સગપણ સામસામા Bachubhai vyas દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સગપણ સામસામા

“સંયમ... તને શરમ નથી? સાત મહિનાથી તુ મારા જોડે રીલેશન રાખી રહ્યો છે, અને આજ... આજ તુ એમ કહી રહ્યો છે કે સોરી આરૂષી હું તારા સાથે સંબંધ જાળવી શકું તેમ નથી અને તે પણ તારી બહેનના કારણે? તારી બહેન પણ તારા જેવી જ હશે!” આટલું બોલતા જ આરૂષીની આંખોમાંથી અશ્રુ વહેવા લાગ્યા!

“આરૂષી... તારે જે કહેવું હોય તે કહી શકે છે. મારા સાથે મુક્ત મનથી વાત કરવાનો તારો અધિકાર હું જતો નહિ કરું. તુ એકવાર મારી વાત શાંતિથી સાંભળ. મારી મજબુરી ને સમજવાની કોશિશ કર.પછી, તુ જે કહેશે...”

આરૂષીએ વચ્ચેથી સંયમની વાત કાપી નાખતા કહ્યું, “હવે મારે તારી એકપણ વાત નથી સાંભળવી. આજ પછી કદાપી મને રસ્તા ઉપર પણ આડો ઉતરતો નહિ. આઈ હેટ યુ.” કહીને આરૂષીએ જવા માટે કદમ ઉપાડતા જ સંયમે તેનો હાથ પકડી લઇ રોકવાની કોશિશ કરી. આરૂષી ગુસ્સે થઇ બોલી ઉઠી, “મેં તને કહ્યુંને આઈ હેટ યુ એન્ડ ડોન્ટ ટચ મી.”

“પ્લીઝ, આરૂષી... માત્ર પાંચ મિનીટ મને બોલવા દે.” સંયમ આજીજીભર્યા સ્વરે અને દયામણી નજરે આરૂષીના ચહેરાને નીરખવા લાગ્યો ત્યારે, “જલ્દી બોલ, જે બોલવું હોય તે બોલ પરંતુ એકપણ શબ્દ જુઠ ન બોલતો.”

“તો સાંભળ... મારી બહેન એક છોકરાને લવ કરે છે, અને તેની સાથે જ મેરેજ કરવા માંગે છે. તેનું કહેવું છે કે, છોકરો ઉચ્ચ ખાનદાનનો અને સંસ્કારી છે, વીસ હજારની નોકરી કરે છે. પોતાની માલિકીનું સ્વતંત્ર બંગલા ટાઈપનું મકાન છે, પરંતુ... એ છોકરાએ મારી બહેન સમક્ષ એક શરત મૂકી છે, અને એ પણ વિચિત્ર શરત. એ છોકરાનું એવું કહેવાનું થાય છે: જો તારો ભાઈ એટલે કે હું તેની બહેન જોડે લગ્ન કરું, તો જ હું તારી સાથે લગ્ન કરું. નહિતર આપણે બંને છુટા. તુ તારા રસ્તે અને હું મારા રસ્તે.” સંયમે આરૂષી સમક્ષ પોતાની મજબુરી દર્શાવી. આરૂષી પણ થોડીવાર માટે વિચારમાં ગરકાવ થઇ ગઈ અને સંયમને કહ્યું, “તુ ના નથી કહી શકતો?”

“હું તો ના જ કહી રહ્યો છું પરંતુ મારી બહેન કોઈ વાતે સમજવા તૈયાર નથી. તેનો સ્વભાવ જીદ્દી છે અને મને ફોર્સ કરી રહી છે. એનું કહેવું છે: મારા લવરની બહેન સુંદર, સંસ્કારી અને એજ્યુકેટેડ છે. તુ એકવાર એને જોઈ લે, તને તેની બહેન અચૂક ગમશે અને છતાય જો તુ નહી માને તો હું પોઈઝન પી લઈશ. બોલ આરૂષી મારે કયો રસ્તો લેવો? મને કેટલી હદે મજબુર કર્યો છે તને નહી સમજાય. બાકી સોગંદપૂર્વક કહું છુ આરૂષી... કે મારો પ્રથમ અને આખરી પ્રેમ તુ જ છે, તારા સિવાય કોઈમાં મને મુદલ રસ નથી. આઈ લવ યુ આરૂષી... આઈ લવ યુ.” સંયમે તેની મજબુરી જણાવી.

હવે આરૂષીએ કંઈ બોલવા જેવું રહ્યું નહીં. જતા જતા સંયમને કહેતી ગઈ, “હવે તુ જાણે... તારા નસીબ જાણે... ગુડબાય.” કહીને જતી રહી. એક ઊંડો નિસાસો નાખી સંયમ તેને જતી જોઈ રહ્યો. તે એકદમ અપસેટ થઇ ગયો. તેનો મૂડ ઓફ થઇ ગયો. બીજુ થાય પણ શું? પ્રેમમાં જાકારો મળે ત્યારે હરકોઈ પ્રેમીની હાલત કફોડી થઇ જતી હોય છે. એમાં કંઈ નવું નથી પરંતુ ક્યારેક આવા સંજોગોમાં અટવાયેલા પ્રેમીઓ ડીપ્રેશનમાં આવી જતા હોય છે. આ બધું જાણવા છતાં સંયમે ઘેર જતી વખતે રસ્તામાં થોડી સ્વસ્થતા હાંસલ કરી લીધી અને ઘેર પહોંચ્યો ત્યારે મમ્મી-પપ્પા અને બહેન ત્રણેય તેની રાહ જોઇને બેઠેલા.

“આવી ગયો ભાઈ. ચાલો જમવા બેસીએ.” તેના પપ્પાએ કહ્યું. પરંતુ સંયમ અંદરખાનેથી ચિંતિત હોવાથી, “તમે બધા જમી લો. મને ઈચ્છા નથી.” એવો જવાબ આપી તેના રૂમમાં જવા લાગ્યો. તેની બહેન કાજલે તેનો હાથ પકડી કહ્યું, “ભાઈ એવું નહિ ચાલે, તુ નહિ જમે તો અમે કોઈ પણ નહિ જમીએ પણ એ તો કહે કે તુ કેમ અપસેટ લાગે છે? એની પ્રોબ્લેમ? મે આઈ હેલ્પ યુ?” સંયમે તેનો હાથ છોડાવતા કહ્યું, “પ્રોબ્લેમ તે જ તો ઉભો કર્યો છે. તારે જેના સાથે જે રીલેશન હોય તે પણ તારો એ મજનુ પોતાની બહેન મને કેમ વળગાડવા માંગે છે? શું એને કોઈ મુરતિયો નહી મળતો હોય? આવા સગપણ સામસામાનો હું પાકો વિરોધી છું.”

“પણ બ્રધર. મમ્મી-પપ્પાને મારા ઉપર ભરોસો છે. બંનેનો આ સંબંધ અંગે જરા પણ વિરોધ નથી. તો તુ શીદને અકડાય છે? અને હા મારી હમણાં તેના સાથે(લવર સાથે) વાત થઇ છે અને આવતીકાલે સવારે નવ વાગ્યે આપણે તેના ઘેર જવાનું છે અને તેના મમ્મી-પપ્પા સાથે આપણા મમ્મી-પપ્પાએ સંબંધ બાબતે નક્કી કરવાનું છે અને તારે ખાસ આવવાનું છે. સમજી ગયોને? ચાલ હવે જમી લઈએ.” બહેન કાજલે સંયમને સમજાવવાનો આ રીતે પ્રયન્ત કર્યો.

“મારે નથી આવવું. તુ મમ્મી-પપ્પાને સાથે લઈને જઈ આવજે.” સંયમે કહ્યું.

“બેટા, કાજલની વાત ઉપર કંઇક તો વિચાર કર. તુ પેલી છોકરીને એકવાર જોઈ તો લે. છતાય તને પસંદ ન પડે તો કંઈપણ રસ્તો કાઢી લઈશું.” તેના પપ્પાએ સંયમને સમજાવ્યો. જેના કારણે આખરે,

“ઠીક છે, તમે લોકો બહુ આગ્રહ કરો છો તો તમારા જોડે આવીશ ખરો, પણ મારો નિર્ણય એ લોકોની સામે જ જણાવી દઈશ.” સંયમે કહ્યું.

“ઓકે ઓકે.” કાજલે હસીને સંયમના ગાલ પર હળવી ટપલી મારીને ખુશી વ્યક્ત કરતા કહ્યું.

બીજા દિવસે, સવારે નવ વાગ્યે સંયમ, કાજલ અને તેના મમ્મી-પપ્પા એ ચારેય જણા ત્યાં જવા રવાના થયા. વીસેક મિનીટ બાદ તેઓ ત્યાં પહોંચી ગયા ત્યારે કાજલનો પ્રેમી યુવક બહાર ગાર્ડનમાં જ તેમની પ્રતિક્ષા કરી રહ્યો હતો. તેણે બહારથી જ બધાને આવકાર્યા, “વેલકમ... વેલકમ. હલ્લો કાજલ... સંયમ... આંટી... અંકલ આવો.”

મીની બંગલો ટાઇપ મકાનમાં પ્રવેશતા જ સંયમ મનોમન વિચારવા લાગ્યો, “કાજલની પસંદ તો યોગ્ય જ છે. પસંદગીનું યુવક પાત્ર હેન્ડસમ છે.” આમ વિચારતા અંદર જતા જ પેલા યુવકના મમ્મી-પપ્પા પણ અંદરના રૂમથી હોલમાં આવતા જ, “આવો આવો. બેસો. કેમ છો? મજામાં? ઘર શોધવામાં હેરાન તો નથી થયાને?” બોલી ઉઠ્યા.

સંયમના પપ્પાએ કહ્યું, “નહી... નહી... કાજલ પાસે એડ્રસ હતુ જ એટલે સરળતાથી ઘર મળી ગયું. મારો પરિચય આપું. હું જમનભાઈ નાણાવટી. આ મારા મીસીસ અને કાજલ-સંયમના મમ્મી વિભાદેવી. કાજલ અને તમારો પુત્ર બંને એકમેકથી સુ-પરિચિત છે અને તેમની ઈચ્છા છે કે આપણે બંનેને ‘એક’ કરી દઈએ. તમારું શું કહેવું છે?”

“જુઓ જમનભાઈ. આજકાલના છોકરાવ એજ્યુકેટેડ, સમજદાર અને ટેલેન્ટેડ હોય છે, તેઓ કોઇપણ પગલું ભરતા પહેલા સાત વાર વિચારે અને છોકરાવની ખુશી, એ આપણી ખુશી બરાબરને?” યુવકના પપ્પાએ સહમતી દર્શાવતો જવાબ આપ્યા બાદ, સંયમના પપ્પાને કહ્યું, “અરે તમે તો તમારો પરિચય આપ્યો પણ હું તો ભૂલી જ ગયો! હા તો હું ત્રિભુવન ઠાકર અને આ અભીજીતના મમ્મી સુમિત્રા. અમને પણ અભીએ દિલ ખોલીને તેના અને કાજલના રીલેશન વિશે વાત કરેલી છે અને જો તે બંનેની ખુશી હોય તો આજના જમાના પ્રમાણે આપણે પણ તેમની ખુશીમાં સહભાગી થવું જોઈએ પણ, તમને કાજલે બીજી કંઈ વાત નથી કરી?” અભીજીતના પપ્પાએ વાતનો દોર આગળ વધારતા કહ્યું, “અમારી ઈચ્છા એવી છે કે, તમારા સંયમને પણ અમે જમાઈ બનાવીએ. કેમ, તમારું આ વિશે શું માનવું છે?”

“પણ તમારી પુત્રી કેમ દેખાતી નથી? સંયમ તેને એકવાર રૂબરૂ મળે, જોઈ લે, બંને વચ્ચે થોડી ઘણી વાતચીત થાય ત્યારપછી વાત આગળ વધે.” સંયમના મમ્મીએ જ જવાબ વાળ્યો. વાતચીત દરમ્યાન કાજલ સંયમને કહેવા લાગી, “સંયમ, તે ભલે કન્યાને નથી જોઈ છતાં પણ તુ અત્યારે જ મંજુરીની મહોર મારી દે. યસ કહી દે એટલે જલ્દી મીઠા મોઢા થાય.”

“કાજલ, એકવાર બેબીને આવવા તો દે. આમાં એકની મરજી ન ચાલે, બંનેની ઈચ્છા જરૂરી છે માટે તુ બહુ ઉતાવળી ન થા અને શાંતિ રાખ.” કાજલને તેના પપ્પા ટપારતા કહેવા લાગ્યા.

“હવે તમે ચા-નાસ્તાનું પતાવો. હું હમણાં જ દીદીને ફોન કરીને બોલવું છું.” કહી અભીજીતે ફોન લગાડ્યો, “અરે દીદી ઘેર આવને; મહેમાન રાહ જોઈ રહ્યા છે.” ફોન કટ કરી, “ઘેર પહોંચવા જ આવી છે.” કહીને અભીજીતે સંયમને પૂછ્યું, “સંયમ, શું ચાલે છે?”

“બસ... ચાલ્યે રાખે છે, નવો સવો નોકરીએ લાગ્યો છું. પંદર-સોળ હજાર જેવું મળે છે.” હસીને સંયમે અભીજીતને જવાબ આપ્યો.

ચા-નાસ્તાની પતાવટ બાદ અભીજીતના મમ્મી કહેવા લાગ્યા, “જમવામાં જરા મોડું થશે, ચાલશેને? ખાસ તો નહી. અડધી કલાક જેવું લેટ થશે.”

“અરે કંઈ વાંધો નહિ. તમે મુદલ ટેન્સન લેશો નહિ કેમકે અમે પણ ઘેર લેટ જમવાવાળા છીએ” સંયમના મમ્મીએ વળતો જવાબ આપ્યો.

ત્યાં જ દરવાજાની ડોરબેલ રણકી ઉઠી. ડોરબેલ વાગતા જ અભીજીતે જઈને દરવાજો ખોલતા જ સંયમ દરવાજા તરફ નજર નાખીને આશ્ચર્યચકિત થઇ ગયો કેમકે અંદર પ્રવેશી રહેલી યુવતી બીજું કોઈ નહી, સંયમની પ્રેમીકા આરૂષી જ હતી. આરૂષીને જોતા જ સંયમના હોંશ ઉડી ગયા. તેને થયું, “આરૂષી અહીં ક્યાંથી? અને અચાનક ક્યાંથી ટપકી પડી? કંઈપણ નવાજૂની થાવની જ. આ આરૂષી આજ મને ધોળા દિવસે તારા દેખાડવા જ અહીં આવી લાગે છે. હે ભગવાન મને બચાવજે.” વિચારોમાં ગરકાવ થઇ ગયેલ સંયમને ચપટી વગાડતા જ અભીજીતે ઢંઢોળ્યો, “એ મિસ્ટર. આ ફ્યુઝ કેમ ઉડી ગયા? ક્યાં ખોવાઈ ગયા? અને આમને મળો. આ મારી સિસ્ટર આરૂષી.”

આરૂષી પણ દિગ્મૂઢ અવસ્થામાં આવી ગઈ અને “સંયમ” માંડ એટલું બોલી શકી. ત્યાં જ કાજલે સંયમને પૂછી લીધું, “સંયમ, આ આરૂષી. અભીજીતની સગી બહેન અને મારી થનાર નણંદ. જો તને આરૂષી નાપસંદ હો તો અત્યારે જ ‘ના’ કહી દે. અભીને ખોટું નહિ લાગે. કેમ અભી?” અભીજીતે પણ વળતો જવાબ આપ્યો, “અને હા. મારી બહેન આરૂષી આ સંયમ. કાજલનો ભાઈ, જો તારી પણ ઈચ્છા ન હોય તો વિના સંકોચે બેધડક ‘ના’ કહી દે, નો પ્રેસર ટુ યુ ફ્રોમ અસ.”

આરૂષીની શરમ છુપી ન રહી. તેના ચહેરા પર શરમના શેરડા પડવા લાગ્યા. સંયમ ‘ફૂલ ગુલાબી મૂડ’માં આવી ગયો અને બંનેના પરિવારો સમજી ગયા કે સંયમ અને આરૂષીએ એકમેકને ‘મૌનાવસ્થા’માં જ પસંદ કરી લીધા છે. ‘સગપણ સામસામા’ના બંને પક્ષના લોકોએ મીઠા મોં કર્યા...

પણ આ બધું ‘સેટિંગ’ થયું કઈ રીતે? આરૂષી અને સંયમ બેમાંથી એકને પણ તેમના મનમાં ઉદભવેલા આ પ્રશ્નનો જવાબ આજ સુધી નથી મળ્યો!

વાંચવા બદલ આભાર