" હે ! અમારા જેવા નોધારાના આધાર, હે ! મારા ભગવાન તેં જેમ મારા ગર્ભને ઊજળો કર્યો એમ મારા જીવતરને ઉજળું કરે એવું સંતાન દેજે." રામજી મંદિરની આરતી પુરી થયા પછી એક ગામઠી ભાષામાં પોતાની રીતે, સાડીનો ખોળો પાથરીને ભગવાન રામને ઝમકુ વિનંતી કરી રહી હતી. ભગવાન રામ પણ કદાચ આજે ગામના સાત-આઠ ભક્તોમાં આ ભક્તની ચોખ્ખા હૃદયની પ્રાર્થના સાંભળી રહ્યા હશે. આમ તો ઝમકુ કે એમનો સમાજ કોઈ દિવસ મંદિરે જતો નહિ. પણ એનો મતલબ એવો પણ નથી કે એ લોકો નાસ્તિક હતા. આખો દિવસ મજૂરી ખેંચીને આવેલા લોકોને તો ભગવાન પણ માફ કરી દે. મંદિરેથી પાછી ફરેલી ઝમકુ ઘેર પહોંચીને ઉતાવળી-ઉતાવળી કામ કરવા લાગી. કારણ કે વિઠલને કામેથી આવવાનો સમય થઇ ગયો હતો. રાંધવાનું પણ હજુ બાકી હતું.
ખેતરેથી છૂટો થયેલો વિઠલ હવે ઘેર આવવા જ નીકળતો હતો. એટલામાં ખેતરના માલિકે વિઠલને પૂછ્યું.
" અલા ! વિઠલ ચેટલી દા'ડી થઈ ? "
"આજ દહ થઈ. "
" હા તો આ લે આ પૈસા લઈ જા. કાલથી નવેસરથી બરોબર. અને તારી વવને હારા દી' જાય સે ને ? "
" હા ! શેઠ. " વિઠલ થોડો શરમાઈ ગયો.
" ઈમાં ભલા માણહ ! શરમાવવાનું શું હોય. કાલ વારો ઘરે આવજે અને સોખું ઘી લઈ જાજે અને ખવડાવજે તારા બૈરાંને. "
" હારું ! " આટલું બોલી પૈસા લઈને તે નીકળી ગયો. ગામથી થોડો દૂર હતો ત્યાં ખિસ્સામાં રહેલા રૂપિયા ઉલળવા લાગ્યા. અને જાણે કહેતા હોય કે જલ્દી અમને વાપર. બસ એના પગ દેશી દારૂ બનતા વાડા તરફ વળી ગયા. એ જ્યારે દારૂ પીવા બેઠો ત્યારે સમય એ જ હતો કે જ્યારે ઝમકુ ખોળો પાથરીને શ્રીરામના દર્શન કરતી હતી. વાડામાં ગામના બે-પાંચ લોકોમાં એક શંકરો પણ હતો.
એણે વિઠલને જોતા જ દીવાસળી મુકવાનું ચાલુ કરી દીધું.
" અલા ! તારે તો વવના હારા દી' જાય સે કાં ? "
" હા તો ! " વિઠલ એની સાથે ઓછી જ વાત કરતો પણ શંકરો થોડો માથાભારે એટલે બીજું કશું બોલ્યો નહિ.
" ઇમ નઈ ! પણ તે ઈને તેં પુસ્યું કે નઈ, ઇ તારું સે કે બીજાનું. " શંકરો બોલતો બોલતો બીજા બેઠેલા લોકોના હાથમાં તાળી મારીને જોર જોરથી હસવા લાગ્યો. એ તો આખો ડોલતો ડોલતો દાંત કાઢીને ગોટો વળી ગયો હતો. વિઠલને ગુસ્સો તો બહુ આવ્યો પણ કશું બોલ્યો નહિ. એ તો કોથળી પીને ચાલતો થઈ ગયો પણ દારૂના નશાની સાથે શંકાનું ઝેર પણ મગજમાં ચડવા લાગ્યું હતું. આમ પણ કહેવાય છે ને કે 'વ્હેમના કોઈ ઓસડ ના હોય.' એક ખૂણામાં ભભુકતી શંકાની આગ પાછી મોટુ રૂપ લઈ ચુકી હતી. જે વાત વિઠલ ભૂલી જવા માંગતો હતો એ ફરી તાજી થઈ ચૂકી હતી.
ઘેર પહોંચતા પહોંચતા તો એ ગુસ્સાની આગમાં પૂરો સળગી ચુક્યો હતો. ઝમકુ તો મંદિરથી આવીને ઉતાવળી કામ કરતી હતી. એમાં એને ખીચડી ચડવા મૂકી દીધી હતી અને રોટલા કરવા માટે તૈયારી કરતી હતી. ત્યાં જ ડોલતો વિઠલ ઘેર પોહચ્યો. વિઠલને જોતા જ ઝમકુએ પ્રેમભરી નજર નાંખી પણ બે ઘડી માટે; કારણ કે એનો દીદાર જોઈને ઝમકુ કળી ગઈ. પછી આંખો તો જોતી જ હતી પણ નિરખવાની દ્રષ્ટિ ફરી ગઈ હતી. એ તો છાનીમાની ફળિયામાં બનાવેલા નાનકડા માટીના ચૂલા પર રોટલા ઘડવા બેસી ગઈ. વિઠલ પણ હમીરભાની બીકે કશું બોલ્યા વગર જ ખાટલો પાથરીને ફળિયામાં આડો પડ્યો. આજે ઝમકુ રોટલામાં મીઠું નાખવું ભૂલી ગઈ હતી તોય એનો સ્વાદ જળવાઈ ગયો હતો. ઝમકુ બધું કામ પૂરું કરીને રામાયણ વાંચવા લાગી હતી અને વિઠલ તો જમીને સુવા માટે ખાટલામાં પડ્યો પણ મન હજુ શંકરાના શબ્દોમાં ફસાયેલું હતું.
બીજી બાજુ શંકરો પોતાના ઘેર વ્યાળું બનાવીને, જમીને કરણુંભાની સેવામાં જવા માટે તૈયાર થઈ ગયો હતો. એ રોજ રાતે કરણુંભાના પગ દબાવવા માટે જતો. દિવસે એમના જ ખેતર અને ઘરમાં કામ કરતો હતો. એના બદલામાં જરૂર મુજબ પૈસા કરણુંભા આપતા હતા. આમ પણ શંકરને કોઈ મૂડી ભેગી કરવાની ઈચ્છા નહોતી. એ વાંઢો એકલો જ રહેતો હતો. એને રોજ દારૂ અને બે ટંકનું ખાવાનું મળી રહે એટલે બસ હતું. પણ એના કપડાંની જેમ જ એનું મન બહુ મેં'લુ હતું. આજે એને એ જ મેલપ બતાવવાની ઈચ્છા હતી. એ આજે મનમાં કેટલાય સંવાદ તૈયાર કરતો જતો હતો. કદાચ હરેક ખોટી વાત સાચી બતાવવા માટે યોજના બનાવી ગામની બજારે ચાલ્યો જતો હતો. આજે એ ઝમકુ માટે કોઈ હિણી યોજના ઘડીને કરણુંભાની ડેલીએ પહોંચ્યો.
કરણુંભાને એ સમયે જુવાની આંટો લઈ ગયેલી. એકદમ પડછંદ માણસ પોતાના ઢોલિયા પર ડેલીએ સૂતો સૂતો હુક્કો ગડગડાવતો હતો. ચાર-પાંચ ગામના લોકો વાતોના ફડાકા બોલાવતા હતા અને ડાયરો જામ્યો હતો ત્યાં શંકરો પહોંચી ગયો.
" અલ્યા ! તું ચાં ફાંફા મારેશ ? ચેટલા ટકોરા પડયા ઇ તો જો ! "
" ઇ તો બાપુ ! હું વાંઢો માણહ, બધું કામ મારે કરવાનું અને પસી આવું ને ! " આટલું બોલતા તો શંકરો થોડો ઉતાવળો હાલીને પગ દબાવવા બેસી ગયો.
" અલ્યા ! આજે ય પીને આયો સુ ? "
" તમને તો ખબર જ સે કે તમારે જમ આ હોકો ઇમ મારે આ; પણ આમ જો લેવાનું ચેટલુ ? "
" હા ! કહી દે ચેટલું લેવાનું ? " ડાયરામાંથી એક માણસ બીડી ઓલવતા જ બોલી પડ્યો. પણ આ બોલ સાથે બધા હસી પડ્યા.
" આપડી જીભ અને પગ હખણા રે એટલું " આ જવાબ સાંભળીને કરણુંભા પણ થોડા હસી પડ્યા. કારણ કે આ સવાલ રોજ પુછાતો અને શંકરો રોજ આ જ જવાબ આપતો. સમય વીતતો ગયો એમ એક પછી એક વીંખાવા લાગ્યા. છેલ્લે વધ્યા એક કરણુંભા અને એક શંકરો; પછી કરણુંભા એની પાસેથી ગામની બધી વાતો કઢાવતા હતા. આપણે અગાઉ વાત થઈ એમ સ્વરાજ તો આવી ગયું હતું પણ રાજવંશોને ગામલોકો હજુ ગામના ધણી તરીકે જ માનતા અને એ સમયે એમનો હક્ક પણ હતો કારણ કે ગામની કોઈ મુશ્કેલી સીધી સરકાર પાસે પોહચે એવી હજુ કોઈ સારી વ્યવસ્થા નહોતી. હમીરભા અને કરણુંભામાં એટલો જ ફરક હતો કે હમીરભા કોઈનું દુઃખ જોઈ એને પાર પાડવા માટે મથતા જ્યારે કરણુંભાની નજર હમેંશા ભીડ પડેલ માણસની જમીન પર રહેતી. એટલે જ એ શંકરા પાસેથી ગામમાં કોની પરિસ્થિતિ કેવી છે એની તપાસ કરાવતા રહેતા હતા. આજે એ જ ચર્ચા હાલતી હતી અને શંકરો પોતાના પાસાં ફેંકવાની તૈયારીમાં હતો એટલે બધી વાતોમાં ખાલી 'હોંકારો' ભણીને પોતાની વાત પર લાવવા મથતો હતો.
" હેં બાપુ ! તમારે સેજકપર સંબંધ કેવાક ? " સમય મળતા જ શંકરો પોતાની વાત પર આવ્યો.
" કાં ? શું થયું ? "
" એ તો આપડે વેર હાલતું 'તું ને .. અટલે .. કવ સુ. "
" ઇ તો અમે બેય ભૂલી ગયા સી... હવે આપડે સંબંધ હારા જ સે. ચમ કોઈ સોડી ધ્યાનમાં સે તારા માટે ? તો કે વાત હલાવું. "
" અરે ! મને સુ કાળો નાગ કયડો સે કે સેજકપરની સોડી લાવું "
" ચમ ઇમ કેશ ? કે પસી હમીરે માર્યો 'તો અટલે કેશ ? "
" ઇ તો બાપુ ! હું ખોટી રીતે હલવાઈ જ્યો સુ ... પણ મે..ય મેલડી મૂકી સે... તમે જો.. જો ઇ તો થોડા ટેમમાં ખબરુ પડશે કે કોણ હાસુ સે ! બાપુ ઝમકુડી રઈને ઇ હલકી સે. " છેલ્લું વાક્ય એકદમ કાન પાસે મોઢું લઈ જઈને એ ધીમેકથી બોલ્યો.
" ચમ ઇમ કેશ ? સોડી તો હારી સે. "
" તમે બાપુ આમ હોશિયાર પણ આવી વાતુમાં તો બવ ભોળા પડો. ઇ ઝમકુ તો રોજે નવા શિકાર ગોતે સે. એકવાર મને ખેતરે મળી તો મને કીધું લો.... ઈને તો મનમાં ઇમ હશે કે શંકરો વાંઢો સે .. અને તમને ખબર સે વાંઢાની મથરાવટી મેં'લી હોય. પણ આ શંકરો તો હોનાનો સે .. ભલે દારૂ પીવે સે પણ મનમાં જો હલકો વિચાર આવે તો... તો મારી મેલડી રુઠી જાય .. ને. બસ ઇ વાતનું ઈને ખોટું લાગી જ્યું. મને કે હું તને ચંઇનો નઈ રાખું હું તો નીકળી જ્યો પણ ઈને મને માર ખવડાવ્યો. " શંકરાએ તો આખી ઘટનાને એક જુદી જ રીતે વર્ણવી. અને એક વાત એ પણ સાચી હતી કે આ વાત સેજકપર સિવાય ખાલી શંકરો અને ઝમકુ જ જાણતી હતી.
" ઇ હાવ એવી સે ? પણ માનામાં નથી આવતું. રોજ મંદિર આવે સે.. આયાથી જ નીકળે સે. હું નો માનું. "
" હું અટલે જ કવ સુ તમેં બવ ભોળા સો. હવે ઇના લગનના દોઢ વરહ થયું. થયું કે નહીં ? "
" હા થયું તો ઈનું સુ " કરણુંભાને વાતમાં રસ પડ્યો એટલે હુક્કાની નળી બાજુમાં મૂકીને શંકરાની વાતમાં ધ્યાન આપ્યું.
" આ દોઢ વરહમાં ઈને ચેટલાય જુવાનિયાને....... હવે મારાથી નઇ બોલાય... પણ આ તો હું બચી જ્યો બાકી મારો વારોય આવી જાત. " આવી બધી વાતો કરીને કરણુંભાના મનમાં ઝમકુ પ્રત્યે ઝેર ભેળવી દીધું. એને આવું શું કામ કર્યું હતું એ તો ખ્યાલ ના આવ્યો પણ કંઇક તો એ વિચારતો હતો. મોડી રાત થતા શંકરો ડેલી બા'ર જ પથારી કરીને સુઈ ગયો.
પીને આવેલા વિઠલની આંખ મળી ગઈ હતી. ઝમકુ રામાયણ વાંચવાની પુરી કરી આંખ પર લગાવીને હવે તે પણ સુવાની તૈયારી કરતી હતી. સંસાર આમ જ ચાલતો હોય છે ક્યાંક સારા કામ થતા હોય તો ક્યાંક શંકરા જેવા બીજાની જિંદગીમાં ઝેર ઘોળતા હોય. ઝમકુ પણ પોતાના ગર્ભ પર હાથ ફેરવતી અને એના પતિ તરફ નજર કરી આડી પડી. એ તો વિઠલને જોતી રહી. મન વિચારવા લાગ્યું અત્યારે મારા પાસે રહેવાના સમયે આ પતિને ઊંઘ કેમ આવતી હશે ? ફરી એ નાની હતી ત્યારે એક ચારણે કહેલું વાક્ય યાદ આવ્યું. એ જયારે હમીરભાના ઘેર રમતી હતી ત્યારે એક ચારણ માંગવા માટે આવેલી.. એને ઝમકુને જોઈને કહેલું કે " આ સોડી તો અડધા માથે કપાળવાળી સે. બવ ભાગશાળી સે. " એ વાત યાદ આવતા થોડી આંખ ભીની થઇ ગઇ. પછી ક્યારે ઊંઘ આવી ગઈ એ ખ્યાલ જ ના રહ્યો.
ક્રમશઃ ...........
લેખક : અરવિંદ ગોહિલ