,શું આપણે બધું જ  ભુલાવીને દોસ્ત બની શકીએ?" અક્ષતભાઇએ દોસ્તીનો હાથ લંબાવ્યો.

 

"અક્ષત,તને ખબર હોવી જોઇએ કે હું આજે પણ જે મારા દોસ્તના હોય તેની સાથે વાત નથી કરતી.આમપણ આ બોરીંગ જગ્યાએ એક નવો દોસ્ત  હોય તો આ બોરીંગ જગ્યા પણ હેપનીંગ થઇ જાય અને એમાપણ તું મારો દોસ્ત બની જાયને તો અહીં ઘણીબધી સ્ત્રીઓ બળીને ખાખ થઇ જાય.હા હા."આટલું કહીને અક્ષરાબેન મુક્તપણે હસ્યા.

 

"અચ્છા એવું?"અક્ષતભાઇએ હસીને અક્ષરાબેનનો હાથ પકડી લીધો.જાણેકે બન્નેને એક નવું કારણ મળી ગયું હોય જીવન જીવવાનું.

 

અક્ષત તેમના સ્પેશિયલ  રૂમમાં ગયો.અંદર જઇને દરવાજો બંધ કર્યો.પોતાનો ફોન કાઢ્યો અને એક નંબર ડાયલ કર્યો.

 

"હેલો,હા હું અહીં આવી ગયો છું.જગ્યા  એટલી ખરાબ પણ નથી,સારી છે."

 

સામેથી કહેવામાં આવ્યું.

 

"તે સ્ત્રી મળી?"

 

"હા તે સ્ત્રી મળી ગઇ મને અને ગેસ વોટ તે મારી જાણીતી નિકળી.અમે બન્ને દોસ્ત પણ બની ગયાં."

 

" વાઉ!!"

 

"હા લાગે છે કે જેટલું ધાર્યું હતું તેનાથી પણ આસાનીથી આ કામ પતી જશે.એટલે અહીં બહુ નહીં રહેવું પડે." અક્ષતભાઇએ ખુશી સાથે તે સામે વાળી વ્યક્તિને કહ્યું.

શું અક્ષતભાઇ કોઇ સીક્રેટ ઇરાદા સાથે આવ્યાં હતાં? શું ભુતકાળ હતો અક્ષતભાઇ અને અક્ષરાબેનનો?શું અક્ષતભાઇનું આગમન અક્ષરાબેનને જીવન જીવવાનો એક નવો અહેસાસ અપાવશે?

જાણવા વાંચતા રહો.