ઉગે છે સુરખી ભરી રવિ મૃદુ, હેમંતનો પૂર્વમાં;
ભુરું છે નભ; સ્વચ્છ સ્વચ્છ, દીસતી નથી એકે વાદળી.
( કલાપી- ગ્રામમાતા )
ઈશ્વર છે કે નહીં ! એ તો હજુ પણ વણઉકેલાયેલો જ પ્રશ્ન છે પણ કોઈ તો એવી દૈવીશક્તિ છે જે આ સૃષ્ટિને રોજ નવા કપડાં પહેરાવીને ઊભી કરે છે. ડૂબેલા સૂર્ય સાથે ડૂબેલો આત્મવિશ્વાસ સવાર થતા આમ જ થોડો તાજો થઈ જતો હશે ? આવી જ એક સવાર સેજકપરમાં થઈ હતી. સુવર્ણમયી લાલ ગુલાબી કેસરી રંગોથી હેમંતની પૂર્વ દિશા સુશોભિત બની હતી. ધુમ્મસની વચ્ચેથી આવતા સોનેરી સૂરજના કિરણો જાણે સાત ઘોડલાના રથ પર સવાર થઈને ધરતીની શોભા વધારી રહ્યા હતા. પંખીઓના કર્ણપ્રિય સ્વરોથી કોઈ કોમલાંગીની જેમ વેલીઓ આળસ મરડીને જાગી રહી હતી. ઠરીને ઠાવકાં બનેલા ઝાડવાં પર કૂણો તડકો લાડ કરી રહ્યો હતો. રતુમડાં ભરાવદાર ગાલવાળા બાળકના હાસ્ય જેવા ફૂલોની ખિલવાની શરૂઆત પણ થઈ ગઈ હતી. અભિસારિકાના નયણોનું કાજળ ધોઈને ટપકતાં મોતીની જેમ ધરતીની લીલોતરી પર ઝાકળના બિંદુ ચમકી રહ્યા હતા. ભજનના મધૂર સ્વર સાથે બળદોની ગળાની ટોકરીઓના સૂર ક્યાંક તાલ મિલાવી ધૂળની ધુમ્રસેરો નચાવતા ખેતરો તરફ વહી રહ્યા હતા. તો ક્યાંક કૂવા પર કિચૂડ કિચૂડ કરતા નાદમાં ટાઢમાં ધ્રૂજતી પનિહારીઓ સવારની શિતળ સુંદરતાને વધુ સુંદર બનાવતી હતી. મહિયારીઓના વલોણાં સાથે ક્યાંક પ્રભાતિયાં હ્રદય સોંસરવાં ઉતરીને ભાવાવેશમાં તરબોળ કરી રહ્યા હતા. રાતની જામેલી ઠંડીને વહેતી કરતા હોય એમ દૂર વગડેથી કોઈ ખેડૂના દૂહા શબ્દોમાં હૈયું પરોવીને મનના રાગ વહાવતા હતા. આટલી સુંદર સવાર કોઈ નવોઢાને કાળી નાગણના ડંખ જેવી લાગી ઝેરી લાગી. તો વળી આખી રાત ફાટેલું તૂટેલું ઓઢીને બેઠેલા કોઈ ભિખારીને આ સવાર મીઠી મધ જેવી લાગી હતી. આવા હરેક હૈયાના જુદા જુદા ભાવ સાથે સેજકપરની સોહામણી સવાર ઊગી ગઈ હતી. આવી સવારમાં સેજકપરના મોંઘા મનનો માનવી હમીરભા પોતાની રોજિંદીક્રિયા સમય પહેલા જ પુરી કરવા મથામણ કરતો હતો.
હમીરભા શિરામણ કરીને પોતાની મોજડી પહેરીને બોલતા હતા.
" દેવલની બા ! હું ભીખુને હાકરવા જવ સુ. તું કંકુની થાળી તૈયાર રાખજે. "
" એ હા ! " સેજલબાએ ટૂંકો જવાબ વાળી દીધો. આટલો પ્રત્યુત્તર સાંભળીને હમીરભા ઘરની બહાર નિકળી ગયા. હમીરભાના મનની ઉતાવળ મંદિરે દર્શન કરતી વખતે પણ દેખાતી હતી. જેની બધી ઇન્દ્રિયો કાબુમાં છે એવા માણસનું મન આજે બેકાબુ બન્યું હતું. મગજમાં આવતા વિચારો એમને આવતી કાલની સાંજના જ દર્શન કરાવતા હતા. ' કાલે સાંજે તો દેવલ ઘેર આવી ગઈ હશે ' આ એક વિચાર એમને મંદિરમાં ઠાકોરજીની મૂર્તિના શણગાર પણ નો'તો જોવા દેતો. સામે મળતા હરેક માણસની દશા જોતી નજર આજે બધું ભાળવા છતાં આંધળી લાગતી હતી. જે જીભનો 'રામકારો' ત્રણ શેરીઓમાં સંભળાતો હતો એ જીભ આજે એકદમ ધીમી ઉપડતી હતી. ઉતાવળા ડગલા અને મોંઢાની મોળપ બે વિસંગતતા ગામલોકોને ઘણું બધું કહી રહી હતી. આ કાં તો એક દિકરી પ્રત્યે બાપનો પ્રેમ હતો કે પછી ઘરના મોભી તરીકે વ્યવહારિક બોજ હતો.
પવનવેગે ભીખુભાના ઘર તરફ જતા હમીરભા કામે જતા નાના માણસ જેવા લાગતા હતા. એ જેવા ભીખુભાના ઘરની ડેલીમાંથી ફળિયામાં દાખલ થયા અને જોયું તો આશ્ચર્યનો પાર ના રહ્યો. આળસે જેનું શરીર ખડકવામાં મદદ કરી છે એવો આળસુ માણસ દિવસ ઉગતાં પહેલા જ તૈયાર હતો. રંગબેરંગી આંટીયાળી પાઘડી, નવા નકોર કોરા સફેદ કપડાં પર કાળો કબજો, જેમાં બે મહિનાનું બાળક સુઈ રહે એવી નવી મરૂણ મોજડી પહેરીને ભીખુભા તો બગી તૈયાર કરી રહ્યા હતા.
" મારો સૂર્યવંશી ભઈ તો બવ વે'લો જાગી જ્યો ! "
" આવ વા'લા આવ ! કાં ભઈ ! મારી છોડીને મારે તેડવા નથી જવાનું ? "
" ના ! તારે જ જવાનું સે. તારા સિવાય આ ગામમાં બીજું મારુ સે કોણ ! " હમીરભાના અવાજમાં એક નિઃશ્વાસ હતો. આજે એમને પોતાનો કોઈ ભાઈ કે સગો વહાલો ના હોવાની ખોટ દેખાતી હતી.
" જો તું આવું નો બોલીશ. આખું ગામ તારું સે. અને હું લટકાનો વધારાનો. તને શું ઘટ સે મને કે' હું પૂરી કરી દઈશ. "
" એવું નથી ભીખુ, પણ મારો અજમલ પાંચ-છ વરસનો હોત તોય તારી હારે મોકલેત. મારી દેવલને ઇમ થાત કે મારો ભઈ મને તેડવા આયો. પણ ખેર ઉપરવાળાએ ઇમાંય મોડું કર્યું. બાકી રહી વાત તારી તો તું તો ભીખુ, જમ રાવણને નાભિમાં અમરતનો કુપો હતો ઇમ જ તું મારા હૃદયનો કુપો સુ. "
" બસ છોડી રાવણ કે' અને તું ઇ રાવણનો કુપો કે' બાકી આ ભીખુની હારામાં તો ગણતરી થાય જ નઈ કાં ?! " હમીરભાનો ચહેરો આ વાત પર પાછો ખીલી ઉઠ્યો. વાતાવરણ બદલાયું એટલે વાતોનો રંગ પણ બદલાયો.
" ચમ ભઈ તારા જેવો ઊંઘનો એદી માણસ આટલો વે'લો જાગી જાય ઇ હારું નો કે'વાય. ભઈ! આ ધરતી રસાતળ જાશે. થોડો મોડો જાગતો જા ! " હમીરભાએ ટીખળ ચાલુ કરી દીધા.
" હમીર, 'મારો રાવણ જેવો કાકો રોતા ભૂંડો લાગે હો !' આ શબ્દો મેં આજ સપનામાં પાછા હાંભળ્યા. હવે તો દેવલને જોવાની મને તારા કરતા વધુ તાલાવેલી સે. ઘરે લાવીને હું ઈને મારું તો તું ના નો પાડતો. મને ન્યા રાવણ કીધો લે ! "
" હું તો ના નઈ પાડું પણ ઇ મારે તો મારી પાંહે નૉ આવતો. હાલ હવે તારું કામ પુરું થયું હોય તો.... ઘેર દેવલની બા રાહ જોતી હશે. બધી વિધિ કરીને ઝટ નિકળ અટલે હટ પાસો આવ. "
" અલ્યા ભઈ ! હું ગમે એટલો વે'લો જવ પણ હું પાસો તો કાલ હાંજે જ આવવાનો સુ. " હમીરભાની વાત સાંભળીને ભીખુભાએ પણ મશ્કરી ચાલુ કરી દીધી. " તું ઘરે પહોંચ ત્યાં હું બગી લઈને આવું છું. " હમીરભા ભીખુભાના ખભે હાથ મૂકી ઘર તરફ આવવા નીકળી ગયા.
ઘર તરફ પાછા ફરતા હમીરભાની મોટી ડાંફો સાથે ઉતાવળ તો યથાવત જ હતી. એમનું મન પણ એમની આ વ્યર્થ મહેનતને ઓળખતું હતું. પણ તોય એક બાપનું હૈયું હાથમાં નો'તું રહેતું. ઘેર પહોંચ્યા ત્યાં તો સેજલબાએ ચા બનાવી રાખ્યો હતો.
" ભઈ નૉ આયા ? "
" આવે સે ઇ બગી લઈને નીકળતો જ 'તો. " હજુ આ વાર્તાલાપ પૂરો નો'તો થયો અને હમીરભા અજમલને તેડવા ગયા ત્યાં તો ભીખુભાની બગીના ઘૂઘરાનો અવાજ આવ્યો. થોડીવારમાં તો બગી ડેલી આગળ બાંધી ભીખુભા ફળિયામાં દાખલ થયા. ચા પી લીધા પછી ભીખુભાને અને બહાર બાંધેલ ઘોડીને ચાંદલો કરીને સેજલબા ઘરમાં પાછા ફર્યા. અને નિર્વિઘ્ને પાછા દેવલને તેડીને આવે એવા આશિષ આપ્યા. ભીખુભા નીકળ્યા ત્યાં સુધી હમીરભા ભલામણ કરતા રહ્યા " ઝટ આવજે મારા ભઈ. હું દેવલના હાલ નહિ પુસુ ત્યાં હુધી મારા મનને ટાઢક નઇ વળે. " આ વાત એ ભીખુભાને પાંચ વખત કહી ચુક્યા હતા.
હથિયાર-પડીયારથી સજ્જ થયેલો એ માણસ બગીમાં એકલો સુલતાનપુર જવા રવાના થઈ ગયો. ગાજતા ઘોડાના ડાબલા એ પાકટ માણસની ઉંમરને જુવાની તરફ લઈ જતા હતા. ' પગનું જોર, બાળુકા હાથ, દાઢી, મૂછ અને વાળની કાળપ આ બધું મળીને જુવાનીને કેવી બેફાટ બનાવી દે છે ??!! જો જુવાની જ ના હોત તો જીવનના ઘણા બધા કંકાશ ઓછા થઈ ગયા હોત ! ગુસ્સા સાથે લીધેલા અમુક નિર્ણય જીવનભર વસવસો રાખી દે છે ! ' આવા અનેક વિચાર સાથે શંકરો આજે દશ વર્ષ પછી ફરી યાદ આવ્યો. એ જામૈયાથી ઊંચો કરેલો શંકરો અચાનક દેખાવા લાગ્યો. વર્ષો પહેલા ઝમકુ માટે શંકરાનો જીવ લીધો હતો. એ જ શંકરો આજે ભૂત થઈને દેવલનો સંસાર તો નહીં બગાડતો હોય ... ને. આ વિચારે ભીખુભાને ધ્રૂજવી દીધા. 'પોતાની વધેલી ફાટ્યની સજા દેવલને ના મળતી હોય તો સારું !' આ છેલ્લા વિચારે ઘોડા પર દાઝ કાઢી. જોરથી ચાબુક મારીને બગીની ઝડપ વધારવાની કોશિશ કરી. ભીખુભા પણ વિચારોના વેગ સાથે બગી જલ્દી સુલતાનપુર પુગાડવા માટે મથતા રસ્તો કાપીએ જતા હતા.
બીજી બાજુ સેજકપરની જેમ સુલતાનપુર પણ આળસ મરડીને બેઠું થતું હતું. પણ આજે એ ગામની ચમક અનેરી હતી. સાસરિયાના દુઃખમાં જીવતી ઘણી બધી વહુવારુંમાં દેવલ આજે ખુશ હતી. એને પહેલીવાર ઉગતો દિવસ ગમ્યો હતો. અને એ સાંજ પડવાની રાહ જોતી હતી. એક અઠવાડિયાના અંતે આજે એ દિવસ આવી ગયો હતો જે એને પગ પાછા કરવા જવા માટે લગ્ન સમયે જ કહ્યો હતો. એ સમયે સંદેશાવ્યવહાર ઓછો હોવાથી લગ્નના દિવસે જ નક્કી થઈ જતું કે પહેલીવાર ક્યારે તેડવા જવાનું છે.
સવારથી જાગેલી દેવલે બધું કામ પૂરું કરીને પાણી ભરવાનું ચાલુ કરી દીધું. દશ વાગતા તો એ કામ પણ પૂરું થઈ ગયું. દેવલને તો જાણે આજે એક સાથે દશ દિવસનું કામ કરવું હોય એવો ઉત્સાહ હતો. પિયર જવાનો હરખ કોને ના હોય ?
" બાઈજી ! હવે કશું કામ સે ? " થોડી નવરી થયેલી દેવલ કાશીબા પાસે પહોંચી ગઈ.
" ના બેટા ! કશું કામ નથી. તમે થોડીવાર આરામ કરો. " કોઈ દિવસ ના બોલેલા શબ્દો આજે કાશીબા બોલતા હતા. પણ એમના શબ્દોમાં કદાચ કશું તો કપટ હતું જ; જમાનાના બધા અનુભવોને ઘોળીને પી જનારા કાશીબા જાણતા હતા કે એક સ્ત્રીને રિઝવવી બહુ સહેલી છે. એમને વિશ્વાસ હતો કે એમના થોડા મીઠા શબ્દો અઠવાડિયાની કડવાશને મીઠી કરી દેશે. એ પણ કદાચ સમાજ અને હમીરભાના સ્વભાવથી ડરતા હતા. આવા વેણ કાશીબાના મોંઢેથી સાંભળીને દેવલ થોડીવાર માટે તો રાજીના રેડ થઈ ગઈ પણ પછી એના મને પણ સ્થિરતા સાધી લીધી. કારણ કે એ પણ એક હોંશિયાર મા-બાપની દીકરી હતી. એને ખ્યાલ આવી ગયો કે કાશીબા એને જૂની વાતો સેજકપરમાં ના કરે એના માટે જ ટાઢા ઢોળી રહ્યા છે.
" તો હું ઓરડામાં જાવ ? "
" હા બેટા, ખુશીથી જાવ પણ જમવાનું બનાવવાનું થાય તારે આવી જજો. આજ વે'લા ખઈ લેવી. અટલે તમને થોડો આરામ મળે. હાંજે તો વધુ બનાવવું પડશે. તમારા પિયરીયા કોઈ આવશે અટલે; કામ ઝાઝુ હશે. તો થોડો સમય શરીર આરામ કરી લે ... ને હાંજના કામમાં કંટાળો નો આવે. "
" જી, બાઈજી " આટલું બોલી દેવલ તો ઓરડામાં જતી રહી.
ક્રમશઃ .............
લેખક: અરવિંદ ગોહિલ