વહુએ વગોવ્યા મોટા ખોરડા - ૨૪ Arvind Gohil દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વહુએ વગોવ્યા મોટા ખોરડા - ૨૪

ગામની સીમમાં દાખલ થતા જ દેવલના એક અઠવાડિયાથી મુરઝાયેલા ચહેરા પર અજબ પ્રકારની રોનક આવી ગઈ. જેમ ઉગતા સૂર્યની સૌથી વધુ ખુશી ખીલતા ફુલને હોય છે એમ આજે આથમતા સૂર્યની સૌથી વધુ ખુશી દેવલને હતી. અંતરમાં એક અલગ જ પ્રકારનો ટાઢો શેરડો પડ્યો હતો. નિસ્તેજ બનેલા આંખોના દિવામાં નવું તેલ પુરાયું હતું. પોતાના ગામની સીમના ઝાડવાં અને નવા બનેલા નાળા એ વર્ષો બાદ ફરી જોતી હોય એવું લાગતું હતું. " નાનપણમાં જે ધૂળમાં આળોટતી એ ધૂળ આજ મને પારકા પાદરની કાં લાગે ? " આ વિચારે દેવલના મનમાં એક ખુશીનો નિઃશ્વાસ ભરી દીધો. હવે તો બસ જલદી ઘેર પહોંચીને પોતાના નાનકડા ભાઈને અને માં-બાપને મળવાની તાલાવેલી લાગી હતી. એટલે જ એ ભીખુભાને ઉતાવળ કરાવતી હતી.

ચોરા પર બેઠેલા હમીરભાએ ભીખુભાના ઘોડાના ડાબલા અને ઘૂઘરા સાંભળ્યા. બેચેન બનેલું હ્રદય શાંતિ અનુભવવાની તૈયારીમાં છે એવું લાગ્યું. ડાયરામાંથી ઊભા થઈને જોયું તો ભીખુભાની જ બગી છે એ નક્કી થઈ ગયું. એ તો બધાને 'રામ રામ' કરીને ઉતાવળથી ઘર તરફ રવાના થઈ ગયા. ડાયરામાં બેઠેલા લોકો હજુ તો પૂછવા જ જતા હતા કે આટલી ઉતાવળ શીદ કરો છો ? પણ હમીરભા તો સાંભળવા ઊભા જ નહોતા એટલે કોઈના મોંઢા પર આવેલા આ શબ્દો ગળામાં જ ફસાઈ રહ્યા. હમીરભા તો ઘર તરફ મોટી ડાંફો ભરતા હલ્યા જતા હતા. એમને દેવલ પહેલા ઘેર પહોંચવું હતું. આંખોની પાંપણો મીંચીને ઉઘડવાની ક્રિયા વધી ગઈ હતી. કદાચ હવે તો દેવલ સિવાય બીજું કશું જોવું જ નથી એવું થઈ ગયું હતું. એક અઠવાડિયું તો નીકળી ગયું હતું પણ આ છેલ્લી પાંચ મિનિટ કાઢવી એમને અઘરી લાગતી હતી.

" દેવલ, જો તારો બાપ આગળ હાલ્યો જાય છે. " ભીખુભાના આ શબ્દોએ દેવલનું ધ્યાન રસ્તા તરફ ખેંચ્યું. દેવલની આંખ પોતાના બાપની પડછંદ કાયા પર પડી પણ ત્યાં જ સ્થિર ગઈ. બગી કરતા પણ ઉતાવળી જતી એ પીઠ દેવલ જોતી જ રહી.
" પણ કાકા, એ આટલા ઉતાવળા ચમ હાલે સે ? "
" કંઇ નથી બટા, ઇ તને આવતા જોઈ ગયો સે. અટલે ઝડપથી ઘરે પુગવા મથે સે. "
" પણ ઇ તો અઈ પણ મળી શકે ને. "
" ભઈ, તારો બાપ વટનો કટકો સે ને બધા વચ્ચે રોતો ભૂંડો નો લાગે ! અને તને જોઈને તો ઇ રોયા વગર રે'વાનો નથી. તું કે' તો ઘોડો દોડાવું ? ભલે બઝારમાં દોડતો. "
" ના કાકા, ધીમી બગી હાંકો. એવું નથી કરવું ઇમને શાંતિથી ઘરે પુગવા દો. "
દેવલની આંખો વાતોમાં જ વહેવા લાગી. પોતાના બાપ વિશે કરેલા સવારના વિચાર પર પસ્તાવો હતો. મળવા માટે તલપાપડ થયેલી દેવલ હવે તો બસ હમીરભાને ભેટી પડવાની રાહ જોતી હતી.

" દેવલની બા... એ દેવલની બા... દેવલ આવી ગઈ. પાણી લાય, ચંદલાની થાળી લાય. " ઝડપથી ડેલી ખોલતા જ હમીરભા ફળિયામાં આમ તેમ ફાંફા ફાંફા મારવા લાગ્યા. સેજલબા પણ બધું કામ પડતું મૂકીને પાણીનો લોટો ભરવા લાગ્યા અને કંકુ અને પાણી કંકાવટીમાં ભેળવવા લાગ્યા. હમીરભા તો હજુ ફળિયામાં કોઈ કામ વગર કંઈકને કંઈક વસ્તુ ઉપાડીને આઘીપાછી કરતા હતા. કારણ કે જ્યાં સુધી દેવલ ઘરમાં દાખલ ના થાય ત્યાં સુધી તો મળી શકે એમ નહોતું. નહિ તો પાછા પાડોશીઓ વાતો કરે કે નવાઈની છોડી સાસરે જઈને આવી છે ! એટલે જ એ સેજલબાને ઉતાવળ કરવા માટે કહેતા હતાં. સેજલબાએ એકવાર મશ્કરી કરતા કહ્યું પણ ખરું કે ' ચાંદલો કરવા તમારે જઉં છે ? ' હમીરભાએ શરમાઈને ના કહી કે તરત જ પાછું કહ્યું ' તો પછી થોડીવાર આ અજમલને રાખોને ! હવે એ કંઈ ભાગી નથી જવાની ! ' આ વાત સાંભળી ભોંઠા પડેલા હમીરભા ઓસરી પર આવી અજમલ સાથે રમવા લાગ્યા અને સેજલબા ડેલીએ ઊભેલી દેવલના વધામણાં કરવા ગયા.

"બે'ન, આવજો .... " હજુ ભીખુભા આટલું જ બોલ્યા ત્યાં તો સેજલબા થાળી અને પાણી લઈને ડેલી આગળ પહોંચી ગયા હતા. દેવલ પણ એક અઠવાડિયામાં મોટી થઈ ગઈ હતી એટલે એ પણ એક આજ્ઞાંકિત છોકરીની જેમ ઊભી રહી ગઈ. સેજલબાએ ચાંદલો કર્યો અને ત્યારબાદ મીઠણાં લીધા. દેવલ પોતાના સંસ્કાર મુજબ અને રિવાજ મુજબ પોતાની માને પગે લાગી. સેજલબાએ આશીર્વાદ આપ્યા અને પિયરના ઘરનું પાણી પાયું. પછી એમને દીકરીનો હાથ પકડીને ઘરમાં પ્રવેશ કરાવ્યો. ભીખુભા તો બગી છોડીને ઘોડાને પાણી પાવામાં વ્યસ્ત હતા. એમને પાણી માટે પણ સેજલબાએ પૂછ્યું પણ એમને કહી દીધું કે હું આવું છું. આ ઘોડાને બાંધીને;

હમીરભાને આજે આ બધી વિધિઓ કાંટાની જેમ ખૂંચતી હતી. મનમાં થતું કે ' મારી છોડી સીધી ઘરમાં ચમ આવી નહિ શકતી હોય ? ' હજુ તો આ વિચારો વચ્ચે અજમલ સાથે વાતો કરતા હતા ત્યાં દેવલને આવતી જોઈ. જેમ માઠા વર્ષના એંધાણ ખેડૂતને શરૂઆતથી જ ખબર પડી જાય એમ હમીરભાને પણ દેવલને છેટેથી જોતા જ ખ્યાલ આવી ગયો. એમને તો જાણે બે સેજલબા આવતા હોય એવું લાગ્યું. એ દેવલ બિલકુલ સેજલબા જેવી જ લાગતી હતી. જે સેજલબા શરૂઆતના વર્ષોમાં મજાકિયા હતા એવી જ દેવલ નાનપણથી હતી. બસ ખાલી ફરક એટલો હતો કે સેજલબામાં બદલાવ આવતા ચાર વર્ષ લાગી ગયા હતા જ્યારે દેવલમાં આ બદલાવ એક અઠવાડિયામાં દેખાતો હતો. હમીરભાએ તો મનમાં વિચાર કરેલો કે દેવલ વિધિ પતાવીને દોડતી પોતાની પાસે આવી જશે પણ એવું ના બન્યું એ અહીં પણ મર્યાદા જાળવીને ધીમા ડગલે આવતી હતી. પ્રસન્ન ચહેરાના ભરોભાર નિસ્તેજ પણ દેખાતું હતું.

હમીરભાનું મન આથી વધુ વિચારે એ પહેલા તો દેવલ એમની પાસે પહોંચી ગઈ. અજમલ પણ દેવલને જોતા રાજી થઈ ગયો. ભલે એને બેન માટેનો પ્રેમ શું કહેવાય એનો ખ્યાલ નહોતો પણ એટલો તો ખ્યાલ હતો કે એક સમયે એ આ ખોળામાંથી નીચે નો'તો ઉતરતો. એના હાસ્ય અને ઊંચા થતા હાથે પુરા ઘરનું વાતાવરણ ગજવી નાખ્યું. દેવલ જરા નીચું નમીને હમીરભાને પગે લાગી. હમીરભાએ પણ દેવલના માથે હાથ મૂકીને આશીર્વાદ દીધા. ઉત્સાહ જે આગલી રાતે દેવલ અને હમીરભાને હતો એ ક્યાંક જતો રહ્યો હતો. જાણે એક રિવાજનું જ પાલન કરતા હોય એમ બેય બાપ દીકરી સામ સામે ઊભા રહ્યા હતા. પૂર્વજન્મના બે નિષ્પાપ હૈયા આજે પહેલીવાર મળ્યા હોય એવી શાંતિ પથરાઈ ગઈ હતી. આજે હમીરભાને શામજીનું ગાંડપણ સાચું લાગતું હતું. જ્યારે દેવલને ઝમકુનો હસતો ચહેરો દેખાતો હતો. સેજલબાને તો દેવલને જોતા જ અંદાજ આવી ગયો હતો કે દેવલને સાસરિયામાં કોઈ તો દુઃખ છે. પણ યોગ્ય સમય ન હોવાથી દેવલની બાજુમાં થોડા સ્મિત સાથે ઊભા રહ્યા હતા.

આટલી શાંતિને ડહોળવા માટે ભીખુભા આવી ગયા. " ચમ કોઈ કશું બોલતું નથી ? " ભીખુભાના આ અવાજથી રોકાયેલો સમય પાછો ગતિ કરવા લાગ્યો.
" આવી ગઈ મારી છોડી એમ...ને ! " હમીરભાથી માંડ નીકળેલા આ સવાલ સાથે દેવલના માથા પર હાથ ફેરવવા લાગ્યા. દેવલ પણ હમીરભાને બથ ભરીને રડવા લાગી. એક અઠવાડિયાના આંસુ આજે એક જ દિવસે ઠાલવી દેશે એવું લાગી રહ્યું હતું. આ આંસુમાં કોઈ દુઃખનો આધાર બાંધવો યોગ્ય નહોતો લાગતો કારણ કે આ વહેતી આંખો તો પહેલીવાર બાપથી જુદા પડીને મળ્યાની ખુશીમાં ધોવાતી હતી.
" મારી બા'દૂર દીકરી આમ રોતા હારી નથી લાગતી. " આટલી બોલી હમીરભાએ એને છાતીએથી અલગ કરીને એના બંને ખભા પકડી લીધા હતા. " બસ હવે બંધ થઈ જા બટા, તું આવી જઇ, હું તને ભેગો થઈ જ્યો પસી રોવાનો શું મતલબ ? જા બટા, તારો સામાન મૂકીને આ વહુના લૂગડાં ઉતારીને મારી ઢીંગલી જેવા કપડાં પે'રી લે પસી આપડે બેઠા બેઠા વાતો જ કરવાની સે. " દેવલ તો કશું બોલ્યા વગર જ ઓરડામાં જતી રહી.

" દેવલની બા ! ચા બનાવો લ્યો તારે. " હમીરભાના આ અવાજથી સેજલબા પણ પાલવથી આંખો લૂછીને રસોડા તરફ ગયા. આજે તો ભીખુભા પહેલા હમીરભાએ ભીખુભાને પીઠ પર જોરથી ધબ્બો મારી દીધો. " વાહ..! મારો ભઈ વાહ...! મારી છોડીને લઈને બહુ ઉતાવળો આવતો ર'યો !! " આ વાક્યમાં વખાણની સાથે એક કટાક્ષ પણ દેખાતો હતો. ભીખુભા અને હમીરભા બેય એક ખાટલા પર બેસી ગયા. ભીખુભા તો હજુ કશું બોલ્યા જ નહોતા. કદાચ હમીરભાએ બહુ જોરથી મારી દીધું હતું એટલે એ તો પોતાનો હાથ પીઠ પર જ ફેરવતા હતા.
" તારું ભલું થાય ... ભલું.. આટલા જોરથી કોઈ મારે "
" ઇ તો ભઈ ભીખુ એક કે'વત સે ને 'સો સોનીની અને એક લવારની.' આટલા દી'નો બદલો વાળી દીધો.

ઓરડામાં ગયેલી દેવલ પણ બધા દુઃખને ભૂલીને અજમલને લાડ લડાવવામાં પડી હતી. અજમલ પણ અઠવાડિયાથી ના જોયેલા જાણીતા ચહેરાને જોઈને ખિલખિલાટ હસી રહ્યો હતો. એટલીવારમાં સેજલબાએ ચા પણ બનાવી નાંખી હતી. એટલે એ હમીરભા અને ભીખુભાને ચા આપતા હતા. થોડીઘણી મુસાફરીની વાત કરીને ભીખુભાએ ઘેર જવાની રજા માંગી. વ્યાળું અહીં જ કરવા હમીરભાએ ઘણું મનાવ્યાં પણ એ ના માન્યા.
" કાલે અમે બેય હાંજે આવશું, આયા જ ખાશું અને મોડે હુધી બધા બહેશું. " આટલું બોલી ભીખુભા પોતાની મોજડી પહેરીને નીકળી ગયા.

સેજલબા ઘરકામમાં પરોવાઈ ગયા અને દેવલ પોતાના પિયરના કપડાં પહેરીને સેજલબાને મદદ કરવા લાગી. સેજલબાએ જોયું તો દેવલની કામ કરવાની રીત પુરી બદલાઈ ચુકી હતી. હમીરભા પોતાના ઇષ્ટદેવ અને કુળદેવીને દિવા કરવા અને પૂજા માટેની તૈયારી કરતા હતા. એટલામાં સાંજની આરતીની ઝાલર વાગી.

ક્રમશ: ...
લેખક: અરવિંદ ગોહિલ