Banashaiya - 3 books and stories free download online pdf in Gujarati

બાણશૈયા - 3

પ્રકરણઃ ૩

સંભવામિ સમયે સમયે

આમ તો, આ અગાઉ પણ નાની-મોટી સામાન્ય કહી શકાય એવી ૧૩ સર્જરીસ થઈ ચૂકી હતી. પરંતુ, છેલ્લા દશ મહિનામાં ખૂબ ગંભીર, ગૂંચવાડાભરી ડોકટર્સટીમનાં દાંત ખાટાં કરી નાખનાર મલ્ટીપલ્સ સોળ સર્જરીસ થઈ. ફક્ત દશ જ મહિનામાં આટ-આટલી પીડા, વેદના, વિટબણાંઓ જીરવતાં કોણ શીખવી ગયું!? જયારે વેન્ટીલેટર પણ જવાબ આપી રહ્યું હતું એવા એક નહિં, બે નહિં, ત્રણ-ત્રણ વખત મારાં ફેફસામાં ફૂંક કોણ ભરી ગયું!? કર્ણપટલ પર મૃત્યુની ઘંટડી વાગી રહી હતી ત્યારે સુમુધુર વાંસળી કોણ વગાડી ગયું!? મારી અધૂરી રહી ગયેલ વાર્તાના છેડાને બીજો છેડો બાંધી કોણ લંબાવી ગયું!? બંને પગોમાં એક્સટર્નલ ફિક્સેટર્સ હાડકામાં અંદર સુધી બેસાડ્યા હતાં. જાણે અનેક બાણો હાડકામાં ઘુસી પીડા આપી રહ્યા હતાં. ત્યારે એ બાણશય્યા પર ફૂલશૈયા કોણ બિછાવી ગયું!? જ્યારે મારાં શ્વાસો બ્લેક એન્ડ વ્હાઈટ થઈ રહ્યા હતા ત્યારે સુગંધિત ફૂલોની રંગોળી કોણ પૂરી ગયું!? રંગહીન થયેલ મારાં જીવનઆકાશમાં મેઘધનુષનાં રંગો કોણ પૂરી ગયું!? જ્યારે મારી તસ્વીર ફ્રેમ બની જાય એ પરિસ્થિતિ નિર્માણ પામી ત્યારે મારી હૃદયની ફ્રેમમાં પ્રાણ કોણ ભરી ગયું!? મારો અવાજ રૂંધાય ગયો હતો સ્વરપેટીએ તાળું વસાઈ ગયું હતું ત્યારે મારા સ્વરમાં ટહૂકો કોણ મૂકી ગયું!? મારા હૃદયનાં કમાડ બંધ થઈ રહ્યા હતા ત્યારે મારા હૃદય બારસાખે લીલાછમ્મ આસોપાલવ કોણ બાંધી ગયું!? મારા ઉરનાં ઉંબરે શ્રી૧| અને શુભ-લાભ કોણ લખી ગયું!? હું જમીનને અડી પણ ન શકું એ સમયે મને કોણે ઉંચકી લીધી!? સમયે સમયે ત્રીસ-ત્રીસ યુનિટ્સ બ્લડ કોણ ચડાવી ગયું!? આખા શરીરે વીંછીનાં ડંખ ભોંકાતા હતાં. અગ્નિપથ પર મારું શરીર ધગધગ તપતું હતું. અસહ્ય પીડા સેહવાતી ન હતી. જીવવાનો મોહ રહ્યો ન હતો. આમ છતાં, બધું પરિચિત છોડી અપરિચિત દુનિયામાં જવાની ભીતિ ડરાવી રહી હતી. બ્રહ્માંડ સુંદર છે. ભગવાનની પ્રિય રચના છે એ જાણતી હોવા છતાં અજ્ઞાતવાસનાં પ્રવાસે નીકળી જવાનો ભય લાગતો હતો. હાંફતાં હરણની જેમ મારાં શ્વાસ હાંફતાં હતાં ત્યારે એ શ્વાસમાં વિશ્વાસ કોણ પૂરી ગયું!? હૈયું બળીને ખાખ થઈ રહ્યું હતું ત્યારે હૈયામાં હામ અને જીગરમાં જોમ કોણ ભરી ગયું!? ફૂલ જેવાં કોમળ મારાં હૈયાને લોખંડી બખતર કોણ પહેરાવી ગયું!? ફફડતાં પારેવાં જેવાં મારા ધબકારાને સુંવાળો સ્પર્શ અને ચુંબન કોણ કરી ગયું!? મારામાં ઠસોઠસ શ્રધ્ધા અને સબુરી કોણ ભરી ગયું!?

અને, આ બધા જ પ્રશ્નોનો એક માત્ર ઉત્તર છે મારા અંતરમાં બેઠેલ ઈશ્વર. હર ક્ષણ, હર પલ, ક્ષણનાં સો માં ભાગમાં પણ એ મારી સાથે હાજરાહજૂર રહ્યો. મને એની આંગળીથી ક્યારેય વિખૂટી નથી થવા દીધી. એની આંગળીમાં મારી આંગળીને પરોવીને રાખી. એનાં હૈયાનાં પાલવથી મને હૂંફ આપતો રહ્યો મને સાચવતો રહ્યો.

જ્યારે જ્યારે આપદા આવી પડતી ત્યારે ત્યારે એ કોઇપણ સ્વરૂપે હાજર રહ્યો અને એ આપદાને અવસરમાં ફેરવી લેતો. પછી એ રાજસ્થાનનું અસુવિધાભર્યું કેકરી નામે નાનકડું ગામડું પણ કેમ ન હોય. મારાં ઈશ્વરે ચંદ્રમોહનજીના રૂપે એનાં પ્રતિનિધિને મોકલ્યા. જેમણે પ્રાઈમરી ટ્રીટમેન્ટ જહેમત કરીને અપાવી અને અજમેર પહોંચવા સુધીની સુવિધા કરી આપી. હું જે-તે સ્થળે કે હોસ્પિટલમાં પહોંચું ત્યાં મારો ઈશ્વર કોઈને કોઈ એનાં પ્રતિનિધિને મારાં પહેલાં જ હાજર કરી દેતો હતો. અજમેરમાં અરુંધતી અને એનાં મમ્મી-પપ્પા શ્રી મધુસુદનજી અને એમનું ફેમિલી ઈશ્વર સ્વરૂપે આસપાસ રહ્યા. અચાનક બ્લડની જરૂર પડી ત્યારે હોસ્પિટલનાં અજાણ્યા વોર્ડબોયે હોસ્પિટલનાં નિયમ તોડીને તાત્કાલિક બ્લડ આપ્યું. જ્યારે બધાં જ ડોકટર્સ ડિસિશન લઈ શકતા ન હતા એવી આકરી પરિસ્થિતિમાં ઠેઠ મેંગ્લોરથી ડૉ. એડવર્ડ ઓનલાઈન રહી સતત મેડિકલ એડવાઈઝ આપતાં રહ્યાં. તો આ પણ શું એ હજાર હાથવાળાનો ચમત્કાર નથી!!!

અજમેરથી વડોદરા સુધીનાં વિપત્તિકાળ દરમ્યાન ડોકટર દીકરી-જમાઈનાં સ્વરૂપે એ મારી સાથે એમ્બ્યુલન્સમાં રહ્યો અને જાણે પ્રવાસે નીકળ્યાં હોય એટલી સહજતાથી મારો કપરો પંથ ગીતો ગાતાં-ગાતાં પસાર કરાવ્યો. તેર-તેર કલાકની ICU એમ્બ્યુલન્સની જર્નીમાં વિકટ સમસ્યા હતી. આ સમયે મને એમનાં દર્શન કરવાની અદમ્ય ઈચ્છા થતી. અસહ્ય પીડા અને ફફડતાં હૈયે હચમચી જતી ત્યારે એ ક્યારેક રતૂમડાં આકાશ સ્વરૂપે તો ક્યારેક ભૂરા નદીનાં પાણી સ્વરૂપે તો ક્યારેક લીલાછમ વૃક્ષો સ્વરૂપે મને દર્શન આપતો. એ મારી સાથે જ છે એવી ભ્રાંતિ કરાવતો અને હું શાતા અનુભવતી હતી.

જ્યારે રેકટલ પરફોરેશન ડાયગ્નોસીસ થયું જે ખૂબ જ રેર કેસમાં જોવા મળતું હોય, ડોક્ટર્સનાં દાંત ખાટાં થઈ રહ્યા હતા. ત્યારે, અડધી રાતે પારૂલ યુનિવર્સિટીમાંથી ડૉ. ચિરાગ પરીખનાં સ્વાંગમાં મારો કૃષ્ણ આવી પહોંચ્યો. અને, એમનાં અનુભવનાં નિચોડ અને કુશળતા રૂપી દિવ્યાસ્ત્ર વડે મારું રક્ષણ કર્યું. પાંચ-પાંચ પ્રકારનાં બેક્ટેરિયા અને એક ફંગશ એકીસાથે મારાં લોહી પર હુમલો કર્યો આખાં શરીરમાં ઇન્ફેકશન્સ ફેલાય ચૂક્યા હતા. ક્યાંય પણ કોઈ આશાનું કિરણ જડતું ન હતું. ત્યારે મારો ઈશ્વર બ્રહ્માસ્ત્ર લઈને ડૉ. દિવ્યેશ પટેલનાં સ્વાંગમાં આવ્યો. અને, મહામહેનતે મને મુક્ત કરી. એ સમયે તો ખુદ ઈશ્વર પણ હાંફી ગયો હશે. પણ, એણે સાથ આપવાનું છોડ્યું ન હતું કે મને એકલી પણ છોડી દીધી ન હતી. જ્યારે ડાબા પગનાં હાડકાં સુધી ઇન્ફેકશન પ્હોંચી ગયું ત્યારે ફરી મારો ઈશ્વર સુદર્શનચક્ર લઈ ડૉ. દર્શન સુથાર અને ડૉ. એચ.પી. સિંઘ સ્વરૂપે મારી સાથે મારા શરીરરૂપી યુદ્ધમેદાનમાં હાજર થઈ ગયો.

જ્યારે મારાં શરીરરૂપી યુદ્ધમેદાનમાં શંખ ફૂંકાય ચૂક્યો હતો. ઈન્ટેનસિવિસ્ટ ડોક્ટરે જયારે જણાવી દીધું કે હવે દુનિયાનાં કોઈપણ ખૂણામાં લઈ જાઓ. ભલે, ડેનમાર્ક, સ્વીડન, કેનેડા, અમેરિકા લઈ જશો તો પણ કોઈ ટ્રીટમેન્ટ બાકી નથી રહી. કોઈ જ મેડિસીન્સ કામ કરતી ન હતી. ત્યારે, હજી દશ દિવસ પહેલાં જ શોધાયેલ ‘અરબેકાસીન’ નામની એન્ટીબાયોટીક એકમાત્ર ગુગલ પરથી મળી. જે મને આપવા માટે ડોક્ટર્સને આત્મવિશ્વાસ પણ ન હતો. એમણે હજી એનો પ્રયોગ અને પરિણામ જોયા ન હતા. એમને ડર હતો આ એન્ટીબાયોટીક આપવાથી કોઈપણ અંગ નિષ્ફળ જઈ શકે. ત્યારે મારા ઈશ્વરે ઇન્દ્રાસ્ત્ર સ્વરૂપ ‘અરબેકાસીન’ થકી મારામાં પ્રાણ ફૂંક્યા. અતિ પીડા, અતિ વેદનાથી હું થાકી જતી, હાંફી જતી, ભયભીત થઈ જતી અને ચીસ પાડી ઉઠતી. ત્યારે માત્ર દોઢથી બે મિનિટમાં ડૉ. દિવ્યેશ મારી સમક્ષ હાજર થઈ જતા સાથે આખો મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફ જાણે ‘નારાયણી સેના’ સ્વરૂપે મારી સુશ્રુષામાં જોડાય જતા. ડૉકટર્સ એમની ઓફ ડ્યુટીમાં પણ મારા માટે રાઉન્ડ પર આવતા. ઘણીવાર એમનાં ફેમિલી સાથે પણ મળવા આવતા હતા. આ પણ તો ઈશ્વરની મારા પ્રત્યેની અદૈત લાગણીની વર્ષા છે ને! શું તો આ બધું ઈશ્વરનો સાક્ષાત્કાર જ હતો ને!

હું આખી રાત ભયભીત રહેતી. સવાર-સવારમાં કાનુ દોડતી-ભાગતી મારી પાસે આવી પહોંચતી એ જ્યારે જ્યારે આવે ત્યારે મને સાક્ષાત ક્રિષ્ના આવવાની અનુભૂતિ થતી. હું મારી જાતને સુરક્ષિત સમજતી, મહેફૂસ સમજતી. હું એવું ઈચ્છતી બસ! એ મારી પાસે બેસી જ રહે. એ ખૂબ વાતો કરે. હું બસ, સાંભળતી જ રહું-સાંભળતી જ રહું. એની વાતોથી મને વૃંદાવનમાં કાન્હાની વાંસળી સાંભળવા જેવો આહલાદક આનંદ મળતો. પર્જન્યની આંખો તો જાણે કોઈ અદશ્ય શસ્ત્ર ચલાવી મારી બધી પીડા હરી લેતો હોય એવો અનેકવાર અનુભવ કરતી હતી. તો શું આ ઈશ્વરીય સાક્ષાત્કાર જ હતા ને! હેમંત મારા માથા પર હાથ ફેરવતાં ત્યારે એમનાં હવનકુંડમાંના હૃદય અશ્રુઓથી મારી બધી જ પીડા અને વેદના ભસ્મીભૂત થઈ જતી. આ બધી ઘટનાઓની ઘટમાળ વચ્ચે ઘટાદાર વ્હાલનાં વૃક્ષો ઉગવાની ઘટનાઓ પણ તો ઈશ્વરીય ઈચ્છાશક્તિ થકી સંચિત થતાં આશીર્વાદ અને આશ્કાઓ હતાં. જાણે ખુદ ઈશ્વર મારી બધી પીડા હણી લેતો એવો વારંવાર અનુભવ થયો છે. આ બધી ઈશ્વરની જ અપાર લીલા હતી.

મારી કાળજી રાખવા બે કેર-ટેકર હોવા, ઘરને સાચવવા માટે કામવાળા બહેન અને રસોઈવાળા બહેન આ બધું સરળતાથી મળી રહેવું અને ગોઠવણ પણ થઈ જવું વળી,પૂરાં દિલોદિમાગથી લાગણીસભર કાળજી રાખવી અને સેવા સુશ્રુષા કરવી એ પણ તો ઈશ્વરની જ સુંદર વ્યવસ્થા હતી.

ઘડિયાળનાં દર એક-એક ટક્-ટક્ ટકોરાંની સાથે હું જ્યારે વિહવળ થઈ જતી, મારું ગભરું દિલ ફડફડ થતું, હું ભયનાં ઓથારમાં ભડકે બળતી ત્યારે અચાનક કોઈપણ સગાં-સંબંધી કે મિત્રોનો ફોન આવી જતો કે રૂબરૂ કોઇપણ આવી જતાં. અને હું ફરી સ્વસ્થ થઈ જતી. આ પણ ઈશ્વરની જ રહેમ હતી.

સોળ-સોળ સર્જરીસ જીવનનાં સટોસટ ખેલ ખેલી જતી એ કોઈ પૂર્વજન્મનાં કર્મનાં ફળ હશે કે નહિં એ માટે મને ક્યારેય ઈશ્વર પર શંકા નથી ગઈ કે ક્યારેય ફરિયાદ, ગુસ્સો જેવું કશું જ થયું નથી. પરંતુ દર મુસીબતમાં ‘પાણી પહેલાં પાળ બાંધી દેવાની’ એની નીતિને કોટી-કોટી વંદન કરવા જ રહ્યા. દર મુશ્કેલીનાં સમયે, એ સમય પહેલાં કોઈને કોઈ સ્વરૂપે હાજર જ રહેતો. દરેક સર્જરીસ વખતે ડોકટર્સ ઓળખીતાં જ હતા. જેનાથી એક અદશ્ય સાથ, સહકાર, હૂંફ મળી રહેતાં, અને દર વખતે હૈયેથી શબ્દો સરી પડતાં “લે ઈશ્વર! તું ફરી મારી પાસે આવી ગયો. હું તારી બહુ વ્હાલી છું ને!” અને મુખમંડળ પર એક આછેરું સ્મિત રેલાય જતું. ચિંતા અને ભયનાં કાળાડિબાંગ વાદળો વિખેરાય જતા.

અમુકવાર એવું પણ બન્યું પ્લાન્ડ સર્જરી કોઈક કોમ્પ્લીકેશન અથવા ઓ.ટી.માં જગ્યા ન મળવાને કારણે પાછળ ધકેલાતી. અને, ખરેખર એ દિવસોમાં મને ઈન્ફેક્શન થયા જ હોય, હાઈગ્રેડ ફિવર આવ્યો જ હોય જો સર્જરી થઈ હોત તો મહામુસીબતમાં મૂકાય ગઈ હોત. પણ, જાણે મારો ઈશ્વર કોઈ ગ્રહણ સર્જી એ દિવસોમાં સર્જરી મોકૂફ કરી દેતો. આમ, આવા અનેક એનાં સાક્ષાત્કાર થયા છે.

જયારે જ્યારે મારા શરીરરથનો આત્મારૂપી રથી અર્જુન ધ્રુજી જતો. જીવનનાં શસ્ત્રો હેઠા મૂકાય જતા ત્યારે ત્યારે મારા જીવનરથ, શરીરરથનાં સારથી એવાં ઈશ્વરે ઈશ્વરીયપૂર્વક મારો રથ હંકારી લીધો.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED