ગીતાભ્યાસ - 2 Denish Jani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ગીતાભ્યાસ - 2

ગીતાભ્યાસ

અધ્યાય 1 અર્જુનવિષાદ યોગ

શ્લોક 2-3

સંજય કહે છે: હે રાજન, તે સમયે રાજા દુર્યોધન વ્યૂહરચનાથી ગોઠવાયેલી પાંડવોની સેનાને જોઈને દ્રોણાચાર્ય પાસે જઈને આ પ્રમાણે વચન કહેવા લાગ્યા, "હે આચાર્ય! દ્રુપદ ના પુત્ર અને આપના બુદ્ધિમાન શિષ્ય ધૃષ્ટધુમ્ન દ્વારા વ્યૂહરચનામાં ગોઠવાયેલી પાંડુપુત્રોની આ વિશાળ સેનાને આપ જુઓ."

અહીં શ્લોક 2 અને 3 સાથે સમજવાથી વધુ શરળતા થી સમજાય તેમ છે. સંજય આ શ્લોકમાં દુર્યોધન ને રાજા કહીને સંબોધે છે પરંતુ હકીકત માં દુર્યોધનનો તો ક્યારે પણ રાજ્યાભિષેક થયો જ નથી. હસ્તિનાપુરના રાજા યુદ્ધ પહેલા અને પછી પણ દુર્યોધન ના પિતા ધૃતરાષ્ટ જ રહ્યા છે. ઘણા વિદ્વાનોનું માનવું છે કે ધૃતરાષ્ટ્ર દુર્યોધનને રાજા બનાવવા ઇચ્છતા હતા તેથી કદાચ તેમને હર્ષ ઉપજાવવા દુર્યોધનને રાજા કહી ને સંબોધ્યા હોય. જયારે ગીતાના આગળના શ્લોકોમાં સંજયનું વ્યક્તિત્વ એક સત્ય અને સ્પષ્ટ વક્તા તરીકે ઉભરતું જોવા મળે છે, કોઈને હર્ષ ઉપજાવવા માટે સંજય પ્રયત્ન કરે તેવું સંજયનું વ્યક્તિત્વ નથી એવું જણાય છે. સંજયનું દુર્યોધન ને રાજા કહેવા પાછળનું કારણ કદાચ જે રીતે દુર્યોધને દ્રોણચાર્ય પાસે જઈને ચતુરતા પૂર્વક રજુઆત કરી અને તેની રાજકારણની બુદ્ધિનો પરિચય આપ્યો તે હોઈ શકે.

આ શ્લોક માં દુર્યોધન ખુબજ ચતુર રાજકારણ અને વાદ કળાનો નો પરિચય કરાવે છે. જે સમજવા માટે આપણે આ શ્લોકમાં સંબોધન કરેલા નામો વચ્ચે જે સંબંધો છે અને દુર્યોધનનું તે નામો ઉલ્લેખવાનું તાતપર્ય સમજવું પડશે. દ્રોણાચાર્ય પાંડવો અને કૌરવો બંને ના ગુરુ હતા. કુરુક્ષેત્રના આ યુદ્ધમાં દ્રોણચાર્ય કૌરવ પક્ષે મુખ્ય સેનાપતિ તરીકે નિમણુંક હતા. દુર્યોધન પાંડવોની વિશાળ સેનાને જોઈને દ્રોણાચાર્ય પાસે જઈને જે વચનો કહે છે તેનું જો વિશ્લેષણ કરવામાં આવે તો ખુબજ રસપ્રદ બાબતો સામે આવે છે.

દુર્યોધન આ શ્લોક માં દ્રોણાચાર્યને પાંડુપુત્રોની સેનાનું વર્ણન કરતા કહે છે કે "આપના બુદ્ધિમાન શિષ્ય અને દ્રુપદ પુત્ર ઘૃષ્ટદુમ્ન દ્વારા ગોઠવાયેલી આ વિશાળ પાંડુપુત્રોની સેનાને જુઓ". આટલા નાના સરળ જણાતા વાક્યમાં દુર્યોધન ઘણું કહી જાય છે. અહીં દુર્યોધન દ્રુપદ, ધૃષ્ટધુમ્ન અને શિષ્ય આ ત્રણ નામો પાર ખાસ ભાર મૂકે છે. જો દુર્યોધન ઈચ્છત તો માત્ર ધૃષ્ટધુમ્ન નું નામ લઇ અને તેના દ્વારા પંડપુત્રોની સેનાએ ગોઠવાયેલી છે એમ કહી શક્યો હોત પરંતુ દુર્યોધન એક જ વાક્ય પ્રયોગ કરી અને 3 ક્ષેત્રે પોતાની રાજકારણીય શક્તિનું પરિચય કરાવી જાય છે.

1) તમારા સાથીદારો નું કોઈપણ કાર્ય કરવા પાછળનું બળ સમજો અને તેને આધારે રજૂઆત કરો કે જેથી તેઓ તે કાર્ય પૂર્ણ કરવા માટે કોઈ કસર ન રહેવા દે.

દ્રુપદ અને દ્રોણાચાર્ય બંનેએ ભારદ્વાજ ઋષિના સાનિધ્યમાં સાથે અભ્યાસ કરેલો હોય છે. તે સમયે બન્ને ખુબજ ઘનિષ્ટ મિત્રો હોય છે. દ્રુપદ જયારે રાજા બનશે ત્યારે દ્રોણાચાર્યને પોતાનું અડધું રાજ્ય પણ સોંપશે તેવું વચન પણ આપેલું હોય છે. પરંતુ દ્રુપદ ના રાજા બન્યા બાદ સમય જતા મિત્રતા ભુલાતી જાય છે અને જયારે દ્રોણાચાર્ય દ્રુપદ પાસે વચનની યાદ અપાવવા જાય છે ત્યારે તેને અપમાનિત કરી અને કાઢી મુકવામાં આવે છે જે વાત દ્રોણાચાર્ય ક્યારે પણ ભૂલ્યા નથી. દ્રોણાચાર્ય પાંડવો પાસે ગુરુદક્ષિણામાં દ્રુપદને બંદી બનાવી લેવાનું કહે છે. પાંડવો યુદ્ધમાં દ્રુપદને હરાવી અને દ્રોણાચાર્યને ગુરુદક્ષિણા આપે છે અને દ્રોણાચાર્ય દ્રુપદનું અડધું રાજ્ય જપ્ત કરી અને તેને છોડી મૂકે છે. આ આઘાત સહન ન થતા દ્રુપદ પણ બદલાની ઈચ્છાથી એક યજ્ઞ કરે છે જેમાંથી ઘૃષ્ટદુમ્ન અને દ્રૌપદી જે દ્રોણાચાર્ય ના કાળ તરીકે દ્રુપદને પુત્ર અને પુત્રી તરીકે પ્રાપ્ત થાય છે. દુર્યોધનનું તાતપર્ય દ્રોણાચાર્યને દ્રુપદ સાથેની દુશ્મની યાદ કરવાનું હોઈ શકે કે જેથી દ્રોણાચાર્ય પાંડુપુત્રોની સેનાને હરાવવા માટે કોઈ જ કસર ન રહેવાદે.

2) તમારા વિરોધી નું તમારી સમક્ષ ઉભા રહેવાનું કારણ સમજો જેથી તમને વિરોધ પક્ષની તૈયારીઓ ની હદનું અનુમાન થાય.

દ્રુપદ અને ધૃષ્ટધુમ્ન બંને દ્રૌપદી સાથે સંકળાયેલા છે. દ્રૌપદીનું અપમાન આ યુદ્ધનું એક મુખ્ય કારણ પણ છે. દ્રૌપદિ નો જન્મ પણ તે જ યજ્ઞમાં થયો હતો જે યજ્ઞમાંથી ધૃષ્ટધુમ્ન પ્રગટ થયા હતા. ધૃષ્ટધુમ્ન યજ્ઞમાંથી પ્રથમ પ્રગટ થયેલા હોવાથી દ્રૌપદી ના મોટા ભાઈ હોય છે અને દ્રુપદ દ્રૌપદી ના પિતા. કુરુક્ષેત્રના યુદ્ધનું મુખ્ય કારણ દ્રૌપદી નું દુર્યોધન અને દુશાશને સભામાં કરેલું અપમાન કહી શકાય જેથી દુર્યોધન દ્રોણાચાર્યને ધૃષ્ટધુમ્ન ના અંતર માં બળી રહેલી તીવ્ર બદલાની ભાવનાથી પણ કદાચ અવગત કરાવવા માંગતા હોય. અને દુશ્મનના હૃદયમાં બળી રહેલી બદલાની ભાવના નો જો ખ્યાલ હોય તો એ અનુમાન કરવામાં મદદ મળે કે દુશ્મને કઈ હદ સુધી તૈયારી કરી હશે.

3) તમારા સાથીદારો પાસે રહેલી આવડત કે તેમની પાસે રહેલ જાણકારી પર તેમનું ધ્યાન દોરતા રહો. ઘણી વાર તેમને ખબર હોવા છતાંય પણ ધ્યાન દોરવું જરૂરી છે.

સૌથી મહત્વનું એ છે કે ધૃષ્ટધુમ્ન દ્રોણાચાર્યના કાળ તરીકે જન્મેલા છે તેવી ભવિષ્યવાણી ની ખબર હોવા છતાં પણ દ્રોણાચાર્ય ધૃષ્ટધુમ્નને પોતાના શિષ્ય તરીકે સ્વીકાર કરે છે અને તેમને યુદ્ધ કાળમાં નિપુણ બનાવે છે. દુર્યોધન આ વાત ને સારી રીતે જાણે છે અને એક શિષ્યની નબળાઈઓ ગુરુથી વધુ કોણ જાણી શકે? તેથી જ દુર્યોધન ધૃષ્ટધુમ્ન ને દ્રોણાચાર્યના શિષ્ય તરીકે ભારપૂર્વક સંબોધીને દ્રોણાચાર્ય સમક્ષ તેનો પરિચય કરાવે છે કે જેથી દ્રોણાચાર્ય નું આ બાબત પર ધ્યાન દોરાય અને પોતાના શિષ્યની નબળાઈઓ અને સબળાઈઓ નો વિચાર કરી દ્રોણાચાર્ય સામેના પક્ષની સેનાને વધુ અને વધુ નુકસાન પહોંચાડી શકે.

આ રીતે દુર્યોધન ચતુરતાથી વાક્યપ્રયોગ કરીને દ્રોણાચાર્યને ઘણું બધું કહી જાય છે અને કદાચ આ જ રાજકારણીય કળા જોઈ અને સંજયે દુર્યોધન ને રાજા કહીને સંબોધ્યા હોય.

તમે આ વિશ્લેષણમાંથી શું શીખી શકો છો એ ચોક્કસ થી જણાવશો.

મારુ માનવું છે કે શ્રીમદ ભગવદ્દ ગીતા એ જ્ઞાન ના સમુદ્ર સમાન છે અને તેમાં છુપાયેલું જ્ઞાન એ મોતી સમાન છે. સમુદ્ર વિશાળ છે અને તેમાં ડૂબકી લગાવનાર દરેકને તેમાંથી અલગ અલગ મોતી હંમેશા મળ્યા જ કરે છે. જેમ સમુદ્રમાંથી દરેક ને એક જ પ્રકારના મોતી મળે તે જરૂરી નથી તે જ રીતે શ્રીમદ ભગવદ્દ ગીતાના વિશ્લેષણમાંથી દરેક ને એક જ પ્રકારની શીખ મળે તે પણ જરૂરી નથી...