કુદરતના લેખા જોખા - ૧૬
આગળ જોયું કે મયૂરને તેની મમ્મીની યાદનું એક સ્વપ્ન રાતની ઊંઘને વેરવિખેર કરી નાખે છે. મયુરના મિત્રો વાંચવા માટે પરિક્ષા સુધી મયુરના ઘરે રહેવા માટે જાય છે
હવે આગળ.........
* * * * * * * * * * *
સાગરે બધા માટે ચા બનાવી રાખી હતી. ત્યાં જ મયુર પણ તૈયાર થઈને આવી ગયો હતો. સાગરે બધા ને ચા આપતા કહ્યું કે ચા કેવી બની છે એ મને કહેજો. બધા એ ચા ના ખૂબ જ વખાણ કર્યા. પછી મયુરે અભ્યાસની વાત શરૂ કરી. જેમાં ત્રણેય મિત્રોના કાચા વિષયો વિશે ચર્ચા કરી. મયુર બધાનું વાંચવાનું ટાઇમ ટેબલ તૈયાર કરી આપ્યું. જો બધા જ આ ટાઈમ ટેબલ પ્રમાણે મહેનત કરે તો આખો કૉર્સ પૂરો થઈ શકે તેમ હતો. વાંચનના ૩ કલાક પછી ૩૦ મિનિટ સવાલ જવાબ માટે રાખી હતી. મયુર દ્વારા ચુસ્તપણે એવું કહેવામાં આવ્યું હતું કે ૩ કલાકના વાંચનમાં વચ્ચે કોઈ પ્રશ્ન ન સમજાય તો એ પ્રશ્ન એક અલગ બુકમાં લખી લેવો વાંચનના સમયે એ પ્રશ્ન પૂછવો નહિ. એ પ્રશ્નનું નિરાકરણ જે ૩૦ મિનિટના સવાલ જવાબ માટે ફાળવેલી છે એમાં કરવામાં આવશે.
સાગર, હેનીશ અને વિપુલ તો મયૂરને જોય જ રહ્યા. મયુરે જે ટાઈમ ટેબલ બનાવ્યું હતું એવું ટાઈમ ટેબલ આ ત્રણેય માથી કોઈએ ક્યારેય બનાવ્યું નહોતું.આ ટાઈમ ટેબલ પ્રમાણે જોઈએ તો ૧૭.૫ કલાક વાંચન માટે ફાળવેલા હતા. મયુર માટે ત્રણેયને માન ઉપસી આવ્યું. આવી સખ્ત મહેનતના કારણે જ મયુર યુનિર્વિસટી પ્રથમ આવતો હશે!
વાંચનના શ્રી ગણેશ થયા. મયુરે બધાની બેઠક વ્યવસ્થા એકાબીજાથી અમુક અંતરે દૂર રાખી હતી જેથી એકાબીજા વાતો ના કરી શકે. મયુર એક શિક્ષકની માફક બધાને સમજાવી રહ્યો હતો. અને તેમના મિત્રો એક વિદ્યાર્થી ની જેમ તેના સૂચનોનું પાલન કરતા હતા. વાંચન શરૂ થતાં જ રૂમમાં એક સન્નાટો છવાય ગયો હતો. ઘડિયાળના કાંટાનો અવાજ પણ સ્પષ્ટ પણે સંભાળી શકાય એવો સન્નાટો. મયુરના મિત્રો માટે એક બેઠકે ૩ કલાક સુધી વાંચવું અઘરું હતું. પણ પરીક્ષાનો અને મયુરના ડર ના કારણે બધા વાંચી રહ્યા હતા. ત્રણ કલાકના અંતે મયુર તેમના મિત્રોને નહિ સમજાએલા પ્રશ્નોને સરળ રીતે સમજાવતો.
બધા મિત્રોનો સથવારો હોવાથી મયૂરને તેમના પરિવારની યાદો ઓછી આવતી થઈ. તે હવે વાંચવામાં વધુ ધ્યાન આપી રહ્યો હતો કારણકે તેને જ વિષય સરખો સમજાશે તોજ તેમના મિત્રોને એ વિષય પર વધુ સારી રીતે સમજાવી શકશે. માટે તે એક એક પ્રશ્નને બારીકાઈથી અભ્યાસ કરી રહ્યો હતો.
તેમના મિત્રો પણ મયુરના જનૂન ને પાછું આવતા જોઈ ખુશ હતા. મિત્રોને પણ એ જ અપેક્ષા હતી કે મયુર પર આવેલા દુઃખને કારણે યુનિવર્સિટીમાં આવતા પ્રથમ સ્થાનના ધ્યેયને મયુર ભૂલી ના જાય. ફરી આવેલા જનૂન ને જોઈ ને તેમના મિત્રોને પણ હાશકારો થયો.
૨ થી ૩ દિવસ મયુરના મિત્રોને એકી બેઠકે વાંચવું અસહ્ય થઈ રહ્યું હતું. પરંતુ મયુરના સતત પ્રોત્સાહનો એ તેમને આ રીતે વાંચવાની આદત બનાવી આપી હતી. હવે તો તેમને પણ વાંચવામાં રસ પડી રહ્યો હતો. અને મન માં આવેલા સવાલોનું પણ મયુર નિરાકરણ લાવી દેતી હતો. હવે તેમને પણ પોતાની આટલી મહેનતથી થોડો આત્મવિશ્વાસ બંધાયો હતો.
સમય નીકળતા ક્યાં વાર લાગે છે. આજે પરીક્ષાનો દિવસ હતો. બધાના ચહેરા પર ૧૫ દિવસની સખત મહેનતનો ભાર નહોતો વર્તાતો પણ આત્મવિશ્વાસની ઝલક જરૂર વર્તાતી હતી. મયુરના મિત્રો જે પાસિંગ માર્ક માટે વલખાં મારતા હતા તે હવે કેટલા પર્સન્ટેજ આવશે એની વાતો કરતા હતા. બધા પરિક્ષા આપવા માટે કોલેજ જવા રવાના થયા. મયુરે કોલેજની બહાર એક જાડ નીચે બધા મિત્રોને ઊભા રાખ્યા અને કહ્યું કે જુઓ મનમાં કોઈ ડર રાખ્યા વગર પેપર લખવાનું છે. પેપર હાથમાં આવતા જ લખવાનું શરૂ ના કરી દેતા. પહેલા આખું પેપર ધ્યાનથી વાંચી લેજો પછી જે સવાલનો જવાબ તમને વધુ આવડતો હોય એ પહેલાં લખી નાખજો. એટલે તમને લખવાનો આત્મવિશ્વાસ વધશે. મયુરે તેમના મિત્રોને પેપર લખવાની જેટલી સ્ટ્રિક તેમને આવડતી હતી તે બધી જ સમજાવી દીધી. પછી એકાબિજાને બેસ્ટ ઓફ લક કહી એક્ઝામ હોલમાં ગયા.
સાગરના હાથમાં પેપર આવ્યું. એક ઊંડો શ્વાસ લઈ શાંતિથી આખું પેપર વાંચી લીધું. પેપર વાંચીને જ સાગર ગદગદિત થઈ ગયો. કારણ કે જે જે પ્રશ્ન મયુરે મોસ્ટ આઇ.એમ.પી. માં કહ્યા હતા અને જે પ્રશ્નને વધારે ધ્યાન પૂર્વક વાંચવાનું કીધું હતું એ બધા જ પ્રશ્ન પેપરમાં પૂછાયા હતા. સાગરે મનોમન જ મયુરનો આભાર માની પેપર લખવાની શરૂઆત કરી.
એક્ઝામ હોલની બહાર મયુર તેમના મિત્રોની રાહ જોતો હતો. તેમના મિત્રો તેમની પાસે આવીને તરત જ ગળે વળગી પડ્યા અને કહ્યું કે થેન્કસ મયુર તે કીધા હતા એ બધા જ પ્રશ્ન પેપરમાં પૂછાયા એટલે અમારું આજનું પેપર ખૂબ સારું ગયું છે. દરેકના ચહેરા પર એક સ્મિત ફરકી રહ્યું હતું.
સાગર :- તારું પેપર કેવું ગયું મયુર?
મયુર :- સારું ગયું છે. તમારા બધાંનું આજે સારું પેપર ગયું એ મારા માટે વધુ ખુશી વાત છે. પણ મિત્રો હજુ પરિક્ષા પૂરી નથી થઈ માટે આ એક સારા પેપરની ખુશીમાં બીજા પેપર ખરાબના જાય એનું ધ્યાન રાખવાનું છે. (મિત્રોને વધારે પડતા ઉત્સાહમાં જોતા આગળના પેપર માટે ગંભીર થવા માટે કહ્યું)
બધાના ચહેરા ફરી પાછા ગંભીર થઈ ગયા. પ્રથમ સારા ગયેલા પપેરની ખુશી આવનારા બીજા પપેરની ચિંતામાં ઓગળી ગઈ. ફરી પાછા મયુરના ઘરે આવી બધા મિત્રો તૈયારીમાં જોતરાઈ ગયા.
પરીક્ષાનો કપરો સમય પૂરો થયો. એક મોટો પથ્થર છાતીમાંથી નીચે મૂકી દીધો હોય એટલો હાશકારો થયો. એકાદ પેપર ને બાદ કરતા મયુરના મિત્રોના બધાજ પેપર સારા ગયા હતા. મયુરના પરિવારનો દુઃખદ બનાવ બની ગયો હોવા છતાં મયુરના પેપર ખૂબ સારા ગયા હતા. મયૂરને વિશ્વાસ હતો કે એને મળતો યુનિવર્સિટી નો પ્રથમ નંબર યથાવત રહેશે જ.
ક્રમશ:
પ્રમોદ સોલંકી
શું મયુર યુનિવર્સિટી પ્રથમ આવશે?
મયુરના મિત્રો પાસિંગ માર્ક કરતા સારા પરસેંટેજ લાવી શકશે?
આગળ મયુરની સફર કેવી રહેશે?
જાણવા માટે વાંચતા રહો "કુદરતના લેખા - જોખા"
વધુ આવતા અંકે........
આપનો કિંમતી પ્રતિભાવ આપવાનું ચૂકશો નહિ
આભાર🙏🙏🙏