રેડ અમદાવાદ - 7 Chintan Madhu દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 112

    ભાગવત રહસ્ય-૧૧૨   જીવનો જ્યાં જન્મ થયો-કે-માયા એને સ્પર્શ કર...

  • ખજાનો - 79

    ડર...ભય... ચિંતા...આતુરતા...ને ઉતાવળ... જેવી લાગણીઓથી ઘેરાયે...

  • ભાગવત રહસ્ય - 111

    ભાગવત રહસ્ય-૧૧૧   પશુ-પક્ષીની યોનિમાં અનેક પ્રકારના દુઃખ ભોગ...

  • વિશ્વની ભયંકર જળહોનારતો

    જ્યારે પણ જળહોનારત અંગે વાત નિકળે ત્યારે લોકોનાં મોઢે માત્ર...

  • ખજાનો - 78

    "રાત્રી નો સમય છે, આંદોલન વિશે સુતેલા અંગ્રેજોને જાણ તો થઈ ગ...

શ્રેણી
શેયર કરો

રેડ અમદાવાદ - 7

બોપલથી ભાડજ સુધીનો રીંગ રોડ આશરે ૨૦ મિનિટનો કાળ ગળી જતો. આ સમયમાં સોનલ વિચારે ચડી. આખરે ભટ્ટ ક્યાં હશે? શું થયું હશે? શું આ કોઇ હત્યાઓની હારમાળા સર્જાઇ રહી છે? કોણ છે આની પાછળ? વિચારોની બંદ દિવાલોને બિપીને અચાનક મારેલી બ્રેકના ઝટકાએ તોડી. સોનલ વાસ્તવિકતામાં પાછી ફરી. બિપીને બ્રેક મારી તે જગા સાયન્સ સીટી સર્કલ હતી. ત્યાંથી તેમણે ભાડજ તરફ જવા ડાબો હાથ પકડવાનો હતો. મેઘાવીની ગાડીને સોનલે તેમનાથી થોડી જ આગળ જતા નિહાળી. સોનલે બિપીનને તેમની પાછળ જ રહેવા જણાવ્યું. એટલામાં જ સોનલનો ફોન રણક્યો.

‘મેડમ...! પોલીસ કંટ્રોલ તરફથી જાણવા મળ્યું છે કે ભાડજ હરેકૃષ્ણ મંદિર તરફના માર્ગ પર એક બીનવારસી સફેદ રંગની ઇનોવા પડી છે.’, વિશાલે સોનલના ફોન ઉપાડતાંની સાથે જ જણાવ્યું.

‘ઓકે. તું મેઘાવીને જણાવ. અમે તેમની પાછળ જ છીએ. લગભગ ૧૦ મિનિટમાં મંદિર પાસે પહોંચીશું.’, સોનલે ફોન કાપ્યો અને બિપીન સમજી ગયો કે આગળું સ્થળ હરેકૃષ્ણ મંદિર હતું.

બિપીને ઝડપ વધારી. મેઘાવી અને સોનલની સુમો આગળપાછળ જ સાયરન સાથે તીવ્ર ગતિથી મંદિર તરફ દોડી રહી હતી. ભાડજ ગામ રોડ પર આવતા ગંગોત્રી હોસ્પિટલથી ડાબો વળાંક, મિલ્ક ડેરી, શ્રી કાશિ એવન્યુને પસાર કરતા સાત્વિક હિલ્સથી આગળ જમણી તરફ, નાનો એક સર્પાકાર મરડાટ, ને પછી સીધો સપાટ માર્ગ ગાડીને દોડવા માટે મોકળો બન્યો. સુપરસિટી લાઇફસ્ટાઇલ ટાઉનશીપ અને દ્વારકેશ ડેરીથી મંદિર ર્દશ્યમાન બન્યું. થોડાંક જ અંતરે મંદિર વિસ્તારના પ્રવેશદ્વારની સામે ઝાડના થડને ટેકે સફેદ ઇનોવા આરામ ફરમાવી રહેલી. મેઘાવીની સુમો ત્યાં જ અટકી અને પાછળ જ સોનલની પણ. ઇનોવાની નજીક આવીને ચોતરફથી ચકાસવાનું શરૂ થયું.

મેઘાવીએ સોનલની સામે જોયું, ‘કાર તો ભટ્ટની જ છે, નંબર પ્લેટ તેની પુષ્ટિ આપે છે.’, સોનલની નજર પણ પ્લેટ તરફ ગઇ. ઇનોવાને એક નાની સરખી પણ ઇજા થઇ નહોતી. સોનલે દરવાજો ખોલવા પ્રયત્ન કર્યો અને સરળતાથી ખુલી ગયો, જાણે કોઇએ જાણીજોઇને તેમના માટે માર્ગ સરળ કર્યો હોય. સોનલ મેઘાવીને કારની તપાસ કરવાનું સુચવી હરેકૃષ્ણ મંદિર તરફ ગઇ. તે મળવા માંગતી હતી સંતને, જેમણે ફોન કરીને લાવારિસ કાર વિષે માહિતી આપી હતી.

મુખ્ય માર્ગથી જમણી તરફ રસ્તો પકડતાં જ ડાબે ધ હાઇર ટેસ્ટ રેસ્ટોરન્ટ અને જમણે બાગ હતો. થોડાક ડગલાં માંડતા જ ત્રણ માળ ધરાવતી વિસ્તરીત ભવ્ય ઇમારત, અને છેડે બે દ્વાર, જેની બરોબર ઉપર ઘેરા રાતા રંગમાં “શ્રી રાધા માધવ મંદિર”ના પીળા અક્ષરો સુશોભિત હતા. દ્વારની પાસે જ સંત હાથમાં રાખેલી તુલસીના પાનથી છલકાતી છાબડી સાથે બિરાજીત હતા. સોનલે તેમને નમન કર્યા. સંતે મસ્તિષ્કને જરાક લચક આપી કિનાયથી દર્શાવ્યું કે સોનલ તેમની સાથે ચર્ચા આરંભી શકે. સોનલના પ્રશ્ન સંતના કાને અથડાય તે પહેલાં જ તેમણે સોનલને જણાવ્યું કે ગઇ કાલ રાતથી જ તે ઇનોવા મુખ્ય પ્રવેશદ્વારની સામેના વૃક્ષ નીચે પાર્ક હતી. સંતને હતું કે થોડી ક્ષણોમાં તે જતી રહશે. ઘણી વાર લાંબી મુસાફરીમાં ચાલક તાજગી મેળવવા તેમજ થાક ઉતારવા થોડી વાર આરામ ફરમાવતા હોય છે. પરંતુ સવારે જ્યારે સંત દ્વાર તરફ લટાર મારવા નીકળ્યા, તો કાર તે જ અવસ્થામાં હતી, જેમાં તેમણે રાતે નિહાળી હતી. આથી તેમના અનુયાયીને તપાસ કરવા મોકલ્યો હતો. કારમાં ન તો કોઇ ચાલક હતો કે ન કોઇ યાત્રી. આથી જ સંતે ૧૦૦ ડાયલ કરી કંટ્રોલ રૂમને જાણ કરી હતી. સંપૂર્ણવાત ધ્યાનથી સાંભળીને સોનલે ઇનોવા તરફ પગ માંડ્યા.

‘દીકરી...!’, સંતે સોનલને અવાજ લગાવ્યો. સોનલ તેમની તરફ ફરી,‘એક વાત રહી ગઇ, મધરાતે આશરે ૧૨:૦૦ની આસપાસ મારા અનુયાયીએ કોઇ શ્વેત વસ્ત્રધારીને કાર પાસે જોયો હતો. તેના કહેવા મુજબ કોઇ ડ્રાઇવર હશે, કેમ કે ગણવેશમાં હતો.’

‘આભાર! સંતસાહેબશ્રી...!’

*****

‘કાર તો અહીં છે, પણ ભટ્ટ?’, સોનલ ઇનોવા નજીક આવતાંની સાથે જ મેઘાવીની પાસે આવી ઊભી રહી. મેઘાવીએ કારની તપાસ કરી લીધેલી. કારમાં કોઇ પણ પ્રકારની હાથાપાઇ થઇ હોય તેવા અણસાર દેખાતા નહોતા. એકદમ સુઘડ ગોઠવેલ સીટ કવર અને સ્વચ્છ કારમાં ક્યાંય કોઇ નિશાન નહોતા. ચાવી પણ કારમાં લાગેલી જ હતી. એટલે કે કોઇએ ચોરીના આશયથી કાર ઉઠાવી નહોતી. ભટ્ટની લેધર બેગ પાછળની સીટ પર જ હતી, જેમાંથી તેમનું પાકીટ, ક્રેડીટ કાર્ડ, ડેબીટ કાર્ડ અને પાંચસોની ૧૦, તેમજ બે હજારની બે નોટ મળી આવેલી. લેપટોપ પણ જેમનું તેમ જ હતું. ભટ્ટના ચશ્મા સીટની નીચેથી મળી આવેલા. તેમની પત્નીએ જણાવેલ, તે મુજબ ટીફીન પણ હતું. પરંતુ ભટ્ટના કોઇ એંધાણ નહોતા. સોનલે સ્નીફર ડોગ બોલાવવા માટે મેઘાવીને આદેશ આપ્યો.

આશરે અર્ધા કલાકનો સમય થયો સ્નીફર ડોગને પહોંચતા. મેઘાવીના ઇશારા સાથે જ બિપીને ઇનોવાનો દરવાજો ખોલ્યો અને સ્નીફર ડોગને સીટ પાસે લાવવામાં આવ્યો. તુરત જ ડોગ મંદિરથી ભાડજ તરફના માર્ગ પર દોડવા લાગ્યો. તેની પાછળ ટ્રેનરે હાથમાં પટ્ટો કસીને પકડેલો, જેનો ગાળિયો શ્વાનના ગળામાં બંધ બેસાડેલો હતો. પાછળ જ સોનલ અને મેઘાવી પણ હતા. થોડાક જ અંતરથી ડાબી તરફ શ્વાને મરોડ લીધી. જે માર્ગ આગળ જતાં આનંદનિકેતન શાળાને મળતો હતો. ડોગની પાછળ જ પોલેસ ગતિમાં હતી. આનંદનિકેતનનું પાટીયું દેખાયું. ત્યાંથી પણ શ્વાન થોડો આગળ ચાલ્યો, એક વિશાળ ખેતર અને તેના ખૂણામાં એક વિશાળ વૃક્ષ હતું. શ્વાન તે તરફ તીવ્ર સાદે ભસવા લાગ્યો. ટ્રેનરે ડોગને પટ્ટા પર જોર આપી જકડી રાખેલો. સોનલ અને મેઘાવી, તેમની સાથે આવેલા બે કોન્સ્ટેબલ સાથે તે વૃક્ષ તરફ ગયા. તે ઝાડના છાયામાં શ્યામ વસ્ત્રોમાં એક વ્યક્તિ ગાઢ નિંદ્રામાં પ્રતીત થઇ રહેલો, કારણ કે શ્વાનના આટલા ઊંચા સાદમાં પણ તે જાગ્યો નહિ. નજીક પહોંચતા સોનલને ભાસ થયો કે તે કોઇ મૃતદેહ હતો. એકદમ નજીક આવતા મેઘાવીના મુખમાંથી શબ્દો સરી પડ્યા, ‘શ્રીમાન ભટ્ટ...’

‘હા...શ્રીમાન ભટ્ટ...’, ઘેરો અવાજ મેઘાવીની પાછળ ઊભેલ વ્યક્તિનો હતો. મેઘાવી અને સોનલ અવાજની દિશા તરફ ફર્યા. અવાજ ચિરાગનો હતો.

‘ઓહ... તમે... તો હવે આ બહુચર્ચિત કેસની હારમાળામાં તમે પણ તપાસ કરવાના છો...સરસ...’, મેઘાવીએ હવામાં હાથ ઝૂલાવ્યા. ચિરાગ એક જાસૂસી સંસ્થાનો પોલીસ માટે જાણીતો ચહેરો હતો. જાસૂસી સંસ્થાનું નામ હતું “રેડ”. તેનો સાથીદાર એટલે જય. તે પણ દરેક કેસમાં તેની સાથે જ રહેતો.

‘હા… મને આ કેસ અમારી સંસ્થા દ્વારા ગઇ કાલે જ સોંપવામાં આવ્યો. હું પણ તમારી જેમ ભટ્ટ સુધી પહોંચ્યો, અને આગળ કંઇ તપાસ થાય તે પહેલાં તો...’, ચિરાગ અટક્યો.

‘તે પહેલાં ભટ્ટની હત્યા થઇ ગઇ...’, સોનલ ભટ્ટના મૃતદેહની નજીક આવી. શરીર રક્ત સુકાઇ ચૂક્યું હતું. માખીઓ ચહેરા પર તેમજ પ્રત્યેક ઘાવ પર પ્રદક્ષિણા કરી રહી હતી. થોડી ક્ષણ બેસે અને ઊડી જાય. પાછી ભમવા માંડે. સોનલ વધુ તપાસ કરવા લાગી, ‘તો ચિરાગ, તમે અહીં સુધી કેવી રીતે પહોંચ્યા?’

‘મેડમ... અમે તમારી કારની પાછળ જ હતા. જહાનવી બંગલોઝથી... બોપલથી... ભાડજ... મંદિર અને અહીં તમારા કરતા આગળ આવી ગયા...બોલો...’, ચિરાગ કંઇ જવાબ આપે તે પહેલાં જ જયે તાળી પાડતા હસતા હસતા કહ્યું.

‘શું હસે છે? મૂર્ખ...અમારી પૂંછડી પકડીને અહીં આવ્યા, અને અમારી સામે દાંત કાઢે છે...’, મેઘાવી ગુસ્સે થઇ.

‘મેઘાવી,’ સોનલે ચૂપ રહેવા ઇશારો કર્યો, ‘ચિરાગ, તમે શું અવલોકન કર્યું છે?’, સોનલે ભટ્ટના મૃતદેહ પર ઓઢાડેલ કાળો કોટ જરાક ખસેડ્યો.

ચિરાગે તે કોટ ખસેડ્યો, ‘મનહર પટેલના તન પરના ઘાવ વાર યાદ કરો. ભટ્ટના શરીર પર પણ તેવા જ ઘાવ છે. બધા જ કપડા કાઢી નાંખેલા, ફક્ત ચડ્ડી જ, એકદમ પટેલની જેમ જ. વળી, હાથ અને પગ પર ચાકુના એક-એક ઘાવ, મોતનું કારણ સ્પષ્ટ રીતે વધુ પડતો રક્તસ્ત્રાવ. ડાબા હાથની ત્રણ આંગળીઓ કાપી નાંખી છે.’

‘કોઇ સોંય ભોંકવાનું નિશાન?’, મેઘાવી ચિરાગની નજીક આવી.

‘ના...પણ ભટ્ટે તરફ્ડીયા માર્યા હશે... આસપાસની માટી જે રીતે ખસી છે તે પરથી કહી શકાય... હાથ કોઇ મજબૂત દોરડાથી બાંધવામાં આવ્યા લાગે હશે, જેના કારણે કાંડા પર લોહી જામી ગયું હોય તેના સંકેતો છે.’, સોનલે ચિરાગ સામે જોયું, ‘તમારી સંસ્થાને આ કામ કોણે સોંપ્યું?’

ચિરાગ ભટ્ટના મૃતદેહની પાસે આવીને સોનલની સામેની તરફ ગોઠવાયો, ‘અમારા ક્લાયન્ટ ગુપ્ત રાખવા તેવો અમારી સંસ્થાનો નિયમ છે. આથી હું તમને તે બાબતે કંઇ પણ જણાવી શકું તેમ નથી. માફ કરશો., અને મને પણ ખબર નથી. મારી પાસે ફક્ત એક સંદેશ જ આવે કે તમારે આ કેસ પર કામ કરવાનું છે. બાકી બધું રેડના ડાયરેક્ટર પદ પર બિરાજમાન જ નક્કી કરે.’

‘એવું... તો કોણ છે, તમારા રેડના ડાયરેક્ટર?’, મેઘાવીએ ચિરાગ સામે આંખો ઝીણી કરી.

‘એ તો રહસ્ય છે... અમે જેટલા પણ રેડમાં કાર્યરત છીએ, કોઇનેય ખબર નથી કે આ ખાનગી જાસૂસી સંસ્થા કોણ ચલાવે છે...’, ચિરાગે વળતો જવાબ આપ્યો.

‘અરે...હા... એક વાત જણાવવાની રહી ગઇ... જ્યારે અમે અહીં પહોંચ્યા, તો ભટ્ટના ચહેરાની બરોબર ઉપરની તરફ ડાળી પર આ મહોરૂં લટકતું હતું.’, જયે બધાની સમક્ષ તેના જમણા હાથમાં રાખેલું સિંહના ચહેરાવાળું માસ્ક હાથ ઊંચો કરી દર્શાવ્યું.

સોનલે માસ્ક તરફ નજર નાંખી, ‘એકદમ તેવું જ માસ્ક, જે મનહર પટેલના મૃતદેહ પાસેથી મળેલ છે.’,

‘હા... પહેલાં મને એમ હતું કે મનહર પટેલની રાશિ સિંહ છે. આથી તેમની પાસે તે પ્રતિકૃતિ મૂકવામાં આવી હશે.’, ચિરાગે તેનું અનુમાન જણાવવાની શરૂઆત કરી.

ચિરાગને અધવચ્ચે જ મેઘાવીએ અટકાવ્યો, ‘તો એ પ્રમાણે તો ભટ્ટની પાસે ઘેટાનું માસ્ક હોવું જોઇએ ને...’

‘હું એ જ કહું છું કે, મારૂં અનુમાન અહીં મળેલ સિંહના માસ્કના કારણે ખોટું પડ્યું. હવે હું અટવાયો છું કે બન્ને જગાએ સિંહ જ કેમ?’, ચિરાગે મેઘાવી પર થોડોક અકળાયો.

સોનલ હજુ પણ મૃતદેહને જ ચકાસી રહી હતી. તેણે ઝીણવટપૂર્વક અભ્યાસ કર્યો, ‘ભટ્ટને મંદિરથી અહીં સુધી કેવી રીતે લાવવામાં આવ્યા હશે? જો તે ભાનમાં હોય તો કોઇ હથિયારની અણી પર... અને બેભાન અવસ્થામાં હોય તો ઉપાડીને લાવવું અઘરૂ લાગે છે.’

‘યસ...! યુ આર રાઇટ. તેમને અહીં જે ચાકુથી વાર થયા છે, તે ચાકુની ધારથી જ બીવડાવીને લાવવામાં આવ્યા હશે…’, મેઘાવી સોનલની નજીક આવી.

‘ના... જો એવું હોય તો... અહીં જમીન પર આપણને ચાર જૂતાંની નિશાનીઓ દેખાવી જોઇએ. પણ અહીં તો બે જૂતાંની જ આવવાની અને જવાની નિશાની છે. એટલે કે એક જ વ્યક્તિ....’, ચિરાગે તેનું અનુમાન રજુ કર્યું.

‘યસ... એનો અર્થ કે તેમને અહીં ઉપાડીને લાવવામાં આવ્યા છે. ગુનેગાર એટલો સશક્ત છે કે ભટ્ટને ઉપાડી શકે...વળી, આ વખતે તેણે કોઇ પણ પુરાવા નાશ કરવાનો પ્રયત્ન નથી કર્યો... ઉપરથી આપણને તેના જૂતાની નિશાની આપતો ગયો છે. હવે એને કોઇ બીક નથી પકડાવાની અથવા તેનું કાર્ય સમાપ્ત થઇ ગયું છે કે થવાને આરે છે.’, સોનલ બબડી.

‘મને તો આ કોઇ માનસિક બિમાર વ્યક્તિ લાગે છે... જે પોલીસને પડકારી રહ્યો છે...કે આવો ને તમારામાં તાકાત હોય તો મને પકડો.’, જય ઘણો સમય શાંત રહ્યા પછી બોલ્યો.

‘ના... આ કોઇ માનસિક નથી. આ શહેરના નામાંકિત વ્યક્તિઓ સાથે કોઇ ચોક્કસ બાબતનું વેર વાળવાનો મામલો છે.’, સોનલે અનુમાન લગાવ્યું.

‘મને પણ એવું જ લાગે છે.’, ચિરાગે સાથ પૂરાવ્યો.

‘એની વે... મેઘાવી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ... અને જસવંતને જણાવો કે આ સિંહના માસ્કની તપાસમાં ઝડપ વધારે...’, સોનલ ચિરાગ સાથે મુખ્ય માર્ગ તરફ ચાલવા લાગી.

સોનલના ફોન રણકી ઉઠ્યો. સ્ક્રીન પર તે જ નંબર હતો જેના પરથી પટેલના કેસની તપાસ માટે પ્રેસના નામથી ફોન આવ્યો હતો. સોનલે સ્ક્રીન પર ઝળુંબતા લીલા વર્તુળ પર આંગળી દબાવી અને ફોન કાન પાસે લાવ્યો, ‘મેડમ... ભટ્ટ સાહેબના મૃત્યુ વિષે માહિતી જોઇતી હતી.’

‘કોણ ભટ્ટ સાહેબ? ક્યાં મૃત્યુ થઇ છે તેમની, વિગતે પૂછોને...’, સોનલે વળતા પ્રશ્નો કર્યા, જાણે કંઇ બન્યું જ ના હોય.

‘શું મેડમ? ખોટું બોલતા તો શિખી લો. જેમનો મૃતદેહ તમે હમણાં જ ચકાસ્યો ને એ ભટ્ટ સાહેબ...’

સોનલે ચોતરફ નજર ઘુમાવી. લાગ્યું કે કોઇ આસપાસથી જ તેમની તરફ નજર રાખી રહ્યું હતું. પરંતુ કંઇ નજરે ના ચડ્યું. ફોન કપાઇ ગયો. સોનલે તે નંબર ડાયલ કર્યો. પરંતુ આગળની જેમ જ તે નંબર સ્વીચ-ઓફ થઇ ગયો હતો. સોનલે ચિરાગ સામે જોયું.

‘ચિરાગ... એક મિનિટ ઊભો રહે...’, જયે સાદ લગાવ્યો.

‘શું થયું?’

‘આ... જો...!’, જય સિંહના માસ્કની અંદરની તરફ ચિરાગ અને સોનલ સમક્ષ રાખી.

‘યુવાનોનો દિવસ, મને પકડી લો. નહિતર ત્રીજો સિંહ જોવા તૈયાર થઇ જાવ. હું તમને જનમેદની વચ્ચે મળીશ. ખરીદવાની ચીજ નક્કી કરીને આવજો.’, ચિરાગે માસ્કની પાછળનું લખાણ વાંચ્યું, ‘હવે આ નવું શું છે?’

‘જયની વાત સાચી લાગવા લાગી છે, તે પોલીસને પડકારી રહ્યો છે... કે આવો અને મને પકડો.’, સોનલે જયના ખભાને થપથપાવ્યો.

‘હવે શું કરીશું?’, જયની આંખોમાં ચિંતા વર્તાઇ.

‘પહેલાં તો આ સંદેશને ઉકેલીશું, અને પછી તેની મુલાકાત કરીશું,’ સોનલનો ચહેરો લાલ થયો અને પળવારમાં શાંત પણ થઇ ગયો, ‘અરે ચિરાગ... પોલીસ માટે તો આ એક કેસ નંબર છે, પરંતુ તમારી સંસ્થા દરેક કેસને એક અલગ નામ આપે છે... તો આ કેસને શું નામ આપ્યું છે તમારી સંસ્થાએ?’

‘રેડ અમદાવાદ...’

*****

ક્રમશ:...