ઈચ્છા. Yaad Hamesha દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ચતુર

    आकारसदृशप्रज्ञः प्रज्ञयासदृशागमः | आगमैः सदृशारम्भ आरम्भसदृश...

  • ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન - 5

    આશા પારેખઃ બોલિવૂડની જ્યુબિલી ગર્લ તો નૂતન અભિનયની મહારાણી૧૯...

  • રાણીની હવેલી - 6

    તે દિવસે મારી જિંદગીમાં પ્રથમ વાર મેં કંઈક આવું વિચિત્ર અને...

  • ચોરોનો ખજાનો - 71

                   જીવડું અને જંગ           રિચાર્ડ અને તેની સાથ...

  • ખજાનો - 88

    "આ બધી સમસ્યાઓનો ઉકેલ તો અંગ્રેજોએ આપણા જહાજ સાથે જ બાળી નાં...

શ્રેણી
શેયર કરો

ઈચ્છા.

''છોકરો લોઅર મિડલ ક્લાસ છે માસી. રોજ કમાઈને રોજ ખાનારું ખાનદાન છે. આજની મોંઘવારીમાં વીસ-બાવીસ હજારથી શું થાય? તમે જ કહો મને. બે માણસને લગાડેલા ઈન્ક્વાયરી કરવા. કોઈ સુપર માર્કેટમાં સેલ્સમેન છે છોકરો. નાનું મકાન છે વન બી.એચ.કે.નું.'' ઈન્કમટેક્સના કાગળિયાં ભેગાં કરતાં કરતાં ચંદ્રેશ માસી સાથે ફોન પર ઇન્ક્વાયરી રીઝલ્ટ કહી રહ્યો હતો, ''આજુબાજુ નકરો મજૂર વર્ગ રહે છે. તો પણ તમે કહેતા હોવ તો બોલાવું એને. ને કરીએ આપણે વાત.'' સામે છેડે માસી શું બોલ્યાં એ રસોડામાં ભાખરી કરતી ધરાએ સાંભળ્યું નહીં. પણ અંદાજ લગાવવો મુશ્કેલ નહોતો કારણ કે જવાબમાં ચંદ્રેશે કહ્યું કે, ''પ્રેમ તો આંધળો હોય માસી. છોકરીને સમજાવો. બાકી હું તો મુલાકાત કરાવી દઈશ.'' ધરા આટલું જ સાંભળી અકળાઈ ગઈ. બે જ ભાખરી બાકી હતી એ કરવાની પડતી મૂકી બેડરૂમમાં જતી રહી.

થોડી વારે ચંદ્રેશની ભૂખથી તરફડતી બૂમ આવી. ધરાએ પીરસ્યું ને બેય જમવા બેઠાં. ચંદ્રેશે બાળકોનું પૂછ્યું ને રોજની જેમ ધરાએ મોડેથી જમશે એવો જવાબ આપ્યો. પછી રોજની જેમ જમતાં જમતાં ચંદ્રેશે ચલાવ્યું. આજે તો મુદ્દો પણ ચટાકેદાર હતો. દૂરનાં માસીની દીકરી પ્રેમમાં પાગલ બની પરણવાની જીદે ચડી હતી. જે કંઈ ચંદ્રેશે ફોન પર કહેલું એ બધું થોડું વધારે ચડાવીને ધરાને કહેવા માંડ્યું. ધરાએ પણ રોજની પણ 'અચ્છા !', 'ઓહો !', 'પછી?' એમ પ્રતિભાવો દીધે રાખ્યા. ઊભા થતા થતા ચંદ્રેશ બોલ્યો, "પ્રેમ બહુ ખરાબ વસ્તુ છે. ભલભલા ડાહ્યાને ગધેડા બનાવી દે છે. આટલી ભણેલી છોકરી આવા મજૂર જેવા છોકરાના પ્રેમમાં શું જોઈને પડી હશે?" આટલી કથા પછી ચંદ્રેશને મોટો ઓડકાર આવ્યો ને એ ફરી પોતાના ટેબલ પર હિસાબ-કિતાબ કરવા બેસી ગયો.

થોડીવાર સુધી મૌન રહ્યાં પછી ધરા ઊભી થઈ. ખૂબ ધીરે ધીરે રસોડું સમેટતી રહી. બાકીની ભાખરીઓ બનાવી ત્યાં સુધી બાળકો આવી ગયાં. એમનેય જમાડી એ ચંદ્રેશ જોડે ખુરશી લઈ બેઠી. ચંદ્રેશે પૈસા ગણતા ગણતા એની સામે નજર નાખી. ગર્વીલું સ્મિત કરી બોલ્યો, "જો ડાર્લિંગ, પૂરી સવા દસ લાખની કમાણી થઈ છે આ વર્ષે. છ લાખનું રિટર્ન ફાઈલ કરાવીશું. બાકીના ફરતા કરી દઈશું." ધરા ટીકીટીકીને એને જોઈ રહી હતી. એનો નિશ્છલ ચહેરો જોઈ ચંદ્રેશે છાતી બહાર કાઢી. ગરદન ઊંચી કરી. પછી બોલ્યો, "તુૃં કેટલી નસીબદાર છે. મારા જેવો વેલ-સેટ છોકરો ન મળ્યો હોત ને તુૃં કોઈ દારૂડિયા જોડે પરણી હોત, તો શું થાત તારું ?" ધરાને હસવું આવી ગયું. એણે ચંદ્રેશનો હાથ પોતાના હાથમાં લઈ કહ્યું, "ખરેખર. હું નસીબદાર છું કે તમે મને મળ્યા. મારે કંઈ માંગવું છે તમારી પાસે. આપશો ?" ખડખડાટ હસી પડતા ચંદ્રેશે રૂપિયાની થોકડી ધરાના ખોળામાં પધરાવી દીધી. પછી વધુ ટટ્ટાર થઈ બોલ્યો, "અરે માંગને ડાર્લિંગ. આ બધું તારા માટે જ છે ને. માંગ માંગ. માંગે તે આપું."

ધરાએ થોકડીને માથું અડકાડી ટેબલ પર મૂકી. ખૂબ શાંતિથી ઊભી થઈ ને બારી બહાર લૂમી ઊઠેલી તુલસીને તાકતી બોલી. "મારે જૉબ કરવી છે." ને પછી તરત જ ચંદ્રેશ સામે જોયું. જેવું ધારેલું એવું જ મોં હતું એનું. ગોરો ચહેરો બૂંદીની માફક તમતમી રહ્યો હતો. ધરાએ ફરી શાંતિથી કહ્યું બલ્કે પૂછ્યું, "શું થયું?" દાંત દાબતો ચંદ્રેશ બોલ્યો, "હું આટલું કમાઉં છું એ તને ઓછું પડે છે તે તારે નોકરી કરવી છે?" ધરા સસ્મિત બોલી, "કોઈ દારૂડિયાને પરણી હોત તો એ મને નોકરી કરવાની ના ન કહેત. નહીં?" હવે ચંદ્રેશને હસવું આવ્યું. એણે ટોણો મારતો હોય એમ કહ્યું, "એ તારી મજબૂરી હોત ને એની હલકાઈ." વગર હોઠ ખોલે હસીને ધરાએ પૂછ્યું, "મજબૂરી વગર માત્ર શોખ ખાતર નોકરી ન કરાય?" "કરાય. પણ આપણે એવી જરૂર નથી. હું બહુ કમાઉં છું. તારે ક્યાંય જવાની જરૂર નથી." "કેમ?" "અરે, મેં કહ્યું એટલે." "પણ મારી ઈચ્છા હોય તો?" "તારે કમાવવું જ હોય તો ઘરે બેસીને કમાઓ. ઘણા રસ્તા છે. બહાર બધાને બતાવવાની જરૂર નથી કે તું નોકરો કરે છે, સમજી?"

મક્કમતાથી ધરા રૂમમાંથી બહાર નીકળવા જતાં બોલી, "કાલે હું એક શોપિંગ મૉલમાં સેલ્સ વુમન તરીકે જોડાવા માટે પૂછવા જવાની છું." "મગજ ખરાબ થઈ ગયું છે તારું?" ચંદ્રેશ તાડૂક્યો. રૂમની બારસાખ સુધી પહોંચેલી ધરાએ પાછળ નજર કરી કહ્યું, "માસીની દીકરીની જગ્યાએ હું હોત ને એ વીસ-બાવીસ હજાર કમાતા, નાનકડાં ઘરમાં મજૂરો વચ્ચે રહેતા પ્રેમી સાથે જરૂર લગ્ન કરી લેત." આટલું બોલી ધરા બેડરૂમમાં જતી રહી.