કાવ્ય સંગ્રહ - 1 Jasmina Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કાવ્ય સંગ્રહ - 1

" મારી મા "

સૌથી પહેલો પ્રેમનો અહેસાસ કરાવ્યો
મારી "મા" એ
સૂતી હું તેના ગર્ભમાં હતી ત્યારે....
ન હતી ખબર આટલી સુંદર હશે "મા"....!!
ગાલ પર જ્યારે પપ્પી દેતી મીઠી લાગતી મને
મારી "મા"
કડવી થઇને શિક્ષણ આપે આખા જગનું
મારી "મા"
શોધું જ્યારે ભૂતકાળમાં તેને હું, કહેતી તારી ભીતર તારા શિક્ષણમાં છું હું....
આજે સમજાયું સો શિક્ષક બરાબર એક છે "મા"
ઘડતી હું મારા દિકરાઓને ત્યાં...
પોતે છણકો કરી લેતી બચાવી પારકાથી લેતી તે...
આજે સમજાયું "મા" કેમ ગુસ્સો કરી લેતી...??
ફીકા લાગે બધા ભોજન યાદ આવે જ્યારે
ફૂંક મારી ખવડાવતી કોળિયો
મારી "મા"
સુખ,શાંતિ અને પ્રેમ બધું જ એકસાથે મળતું
સુવડાવતી તેના ખોળામાં
મારી "મા"
પૃથ્વી પર પરમાત્માની પ્રતીતિ એટલે "મા"
સત સત વંદન "મા" ને કરું ભૂલી ન શકું તેને હું
સઘળું ન્યોછાવર તેને માટે પણ મળી ન શકે આજે મારી "મા"....
સદાય હસતો ચહેરો તેનો છબીમાંથી પણ
આશિષ દેતો....
ભૂલાવી ન શકું હું કદી તેને, મને વ્હાલી
મારી "મા"....

-જસ્મીના શાહ 'જસ્મીન' દહેગામ


" દોસ્ત "

યાદ આવે મને આજે પેલું બાળપણ છે.
દોસ્ત, જે પેલા ગલ્લામાં કેદ છે....!!!
ખભા ઉપર હાથ મૂકી ચાલ્યા બેઉ જાતા,
ને વાતો ન ખૂટે પછી આખાય મલકની...
યાદ આવે આજે એ નિ:સ્વાર્થ પ્રેમ છે.
દોસ્ત, પેલી સાઇકલની ઘંટડી તું વગાડે ને...
દોડીને હું આવું તારી પાસ....!!!
મીઠાશ આજે આ બત્રીસ ભોજનમાંય નથી
દોસ્ત, જે હતી, અડધું ખાય તું ને અડધું ખાઉં હું...
જ્યાં એંઠા-જૂઠાનો નહીં બાદ....!!!
શાળાએ આવવા થાઉં જરા મોડો તો,
દોસ્ત, ઉભો તું દેખાય મારી વાટે....!!!
યાદ આવે મને આજે પેલું બાળપણ છે.
દોસ્ત, જે પેલા ગલ્લામાં કેદ છે....!!!

- જસ્મીના શાહ 'જસ્મીન'


" સપનું "

મારા હૈયામાં રમતું એક સપનું આસપાસ,
અમથું એ અમથું મને ગમતું એ ખાસ...!
સૂરજના ડૂબવાની સાથે એ ખીલતું,
પછી હોય આખી રાત એની પાસ...!
નજરથી ચોરીને દ્રષ્ટિમાં હું લાવું,
સમયની સાથે એને સરખાવું...!
લખ્યું જ્યારે જે થાય તે અચૂક,
મનના મનોરથને કેમ સમજાવું...!
પાંપણ ઉપર બેસી જોતું એ વાટ,
એને પણ કરવીતી નીંદરની વાત...!
મહેનતની સાથે એનો નાતો છે ખાસ,
ઉઠીને જોયું તો ફરતું આસપાસ...!
મારા હૈયામાં રમતું એક સપનું આસપાસ,
અમથું એ અમથું મને ગમતું એ ખાસ...!

-જસ્મીના શાહ 'જસ્મીન' દહેગામ


" મોબાઇલ મૂકીને..."

મોબાઇલ મૂકીને કોઈવાર આમ,
આંટો મારવાને આવજો.
ગેમોની રમત છોડી,
સંબંધોની સુવાસ લેવાને આવજો.
વોટ્સઅપ - ફેસબુક છોડી,
સુખ દુઃખની વાતો કરવાને આવજો.
જૂની વાતોને મેં માળિયામાં ચઢાવી છે,
એને હેઠે ઉતારી તાજી કરવાને આવજો.
ઓકે, થેન્કસ, બાયના મેસેજ છોડી,
રૂબરૂ ચડશા-ચડશી કરવાને આવજો.
બાળપણની વાતોને યાદ કરી,
મિત્રો ખડખડાટ હસવાને આવજો.
સમય બદલાયો છે,
સંજોગ બદલાયા છે...
તમે અને હું એના એજ છીએ,
સાબિત કરવાને આવજો.
મોબાઇલ મૂકીને કોઈવાર આમ,
આંટો મારવાને આવજો.

- જસ્મીના શાહ 'જસ્મીન' દહેગામ


" દીકરી "

બે જીવમાંથી ત્રીજો જીવ જન્મ લે
ત્યારે જ એક ઘર સંપૂર્ણ બને છે.
દિકરો જો હોય કૂળદિપક તો
દીકરી વ્હાલનો દરિયો બને છે.
દિકરો જો હોય વંશને વધારનાર
તો દીકરી ઘડપણનો સહારો બને છે.
દિકરો થાય જ્યારે બેજવાબદાર
ત્યારે દીકરી મા-બાપનો આશરો બને છે.

-જસ્મીના શાહ

" સુંદર સાંજ "

મુલાકાતની એક સુંદર સાંજ લઇને આવી છું.
તારા માટે એક મજાની વાત લઇને આવી છું.
અધૂરી છે જિંદગી ખૂબસુરત યાદો વગર,
તારા માટે યાદો ની કતાર લઇને આવી છું.
ચૂપ રહેજે તું અને સાંભળજે મને,
તારા માટે વાતોની કિતાબ લઇને આવી છું.
મુલાકાતની એક સુંદર સાંજ લઇને આવી છું
-જસ્મીના શાહ