Featured Books
શ્રેણી
શેયર કરો

વહુએ વગોવ્યા મોટા ખોરડા - ભાગ - ૧

આજે સેજકપરનું વાતાવરણ એકદમ માયુસ હતું,જેમ ઉનાળામાં પુષ્પો કરમાવવા લાગે એમ ગામના ઝાડવા પણ કરમાયેલા લાગતા હતા. પવન સાવ થંભી ગયો હતો. ગામમાં જાણે કોઈ અઘટિત ઘટના ઘટી હોય એવો માંહોલ બની ગયો હતો. અને કેમ ના હોય કારણ કે આજે આખા ગામની લાડકી દીકરી દેવલની જાન વિદાય થતી હતી.
અને વાત પણ સાચી, પહેલાના સમયમાં દીકરીની વિદાય સમયે વાતાવરણ સાવ નીરસ બની જતું. કારણકે કોઈ દિવસ નહિ જોયેલી ભોમકા પર એને પોતાની જિંદગી કાઢવાની હોય છે. એ પંખી એકવાર પોતાના માળા માંથી ઉડી જાય પછી પાછું આવશે કે નહીં એ પણ ખબર નથી હોતી. બીજું કે દેવલ ના લગ્નનું કારણ પણ કંઈક અલગ હતું.

એકદમ ખૂંખાર દેખાતો હમીરભા આજે અચાનક ઘરડો લાગતો હતો. પોતાની નજર સામે એનો લાડખજાનો લૂંટાય રહ્યો હતો. એ પોતાની પાઘડી હાથમાં રાખી ગાંડાની માફક બધાની માફી માંગી રહ્યો હતો. એ વેવાઈની સામે પાઘડી રાખી બબડતો હતો. " ક્યારેક મારી દીકરીની ભૂલ થઈ જાય ને...તો એને માફ કરી દેજો અને જો કદાચ બહુ દાઝ ચડે તો મને બે ગાળો દય દેજો પણ એને કાઈ ન કેતા. મારાથી જેટલું દેવાય એટલું મારી દીકરી ને દીધું છે છતાં કાંઇ ઘટે તો એને કડવા વેણ ના કેતા. મને કહી દેજો હું બીજું આપી દઈશ" આવું બધું બોલતો એ બાપ પાગલની જેમ મનમા ને મનમા રોયે જતો હતો.

આવી બધી ભલામણનું કારણ પણ હતું. વર્ષોથી એકબીજાના વેરી હતા એ બંને આજે વેવાઈ બની ગયા હતા. સમાજના આગેવાનો એ આ વેર ને પાર પાડવા માટે જ દેવલ ને આ આગમાં નાખેલી
.
દેવલે પણ એવું નક્કી કરેલું કે જો હું લગ્ન કરી લવ તો મારા બાપાનું જીવ નું ઝોખમ ટળી જાય. એટલે જ જ્યારે દેવલ ને લગ્ન વિશે પૂછવામા આવ્યું ત્યારે કોઈ જ વિચાર કર્યા વગર હા પાડી દીધી હતી. આમ તો એ સમયે દીકરીને પૂછવા માં ન આવતું છતાં હમીરભાએ એટલી સ્વતંત્રતા આપેલી.

દેવલની મનોદશા પણ આજે અવર્ણીય હતી. એનું મન આજે પોતાના બાપની ચિંતામાં હતું. એને થતું કે હું જાવ પછી મારી માં મારા બાપનો ખ્યાલ તો રાખશે ને? એનો મનનો સવાલ આમ તો વ્યાજબી ન હતો. કારણ કે સેજલબા એ હમીરભા માટે એક લક્ષ્મીનો અવતાર હતા. પુરા પરિવારનો ખ્યાલ રાખનાર અને દેવલને બધું કામ શીખવનાર એ સેજલબા એટલે કે દેવલ ની માં હતી.

સેજલબા પણ લગ્ન સમયે દેવલ જેવા જ હતા. તે એકદમ મજકિયા સ્વભાવના , બોલવા ખૂબ જોઈએ પણ કોઈ દિવસ કડવું વેણ ના હોય અને એમની આ બોલી દુષમનને પણ ગમે એવી હતી. લગ્ન ને એક વર્ષ બાદ દેવલનો જન્મ થયો ત્યાર બાદ કોઈ સંતાન ન થતા સમાજના કડવા વેણ સાંભળી સાંભળીને ભરતની માતા કૈકૈઈની જેમ મૌન બની ગયા.

દેવલ જ્યારે 16 વર્ષની થઈ ત્યારે ભગવાને તેમનું સાંભળ્યું અને દેવલને એક ભાઈ આપી દીધો. પણ જૂનો સ્વભાવ પાછો ના મેળવી શક્યા. આજે દેવલના લગ્ન સમયે દેવલની ઉંમર અઢાર વર્ષ છે જ્યારે તેનો ભાઈ અજમલ બે વર્ષનો ઘોડિયામાં હિંચકે છે.

દેવલની વિદાયનો સમય થઈ ગયો હતો. હવે પોતાના પરિવારના સભ્યો ને છેલ્લી વાર મળવા આવી.

જ્યારે એને તેની મા તરફ પગલાં ભર્યા ત્યારે જાણે આ દેવલ જ નોહતી લાગતી. જે હંમેશા દોડ ધામ કરતી ચાલતી એ આજે વિચારી વિચારીને ડગલાં ભરતી, જેના મુખ ઉપરથી કોઈ દિવસ હાસ્ય જતું નહીં એ મુખ આજે સાવ નીરસ લાગતું હતુ.

"હે! બા તું કેતી ને કે તું અહીંથી જા તો મારો છૂટકરો થાય. લે બસ તારી ઈચ્છા પૂરી થઈ ગઈ." આટલું બોલતા તો દેવલ સેજલબાને બથ ભરી ધ્રુસકે ને ધ્રુસકે રોવા લાગી.

સેજલબા પણ સાવ નિશબ્દ થઈ પોતાની લાડકી દીકરીની પીઠ થાબડતા રહ્યા. એ દેવલ ની પીઠ થાબડતા થાબડતા એના બાળપણમાં જતા રહ્યા. આ મારી લાડકી કેવી મારા ખોળામાં રમતી, કેવા તોફાન કરતી , એને પેલીવાર કાલીઘેલી ભાષામાં મમ્મા કેવું કહ્યું હતું. આવા અનેક વિચારમાં સેજલબા ખોવાય ગયા હતા.

ત્યારબાદ પોતે ગૂંથીને બનાવેલું દેવલનું ઘરચોળું જોયું. જે ગૂંથતા ગૂંથતા વારંવાર દેવલને પેરાવતા અને કેતા "મારી દીકરી કેવી રૂપાળી લાગે છે, મારી દુલહન લગ્નના દિવસે કેવી લાગશે." પણ આજે થોડું ઊલટું થયું આ ઘરચોળું સેજલબાને તેમના માટેનું કફન જેવું લાગ્યું. એમને મનમાં એવું થતું કે વિરહમાં કદાચ આ પ્રાણ ના નીકળી જાય.

એટલા માં .

" બા હું જાવ" દેવલે પોતાનું ગળું થોડું સાફ કરી કહ્યુ. ત્યારે થોડું ભાન આવતા સેજલબાના પેલા અને છેલ્લા શબ્દો " હા .. બેટા જા! સાચવી ને રેજે , બંને કુળ ની આબરૂ તારા હાથમાં છે એને સંભાળજે, કોઈ કાઈ બોલે તો સાંભળી લેજે, સામું ના બોલતી." આવી સામાન્ય સલાહ જે હરેક મા પોતાની દીકરી ને આપે છે એવી સલાહ આપી. પછી પાછા પોતાના વિચારોમાં ડૂબી ગયા.એ મૂર્છિત થવાની તૈયારીમાં હતા ત્યાં બે પડોશી બહેનો એ તેમને સાચવીને દિલશો આપતા દીવાલના ટેકે બેસાડી દીધા

દેવલને આજે ડગલાં નથી મંડાતા. તે એની માં ની મનોદશા જોય ત્યાં સ્થિર થઈ ગઈ છે. પણ તેનો હાથ પકડી ઉભેલી બે સખી અને છેડાછેડી બાંધેલો તેનો ધણી એને જાણે યમરાજના દૂત ખોળિયા પાસેથી પ્રાણને છેટા કરે એમ દેવલને એની માં પાસેથી અલગ કરે છે. જે ખોળામાં દેવલ રમી મોટી થઈ હતી તે જ ખોળા પર આજે સાવ નિર્દય બની પગ નીચે દબાવી નીકળી ગઈ. બે ડગલાં તો માંડ ભર્યા હશે ત્યાં એની નજર ઘોડિયામાં સુતેલા એના ભાઈ પર પડી.

હવે દેવલથી ના રહેવાયું, એકદમ મોટા અવાજે રડી પડી. એના મનમાં શુ ચાલતું હતું એ તો દેવલ જાણે પણ કદાચ એવું વિચારતી હશે. હજુ મારો ભાઈ માંડ પા..પા પગલી ભરે છે બસ એને સરખો ચાલતા શીખવાડવાનું રહી ગયું, મારે એને તૈયાર કરી નિશાળે મોકલવો હતો, મારો એ અભરખો મરી ગયો, હજુ તો માંડ બે રાખડી બાંધી છે, એની પાસે હું કંઈ લાડ પણ નથી કરી શકી કે ના તો હું એને લાડ લડાવી શકી છું. ઘોડિયામાં સુતેલા ભાઈ ને ગાલ પર ચુંબન કરવા લાગી. એના આંસુ ને રોકી લીધા કારણ કે એના મન માં એવું હતું કે કદાચ મારા ગરમ આંસુ એને દઝાડી દેશે. થોડી વાર પોતાના ભાઈને જોય એ ઝડપ થી આગળ વધી. પણ અગ્નિપરીક્ષા તો હવે શરૂ થતી હતી.

હમીરભા હજુ પણ બધા જાનૈયા સામે કાકલુદી કરી રહ્યા હતા. પોતાની દીકરીની થાય એટલી ભલામણ કરતા હતા. જાણે કોઈ ભિખારી ભીખ માંગતો હોય એવો આજે હમીરભા લાગતો હતો. દેવલ ના સાસરિયાવાળા જુના દુશમન એટલે અમુક લોકો હમીરભા સામે મૂછો ને તાવ દેતા ખોંખારા ખાતા હતા. આ દ્રશ્ય જાણે એક ઘરડા સાવજને ઝરખ નું ટોળું પરેશાન કરી મૂકે એવું હતું.

આમ તો હમીરભા સાવજ જ હતો જ્યાં સુધી દુષમની હતી ત્યાં સુધી દેવલના સાસરિયામાંથી કોઈના મા એવી હિંમત નહતી કે હમીરભા સામું બોલે. હમીરભા એમના ઘરે જય ધમકી આપી ને આવતા રેતા પણ કોઈ કાંઈ કરી ના શકતું. પણ આજે સમો જોય આ લોકો આવું વર્તન કરતા હતા. આજે હમીરભા નહીં પણ એક બાપ ભયભીત લાગતો હતો.

દેવલના ધીમા ધીમા ડગલાં એના બાપ તરફ વળ્યા. હમીરભા પણ ખોટો અભિનય બતાવતા દેવલથી દુર જતા જાતા હતા. કારણકે એમને પણ બીક હતી કે મેં કોઈ દિવસ બધા સામું મારી આંખને છલકાવવા નથી દીધી પણ આજે નહીં રહેવાય તો મારી આબરૂનું શુ થશે. લોકો શુ કહેશે કે હમીરભા બૈરાંની માફક રોવે છે એમ! .. ના .. ના એના કરતાં મારી દીકરીને નથી મળવું.

દેવલના મનમાં પણ અનેક સવાલ હતા. "હું મારા બાપને મળીશ તો ખરી પણ ક્યાંક મારા પ્રાણ નીકળી ગયા તો.., અથવા તો મારા બાપાને કાઈ થઈ ગયું તો." આવા સવાલો વચ્ચે ક્યારે બાપ-દીકરી નજીક આવતા રહ્યા એ ખબર જ ના પડી.

દેવલે અવળું ફરી ઉભેલા બાપને કહ્યું,

દેવલ: બાપા! હું જાવ,

હમીરભા: હા બેટા! જા , ખુશીથી રહેજે , જરાય ચિંતા ના
કરતી હો..

દેવલ: તમને ગમશે ને?

હમીરભા: મને કેમ ના ગમે! તારી હારે માથાકૂટ કરવી મટી.
તું નહીં હોય તો મને પણ શાંતિ થશે. કોઈ કાઈ
નહી કહે. અને તું ક્યાં મારી દીકરીની જેમ રહી
જ છું. હંમેશા મારી માંની જેમ ટોક ટોક જ કર્યું
છે.

દેવલ: તો હે બાપા! તમારી માંની છેલ્લી વાત માનશો?

હમીરભા: બોલ બેટા! શુ કાઈ ઓછું પડ્યું છે તને.

દેવલ: ના બાપા! એવું નથી.

હમીરભા :તો પછી.

દેવલ: અફીણ હું તમને જેટલું રોજ આપતી હતી એટલું
જ લેવાનું એથી વધવું ના જોઈએ

આ શબ્દો સાંભળી હમીરભાથી ના રહેવાયું એકદમ દેવલ ઉપર ઉભરાયેલો પ્રેમ જે મનમાં હતો એ બહાર આવી ગયો. દેવલને બથ ભરી ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યા. આ દ્રશ્ય જોયને ગામલોકો પણ ચકિત થઈ ગયા. આજે ગામ કોઈ દિવસ ના જોયેલું દ્રશ્ય જોતું હતું . એક સાવજ જેવા મરદ માણસને રોતો જોવો એ પણ એક લહાવો હોય છે.

દેવલ હમીરભાની બથમા સમાયેલી હતી. દેવલનું રુદન વધતું જતું હતું, જ્યારે હમીરભા પોતાના ધ્રુસકાને દબાવતા જતા હતા. હમીરભાનું હૃદય આજે ઝડપથી ધબકી રહ્યું હતું , એમને એવું લાગતું જાણે આ હૃદયનો ટુકડો અલગ થતો હોય. જે હાથમાં તલવાર સ્થિર રહેતી એ હાથ આજે ધ્રુજી રહ્યા હતા. હંમેશા દુશમન સામે અડગ ઉભો રહેતો દેહ આજે ડગવા લાગ્યો હતો.

હમીરભાએ ધ્રુજતો હાથ ઝભ્ભાના ખીસ્સામાં નાખી અફીણનો ડબ્બો કાઢ્યો " લે બેટા! આ તારા કરિયાવરમાં લઇ જા. કદાચ વધુ લેવાય જાય તો તારું વચન નહીં પળાય" એવું કહી ડબ્બો દેવલને આપી દીધો.

" હે બટા! હું બહુ સ્વાર્થી છું ને, મારી દુષમની પાર પાડવા માટે તને કસાયવાડે દીધી, મેં મારા નિર્દોષ પારેવાને લીલા છમ વન માંથી વેરાન રણમાં નાખ્યું, બટા! હું તારો ગુનેગાર છું ને?. મેં...મેં.. મારી ઢીંગલીને... ......" આટલું બોલતા તો હમીરભા નું ગળું ભરાય ગયું મોટા ધ્રુસકેથી રડવા લાગ્યા.

હવે દેવલે પોતાનો રંગ બદલી નાખ્યો. આંખના આંસુને વહેવાડવાને બદલે પીવાનું ચાલુ કરી દીધું " બાપા! હું ક્યાં મરી ગઈ છું, આવીશને હું પાછી, તમે જરાય ચિંતા ના કરશો મને કાંઈ નહીં થાય. તમે પણ! નાહકની ચિંતા કરો છો. હવે એક સારા આશીર્વાદ દય મને હસતા મુખે વિદાય આપો."

"સુખી થા બેટા! તારા હરેક દુઃખ મને મળે અને મારા બધા સુખ તને મળે" એવા નિસ્વાર્થ આશીર્વાદ આપી હમીરભાએ પોતે દીકરીનો હાથ ઝાલી વેલમાં બેસાડી.

ગાડાના પૈડાં નીચે પૈ સીંચવા માટે નાળિયેર મુકાય ગયું. ગોર મહારાજની વિધિ પત્યા પછી ગાડું આગળ વધ્યું. નાળિયેરનો ભૂકો થઈ ગયો. હમીરભાને તો આ ગાડું જાણે પોતાની છાતી પરથી ગયું હોય એમ લાગ્યું. એમનું હૃદય પણ નાળિયેરની જેમ..........
ક્રમશ: .....

અનેક જુના રાહડા તથા ગીતો તથા સાંભળેલી વાતો પરથી આ વાર્તા નિર્માણ કર્યું છે. જે ગીતો પણ આપને છેલ્લે જણાવીશ

લેખક: અરવિંદ ગોહિલ