રેડ અમદાવાદ - 9 Chintan Madhu દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 112

    ભાગવત રહસ્ય-૧૧૨   જીવનો જ્યાં જન્મ થયો-કે-માયા એને સ્પર્શ કર...

  • ખજાનો - 79

    ડર...ભય... ચિંતા...આતુરતા...ને ઉતાવળ... જેવી લાગણીઓથી ઘેરાયે...

  • ભાગવત રહસ્ય - 111

    ભાગવત રહસ્ય-૧૧૧   પશુ-પક્ષીની યોનિમાં અનેક પ્રકારના દુઃખ ભોગ...

  • વિશ્વની ભયંકર જળહોનારતો

    જ્યારે પણ જળહોનારત અંગે વાત નિકળે ત્યારે લોકોનાં મોઢે માત્ર...

  • ખજાનો - 78

    "રાત્રી નો સમય છે, આંદોલન વિશે સુતેલા અંગ્રેજોને જાણ તો થઈ ગ...

શ્રેણી
શેયર કરો

રેડ અમદાવાદ - 9

૨૦૧૭

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ,

સાત સફળ સમિટનું આયોજન કર્યા પછી, ગુજરાત સરકારે મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે ૧૦ થી ૧૩ જાન્યુઆરી ૨૦૧૭ દરમ્યાન વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની આઠમી આવૃત્તિનું આયોજન કરેલ હતું. ગુજરાત લાંબા ગાળાની વૃદ્ધિ અને સર્વાંગી વિકાસની દિશામાં આગળ વધી રહ્યું હતું. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની આઠમી આવૃત્તિનું કેન્દ્રિય ધ્યાન "ટકાઉ આર્થિક અને સામાજિક વિકાસ" હતું. સમિટમાં વિકાસના કારણને આગળ વધારવા અને સહયોગને પ્રોત્સાહન આપવા માટે વિશ્વભરના રાજ્યો અને સરકારના વડાઓ, પ્રધાનો, કોર્પોરેટ વર્લ્ડના માંધાતાઓ, વરિષ્ઠ નીતિ નિર્માતાઓ, આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ અને શિક્ષણને એક સાથે કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં ૨૫ જેટલા વિવિધ ઔદ્યોગિક વિભાગો, ૨૦૦૦ કંપનીઓ, ૨૫૦૦ આંતરરાષ્ટ્રીય આમંત્રિતો અને લગભગ ૨૦ લાખ મુલાકાતીઓ સમાવિષ્ટ હતા. ૧૦૦ દેશોમાંથી મુલાકાતીઓ આવકારાયેલા. પહેલા જ દિવસે નોબલ પ્રાઇઝ સીરીઝ કાર્યક્રમ દરમ્યાન ઉત્તમ ઔદ્યોગિક ખોજને પુરસ્કાર મળવાનો હતો.

મહાત્મા ગાંધી મંદિરમાં દાખલ થતાં જમણી તરફના ડોમમાં આવેલ સેમિનાર હોલમાં નોબેલ પ્રાઇઝ સીરીઝને ખુલ્લી મુકવાનો સમય થઇ ગયો હતો. આમંત્રિતો તેમજ મુખ્ય મહેમાનો તેમના સ્થાન પર બિરાજેલા હતા. મંચ પર પાંચ સફેદ રંગની ચાદરથી આવરીત સોફા અને સોફા પર ગુજરાતના મુખ્યમંત્રીશ્રી, નાણામંત્રીશ્રી, નાણાવિભાગના સચિવ તેમજ ઉદ્યોગ-ખાણ વિભાગના સચિવ બિરાજમાન હતા. જમણી તરફનો છેલ્લો સોફા ખાલી હતો. દરેક સોફાની આગળની તરફ કાચની ટીપોઇ, અને ટીપોઇ પર પાણીની બોટલ ગોઠવેલી હતી. જાણીતા શિક્ષણવિદે સોફા પર સ્થાન મેળવી ખાલી સોફાની શોભા વધારી. સામાન્ય ઊંચાઇ ધરાવતા, ડાર્ક બ્લુ શુટમાં સજ્જ, મનહર પટેલનો સભામાં ભાગ શિક્ષણ ક્ષેત્રને સમર્પીત હતો. જે ગ્લોબલ સમિટનું એક પીંછું હતું. શિક્ષણ. મનહર પટેલ સભામાં ઉત્તમ ખોજ અર્થે પુરસ્કારીત થવાના હતા.

સમારોહની ઔપચારિકતાઓ, મહાનુભાવોનું સ્વાગત, મંત્રીશ્રીનું વક્તવ્ય, સચિવશ્રીઓના સમિટને લગતા વિચારો અને યોજનાઓ, હોલમાં પ્રત્યેકની સમક્ષ મૂક્યા પછી, વારો હતો સન્માનનો. મંચની ડાબી તરફ ગોઠવેલ પોડિયમને ટેકો રાખીને ઊભેલા વક્તાએ જાહેર કર્યું કે, ૨૦૧૭ના વર્ષે નોબેલ પ્રાઇઝ સીરીઝને ખુલ્લી મૂકતાંની સાથે ગુજરાત સરકાર તરફથી ઉત્તમ ખોજના પુરસ્કાર અર્થે એક વ્યક્તિ નહિ પરંતુ બે વ્યક્તિઓના સંગઠીત પ્રયાસને પસંદ કરવામાં આવેલ હતો. સંગઠન હતું મનહર પટેલ અને ઇંદ્રવદન ભટ્ટનું.

નામની ઘોષણા થતાની સાથે જ મનહર પટેલ તેમના સોફાને છોડીને મંત્રીશ્રી પાસે પુરસ્કાર સ્વીકાર કરવા પહોંચ્યા. ભટ્ટ સુપ્રિમ કોર્ટમાં કેસની તારીખ હોવાને કારણે હાજર રહી શક્યો નહોતો. તાળીઓના ગડગડાટે હોલને ધ્રુજવી નાંખ્યો.

વક્તાના ઇશારાને સમજીને મનહર પટેલે માઇક હાથમાં લીધું, અને આમંત્રિતો સમક્ષ તેમના પુરસ્કારીત થવા અંગે જણાવ્યું, ‘સૌપ્રથમ, હું ગુજરાત રાજ્યના મંત્રીશ્રી, નાણામંત્રીશ્રી, સચિવશ્રી અને વાઇબ્રન્ટ સમિટનો આભારી છું. મારી શોધ વિષે જણાવતાં મને આનંદ થાય છે કે જ્યારે અમારી ખોજ વાસ્તવિક કક્ષાએ ઉદ્યોગોમાં વપરાશે, તે અમારા માટે જ મોટી સિધ્ધી રહેશે. સૂક્ષ્મ ક્ષેત્રે અમે સફળ થયા છીએ, અને આ એવોર્ડ તેનું જ પ્રમાણ છે. હું અને શ્રીમાન ભટ્ટ, આજે અહીં ઉપસ્થિત રહી શક્યા નથી, અમે આ એવોર્ડનું સન્માન કરીએ છીએ. ફરી એકવાર ગુજરાત રાજ્ય સરકારનો આભાર.’, મનહર પટેલે તેમનો સોફા ફરીથી શોભાવ્યો.

વક્તાએ કાર્યક્રમ સમાપ્તીની ઘોષણા કરી અને દરેકને સમિટનો લાભ લેવા આગ્રહ કર્યો. મનહર પટેલ મંચ પર બિરાજેલા માંધાતાઓ સાથે થોડીક ચર્ચા કરીને હોલમાંથી સમિટના પ્રદર્શન વિભાગ તરફ જવા લાગ્યો. પટેલે ફોન લગાડ્યો, ‘હેલો... પુરસ્કાર સ્વીકારી લીધો છે. આપણી શોધ વિષે મંચ પર કોઇ મોટી જાહેરાત મેં કરી નથી. દિલ્હીથી પાછા આવો પછી વિગતવારે ચર્ચા કરીશું.’, પટેલે ફોન કાપ્યો, અને સમિટમાં બનાવેલ ટેક્ષટાઇલ વિભાગ તરફ પગ માંડ્યા.

*****

‘હેલો... પટેલ સાહેબ... એક મિનિટ...!’, પટેલની તીવ્ર ચાલને તેની પીઠ તરફથી અચાનક આવતા અવાજે રોકી. પટેલ પાછળ ફર્યો. અમાસની રાતના આકાશ જેવા કાળા કાચ ધરાવતા ચશ્મા ચડાવેલ, ખડતલ યોદ્ધા જેવો બાંધો ધરાવતો વ્યક્તિ પટેલ તરફ ઝડપી ચાલ સાથે આવી રહેલો. ગ્રે ટ્રાઉઝર અને ચશ્માના કાચ જેવી જ કાળી ભમ્મર ટી-શર્ટ ધારણ કરેલ તે વ્યક્તિ પટેલ કરતા આશરે બે ઈંચ ઊંચો હતો. તેની ઝડપી ચાલ પરથી પટેલે અનુમાન લગાવી દીધું હતું કે કોઇ અગમ્ય કારણ હોઇ શકે જે તેના ફાયદામાં હશે. પારખી નજર ધરાવતો પટેલ માણસના વર્તન પરથી કામનો અંદાજો મેળવી લેતો.

‘હા...! બોલો...’, પટેલે તે વ્યક્તિ નજીક આવતાં જ કહ્યું.

‘પટેલ સાહેબ...! મેં તમારી શોધ વિષેનો નિબંધ વાંચ્યો અને હું ઘણો આનંદિત છું કે આપ સમાજ વિષે આટલું બધું વિચારો છો.’, તે વ્યક્તિએ પટેલની શોધ વિષે રસ દાખવ્યો.

‘હા… તમારો આભાર... પણ તમે કોણ છો? અને તમને કેમ આ વિષયમાં રસ પડ્યો?’, પટેલે પ્રદર્શન જોવા માટે પગ જે તે પ્રદર્શન વિભાગ તરફ ઉપાડ્યા.

‘હું... હું... સાહેબ... ગુજરાત યુનિવર્સિટીમાં પીએચ.ડી. નો વિદ્યાર્થી છું. હજું મારૂ પ્રથમ વર્ષ પણ પૂર્ણ થયું નથી. કોર્સ વર્ક ચાલે છે. પરંતુ મારો વિષય આપની ખોજને ક્યાંક ને ક્યાંક સાંકળે છે. એટલે હું તમને મળવા માટે જ આ સમિટમાં આવ્યો છું.’, તે વ્યક્તિ પટેલની આગળ આગાળ ચાલતા બોલતો ગયો.

‘ગુડ... તારે શું જાણવું છે?’, વિદ્યાર્થી શબ્દ સાંભળતા જ પટેલના હાવભાવ બદલાયા.

‘સાહેબ... આપે જે સ્થળની વાત કરી છે... શું ખરેખર ત્યાં આપ જે કહો છો, તે મળશે? કે પછી....’, વિદ્યાર્થી અટક્યો.

‘શું...?’, પટેલ ગુસ્સે થયો, ‘તું કહેવા શું માંગે છે? અમારી શોધ પાયાવિહોણી છે…? કોણ છે તારો ગાઇડ...? એની ગાઇડશીપ જ રદ કરાવી દઇશ...’, પટેલે વધુ ઝડપથી ચાલવા લાગ્યો.

‘સોરી.... સર....! મારો એવો કોઇ ઇરાદો નહોતો...હું તો સામાન્ય વિદ્યાર્થી છું. પરંતુ મારી શંકાનું સમાધાન મેળવવા માટે મેં તમને પૂછ્યું.’, વિદ્યાર્થી હાથ જોડી, કાન પકડી ત્યાંથી ચાલ્યો ગયો.

વિદ્યાર્થીએ પૂછેલા પ્રશ્નોએ પટેલને વિચારમાં મૂકી દીધો. એક સામાન્ય પ્રથમ વર્ષ પીએચ.ડી.નો વિદ્યાર્થી એવું તો શું જાણે છે કે તેણે શોધના પાયાની વાત કહી. જેની માહિતી શોધતા અમને આટલા વર્ષો થયા તે આ આજનો નવયુવાન કેવી રીતે પાયાવિહોણી કહી શકે? મારે વધુ નથી વિચારવું. ભટ્ટના આવ્યા પછી જ આ છોકરાની છઠ્ઠી જાણી લઇશ.

‘પટેલ સાહેબ...!’, ફરી એ જ અવાજે પટેલના વિચારોની ગતિને રોકી.

‘શું છે?’, પટેલે તેની સામે જોઇ રહેલા. તે વિદ્યાર્થી પ્રત્યે ઘૃણા દર્શાવી.

‘છેલ્લો સવાલ....’, તે યોદ્ધા જેવો યુવાન પટેલની નજીક આવ્યો, પટેલના ચહેરાની એકદમ નજીક તેનો ચહેરો હતો. પટેલ કરતાં ઊંચો હોવાને લીધે તેણે નજર પટેલના ચહેરા તરફ કરી અને પટેલની આંખોમાં આંખો પરોવી.

‘હા... બોલ... અને ગાઇડનું નામ બોલ્યા વિના જતો નહિ...’, પટેલે પણ યુવાનની આંખોમાં ઘૂરીને જોયું, ‘તને અને તારા ગાઇડને મળવા આવીશ... ગુજરાત યુનિવર્સિટીમાં...કયા વિભાગમાં છે તું?’

‘હું... ભાવિન... ભાવિન મિસ્ત્રી, અને મારા ગાઇડનું નામ છે... ડૉ. મુકેશ પટેલ... સ્કુલ ઓફ સાયન્સમાં કેમેસ્ટ્રી વિભાગમાં પીએચ. ડી.માં આ વર્ષે જ એનરોલ થયો છું. મારો ટોપીક...’, વિદ્યાર્થી અટક્યો. તેના ગાઇડે તેને કોઇની પણ સાથે વિષયને લગતી ચર્ચા કરવા માટે મનાઇ ફરમાવી હતી.

‘હા... બોલ... ટોપીક...’, પટેલે ભાવિનને ઉશ્કેર્યો.

‘હું તમને કંઇક પૂછવા માંગું છું? પહેલા તેનો જવાબ.’, ભાવિન પટેલની વધુ નજીક આવ્યો.

‘બોલ’

‘મને એટલું જણાવો, તમારી પાસે સેટેલાઇટ દ્વારા લીધેલી છબીઓની નકલ ક્યાંથી આવી?’

‘એ તારો વિષય નથી. તે આ પ્રશ્ન કરી તારા માટે કેટલી મોટી તકલીફ ઊભી કરી છે, તે તું જાણતો નથી.’, પટેલનો ચહેરો ગુસ્સામાં લાલ થયો.

‘જોઇ લઇશું... સાહેબ...’, ભાવિન બોલતા બોલતા પટેલથી દૂર જવા લાગ્યો.

પટેલ ભાવિનને, દેખાતો બંધ થાય ત્યાં સુધી જોતો રહ્યો.

*****

ક્રમશ:...