રેડ અમદાવાદ - 12 Chintan Madhu દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રેડ અમદાવાદ - 12

૨૦૨૦, જાન્યુઆરી ૧૦, બપોરના ૦૨:૦૦ કલાકે

‘મેડમ...! શોધી કાઢ્યું....’, જસવંત ઊંચા ઉચ્ચારણ સાથે સોનલના કાર્યાલયમાં દાખલ થયો. સાથે રમીલા પણ હતી.

સોનલ વિશાલની પાસેની ખુરશી પર બિરાજેલી હતી. વિશાલ મોનીટરની સ્ક્રીન પર આંગળી ફેરવી સોનલને કોઇ માહિતી સમજાવી રહ્યો હતો. સોનલ ખૂબ જ ધ્યાનપૂર્વક વિશાલની વાત સાંભળી રહી હતી, અને તે કાર્યમાં જસવંતના અવાજે ખલેલ પહોંચાડી.

‘હા....બોલો... જસવંત. શું સમચાર લાવ્યા છો?’, મેઘાવી જસવંતની પાછળ જ કાર્યાલયમાં દાખલ થઇ.

‘પેલું... સિંહનું માસ્ક, શોધી કાઢ્યું. ક્યાંથી ખરીદવામાં આવે છે, તે શોધી કાઢ્યું.’, રમીલાએ સોનલની સામે જોયું અને તેણે, તેમજ જસવંતે પૂર્ણ કરેલ તપાસ વિષે જણાવવાની શરૂઆત કરી.

‘ક્યાંથી? ગુજરી બજારમાંથી...’, સોનલ અટકી.

‘તમને કેવી રીત ખબર પડી? અમને આટલો સમય લાગ્યો શોધતા અને તમે સામેથી જ કહી અમારે મહેનતને કાચી પાડી દીધી...’, જસવંતે સોનલને હાથ જોડ્યા.

‘શું કરીએ જસવંત? તમારી આ શોધના સમયગાળામાં એક બીજી હત્યા થઇ ગઇ, એટલે અમારે થોડી ઉતાવળ કરવી પડી.’, મેઘાવીએ સોનલના ટેબલ પાસેની ખુરશી ખેંચી અને તેના પર બેઠી.

જસવંત થોડો નિરાશ થયો. રમીલા પણ ચૂપ થઇ ગઇ. સોનલે વાતાવરણની હવા પારખીને ચા મંગાવી, અને જસવંતને ઇશારાથી બેસવા માટે જણાવ્યું. એ દરમ્યાન તે પાછી વિશાલ સાથે ચર્ચામાં લાગી ગઇ. જસવંતે પણ તેમની વાતો સાંભળવા તે તરફ કાન ધર્યા. વાતો પરથી તેને લાગ્યું કે સોનલ અને વિશાલ કોઇ ફોન નંબરની વાત કરી રહેલા.

‘જુઓ, મેડમ...! તમને જે નંબરથી બે વખત ફોન આવ્યો, તે બંને વખત તેના ટાવરનું સ્થાન આપની નજીક જ હતું. એટલે કે તે આપની આસપાસ જ ક્યાંક હતો.’, વિશાલ સ્ક્રીન પર સોનલના ફોનનું સ્થાન લીલા રંગ અને અજાણ્યા ફોનનુ સ્થાન લાલ રંગના ટપકાં તરીકે દર્શાવી રહ્યો હતો, ‘જુઓ, આપની કેટલી નજીક તેનું સીગ્નલ છે.’

‘બે વખત સિવાય એ ફોન કયારેય સ્વીચ ઓન થયો જ નથી કે શું?’, સોનલની નજર સ્ક્રીન તરફ જ હતી.

‘ના એવું નથી... તે સિવાય તેનો ફોન ત્યારે પણ સ્વીચ ઓન હતો જે સમયે અને સ્થળે મનહર પટેલની હત્યા થઇ.’, વિશાલે ૩૧ ડિસેમ્બર, ૨૦૧૯ના રોજની ફોનની ગતિવિધી દર્શાવી. સ્ક્રીન પર આંકડાઓ તીવ્ર ઝડપથી ગતિ કરવા લાગ્યા.

‘અને... ૦૭ જાન્યુઆરીના દિવસે...?’, સોનલે ભટ્ટની હત્યા વિષે જાણવા માટે પૂછ્યું.

‘હા... તે દિવસે નહિ, પણ રાત્રે આ ફોન ત્યાં જ હતો જે સ્થળ પર ભટ્ટની હત્યા થઇ છે, અને હા તે સ્વીચ ઓફ થયો...’, વિશાલે સ્ક્રીન પર નજર કરી સમય જોવા લાગ્યો.

‘બરોબર... ૧૨:૦૫ કલાકે…’, મેઘાવી બોલી.

‘ચોક્કસ સમય કહ્યો... વાહ....’, વિશાલે મેઘાવીને વખાણી.

‘એવું નથી...હું ભટ્ટની પોસ્ટમોર્ટમનો રીપોર્ટ લઇને આવી છું. તેમની મૃત્યુનો સમય રાત્રે લગભગ ૧૨:૦૦ કલાકનો છે, એટલે મેં અનુમાન લગાવ્યું, બસ...’, મેઘાવીએ અહેવાલને ફાઇલ કરી, ફાઇલ સોનલને આપી.

ભટ્ટની હત્યા સ્થળના ફોટોની વણઝારની આગળ જ પોસ્ટમોર્ટમ રીપોર્ટ ફાઇલ કરેલો હતો. સોનલે રીપોર્ટના પાના ઉથલાવ્યા, ‘બરોબર છે. હત્યા મનહર પટેલની હત્યા થઇ તે મુજબ જ કરવામાં આવેલ છે. તે જ મિડાઝોલમનું ઇંજેક્શન, હાથ-પગ પર ચાકુના ઘાવ, મૃત્યુનું કારણ વધુ પડતો રક્તસ્ત્રાવ, અને એક જેવું સામાન્ય લાગતું સિંહનું મહોરૂ. ત્રણ આંગળીઓ મૃત્યુ પછી કાપવામાં આવી છે.’, સોનલે ફાઇલ ટેબલ પર ફેંકી, ‘આ બધું તો આપણને ખબર જ છે.’

‘મેડમ... હું કંઇ મદદ કરી શકું...?’, જસવંત બધી વાતો શાંતીથી સાંભળી રહેલો અને થોડી ક્ષણો પછી તેણે પરવાનગી માંગી.

‘હા, કેમ નહિ?’, મેઘાવીએ ફાઇલને ટેબલ પર સરખી ગોઠવી.

‘જુઓ... તમે જાણો છે કે ભટ્ટ અને પટેલની હત્યા એક જ પદ્ધતિથી કરવામાં આવી છે. બીજું એક સામાન્ય ફોન નંબર છે, જે બંને સ્થળે સક્રીય હતો. તો પછી તે ફોન નંબરની માહિતી મેળવો...’, જસવંતે હંમેશાની જેમ બગલમાં રાખેલું શ્યામ રંગનું પાકીટ સરખું કરતા કહ્યું.

‘એ અમે કર્યું જ છે. પણ તે નંબર સ્વીચ ઓફ જ હોય છે. જાણે કે ખાસ કિસ્સામાં અમારા માટે જ તે ફોન ઓન કરવામાં આવતો હોય...’, વિશાલે જસવંતની વાત સાંભળી અકળાયો.

‘સાહેબ...! તમે તેની ગતિવિધી ૩૧ ડિસેમ્બરથી આજ લગીની જુઓ છો. હું કહું છું ૩૧ ડિસેમ્બર પહેલાની ગતિવિધીઓ ચકાસો...’, જસવંતે જમણા કાન પર આંગળી ફેરવી.

‘યસ...! જસવંત સાચું કહે છે... તે નંબરની આગળની સક્રિયતા ચકાસો.’, સોનલે વિશાલને આદેશ આપ્યો.

‘મેડમ... તેમાં સમય વધુ લાગશે. આપણે તે નંબરના સર્વિસ પ્રોવાઇડર પાસેથી બધી જ માહિતી મંગાવી પડશે.’, વિશાલે સોનલને સમજાવવાનો પ્રયત્ન કર્યો.

‘તો પણ કરો, અને સાથેસાથે સમીરા, રવિ, મનહર પટેલ, ભટ્ટ અને ભટ્ટની પત્ની દરેકની અલીબી ચકાસો.’, સોનલ આદેશ આપી કાર્યાલયમાંથી રવાના થઇ ગઇ. બહાર આવી. બિપીન તૈયાર જ હતો. સોનલ સુમોમાં સવાર થઇ અને સુજલામ તરફ બિપીન કાર હંકારવા લાગ્યો.

*****

તે જ દિવસે...

રવિ કાંકરીયા તળાવની નજીક આવેલા બંદ પડી ગયેલા અપ્સરા-આરાધના સિનેમાગૃહની પાસેની રેસ્ટોરન્ટમાં તેના મિત્ર સાથે કોફીની મજા માણી રહેલો. પુરોહિત નામના રેસટોરન્ટમાં દાખલ થતાં જ જમણી તરફ કાઉન્ટર હતું, અને ડાબી તરફ ફરતાં સામે પાંચ પાંચ ટેબલની ચાર હારમાળા જોવા મળતી હતી. ચાર હારમાળાઓને બે વિભાગોમાં વિભાજીત કરેલ હતી. દરેક બે હારમાળા વચ્ચે ચાલવાની જગ્યા. લાકડાના બનેલા ટેબલની આસપાસ ચાર લાકડાની મજબૂત ખુરશીઓ ગોઠવાયેલી રહેતી. છેલ્લી હારમાળામાં ત્રીજા ક્રમના ટેબલ પર રવિ અને તેનો મિત્ર ગોઠવાયેલા હતા. બંનેની નજર પ્રવેશદ્વાર પર હતી. પ્રતીક્ષા હતી તે વ્યક્તિની જેની સાથે ઓશ્વાલમાં મુલાકાત થઇ હતી. એટલામાં જ કાચનો બનેલો દરવાજો અંદરની તરફ ખૂલ્યો અને એ જ વ્યક્તિ, તે જ સફેદ શર્ટ અને બ્લુ ડેનીમમાં સજ્જ થઇને મળવા આવેલો. તે ઝડપથી રવિની સામે આવીને ગોઠવાઇ ગયો અને સમોસા ઓર્ડર પણ કરી દીધા.

‘સોરી... સાહેબ... તમારૂ કામ પૂરૂ થાય તે પહેલાં જ કોઇએ તે વ્યક્તિને મૃત્યુને ઘાટ ઉતારી દીધો.’, તે વ્યક્તિનો ઘેરો અવાજ રવિના કાન પર પડ્યો.

‘શું વાત કરે છે? મને એમ કે તે કામ પૂરૂ પાડ્યું છે.’, રવિ અચરજ પામ્યો.

‘ના...ના... સાહેબ... તે દિવસે તમારી સાથેની મુલાકાત પછી, હું શ્રીમાનની શોધમાં લાગ્યો અને પત્તો પણ મેળવી લીધો. પરંતુ હું કોઇ ગતિવિધી કરૂ, તે પહેલાં તો તેમની ગાડી પાર્કીંગમાંથી અલોપ થઇ ગઇ.’, તે વ્યક્તિએ ટેબલ પર પીરસાયેલ સમોસાની પ્લેટમાંથી એક સમોસું ઉપાડ્યું, અને આરોગવા લાગ્યો.

‘તારે શ્રીમાન ભટ્ટ’, રવિ અટક્યો, ‘સોરી, તારે તે વ્યક્તિની પ્રત્યેક હિલચાલ પર ધ્યાન આપવાનું હતું. મને મારા પિતાની હત્યા માટે તેની પર શંકા હતી. પણ હવે તો તે જ નથી રહ્યા. હવે પિતાજીના પ્રોજેક્ટમાં તેમની સાથે કોણ હતું? તે મને પણ ખબર નથી...’, રવિએ માથા પર હાથ મૂક્યો.

‘ચિંતા ન કરશો... સાહેબ...! મેં શ્રીમાનની જેટલી ગતિવિધીઓનો અભ્યાસ કર્યો તે પરથી મને આપના પિતાના એવા ભાગીદાર કે જે દુનિયા સામે તેમની શોધના ભાગ નથી... તેમના વિષે જાણવા મળ્યું છે.’, તે વ્યક્તિએ એક સમોસું પૂરૂ કર્યું.

‘શ...અઅઅ...!’, રવિ એ મુખ પર આંગળી મૂકી ઇશારો કર્યો, ‘શોધ નહિ… પ્રોજેક્ટ બોલ. દિવાલોને પણ કાન હોય છે. તારો કે મારો કોઇ પીછો કરી રહ્યું હશે તો...’

‘સારૂ... સારૂ...!’, તે વ્યક્તિએ બીજું સમોસું ઉપાડ્યું.

‘હવે ખાવાનું બંદ કર... અને ત્રીજા ભાગીદાર વિષે જણાવ.’, રવિ અકળાયો.

‘સાહેબ... હું હજી ચકાસી રહ્યો છું. ખરાઇ થતાં જ આપને નામ તેમજ તેને લગતી બધી જ માહિતી આપી દઇશ.’, તે વ્યક્તિએ સમોસું આરોગવામાં ધ્યાન આપ્યું.

રવિએ બીલ માટે ઇશારો કર્યો. સેવક તુરત જ બીલ ટેબલ પર મૂકી ગયો. સાથે સાથે મીઠી વરિયાળી પણ મૂકી. રવિ ઉઠવા જતો હતો અને તે વ્યક્તિએ હાથ ઊંચો કરી તેને રોકયો, ‘સાહેબ...! મારી આજની ફી...’

રવિએ તેના મિત્ર સામે જોયું અને મિત્રએ એક ખાખી કવર તે વ્યક્તિના હાથમાં ધમાવી દીધું. કવર લેતાંની સાથે જ તે વ્યક્તિએ રવિની સામે જોયું, ‘હવે... આપણે... મળીશું... રવિવારે... સ્થળ હું તમને મેસેજ કરી દઇશ...’

રવિએ મોબાઇલની સ્ક્રીન ઓન કરી, ‘રવિવાર એટલે ૧૨ જાન્યુઆરી. શક્ય નથી. મારે બીજું કામ છે.’

‘જેવી તમારી ઇચ્છા, સાહેબ...!’, તે વ્યક્તિ સમોસું પૂરૂ કરવામાં વ્યસ્ત બન્યો.

*****

ક્રમશ:...