બાણશૈયા - 14 - છેલ્લો ભાગ Heena Hemantkumar Modi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • આકર્ષક પણ શાપિત

    આમ તો વિશ્વમાં કેટલીક એવી વસ્તુઓનું આકર્ષણ હંમેશથી જોવા મળે...

  • ખંત અને આત્મવિશ્વાસ

    ખંત એક સમયની વાત છે, એક નાના ગામે તળાવની પાસે બે મિત્રો રહેત...

  • ભાગવત રહસ્ય - 101

    ભાગવત રહસ્ય-૧૦૧     કેટલાક નિંદ્રા માટે ગોળી લે છે.પણ ભાગવતમ...

  • ખજાનો - 68

    "મારા દાદાજીને રસોઈ બનાવવાનો શોખ હતો. પોતાના રસોઈના શોખ સાથે...

  • આત્મા

      એક રાજા હતો, રાજાના દરબારમાં સૌના મોમાં માત્ર તેની ચાર રાણ...

શ્રેણી
શેયર કરો

બાણશૈયા - 14 - છેલ્લો ભાગ

પ્રકરણ: ૧૪

એય! જીન્દગી

વ્હાલી જીંદગી, પ્યારી જીંદગી. તું ખૂબસુરત છે. ખૂબ...ખૂબ..ખૂબ જ સુંદર. જાણે કે સૃષ્ટિનાં ભાલ પર શોભતું તિલક, જાણે કે સહેજ પીળાશ પડતો ચળકતો પૂનમનો ચાંદ, જાણે કે ક્ષિતિજની પેલેપાર પહોંચવા ઉત્કૃષ્ટ રતૂમડો સૂરજ જાણે કે મહાસાગરનાં મોજાં પર હિંચકે ઝૂલતું મેઘધનુષ, જાણે કે રૂમઝૂમતું પાયલ પહેરી પગરવ માંડતો પવન, જાણે કે બ્રહ્માંડમાં ગરબે ઘૂમતાં વાદળો, જાણે કે ઉછળતું કૂદતું હરણું અને હરણાંને બાથમાં ભરી વ્હાલ કરતું ઝરણું અને એ ઝરણું મારું શમણું અને એ શમણાંમાં સમાયેલ મારું શરણું.

હું તને ખૂબ ચાહું છું અને તું પણ મને. હું તારી પાસે ખોબો ભરીને સુખ માગું અને તું મને આપી દે છે દરિયો ભરીને. તારા શ્વાસનાં પાને પાને બસ! તું મારું જ નામ જપે છે અને શ્વસે છે. તું જ્યારે ખુશ હોય છે ત્યારે મિસ વર્લ્ડ જેવો તેજોમય ચહેરો મને પહેરાવે છે. અને, મારાં પડછાયામાં પણ તારાં પડઘા રણકે છે. પણ, જો તું રૂઠી જાય તો, યાર! નાની વહુની જેમ તને રિસાતાં બહુ જ આવડે છે. મારાં શ્વાસ પણ રૂંધાય જાય ત્યાં સુધી તને મનાવવી પડે છે. મારા તેજોમય ચહેરા પરની આંખો ખાબોચિયાં ઉલેચતાં ઉલેચતાં મારી આખી જાત નિચોવાય જાય છે. અને, લોકોને દેખાડો કરવા હસતાં તો રહેવું જ પડે. મારા હોઠોને બંને બાજુએથી ખેંચીને રાખતા હું આખેઆખી ખેંચાઈ જાઉં છું. સુખ અને દુઃખની મિશ્ર પરત ધરાવતી તું, તારી રંગત અને સંગત પ્યારી અને ન્યારી છે. સાચું કહું તો તારાં રિસામણાં બહુ આકરાં લાગે જાણે રણપ્રદેશની ભરબપોર. યાર! તું હંફાવી દે છે, થકવી દે છે, ત્રાહિમામ પોકારી દેવડાવે છે. અરે! છઠ્ઠીનાં દિવસે પીધેલ માનું દૂધ યાદ દેવડાવી દે છે. પણ, તું છે તો સગી ‘મા’ જેવી હોં. કડવું પણ પીવડાવે, જરૂર પડે ત્યારે ઢોલ ધપાટ પણ કરે, પછી - મારાં આંસુ તો તારા પાલવથી જ લૂછે છે. આમ, સાચવી લેવાની તારી રીત પણ બહુ પ્યારી-ન્યારી છે. ધમધોખતાં આધી, વ્યાધિ, ઉપાધિમાં બાથ પણ તું જ ભીડે છે. અને, વાદળ બની વરસી આહલાદક ટાઢક અને સાંત્વના પણ તું જ આપે છે. તારી કોખમાં અને ગોખમાં સમય આવ્યે મને સંતાડી પણ તું જ દે છે અને સુરક્ષા કવચ પણ તું જ પહેરાવે છે. એય! જીંદગી, આ દર્દ પણ બહુ દર્દીલું હોય છે.યાર! છતાં તું મેઘા નક્ષત્રનાં મલ્હાર જેવી રોમાંચક છે.

એય! જિંદગી, કમ ઓન યાર. તું ગજબની તો છે જ. હસે તો જાણે હથેળીમાં ચાંદ અને રૂઠે તો અગનગોળો. તું જો રૂઠે તો દશા અને દિશા બંને બદલી નાંખે છે અને તું જો ધારે તો પાતાળમાં પણ આંગળી પકડીને લઈ જાય છે. અને, રંગબેરંગી માછલીઓ સાથે મુલાકાત કરાવી દોસ્તી પણ કરાવી જાણે છે. આહલાદકતાની સોડમાં ગુલાબી શિયાળા જેવી હૂંફ પણ આપે છે. આંસુઓના ઢગલા એકઠાં કરી સ્વપ્નાઓનો મહેલ પણ તું જ ચણી દે છે. ને યાર! તારાં ફેંકેલ સુખ અને દુઃખનાં દડા કેચ થાય કે ન થાય મારે તો ખેલદિલીપૂર્વક હસતું જ રહેવું પડે છે. કારણ, હારવું મને ફાવતું નથી અને તું હારે એ મને ગમતું નથી. આખરે તો તું મારી જ છે ને અંતરની આરાધ્યા. અને, હું તારી વ્હાલપની વાંસળી. તું મને જ્યારે આખેઆખી હાઈજેક કરી લે છે, તું જ્યારે જ્યારે સૂર અને તાલની શેરવાની પહેરીને આવે છે ત્યારે હું પણ તો મારાં પ્યારનું પાનેતર પહેરી લઉં છું કારણ તું મને કરે છે એવો અને એથીય વધારે પ્યાર હું તને કરું છું. પણ, તારો ગુસ્સો! અરે ધોળેદહાડે આકાશમાં તારા ગણવા મજબૂર કરી દે છે. છતાં, હું તારી વહાલી તો ખરી જ. તારી વ્હાલપની વાંસળીના સૂરમાં મને આલીંગન પણ તું જ આપે છે અને હૂંફ પણ. તેં મને વિવિધ રંગોથી ચીતરી છે. અષાઢી ઘનઘોર કાળાડિબાંગ વાદળોની ગર્જનાથી ડરાવી પણ છે અને ક્ષિતિજને પેલેપાર કેસૂડાંના ઉપવનમાં હિંચકે પણ ઝુલાવી છે. તેં એ પણ શીખવી દીધું કે જીંદગી તું એક પાઠશાલા જ નહીં પણ વિશ્વવિદ્યાલય છે. અને, તેથી તું દરેક પ્રકારનાં અનુભવ કરાવતી રહે છે. અને, સરપ્રાઈઝ ટેસ્ટ પણ લેતી જ રહે છે. ભલે તેં મને મૃગજળ દેખાડ્યું છતાં તારાં રમતિયાળ નદીપણામાં સતત વહેવું મને ગમે છે. તારા સખીપણાની ઓરતાની અટારી મને બહુ વ્હાલી લાગે છે.

તું ક્યારેક બેરૂખ થઈ જાય છે તો ક્યારેક બેદિલ.ક્યારેક એવું લાગે છે કે તને કળવી અઘરી છે. પણ, પછી થાય છે હું જ તો તારો ધબકાર અને તું મારું હૃદય. તું ક્યારેક કામઠામાંથી નીકળતાં બાણ જેવી તીક્ષ્ણ અને ધારદાર છે. મારી આરપાર થઈ મને ઘાયલ કરતાં અચકાતી નથી પણ પાછી તું જ કેસૂડા જેવી રંગીન, રાતરાણી જેવી રૂપાળી અને મોગરા જેવી ખુશ્બુદાર થઈ મને સંભાળી લે છે, સાચવી લે છે અને, મહેંકાવી દે છે. તારાં હૃદયનાં ખીસ્સામાં સરસ મજાની ગોઠવી દે છે. અને, જે દાખલાના તાળાં, સમીકરણ અને ઉકેલ નથી જડતાં એ તું જ છે યાર!

કોઈ મને ગમે તે કહે કે, તું સાપસીડી જેવી રમત રમી જાય છે. અને, રમાડી પણ જાય છે. પણ મારો અંગત અનુભવ કંઈક અલાયદો રહ્યો છે કે, તું તારાં ઉરકમળમાં મને બેસાડીને રસપાન કરાવીને ધન્ય પણ તું જ બનાવી જાય છે. કેવી મજા છે આપણાં સંબંધોમાં. પણ! મને તારાં સુંવાળાં સ્પર્શથી સાચવી લેવાની તારી ગતિનીતિ અને મારા પ્રયત્નો, તારો અઢળક મબલખ મબલખ પ્રેમ મને ખૂબ ગમે છે. આમ તો, જીંદગી ચોર્યાસી લાખ જન્મનાં ફેરા ફરતી હોય છે પરંતુ જ્યારે મનુષ્યજાતિનાં ગર્ભમાં પાંગરે છે ત્યારે જણસ બની જતી હોય છે.

એય! જીંન્દગી, મારે તો હર ક્ષણ તારી સાથે ઉત્સવ ઉજવવો છે. પર્વતોની પાંખો પહેરી ગગનવિહાર કરવો છે. વાદળો સાથે પકડાપકડી અને લૂપાછૂપીની રમતો રમવી છે. હાથમાં હાથ ઝાલી તારી સાથે સફેદ મોજાનાં ફીણમાં ઉછળવું છે. શરદપૂનમની રાતે ચંદ્ર પર ચટાઈ પાથરી તારી સાથે બેસવું છે. અને, દૂધપૌંઆની મિજબાની કરવી છે. તારા ‘નદીપણા’માં પગ પલાળી છબછબિયા કરવા છે. તું મારી સાથે રહેશે ને! હેં! બોલને, ચાલને, હું અને તું ટસોટસ ચીપકીને પવનની પાછળની સીટ પર બેસીને દૂર...સ...દૂર આકાશની પેલેપાર લોંગ ડ્રાઈવ પર જઈએ.

એય! હલો! હું તારામાંથી જ તો શીખી છું - પ્રશ્નો, સમસ્યાઓ, નસીબ, જન્મકુંડળી કે હસ્તરેખા એ બધું વળી શું છે!!! બસ! સતત ચાલતા રહેવું અને જે કંઈ મળી જાય એને હસતાં મુખે, છાતી સરસા ચાંપી દઈ સ્વીકારી લેવું. તારી સાથે શ્વસતાં-શ્વસતાં હું એટલું તો શીખી જ ગઈ છું કે, તને કેલેન્ડરનાં પાનાં સાથે કંઈ જ લેવાદેવા નથી. ગમે ત્યારે તું તારો હિસાબ કરી જ લેતી હોય છે.

બસ! યાર! તું મને તારાં આંચળમાં હંમેશ સાચવી લે જે. તારી આંગળીઓમાં મારી આંગળીઓ પરોવીને રાખજે. મને તારાથી ક્યારેય વિખૂટી નહિં કરીશ. તું જાણે છે કે હું જરા ગભરું પારેવડી જેવી છું. ધીમા દબાતા પગલાંના અવાજથી પણ હું ફફડી ઊઠું છું. પણ, મારું સરનામું તો તું જ છે ને યાર.

તેથી જ તો, મારી બાણશય્યા પર તું જ ફૂલશૈયા બિછાવી દે છે. લવ યુ જિંદગી.

 

સંવેદનાની શય્યાકથા

સામાન્ય રીતે પ્રસ્તાવના કે આવકાર લખવો સરળ હોય છે એમ માનવામાં આવે છે. પણ, મારાં ટેબલ પર એક સ્ક્રીપ્ટ ક્યારની રાહ જોઈ રહી છે, લખવા ધારું છું તો એ કાગળ પર શબ્દો ઉતરતા નથી. વ્યસ્તતા તો એક બહાનું છે, પણ મુક્તિ મળે તેવી આ કૃતિ નથી. એ ઠીક છે કે ગુજરાતી સાહિત્યમાં ચમકતા-ઝલકતા નક્ષત્રો જેવાં લેખકોમાં હીના મોદી કદાચ નવું નામ પણ લાગે. પણ તેની આ સંવેદનકથા ‘બાણશય્યા’ વાંચ્યા પછી કોઈપણ ભાવક સ્વીકારશે કે ગુજરાતી સાહિત્યમાં આવી અભિવ્યક્તિ અનોખી છે. કારણ સ્પષ્ટ છે ‘ઈઝી ચેયર’ પર બેસીને, બારી બહાર નજર કરતાં, સુવિધાપૂર્વક લખાયેલી આ કહાણી નથી. એક ઘાતક અકસ્માત પછી, દસ મહિનામાં ૧૬ શસ્ત્રક્રિયા થઈ અને હજુ બીજાં રાહ જુએ છે. પથારીવશ અનિશ્ચિત જિંદગીની કેવળ કરુણતા હોત તો આ ‘આપત્તિમાંથી હિંમતપૂર્વક પાર પડેલી’ લેખિકાની પ્રેરક કહાણી જ હોત. પણ ના, આ તેનાથી અધિક છે. ‘અમને આપો અધિક વેદના, એ જ આપની પ્રીતિ’ નો જીવનઝંકૃત રણકાર વ્યક્ત કરવાની સાથોસાથ જીવનની વિષમતા અને સુંદરતા, તૂટી પડેલી આસ્થા અને પકૃતિનો પરમ વિશ્વાસઃ આ બધું એક સાથે અહીં વ્યક્ત થયું છે. હું કહીશ કે ‘સામાન્ય’ને ‘અસામાન્ય’માં બદલાવતી આ આત્માભિવ્યક્તિ છે.

એટલે તો તે અર્પણ કરી છે: ‘મારી અંદર બેઠેલા ઈશ્વરને.’ જીવનદર્શન (ફિલસૂફી)નો આનાથી ઉત્તમ સ્વીકાર બીજો શો હોઈ શકે? દેહવૈભવની તમામ ડાળી ખરી પડીને, વસંતથી પાનખર તરફ દોરી જતી હોય, અને તે પણ હજુ લાંબુ જીવન જીવવાની તમામ મહત્વાકાંક્ષાનો ભર્યોભર્યો સંસાર હીય ત્યારે... ત્યારે તમારાં ખળભળેલાં મનમાં શબ્દશિલ્પના સહારે મનોવિશ્વને આકાર આપવો એ કેટલી મોટી ઘટના છે?

‘બાણશય્યા’માં તેનો ફલક વિસ્તરે છે, તેનો પરિચય લેખિકા પોતે જ આ શબ્દોમાં આપે છે: ‘આ કથામાં આલેખાયેલી સંવેદના મારી પોતીકી છે. તેમાં સંવેદનાની એરણ પર જીંદગીનો એક મુખ્ય તબક્કો જીવ્યાની વાત છે. અહીં વાત ભીતરમાં બેઠેલા ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધાની છે. વાત સબુરીની છે. સરળ અને સહજ રીતે પાણીની સપાટીએ સરરર વહેતી જિંદગી જ્યારે કોઈ અણધારી અને અકલ્પનીય ઓથા નીચે ગૂંગળાય છે ત્યારે માનવી કેવો લાચાર અને વામણો પુરવાર થાય એ વાત છે’

પણ ‘બાણશય્યા’ તેવા આઘાતની શૂન્યતાનો જ અંદાજ નથી આપતી. ‘કરુણાંતિકાનો, વેદના અને પીડાનો’ રંગ તેણે દોર્યો છે, અને તેમાં જ ‘મનુષ્ય તું બડા મહાન હૈ’નું મનોહારી મેઘધનુષ પણ સહજ રીતે આકાર પામે છે.

કેટલી સહજતાથી લેખિકા કહે છે, “આ કથા અહીં હું પૂર્ણ કરું છું પણ, મારી પીડાનો અંત હજી આવ્યો નથી. બંને પગ અને જમણાં હાથમાં મૂકેલી પ્લેટ જે તે સમયે, સંજોગોને ધ્યાનમાં રાખીને કાઢી નાખવી પડે. જમણા હાથના અંગૂઠાની સર્જરી બાકી છે. ટૂંકા થયેલા ડાબા પગની સર્જરી પણ બાકી છે. આ સંભાવના સાથે મારે જીવવું છે.” પણ, જીવનની એક તેજસ્વી સાર્થકતા છે, તે એમની આ કહાણીનાં દરેક પ્રકરણમાં આપણો હાથ પકડી ળે છે પહેલાં પ્રકરણમાં ‘ટેરવે ફૂટી કલમ’ના મહાપ્રયાસની અનુભૂતિ છે. કોઈ ૨૦૨૦ની ૨૭ એપ્રિલે બપોરે ટેરવાં થનગને છે, લખવા માટે પણ ‘જમણાં હાથનાં અંગુઠાનાં ટેન્ડર તો ફાટી ગયાં છે. લખવું કઈ રીતે? લેખિકાને કાગળ પર વરસવું છે, વેદનાનો સમુદ્ર ખળભળે છે. અને...? પીડા પણ જિંદગીના ચિંતનને પામી જાય ત્યારે જ આવું વિચારી શકે.”

સડસડાટ પગથિયાં ચડી જવું અને ધાબે પહોંચીને હાથ પહોળાં કરીને આભે આમંત્રણ આપવું એ સમયની હિકમત છે. અને આભને બાથમાં ભરીને ચૂમીઓ કરવાની તમન્ના સેવવી એ પણ સમયની નજાકત છે. અને, એક દિવસે અચાનક ધડામ દઈને નીચે પટકાઈ જવું એ પણ સમયનું જ, કોઈ અદશ્ય, ન સમજાય તેવું અને ગણવામાં ગોથાં ખાઈ જવાય તેવું તેનું રૌદ્ર સ્વરૂપ છે. મંદમંદ વહેતા પવનમાં પતંગનું આભને સ્પર્શી લેવું એ પણ સમય અને પછી ભરદોરીએ ક્ષણભરમાં કપાઈ જવું અને કપાયા પછી, જાણતાં હોવા છતાં પોતાની જાતને સાચવી ન શકવું એ પણ સમય જ છે!”

સમયને માટે કહેવાયું છે કાષાય તસ્મૈનમઃ| અને બીજી એક જાણીતી પંક્તિ છે; ‘ન જાણ્યું જાનકી નાથે, સવારે શું થવાનું છે!’ આ પ્રભાતે બદલાઈ જતાં નસીબને પણ સહજ બનીને જીવવાનો પ્રયાસ કરવો એ જ મનુષ્યકથા છે. કેટલાક તેનો શરૂઆતથી જ સામનો કરી શકતા નથી, કેટલાંક મધદરિયે ભાંગી પડે છે અને કેટલાંક પાત્રો તેણે “જીવે છે” આ “જીવવું” એ પરમ રહસ્ય “બાણશય્યા”નો સારાંશ છે.

“હવે મારે જીવનને માનવું છે” એવા સ્વપ્નને વેરવિખેર કરી મૂકે તેવો અકસ્માત થયો (૨૭ એપ્રિલ, ૨૦૧૯ તેમણે દિવસ નોંધ્યો છે.) ના “ફૂટબોલની જેમ ફંગોળાઈ ગઈ” પછી?

‘વિધિની વક્રતા’માં પુત્ર પર્જન્યનો જન્મનો હરખ વ્યક્ત કરીને, જલદીથી પતિ-પુત્ર સાથેની કોટા તરફતની કાર-સફર એક અકસ્માતે જીવલેણ બની, દીકરી-જમાઈ-પુત્રની સંગાથે સારવારનો તબક્કો શરૂ થયો તે ઘટના આપી છે.

પછી ચાલી છે શસ્ત્રક્રિયા પરંપરા. આટલા દારુણ પ્રયોગો, એક જીવંત દેહ પર પહેલી સર્જરી જ ‘રેક્ટલ પરફોરેશન’ને લીધે આઠ કલાકની, પછી લોહીમાં સંક્રમણ, વેન્ટીલેટરનો આધાર, છ બેક્ટીરિયા, એક ફંગલ, (સિરેસિયા ફિકારીયા ગ્રામ નેગેટીવ બેક્ટેરિયા તો આજ સુધીમાં વિશ્વના ૧૦૦ માણસોને જ થયું છે, તેનો ઉદ્દભવ તબીબી વિજ્ઞાનની સમજની બહાર છે), વેન્ટીલેટર દરમિયાન ત્રણ વાર જીવલેણ કટોકટી, વડોદરા પછી સુરત હોસ્પિટલમાં ઉપરાછાપરી શસ્ત્રક્રિયાઓ, ડાબાપગનું સાત સેન્ટીમીટર હાડકું કાપીને સંક્રમણ દૂર કરવાનો પ્રયાસ, થાપામાં ગ્રાફટિંગ કરીને સર્જરી, એક્સટર્નલ ફિક્સેટર સાથે બે પગનો ઈલાજ,...

સવાચાર મહિના સુધી આ ચક્ર ચાલ્યું... ઈચ્છા તો બહારનાં વરસાદી આકાશને નિહાળવાની થાય, પણ...

લેખિકા અહીં પોતાને “દેહરૂપી યુદ્ધમેદાનમાં કર્મ કરતી યોદ્ધા” તરીકે વર્ણવે છે, પછી “લાગણીનાં છેલા સરનામાં” સરખા નિજનિવાસે... “ઓટલા પર શિસ્તબદ્ધ કૂંડાઓના છોડોએ સ્મિત આપીને પાંપણોમાં સમાવી લીધી. ઊંચી વેલ તો રીતસરની વળગી પડી અને આહલાદાકતાનું આલિંગન આપ્યું, મારો હીંચકો સાવ સૂનો હતો તે લાગણીપૂર્વક રડી પડ્યો...”

આ અંતરમનના ઉદ્દગારો છે, પણ જીવન ક્યાં સહજ હતું? તબીબી સારવારનો ચક્રવ્યૂહ ચાલુ રહ્યો. દરેક શસ્ત્રક્રિયા વચ્ચે બે મહિનાનો ગાળો રાખવો પડે. તબિયત પર અંધારાં-અજવાળાં પથરાતાં રહે.” સોળ સર્જારીએ મારા સોળ શૃંગાર કર્યો હોય તેમ વાઢકાપ, ફિક્સસેટરનાં મોટાં કાણાં... સોળ સર્જરી દરમિયાન એન્ટિબાયોટિક્સ, રોજનું ડ્રેસિંગ.... એટલે તો જીવવાનું સત્ય લેખિકાને પ્રાપ્ત થાય છે. “લોકો માથું મુકવા ખભો તો આપી શકે, આંસુ ઝીલવા ખોબો ધારી શકે પણ ભીતરની પીડાને તો આપણે પોતે જ સૂકવવી પડે.”

‘સંભવામિ યુગે યુગે’ એક અલગ અનુભૂતિની વાત કરે છે. તાર્કિક રીતે તે અશક્ય લાગે, પણ તર્ક અને શ્રધા બંને સમગ્ર રીતે તમારી ભીતરમાં અગ્નિ પ્રગટાવે ત્યારે, સામાન્ય મનુષ્ય જેને ‘ચમત્કાર’ તરીકે ખપાવે તે અહીં આકાર ળે છે. “કર્ણપટલ પર મૃત્યુંની ઘંટડી વાગી રહી હતી ત્યારે સુમધુર વાંસળી કોણ વગાડી ગયું?” લેખિકાએ હાથવેંત છેત મૃત્યુંની ક્ષણોમાં આ આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. આ વર્ણન શરૂ થાય છે, “ત્રણત્રણ વાર મારાં ફેંફસામાં ફૂંક કોણ ભરી ગયું?’ થી છેક ‘શું આ હજાર હાથવાળાનો ચમત્કાર નથી?’ સુધી દીર્ધ શ્વાસ સાથેની અભિવ્યક્તિ છે.

આપણે જરૂર હકીશું: હા, હીના જી, આ ચમત્કાર જ છે. સ્વજનો, તબીબોની ચિંતાભરી કાળજીને કારણે “શરીરરથનો આત્મારૂપી અર્જુન ધ્રુજી જઈ અને જીવનના તમામ શસ્ત્રો હેઠાં મૂકાયાં હોય ત્યારે શરીરરથ-જીવનરથના સારથી ઈશ્વરે ઈશ્વરીયપૂર્વક મારો રથ હંકારી લીધો.”

‘ફિઝિક્સ તજજ્ઞ’ પતિનું સહ્રદય વર્ણન વાંચીને કોઈ પણ સ્ત્રીને વટસાવિત્રી વ્રતમાં આવો પતિ મળે તેવી ઝંખના થશે. વડોદરા હોસ્પિટલમાં લગભગ સવા મહિના પછી અડધી ચમચી પાણી પીવાની છૂટ મળી પણ દર્દીને વડોદરાનું પાણી ભાવ્યું નહીં તો પતિદેવ સુરતથી પાણી મંગાવતા હતા! ડોક્ટરની ઇચ્છાથી અલગ ભાવતું જ્યૂસ છૂપાછૂપા પીવડાવતા પિતાને જોઈને દીકરી કાનુ ચીડાતી: ‘ડેડી, તમે પાગલ પ્રેમી છો!’ ભૌતિકશાસ્ત્રનો નિષ્ણાંત પતિ મટીને પ્રેમી બને ત્યારે જ આવડે એવો પાસ્તા બનાવે કારણ કે અકસ્માત પહેલાંના દિવસે સાથે રેસ્ટોરન્ટમાં પાસ્તા ખાધા હતા! લેખિકાનું આ વાકય કેટલું હૃદયસ્પર્શી છે: “હું શૂન્ય સાબિત થઈ રહી હતી ત્યારે મારી આગળ એક્કો બનીને અડીખમ ઊભા રહ્યાં અને મને નિર્મૂલ્ય થતાં બચાવી લીધી. ‘પતિ પરમેશ્વર’ કરતાં ચાર ડગલાં આગળ વધીને ‘પતિ પ્રેમેશ્વર’ નીવડ્યા. એકવાર તો, તમામ સેવાસુશ્રુષા છતાં, ભીષણ બીમારીથી હતાશ થઈ ચૂકેલી સા-વ અશક્ત જીવનસંગિનીને સાહિત્ય અત્યંત વહાલું હતું તો ગ્રંથાલયમાંથી પુસ્તકો લાવે, વાંચી સંભળાવે. ‘પુસ્તકોનો ખજાનો’ જોઈને થાકેલા ચહેરા પર સ્મિત આવ્યું તો આ પતિ કહે છે: ‘જો હું ચિત્રકાર હોત તો તારું આ ‘સ્માઈલ અંકિત કરી લેત!’ લેખિકા તેમના ‘તસ્વીરે હૃદય’ની ઝાંખી આ પ્રકરણોમાં કરાવી છે પુત્રી કથક તો પોતે જ ડોક્ટર; તે ‘જનેતાની મા’ બની. જમાઈ કુશલ, પુત્ર પર્જન્ય.... આ પત્રોની સાથે સુશ્રુષા અને પ્રેમની કથા પ્રવાહી બની છે. દીકરી નવી ઉડાન માટે સજ્જ થઈ, હતાશ માતાએ પ્રેમપૂર્વક વિજયતિલક કર્યું અને “મારા રૂદિયે બે કાવ્યો ઝણણણ રણકી ઊઠ્યાં. એ બંને એ લય-તાલ-આલાપ સાથે મધુર કંઠે સ્વરાંકન પણ કરી લીધું!”

આવા જ ડોક્ટરો મળ્યા ડૉ. ચિંતનનું પાત્ર (સાચુકલું પાત્ર) દેવદૂત જેવું ઉત્સાહી લાગે છે. લેખિકા માટે ‘પેશન્ટ-ડોકટર’, ‘ગુરુ-શિષ્ય’, ‘આંટી-ભત્રીજા’ અને ‘મા-દીકરા’ના સાગમટા સંબંધો તેમના રહ્યા. છતાં ઘણીવાર દુઃખની ચરમસીમા પણ આવી. સેપ્ટીસિમીયા કેવો ખતરનાક આક્રમક છે તેનો આ લેખકને પણ અંદાજ છે, હીનાએ તેનો પણ અનુભવ કર્યો. “ઉદરપ્રદેશ તો શૃંગારપ્રદેશ હોય ત્યાં મારી કોલોસ્ટોમીબેગ હોય ત્યારે વિચારવમળમાં ડૂબી જતી. ઘણીવાર મેં અનુભવ્યું કે બધાં મારાં જ છે છતાં મારું કોઈ નથી. હું પોતે જ ક્યાં મારી રહી હતી?” પછી ટો લુપોગ્રામ, કોલોસ્ટોમી,.... યાતનામય પ્રક્રિયાના અતે પિયરઘરે ગૃહપ્રવેશને હીના મોદીએ પુનઃજન્મનું શ્રવ્ય લખ્યું!

બીજા ઘણાં સ્વજનો-મિત્રોને લેખિકાએ હૃદયભાવે સમર્યા છે તેમાં કવિ, જ્યોતિષી, સખીઓ, નાટ્યકાર, પત્રકારોનો સમાવેશ થાય છે. અગ્નિમય સફરમાં આ પુસ્તકનો સુંદર વિરામ છે. “ટેકા વિનાની ભીતરની ભીંત.” તેમાં રહેલી ‘વસ્તુપ્રિયા’થી ‘પ્રભુપ્રિયા’ સુધીની યાત્રા એ જીવનનું પરમ રહસ્ય છે તેનો સરસ અંદાજ આપે છે, અને તેની સંધાન-પૂર્તિ એટલે “ઈશ્વરને એક ખુલ્લો પત્ર.’ અને એય! જિંદગી!’ બે પ્રકરણો. તેનું અવલોકન કે વિશ્લેષણ કરવાનો પ્રયત્ન કરીશ તો સફળ નહીં થઈ શકું. કેટલીકવાર નિઃશબ્દ અભિવ્યક્તિ જ સહજ બની શકે. અમારે વિશેષ મળવાનું તો થયું નથી, કદાચ, અકાદમીમા એકાદ મુલાકાત થઈ છે. છતાં, વિવેચકના હૃદય પીંજરને બદલે સહ્રદય પરિચયભાવે આટલું તો જરૂર કહીશ: સલામ હીના! પ્રમાણ હીના! શબ્દ- સાથેનો તમારો સંગ વધુ પ્રભાવી બનો!!

વિષ્ણુ પંડ્યા

સ્નેહ આભાર

સમગ્ર જીવસૃષ્ટિનો