બાણશૈયા - 13 Heena Hemantkumar Modi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • આકર્ષક પણ શાપિત

    આમ તો વિશ્વમાં કેટલીક એવી વસ્તુઓનું આકર્ષણ હંમેશથી જોવા મળે...

  • ખંત અને આત્મવિશ્વાસ

    ખંત એક સમયની વાત છે, એક નાના ગામે તળાવની પાસે બે મિત્રો રહેત...

  • ભાગવત રહસ્ય - 101

    ભાગવત રહસ્ય-૧૦૧     કેટલાક નિંદ્રા માટે ગોળી લે છે.પણ ભાગવતમ...

  • ખજાનો - 68

    "મારા દાદાજીને રસોઈ બનાવવાનો શોખ હતો. પોતાના રસોઈના શોખ સાથે...

  • આત્મા

      એક રાજા હતો, રાજાના દરબારમાં સૌના મોમાં માત્ર તેની ચાર રાણ...

શ્રેણી
શેયર કરો

બાણશૈયા - 13

પ્રકરણ: ૧૩

એક ખુલ્લો પત્ર ઈશ્વરને

પ્રતિ,

શ્રી ઈશ્વરજી

મુ.પો. બ્રહ્માંડ

હેં ઈશ્વર! તને કયા નામે સંબોધું? એ સૂઝતું નથી. આજકાલ અમારે ત્યાં ‘હાય’ ‘હેલો’ જેવાં સંબંધો ચલણમાં છે. જે મને તારાં માટે રૂચતાં નથી. તું મારો ચિત્ત-પરિચિત છે. તારો અને મારો આત્માનો નાતો. જે જન્મોજન્મથી કોઈક અદશ્ય તંતુથી જોડાયેલ છે અને ઘણાં જન્મોજન્મ સુધી જોડાયેલ રહેશે. એટલે આપણો સંબંધ આત્મીય છે. તો પછી...

આત્મિક ઈશ્વર!

મારાં અંતરનાં નાથ એવાં તને મારા અંતઃકરણપૂર્વક વ્હાલ અને નમસ્કાર. જો, તને પત્ર લખવા બેઠી તો આંગળીઓનાં ટેરવા ગુલાબી થઈ રહ્યા છે. મન ઉપવન થઈ ઝૂમી રહ્યું છે. રગેરગમાં લોહી ઝરણાં થઈ ઉછળકૂદ કરી રહ્યા છે. તેથી જ તો મારાં હૃદયપૃષ્ઠ પર સોનેરી અક્ષરે લખેલું નામ એટલે ‘તું’.

હવે હું સીધી વાત પર આવું તો મારે તારી પાસેથી મારાં મનનાં ઘણાં બધાં સમાધાનો હૃદયપૂર્વક મેળવવા છે. એનો મતલબ એ નથી કે મારે તને પ્રશ્નો પૂછવા છે. અને, સાચું કહું તો તને પ્રશ્નો પૂછવાનું મારું ગજું પણ નથી. આમ છતાં, અવઢવ થતું હૈયું ટહુંકે છે. કંઈક પૂછવું છે, કંઈક મેળવવું છે એનો અર્થ એવો નથી કે મને તારા પર કોઈ સંદેહ છે. તારી નીતિ ન્યારી છે અને ગતિ પ્યારી છે. એવું મને શ્રધ્ધેય છે. મારે તો કર્મનાં લેખા-જોખામાં પણ નથી પડવું. તારો ન્યાય શિરોમાન્ય છે જ. પણ, તારાં ન્યાયમાં સમાયેલ ગણિત, ગણિતમાં સમાયેલ સમીકરણો, સમીકરણમાં સમાયેલ કોયડાઓ અને વળી એ જ કોયડામાં છૂપાડીને રાખેલ ઉકેલ વિશે જાણવાની તીવ્ર ઉત્કંઠતા છે.

મારું મૌન એ તેં જ આપેલ મિરાત છે. પણ, આજે મારે મૌન તોડવું છે. મનનું ટેપરેકોર્ડર ચાલુ કરવું છે. તને કંઈક કહેવું છે, ઘણું બધું કહેવું છે, બહુ બધું કહેવું છે અને એથીય વિશેષ તારાં મુખે સાંભળવું છે.

હું જાણું છું અખિલ બ્રહ્માંડમાં એક તું, શ્રી હરિ, વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું. હું જાણું છું તત્ત્વ તું, સત્વ તું. અત્ર, તત્ર, સર્વત્ર તું. તારા અસ્તિત્વનાં આધારકાર્ડની જરૂર નથી કે નથી જરૂર તારાં હસ્તાક્ષરની. આમ છતાં, આજે અરમાનોનાં ઓરતા લઈ તારી પાસે આવી છું. હું જ્યારે જ્યારે કૂંડામાં વાવેલ છોડ જોઉં છું ત્યારે ત્યારે છોડ પર ઉગતાં ફૂલ, ફૂલની અંદર સમાયેલ સુગંધ, સુગંધને વળગીને બેઠેલ પાંદડીઓ જોઈ હરખાઉં છું. પણ એ જ પાંદડીઓની આરકાવાળી ધાર પર તને નૃત્ય કરતો જોઉં છું ત્યારે-ત્યારે મને વિચાર આવે છે. તું આટ-આટલી સ્થિરતા લાવે છે ક્યાંથી?! તારી લીલા અકળ છે પરંતુ શું તારા જેવાં તન-મનની સ્થિરતાની અપેક્ષા તું મારી પાસે પણ સેવે છે!! શિયાળાની ઉગતી સવારે પાંદડાની કિનારે બેઠેલ ઝાકળબિંદુ, એ ઝાકળબિંદુનું જમીનદોસ્ત થઈ જમીનમાં ઓગળી જવું, ને પછી સૂર્યનાં તીવ્ર કિરણોથી બાષ્પીભૂત થઈ ધગધગતા સફેદ આકાશને આલીંગવું ને પછી ભૂરા આભનો પરિવેશ ધારણ કરવું, પહાડો સાથે અથડાવવું, કકડભૂસ થઈ તૂટી પડવું ને વરસવાનું ઉપનામ આપવું અને મહાસાગરમાં વિલીન થવું. શું તું મારી પાસે પણ આટલી ધૈર્યની અને સહનશીલતાની અપેક્ષા રાખે છે!! યાર! જરા યાદ રાખને, હું તારું નાજુક, નમણું, ગભરું પંખી છું.

સાંભળ્યું છે તારી ઈચ્છા વિરુદ્ધ તો એક પાંદડું પણ હલી નાં શકે તો શું આખેઆખી મને હચમચાવી દેવાનું તને શોભે છે ખરું!! આ મારા કોઈ પ્રશ્ન નથી અને તું ઉત્તર આપવા બંધાયેલ પણ નથી. આમ છતાં, મારાં હૃદયમાં ઉદ્દભવતાં ઉદ્દગારો તારી આગળ રજૂ કરું છું. મારાં શ્વાસની આહ થી લઈ ઉફ અને ઓહ સુધીની વિટંબણા ભરી સફરની વાતો તને કરું છું.

ભગવદ્દગીતામાં તેં કહ્યું છે “કર્મનાં ફળ ચૂકવીએ જ છૂટકો” આ જન્મનું ભોગવવું કે ગયા જન્મનું સહેવાનું કે પછી આવતાં જન્મે ભેળવવાનું? એ તારા ન્યાય સામે મને કોઈ વાંધો નથી. પણ તે છતાં મને વિચાર આવે છે જે- તે કર્મના ફળ જે-તે સ્થળે અને જન્મે જ વસૂલી લે ને. શું કામ જન્મોજન્મ સુધી ખેંચ્યે રાખે છે. જે કર્મનું મને જ્ઞાન નથી, ભાન નથી એ અજાણ્યાં કર્મનાં ફળોનાં ગમતા-અણગમતા આસ્વાદ હમણાં શા માટે!!! તને થતું હશે હું આ બધો બળાપો કાઢું છું અને તારો સમય વેડફું છું પણ આ મારા ધ્રુજતા હૈયાનું રૂદન છે. દ્રૌપદીનું ચીરહરણ થયું ત્યારે એણે ઢગલાબંધ તને ફરિયાદો કરી તે સાંભળી પણ ખરી અને એનાં મનનું સમાધાન પણ કર્યું. પણ મારું તો હૈયુહરણ થયું. તો મારે ફરિયાદ કોને કરવી!!!

તારી ઈચ્છાથી તેં જન્મ આપ્યો એની સામે પણ મને કોઈ વાંધો નથી. એ બાબતે મારે કોઈ પ્રશ્ન, તર્ક કે દલીલ પણ નથી. ‘મને જ આમ કેમ?’ એવો પ્રશ્ન પણ નથી. આ પૃથ્વીનાં રંગમંચ પર તેં જે કિરદાર આપ્યો એને મેં સહર્ષ પ્રસાદ સ્વરૂપે સ્વીકારી લીધો. ચોવીસકેરેટ સોના જેવી શુધ્ધતા સાથે નિષ્ઠાપૂર્વક અને સો ટકા સંપૂર્ણ પ્રમાણિકતાપૂર્વક મેં કિરદાર નિભાવ્યો. તો પછી તને વાંકુ ક્યાં પડ્યું! હેં દોસ્ત! કે તું થોકબંધ, જથ્થાબંધ પેનલ્ટી મારા પર ઠોક્યે જ ગયો! હું આટલી આકરી સજા મજાથી ભોગવી લઈશ. એટલો બધો તને મારા પર ભરોસો છે કે શું!

જીવન તેં આપ્યું, તારી ઇચ્છાથી આપ્યું, તારી ઈચ્છા મુજબ આપ્યું તો પછી ‘કવિતાપૂર્વક’ આપ. જરા કલા-કારીગીરીથી સુશોભિત કર. જો તારી ઈચ્છા નહીં હોય તો નહીં કર. પણ, કેડીએ કાંટા ન પાથર, પીઠે ખંજર નહીં ભોક અને હૃદયને તોડી-મોડી, મચેડી નહીં નાંખ. દોસ્ત! હું ક્યાં કહું છું કે તારા જીવનકિતાબની મુખ્ય નાયિકા મને બનાવ. પણ છેક હાંસિયામાં ધકેલી દે એ શું તને શોભે છે યાર!

જીવન તે આપ્યું. વળી પાછી ફ્રીમાં ઈચ્છા પણ આપી. મારી ઈચ્છા તેં જ સર્જેલ પેલા ‘હૂ... હૂ...’ કરતાં મહાસાગરનાં પેટાળમાંથી હિલોળાં લઈ, હરખાતાં મારી તરફ ધસી આવતાં મોજાં સાથે ગમ્મત કરવાની છે. એની આઘોષમાં આલીંગન આપી એ પરત ફરે ત્યારે પગ તળેથી સરકતી ગલીપચી કરતી રેત સાથે રોમાંચ કરવાની અદમ્ય ઈચ્છા છે. તો શું તું મારા પગમાં જોમ અને ઉત્સાહ ભરવાની જવાબદારી તારી નથી!!! મને બરાબર યાદ છે પહેલાં ધોરણનાં વર્ગખંડમાં નલિની ટીચરે રાધાનો વેશ ધારણ કરાવેલ. ત્યારથી, હું બાળમાનસથી મારાં વ્હાલનાં વરસાદમાં તને ભીંજવતી આવી છું. જેમ-જેમ સમજણી થતી ગઈ તેમ-તેમ મારાં વ્હાલનાં વાદળોની રંગોળીમાં તને રંગતી ગઈ. અને તેથી જ મુગ્ધાવસ્થામાં પ્રથમ પ્રેમ તારી સાથે થયેલો અને કોલેજની નોટબુકનાં છેલ્લે પાને ગીત લખ્યું હતું કે -

બંસી સુણી સૂનાં વનડામાં,

ડોલી ઉઠ્યું મનડું વગડામાં.

આવી છું હું તારી પાસે,

મુરલીમાં ભળવાની આશે;

પણ શરમાઉં ઘૂમટામાં.

o બંસી સુણી

ઝાંઝરણી ઝંકાર પુકારે,

હૈયું રીઝે સ્મરણ સહારે;

કાજળનું કામણ અખિયામાં.

o બંસી સુણી

તું ફક્ત મારો પરમેશ્વર નથી, તું મારો પ્રેમેશ્વર પણ છે.

જેમ-જેમ પરિપક્વતા આવતી ગઈ તેમ-તેમ હું તારી વધુને વધુ નજીક આવતી ગઈ અને સમજતી ગઈ કે -

ક્યાં છું સક્ષમ તને પૂજવા માટે,

શબ્દ શોધું છું પ્રાર્થના માટે.

તારી સ્તુતિ તો મર્મભેદી છે,

ટળવળું હું મર્મ જાણવા માટે.

તારી સૃષ્ટિ વિશાળ કેવી છે !

જીવ ભટકે છે થોભવા માટે.

ગીત ગાવાં છે તારે માટે, પણ

સૂર ક્યાં છે આલાપવા માટે.

‘છતાં પણ યાર તું! મારી કસોટી કરતો જ રહ્યો. શું ખરેખર તને ક્યારેય મારી સાથે પ્યાર જ ન થયો! સોરી યાર! છેક તું એવો પણ નથી. ઘણીવાર મારા ખભાનો ભાર તેં ઉંચકી પણ લીધો છે. મારી આંગળીમાં તારી આંગળી પરોવી મારું જીવન સરળ પણ બનાવ્યું છે એના માટે થેંક્સ યાર! પણ....પણ... કહેવાયું છે કે તું કોઈકનું કંઈ ઉધાર રાખતો નથી. રીટર્ન ગિફટ પણ આપે જ છે તો, મારા પ્રેમની જગ્યાએ રીટર્ન ગિફ્ટમાં તું પીડા આપે એ મને ગમતું નથી. ‘મને જ કેમ આવું!’ એવું મારે પૂછવું પણ નથી. કારણ કે, બીજાને નથી આપી એવી ઘણી મૂલ્યવાન વસ્તુઓ મને આપી છે. મારા અંગૂઠાની વેઈન કપાય ચૂકી છે છતાં હું લખી શકું છું એ તારો જ ચમત્કાર છે. મારા પગ ચાલતાં નથી છતાં મારું મન દોડે છે એ પણ તારું જ વરદાન છે. અને, શબ્દદેહે તું હંમેશા મારી સાથે જ રહે છે. મારાં શ્વાસમાં તારો શ્વાસ ભળી ગયો છે. એ પણ તો તારી મારા પ્રત્યે વિશેષકૃપા જ છે.

હું તને આમંત્રણ લાગણીપૂર્વક પાઠવું છું એક ઉઘડતી સવારે તું મારા ઘરે આવ. તે દિવસે હું તને અને તું મને ઓળખી તો જઈશું જ. કારણ તેં મને ગમતાં આછા આસમાની રંગનો ઝભ્ભો પહેર્યો હશે. અને, તને મારી પીડા અને વેદનાનાં રંગ તો ખબર જ હોય ને!!! એટલે તું પણ મને ઓળખી જશે. તારાં કોઈ બહાનાં હવે નહિં ચાલશે. જેમ તલમાં તેલ દેખાતું નથી, જેમ કપાસમાં કપડું દેખાતું નથી, જેમ બીજમાં વૃક્ષ દેખાતું નથી તેમ ભલે તું ક્યાંય પણ દેખાતો નહિં હોય પણ મને મારા શ્રધ્ધાનાં સાગરમાં સંપૂર્ણ અહેસાસ છે તું ક્યાંક તો છે જ. જો તત્વ છે તો સત્વ પણ હોય જ. આથી, હવે લૂપાછૂપી વાળી બાળ રમત છોડી દે અને સીધો મારી પાસે આવી જા. તે દિવસે હું માથાબોળ સ્નાન કરી, મારા વાંકડિયા વાળાને છુટ્ટા રાખીશ. હું મારી મનગમતી ડાર્ક પીકોક બ્લ્યુ સિલ્ક સાડી પહેરીને તૈયાર જ હોઈશ તારા સ્વાગત માટે. સાથે તુર્કી કલેક્શનવાળાં વાંકડિયા ઈયરીંગ કાનમાં હાથમાં એન્ટીક કલેકશનવાળાં વાંકડિયા બેંગલ્સ પહેરીશ. પછી મારા હાથથી બનાવેલ ઈલાયચીવાળી સ્પેશિયલ કોફીનાં મગ સાથે આપણે મારા ઘરનાં ઓટલે હિંચકે બેસીશું. આઈ સ્કેવર હું ક્યારેય કોઈ પ્રશ્ન નહીં પૂછીશ બસ! મંદ-મંદ લહેરાતાં પવન સાથે ધીમે-ધીમે હિંચકાને રુમઝુમ ઠેસ મારતાં જઈશું અને તું મારાં હૃદયમાં ઉદ્દભવતાં ઉદ્દગારો સમજી લેજે એથી વિશેષ કંઈ જ નહીં. તારા ખભે મને માથું મૂકવા તો દઈશ ને! કારણ હું ખૂબ થાકી ગઈ છું, હાંફી ગઈ છું. તારો હેન્કરચીફ તો આપીશ ને મારાં આંસુ લૂછવા માટે! આમ તો, મારી ઈચ્છા છે કે તારી હથેળીની સુંવાળપથી તું મારાં આસું લૂછે. સાચ્ચે કહું હું બહુ જ થાકી ગઈ છું છતાં હારતી નથી તેં આપેલ જીંદગી શિરોમાન્ય છે અને જ્યાં સુધી તું શ્વાસ પુરતો રહીશ ત્યાં સુધી હું જીંદગી નિભાવતી રહીશ. કારણ, હું તારી બહુ વ્હાલી હોઈશ તો જ તેં મને માનવજીવન આપ્યું હશે. હું સમજું છું માનવજીવન મહામૂલું છે. આ સુંદર જીવન મને પણ ખૂબ ગમે છે પણ એ મહાલવાનો લ્હાવો પણ તારે જ આપવો પડશે ને! મારાં અસ્ત સુધી વ્યસ્ત રહું, મસ્ત રહું અને જબરદસ્ત રહું એવી શક્તિ આપજે પ્લીઝ. એટલો તો મારો હક્ક બને જ છે ને!!!

લિખિતંગ

લાગણીનાં અદૈત વર્ષા સાથે તારી માત્ર તારી