યા દેવી સર્વભૂતેષુ લક્ષ્મી રૂપેણ સંસ્થિતા
નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમઃ
આદિ/મહાલક્ષ્મી, ધનલક્ષ્મી, ધાન્યલક્ષ્મી, ગજલક્ષ્મી, વીર/ધૈર્યલક્ષ્મી, સંતાનલક્ષ્મી, વિદ્યાલક્ષ્મી, જયા/વિજયાલક્ષ્મી
ઉપરોક્ત અષ્ટલક્ષ્મી સિવાય પણ કોઈ કોઈ ધર્મગ્રંથોમાં લક્ષ્મીજીના અન્ય સ્વરૂપોનું પણ વર્ણન થયું છે જેમકે,
એશ્વર્યલક્ષ્મી, સૌભાગ્યલક્ષ્મી, રાજ્યલક્ષ્મી, વરલક્ષ્મી ... અલગ-અલગ દેવાલયોમાં જે તે રાજ્યની પ્રચલિત પરંપરાઓને આગળ વધારતા માઁ લક્ષ્મીજી ના અલગ અલગ સ્વરૂપનું દર્શન થાય છે અને કદાચ ઉપરોક્ત સ્વરૂપ ઉપરાંત પણ તેમનું કોઈ અન્ય સ્વરૂપ હોય તો તે મારી જાણ બહાર છે.
તો હવે મુખ્ય મુદ્દા પર આવીએ કે મોટાભાગના લોકો ધનને જ લક્ષ્મી સમજે છે અને તે ધન ભેગું કરવામાં ઉપરોક્ત દર્શાવેલ લક્ષ્મીના અન્ય પ્રકારો પૈકી કોઈપણ પ્રકારોમાં રસ નથી ધરાવતાં જેનું એક ઉદાહરણ આપું છું.
એક સારા દિવસે, સારા ચોઘડિયામાં, એક વૃદ્ધ દંપતી એની ગાડીમાં ડ્રાઇવર સાથે આજુબાજુના ખેતરોમાં લોકોને દાન દક્ષિણા દેવા જઈ રહ્યા છે અને તે પૈકી એક ખેતરમાં તેઓ ગાડી ઉભી રાખે છે, થોડું ઘણું દાન આપે છે. પછી ત્યાંથી તેઓ એક હળવું સ્મિત આપી, ગાડીમાં બેસીને જતાં હોય છે. પત્ની થી રહેવાયું નહિ એટલે તે પતિને પૂછે છે, મનમાં ને મનમાં શું વિચારો છો ?
પતિ કહે છે, : ખરેખર તો આપણે જેને દાન આપ્યું ને, તેની પાસે આપણાં કરતાં પણ ચાર ગણી વધારે લક્ષ્મી છે. શું બોલો છો ખબર પણ છે ??? પત્ની આશ્ચર્યચકિત થઈને કહે છે. પેલો વૃદ્ધ પતિ કહે છે, કે કદાચ જોયું નહીં હોય ખેતરમાં બંને દીકરાઓ કામ કરતા હતા અને તેમના છોકરાઓ તેમના દાદા દાદી પાસે એક મોટા ઝાડ નીચે રમત રમતા હતા અને તે બંને દીકરાઓ ની પત્નીઓ, એક ખૂણામાં બેસી અને રસોઈ કરતી હતી. શું આવું સૌભાગ્ય મારા કે તારા નસીબમાં છે ? આપણા બંને છોકરાઓ વિદેશ રહે છે. આપણી વહુઓ ના હાથની ચટાકેદાર રસોઈ એક સાસુ સસરા તરીકે, દર બે વર્ષે અને એ પણ ભાગ્યે જ એક અઠવાડિયા માટે આપણને ખાવા મળતી હશે. આપણા પૌત્ર કે પૌત્રી એ છેલ્લે આપણા કપડા કયારે મેલાં કર્યા હશે તે મને યાદ નથી, કે તેમને શાંતિથી બેસાડી અને ભગવાન ના શ્લોક, સંસ્કાર કયારે શીખવ્યાં હશે તેની પણ મને જાણ નથી. તેમના માથામાં આપણા હાથ વડે આપણે તેલ કયારે નાખ્યું હશે, તે પણ સ્મરણ માં નથી. આટલું કહી તે વૃદ્ધ પતિ ની આંખ માં આંસુ આવી જાય છે.
સાહેબ, એક રોટલી ઓછી હશે પણ પરિવારની સાથે ખાશો ને તો પ્રેમથી પેટ ભરાઈ જશે અને બીજી રોટલી ખાવા ની જગ્યા પણ નહીં રહે. તો પછી આટલી દોડા દોડી, શેના માટે, બે પૈસા વધારે કમાવવા માટે ?
તમારી સંતાન બંગલામાં રહે તે માટે તમારા બાપ ની નાની ઝૂંપડી છોડીને જતાં ન રહો વહાલા મિત્રો, તેમને પૈસાની નથી જરૂર, લાગણીના ભૂખ્યા છે કે વૃદ્ધ થાય ત્યારે પુત્ર/પુત્રી તેની બાજુમાં લાકડી બનીને ઉભા રહે તેવી જ તેમની ઇચ્છા હોય છે. અંતિમ સમયમાં ગંગાજળ દેવાને બદલે મોબાઇલ માં હાથ જોડવા પડે છે તેવી પણ પરિસ્થિતિનું નિર્માણ ક્યારેક થાય છે, જે આપણે જ ઊભું કરેલું હોય છે. અને આ બધી વાતો ઉપરાંત સત્ય હકીકત એ છે કે વિદેશમાં 12 કલાક કે તેથી વધારે મહેનત કરતો માનવી અહીં આપણા દેશમાં આઠમી કલાકે પોતાના ઘરે પોતાની પત્ની સાથે ચા પીતો હશે. ભાઈ મહેનત કર ભારતમાં ક્યાં પૈસો ઓછો છે !
સાહેબ, સંતાન, સંસ્કાર, સારુ સ્વાસ્થ્ય, સંબંધોમાં સંપ, એ જ તો સાચી સંપત્તિ છે. માત્ર ધન, એ જ લક્ષ્મી નથી. આ એક અંગત અભિપ્રાય, વિચાર સિવાય બીજું કંઈ જ નથી માટે જે લોકો વિદેશ રહે છે, અથવા જવાના છે, તેમના સંઘર્ષ અને સંજોગોનો પૂરો આદર કરું છું અને તેમની જે તે વખતની પરિસ્થિતિ બિલકુલ નિર્વિવાદ છે. તેમ છતાં કોઈને ખોટું લાગ્યું હોય, તો ક્ષમા કરશો.
તો આ તો વાત વિદેશની છે. અહીં એક જ છત નીચે રહેતા એક પરિવારને નોખું પડતા કયાં વાર લાગે છે. અન્ય શહેરમાં સામે ચાલીને બદલી કરાવે છે ! લ્યો બોલો.
કહેવાનું તાત્પર્ય ખાલી એટલું જ છે, કે થોડું જતું કરવામાં જાજી મજા છે. બાકી તું તારે પડયો રહેજે પથારી માં, રવિવારે રજા છે !
#હાઈકુ
મેળો ભરાયો
પ્રેમનો ને લાગણી
ઊભી એકલી