ગીતાભ્યાસ
ભગવાન શ્રી કૃષ્ણની કૃપાથી ખુબ નાની વયે જ મેં શ્રીમદ ભગવદ્દ ગીતાનું નિયમિત વાંચન કરવાનું શરુ કર્યું હતું. કદાચ માત્ર 15 કે 16 વર્ષની મારી ઉમર રહી હશે જયારે મેં પ્રથમ વખત શ્રીમદ ભગવદ્દ ગીતાના અમૃતરસ નું સેવન કર્યું હતું. બસ ત્યારથી આજ સુધી મારી એક પણ સવાર એવી નથી રહી કે મેં શ્રીમદ ભગવદ્દ ગીતા નું વાંચન ન કર્યું હોય. અત્યારે છેલ્લા 17 કે 18 વર્ષ થયા હું દરરોજ સવારે 4 થી 5 શ્લોક જરૂરથી વાંચું છું. છતાં પણ મને શ્રીમદ ભગવદ્દ ગીતામાંનો એક એક શ્લોક દરરોજ કંઈક અને કંઈક નવું શીખવી જાય છે એમ કહી શકાય કે જ્ઞાન અને સમજણ ના નવા રસ્તાઓ અવિરત બતાવ્યા જ કરે છે.
સમય જતા મેં શ્રીમદ ભગવદ્દ ગીતા ને ખુબ જ બારીકાઇ થી સમજવાનું અને જીવવાનું શરુ કર્યું. ભગવાન શ્રી કૃષ્ણએ જે સંજોગો માં, જે સમય માં, જે સ્થળપર અને જે પાત્ર માટે શ્રીમદ ભગવદ્દ ગીતાના જ્ઞાન ને પુનઃ પ્રસ્થાપિત કર્યું તેના સંદર્ભમાં ધીરે ધીરે મારુ પણ એક ખુદ નું દદ્રષ્ટિકોણ બનવા લાગ્યું. હું તે દ્રષ્ટિકોણની મદદથી મારાં ખુદના જીવન માં બનતી ઘટનાઓને સરળતાથી સમજવા લાગ્યો તેટલું જ નહિ પરંતુ જટિલ થી અતિ જટિલ સમસ્યાઓને પણ સહેલાઈ થી હલ કરવા સક્ષમ બનવા લાગ્યો. આજે હું આપની સમક્ષ શ્રીમદ ભગવદ્દ ગીતાના શ્લોકોનું એક અનોખું વિશ્લેષણ કરવા જઈ રહ્યો છું એવી આશા સાથે કે આપ સૌને તે ખુબ ગમશે અને આપના જીવનના પ્રશ્નોના હલ પ્રાપ્ત કરવામાં પણ આપને મદદરૂપ થશે.
હવે આપસૌનો બહુમૂલ્ય સમય વધુ નહિ લેતા હું સીધો શ્લોક 1 પર આવીશ અને મારુ દ્રષ્ટિકોણ તમારી સમક્ષ રજુ કરીશ.
શ્લોક 1
ધૃતરાષ્ટ્રે સંજયને પૂછ્યું : હે સંજય, ધર્મભૂમિ કુરુક્ષેત્ર માં ભેગા થયેલ, યુદ્ધની ઈચ્છાવાળા, મારા પુત્રોએ અને પાંડુના પુત્રોએ શું કર્યું?
સામાન્યરીતે વાંચવામાં આ શ્લોકનો અર્થ ખુબજ સરળ લાગે છે અને ધૃતરાષ્ટ્ર યુદ્ધ વિષે માત્ર સાહજિક રીતે પૂછપરછ કરતા હોય તેવું લાગે છે. પરંતુ મારુ દ્રષ્ટિકોણ તદ્દન અલગ રીતે આ શ્લોક નું વિશ્લેષણ કરે છે.
1. ન્યાય, નીતિ અને નારાયણ એ નિષ્ચિંત જીવનમાટે અનિવાર્ય છે.
કૌરવો પાસે પાંડવો ની સરખામણીએ વિશાળ સૈન્ય હતું, અને તે સૈન્યમાં અત્યંત કુશળ, અનુભવી અને મહાવીર યોદ્ધાઓ હતા. છતાંય ધૃતરાષ્ટ્રનું મન વ્યાકુળ જોવા મળે છે. તેને પોતાના 100 પુત્રો કે જે કુરુક્ષેત્ર પર યુદ્ધ કરવાના હેતુ થી ભેગા થયા છે તેની ચિંતા સતાવે છે, અને તે જ કારણ છે કે ધુતરાષ્ટ્ર જ યુદ્ધની ખબર લેતા દર્શાવવામાં આવ્યા છે. સામાન્ય રીતે પિતા કરતા માતા ને પોતાના પુત્રોની ચિંતા વધુ હોય છે પરંતુ માત્ર 5 જ પાંડવ હોવા છતાંય એવો ઉલ્લેખ જોવા નથી મળતો કે કુંતીએ ક્યારે પણ તેમના પુત્રોની ચિંતા કરવાની જરૂર પડી હોય, કે તેને યુદ્ધક્ષેત્રે તેના પુત્રો શું કરી રહ્યા છે ખબર રાખવાની જરૂર જણાઈ હોય.
દુર્યોધન અને અર્જુન બંને આ મહાયુદ્ધમાં મુખ્ય હતા. બંને અત્યંત શક્તિશાળી, ચતુર, દરેક પ્રકારની યુદ્ધ કાળમાં નિપુણ અને ખુબજ નીડર હતા. દુર્યોધનનું સૈન્યબળ અર્જુન ના સૈન્યબળ કરતા અનેક ઘણું અધિક હતું છતાંય ધુતરાષ્ટ્રં ચિંતિત જણાય છે. આ ચિંતાનું કારણ બીજું કઈ નહિ પરંતુ બંને વચ્ચે ઉછેર નો ફરક હતો. અર્જુન નાનપણથી જ નીતિ અને ન્યાય ને પ્રાધાન્ય આપતો રહ્યો છે અને હવે તો નીતિ-ન્યાય ઉપરાંત તેની સાથે નારાયણ પણ છે. અને કેમ ના હોય જ્યાં નીતિ અને ન્યાય છે, નારાયણ પણ તેના પક્ષમાં જ રહે છે. યુદ્ધના પરિણામ માં જે મહત્વનું પાસું હતું તે હતું બસ નીતિ, ન્યાય અને નારાયણ કે જે અર્જુન પાસે હતા.
આપણે શીખવાનું કે જો આપણે કુંતી ની જેમ પોતાના સંતાનોની ચિંતામાંથી મુક્ત થવું હોય તો તમારા સંતાનો ને ન્યાય, નીતિ અને નારાયણનું મહત્વ અત્યારથી જ સમજાવવું જ રહ્યું. નહીં તો વૃદ્ધાવસ્થા માં તમેં પણ ધુતરાષ્ટ્રની જેમ તમારા સંતાનો ની ચિંતા માં વ્યાકુળ રહેશો.
2. માત્ર પોતાની જ નહિ પણ બીજા પક્ષકારો ની પણ ખબર રાખવી
ધુતરાષ્ટ્ર માત્ર પોતાના પુત્રો વિષે જ પૂછી શકતા હતા પરંતુ તેમણે પોતાના ભાઈ પાંડુના પુત્રો શું કરે છે તે પણ પૂછ્યું. અહીં ભત્રીજાઓની ચિંતા હશે એવું જરાય પણ તાત્પર્ય નથી. ધુતરાષ્ટ્રં અહીં આપણને ખુબજ જરૂરી પાઠ શીખવી જાય છે. તમારી ધર્મભૂમિ જે પણ હોય, જો યુદ્ધમાં હો તો દુશ્મન ની જાણકારી રાખવી, જો ધંધામાં હો તો તમારા હરીફોની, ગ્રાહકોની, બદલતા ચલણલની જાણકારી રાખવી. જો નોકરી કરી રહ્યા હો તો તમારા કામને વધુ સારી રીતે કરવા માટે જે પણ સાધોનો કે જ્ઞાન જરૂરી હોય તેની જાણકારી રાખવી. ટૂંકમાં માત્ર તમારે પોતાની જાણકારી સુધી સીમિત ન રહો પણ તમારી આસપાસ ની દરેક વસ્તુ કે જે તમારા જીવન માં અસર કરી શકે તે દરેક ઉપર પૂરતી જાણકારી રાખવી જરૂરી છે.
3. સ્થળનુ મહત્વ (તમારું ઘર, ઓફિસ, દુકાન, શાળા કોઈ સામાન્ય સ્થળ નથી એ ધર્મભૂમિ છે)
આ શ્લોકમાં ધર્મભૂમિ શબ્દ નો ઉલ્લેખ થયેલો છે. જે ઘણા વિદ્વાનોનું માનવું છે કે કુરુક્ષેત્ર ની ભુમી કે જે ભૂમિ પર અનેકો પવિત્ર અને ધાર્મિક કર્યો પૂર્વે થઇ ચૂકેલા છે, અને તેમનું વેદોમાં પણ વર્ણન જોવા મળે છે તેથી કુરુક્ષેત્ર માટે ધૂર્તરાષ્ટ્રે ધર્મભૂમિ એવો શાબ્દપ્રયોગ કર્યો છે. અને તે તદ્દન સાચું છે.
પરંતુ, હું આ શબ્દપ્રયોગનું બીજું તારણ એવું પણ કાઢું છું કે તે સમયે કૌરવો અને પાંડવો માત્ર યુદ્ધના હેતુથી કુરસુક્ષેત્ર પર એકત્રિત થયા હતા. જેથી તે સમયે બને પક્ષે એકઠા થયેલા તે મહાયોદ્ધાઓનો બસ એકમાત્ર ધર્મ હતો અને તે હતો "યુદ્ધ". બંને પક્ષના યોદ્ધાઓ સહીત અર્જુન અને ભગવાન શ્રી કૃષ્ણ સૌ કોઈ પોતાના ક્ષત્રીયધર્મનું પાલન કરવા માટે જ ત્યાં એકત્રિત થયા હતા, જે ખુદ ભગવાન કૃષ્ણ આગળ ના શ્લોકો માં સ્પષ્ટ શબ્દોમાં ઉલ્લેખ કરશે. જેથી જે જગ્યા એ ધાર્મિક કર્યો થાય તે જ માત્ર ધર્મભૂમિ કહી શકાય તે જરૂરી નથી. જે સ્થળે તમે જે પણ ફરજ બજાવવા માટે હાજર હો, તે સમયે તે ભૂમિ તમારા તે કાર્ય માટે ધર્મભૂમિ બને છે. એક શિક્ષક માટે શાળા ધર્મભૂમિ છે કેમકે તે પોતાનો ગુરુધર્મ બજાવવા તે ભૂમિ પર જાય છે અને તે સ્થળ વિધાર્થી માટે પણ ધર્મભૂમિ છે કારણકે તે ત્યાં પોતાનો શિષ્યધર્મ બજાવવા જાય છે. તમે જયારે ઓફિસ કે દુકાન પર જાઓ છો અને ત્યાં જે પણ કરો છે એ જો તમે તમારો ધર્મ સમજો, તો તમારી ઓફિસ કે દુકાન ની ભૂમિ પણ તમારી ધર્મભૂમિ છે. ધૂર્તરાષ્ટ્ જો યુદ્ધભૂમિ ને પણ સન્માન આપી ને ધર્મભૂમિ કહી શકતા હોય તો આપણા જીવનમાં આપણા માટે મહત્વની ભૂમિ નું શું સ્થાન હોવું જોઈએ તે આ શ્લોક ના એક માત્ર શબ્દપ્રયોગ ના વિશ્લેષણ થી સમજી શકાય છે. આ રીતે પોતાના કાર્યની જગ્યાનું મહત્વ અને પવિત્રતા જો લોકો સમજી જાય તો આ દુનિયામાંથી આપોઆપ ઘણા અનર્થ ટાળી જાય.
જો આપને શ્રીમદ ભગવદ્દ ગીતાના પ્રથમ શ્લોકનું આ વિશ્લેષણ રસપ્રદ લાગ્યું હોય તો મને જરૂરથી જણાવજો. હું ટૂંક સમય માં અન્ય શ્લોકોના વિશ્લેષણ સાથે ફરીથી લખીશ ત્યાંસુધી જય શ્રી કૃષ્ણ...