હું પારકી કે પોતાની ? - ભાગ-૪ Nirav Patel SHYAM દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હું પારકી કે પોતાની ? - ભાગ-૪


રોહિણીને આજે ઊંઘ ના આવી પરંતુ તેના મનમાં એક વિચાર જરૂર આવ્યો, આ બે દિવસમાં તે ગમે તેમ કરીને વિશ્વાસને મળવા માંગતી હતી, કેવી રીતે મળશે તેની કોઈ જ ખબર નહોતી, આગળ શું થશે તેની પણ તેને જાણ નહોતી, પરંતુ તે ગમે તેમ કરીને વિશ્વાસને મળવા માંગતી હતી.બીજા દિવસે સવારે જ ચા નાસ્તો કરી અને મૈત્રીને તેના મમ્મી પાસે રાખી તે બહાર તેની જૂની બહેનપણીઓને મળવા જવું છે તેમ કરીને નીકળી. સૌ પ્રથમ તેને પોતાની એક બહેનપણી સુધા યાદ આવી. સુધા સાથે લગ્ન સુધી વાત થઇ હતી, પરંતુ ત્યારપછી તેની કોઈ ખબર નહોતી.



સુધાના ઘરે જવા માટે તેને રીક્ષા લીધી. ઘરે પહોંચી તો જોયું ઘર લોક હતું, પાડોશીઓને પૂછતાં માલુમ પડ્યું કે સુધાનો પરિવાર છેલ્લા 2 વર્ષથી લંડન ચાલ્યો ગયો છે. બીજું એ પણ જાણવા મળ્યું કે સુધાના લગ્ન થઇ ગયા છે અને તે પણ પોતાના પતિ સાથે લંડનમાં જ રહે છે.

રોહિણીએ થોડી નિરાશા થઇ, થોડીવાર તો તે સુધાના ઘરના પગથિયાંએ જ બેસી ગઈ. પછી તેને બીજી બહેનપણી હેતલની યાદ આવી. ત્યાંથી ઉભી થઇ અને રીક્ષા લઇ હેતલના ઘરે પહોંચી.

હેતલના ઘરે પહોંચીને તે ડોર બેલ વગાડ્યો, હેતલના મમ્મીએ દરવાજો ખોલ્યો, ઘણા વર્ષો બાદ રોહિણીને જોઈને તે પહેલા તો વિચારમાં જ પડી ગયા, પરંતુ ઓળખી જતા તેમને ઘરની અંદર આવકારો આપ્યો. રોહિણીએ તેમને હેતલ વિશે પૂછ્યું, અને તરત તેની મમ્મીની આંખો આંસુઓથી ભરાઈ આવી, રોહિણી તેમને કારણ પૂછતી રહી પરંતુ હેતલની મમી તેના વહેતા આંસુઓ સાથે કઈ બોલી ના શકી. તરત જ તેના પપ્પા પણ આવી ગયા, તેમને હેતલની મમ્મીને સાચવી લીધી, રોહિણીએ હેતલના પપ્પાને પૂછ્યું "શું થયું છે હેતલને ? કેમ માસી રડે છે ?"

હેતલના પપ્પાએ જવાબ આપતા કહ્યું, "તું તારી જાતે જ વાત કરી લે... એ એના રૂમમાં છે." રોહિણી ઉભી થઇ અને સીધી હેતલના રુમ તરફ ગઈ, રૂમનો દરવાજો બંધ હતો, રોહિણીએ દરવાજો ખડાવતાં હેતલે દરવાજો ખોલ્યો અને રોહિણીને જોતા જ તેને વળગીને રડવા લાગી, રોહિણીએ તેને શાંત કરવાના ઘણા પ્રયત્નો કર્યા પરંતુ હેતલની આંખોમાંથી આંસુઓનું ઘોડાપુર વહી રહ્યું હતું. થોડીવાર બાદ હેતલ શાંત થઇ અને રોહિણીને પૂછવા લાગી, "કેમ આટલા વર્ષે અચાનક ? ના કોઈ ખબર ના કોઈ ફોન ? અચાનક જ કેમની આજે ભૂલી પડી ગઈ ? મારા વિશે ખબર પડી એટલે મને મળવા આવી ?" રોહિણીએ તેને શાંત થવા કહ્યું, એક સામટા સવાલોથી રોહિણી પણ પહેલા શું જવાબ આપવો તે વિચારવા લાગી, અને પછી તેને કહ્યું,

"ના મને તારા વિશે કંઈજ ખબર નથી, હું પહેલા સુધાના ઘરે ગઈ તો તે લંડન ચાલી ગઈ હતી, પછી હું ત્યાંથી તારા ઘરે આવી, હું પણ ઘણા સમય પછી અહીંયા આવી તો વિચાર્યું તને મળી લઉં."
"બહુ જ સારું કર્યું, તું આવી ! કેમ છ તું ? અને હા તારે તો દીકરી પણ છે ને ? એને કેમ ના લાવી?" હેતલે ફરીપાછા સવાલોની ભરમાર ચલાવી. રોહિણીએ જવાબ આપતા કહ્યું, "હું પણ મઝામાં છું અને મારી દીકરી મૈત્રી પણ મઝામાં, એ એના નાના-નાની સાથે રમી રહી છે, મારી વાત જવા દે તું તારું કહે ? કેમ આવી થઇ ગઈ છું અને શું થયું છે તને ?"


હેતલની આંખમાં ફરી આંસુઓ ઉભરાઈ આવ્યા તેને રડતા રડતા જ બોલવાનું શરૂ કર્યું. "મારા ડિવોર્સનો કેસ ચાલી રહ્યો છે.

રોહિણીએ હેતલના ખભે હાથ મુકતા કહ્યું, "કેમ ? તે તો લવ મેરેજ કર્યા હતા ને ? વિનોદ સાથે ? તો પછી શું થયું ?"
હેતલે જવાબ આપતા કહ્યું. "લગ્ન પહેલા બધું જ સારું હતું, પરંતુ લગ્ન બાદ વિનોદ સાવ બદલાઈ ગયો, તેના વિશેની ઘણી બાબતો મને સમજાઈ, તે દારૂ પીતો અને બીજા પણ ઘણા મોજશોખ તેના હતા, જે લગ્ન પહેલા મને પણ ખબર નહોતી, છતાં પણ થોડો સમય સુધી હું સહન કરીને રહી, લવ મેરેજ હતા એટલે પપ્પાના ઘરે પણ કઈ મારાથી કહી શકાય એમ નહોતું, પછી તો ધીમે ધીમે તે મારી ઉપર હાથ પણ ઉગામવા લાગ્યો, એક દિવસે વગર વાંકે મને તેના પટ્ટાથી જ બરાબર મારી. મારા સાસુ સસરાને તો હું પહેલાથી જ પસંદ નહોતી, છતાં પણ નિભાવી લીધું. રક્ષાબંધન ઉપર પપ્પાએ મને ઘરે આવવા માટે ફોન કર્યો, ત્યારે તેને મારી સાથે મોટો ઝઘડો કર્યો, મને ખુબ મારી, પણ એ દિવસે મેં મન મક્કમ કરી લીધું અને વિનોદના ઘરેથી નીકળી ગઈ, ક્યાં જાઉં તે સમજાઈ રહ્યં નહોતું, પપ્પાને ફોન કરીને બધું જ જણાવ્યું અને તે મને તરત જ લેવા આવી ગયા. બસ ત્યારથી પપ્પાના ઘરે આવી ગઈ છું અને હવે કોર્ટમાં કેસ ચાલે છે."

રોહિણીએ તેને શાંત કરી, અને કહ્યું, "કેટલા સમયમાં આવું થયું ?" હેતલે જવાબ આપતા જણાવ્યું, "લગ્નના બીજા જ મહિને આમ થયું, અને સાતમા મહિને હું પપ્પાના ઘરે આવી ગઈ."

રોહિણી: "સારું થયું જે થયું એ, જલ્દી તને સમજાઈ ગયું, નહિ તો કોઈ બાળક થયા બાદ આવું થયું હોત તો કેટલું મુશ્કેલ થઇ જતું." હેતલ: "હા, સાચી છે તારી વાત, પણ સાચું કહું તો અમારા લગ્નના થોડા જ દિવસો બાદ અમારા વચ્ચે પતિ પત્ની જેવો કોઈ સંબંધ જ નહોતો, બસ એક ઘરમાં રહેતાં એટલું જ, કારણ કે વિનોદના ખરાબ શોખ વિશે મને જયારે ખબર પડી ત્યારપછી તો તે મને સ્પર્શ કરે એ પણ પસંદ નહોતું. હું તેને દૂર જ રાખતી. પણ બસ આ કેસનો નિકાલ આવે તો સારું, બે વર્ષ થઇ ગયા, કોર્ટમાં તારીખો જ પડ્યા કરે છે."

રોહિણી: "થઇ જશે એ પણ સારું.. તું હવે ચિંતા ના કર, તારી પાસે તારા મમ્મી પપ્પા છે. બધું જ સારું થઇ જશે." રોહિણીને પોતાના દિલની વાત કરવાં પણ ઈચ્છા થઇ રહી હતી, પરંતુ કેવી રીતે કહેવું તે તેને સમજાઈ રહ્યું નહોતું. હેતલે જ તેને સવાલ કર્યો, "તારે તો બધું સારું ચાલે છે ને ? તને તો બહુ સારો ઘરવાળો મળી ગયો તુષારના રૂપમાં, તારા પપ્પાને મારા પપ્પા એકવાર મળ્યા તે કહેતા હતા કે અમારા તુષારકુમાર બહુ જ સારા છે."

રોહિણી દિલ ઉપર પથ્થર રાખીને હેતલની વાત સાંભળી રહી હતી. છેવટે તેને પોતાનું મૌન તોડી દીધું અને કહ્યું, "શું કહું તને હેતલ ? દુનિયા સામે સારા દેખાનારા દરેક લોકો ઘરની અંદર એટલા જ સારા નથી હોતા." હેતલને પણ રોહિણીની વાત સાંભળીને એકદમ નવાઈ લાગી, તે તરત જ તેની તરફ ફરી અને પૂછવા લાગી, "કેમ શું થયું ?"


રોહિણીએ જવાબ આપતા કહ્યું, "તારે જેમ મારે પણ શરૂઆતમાં બધું જ સારું હતું, મારા સસરા જીવતા હતા ત્યાં સુધી અમારા સંબંધો પણ ઘણા જ સારા હતા, ઘરની અંદર હું રાણી બનીને રહેતી હતી, પરંતુ મારા સસરાના નિધન બાદ જાણે કે આખું જ વાતાવરણ બદલાઈ ગયું, મારા સાસુ મારી સાથે નાની નાની વાતમાં ઓણ ઝઘડે, તુષાર પણ મારો વાંક ના હોવા છતાં પણ મારા ઉપર ગુસ્સો કરે, ઘરમાં જાણે હવે હું કામવાળી બનીને રહી ગઈ છું, ક્યારેક તો તુષાર પણ મારા ઉપર હાથ ઉઠાવી દે. હું પણ હવે સહન કરી કરીને થાકી ગઈ છું." હેતલે કહ્યું, "તે તારા ઘરે આ બાબતે વાત કરી ?" રોહિણીએ જવાબ આપ્યો, "કેવી રીતે કહું તું જ કહે, તારા પપ્પાને મારા પપ્પાએ શું કહ્યું કે તુષાર બહુ સારો માણસ છે, અને તુષાર બહારની દુનિયામાં એટલો સારો બનીને રહે છે જાણે કે તેને કઈ કર્યું જ ના હોય, એટલે મારી વાતનો પણ કોણ વિશ્વાસ કરે ?"

હેતલ: "વાત તો તારી સાચી છે રોહિણી, પરંતુ હું વધુ તો કઈ ના કહી શકુ, પરંતુ એટલું જરૂર કહીશ કે વાત વધી જાય એ પહેલા તેનું નિરાકરણ લાવી દેવું સારું છે, નહિ તો આગળ જતા ઘણી તકલીફો સહન કરવી પડી શકે છે." હેતલે થોડીવાર રોહિણીને સમજાવી, ત્યારબાદ રોહિણીએ ઘરે જવાનું કહ્યું. રોહિણીના જતા જતા પણ હેતલે કહ્યું કે "જેમ બને તેમ જલ્દી નિરાકરણ લઇ આવજે"


ઘરે આવીને રોહિણી રાત્રે પોતાના રૂમની એજ બારીએ આવીને બેસી અને પછી વિચારોમાં ચાલી ગઈ કે શું કરવું, એક દિવસ તો આમ જ વીતી ગયો હતો, વિશ્વાસ વિશેની તો કોઈ વાત જ ના થઇ શકી, પોતાના પરિવારને તુષાર વિશે જણાવવું કે નહિ તેની મૂંઝવણ જ ચાલી રહી હતી.

(શું રોહિણી પોતાના પરિવારમાં તુષાર વિશેની હકીકત જણાવી શકશે ? શું વિશ્વાસ તેને મળશે ? કેવી રીતે રોહિણી પરિસ્થિતિનો સામનો કરશે ? જાણવા માટે વાંચતા રહો "હું પારકી કે પોતાની?" વાર્તાનો ભાગ-5. )