પ્રતિશોધ તૃતીય અંક: - 20 Jatin.R.patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રતિશોધ તૃતીય અંક: - 20

પ્રતિશોધ તૃતીય અંક:

ભાગ-20

માધવપુર કિલ્લો, રાજસ્થાન

રાત એના ચરમ પર આવી પહોંચી હતો. એક વખતના સમૃદ્ધ નગરની ઝાંખી કરાવતો માધવપુર કિલ્લો મૌન બની આવનારી ઘટનાની સાક્ષી બનવા જઈ રહ્યો હતો. બસો વર્ષ પહેલા આવી જ એક અંધારી રાતે કાલરાત્રીનો સામનો ભાનુનાથ સાથે થયો હતો. આકાશમાંથી વરસતા અગનગોળા વચ્ચે કાલરાત્રીનો અંત કરવાનું જે ભગીરથ કાર્ય ભાનુનાથે કર્યું હતું એ ખરેખર અવિશ્વસનીય હતું.

શૈતાનોના રાજા તરીકે જેની ગણતરી થતી હતી એવા કાલરાત્રીનો અંત એક મનુષ્યના હાથે થયો એ તાજ્જુબી ભરી વાત હતી. પોતાના વર્ષોના તપ, ધ્યાન અને શ્રદ્ધાના લીધે ભાનુનાથ એ સમયે અત્યંત વિકટ પરિસ્થિતિમાં પણ અડગ મન સાથે માથે કફન બાંધી શૈતાનની સામે મેદાને પડ્યા હતા.

આજે જ્યારે ક્રિસ્ટોફર, વલીદ, જુમાન, રેહાના, યુસુફ અને જુનેદ મળીને કલરાત્રીને પુનઃજીવીત કરવાની તૈયારીઓ આરંભી ચૂક્યા હતા ત્યારે પણ વાતાવરણમાં એવો જ પલટો આવી ગયો હતો જેવો પલટો બસો વર્ષ પહેલાની એ રાત પોતાની સાથે લઈને આવી હતી જે રાતે માધવપુર રિયાસતનું નિકંદન નીકળી ગયું હતું. રાજા વિક્રમસિંહ, રાજમાતા ગૌરીદેવી, મહારાણી અંબિકા, રાણી પદ્મા, સેનાપતિ વિરસેન અને ગુરુ ભાનુનાથને ભરખી જનારી એ કાળમુખી રાતનું આજે પુનરાવર્તન થવા જઈ રહ્યું હોય એવો ભાસ થઈ રહ્યો હતો.

જુનેદ અને વલીદ સમીરને ખેંચીને બહાર લાવ્યા અને ક્રિસ્ટોફર તથા જુમાન દ્વારા બનાવવામાં આવેલા વર્તુળ વચ્ચે બેસવાનો એને હુકમ કર્યો.

"હું તમારી કોઈ વાત નથી માનવાનો..!" મોં અને હાથપગના બંધનમાંથી જુનેદે જેવો સમીરને આઝાદ કર્યો એ સાથે એ જોરથી તાડુક્યો. ત્યારબાદ એને યુસુફ અને રેહાના ભણી જોતા ક્રોધાવેશ કહ્યું. "રેહાના અને યુસુફ, તમને તો મેં મારા અંગત મિત્રોમાં સુમાર કર્યાં હતા તો પછી તમે બંને આ લોકોની સાથે. જુનેદે બધું જણાવ્યું પણ તમારા બેનું આ હરામખોરો સાથે ભળી જવાનું મને હજુ હજમ થાય એવું નથી."

"તને હજમ થાય કે ના થાય..તું જે જોઈ રહ્યો છે એ જ સત્ય છે." સમીરની આંખોમાં આંખો પરોવી રેહાના બોલી. "તું ચૂપચાપ અમારું કહ્યું કર નહીતો..."

"નહીતો શું?" સમીરના અવાજમાં ભય ડોકાવા લાગ્યો હતો, છતાં એ સામે ઊભેલા લોકોને એવું કલ્પવા નહોતો દેવા માંગતો કે પોતે ડરી ગયો છે. "તમે લોકો મને જાનથી મારી નાંખશો.?"

"હા." ક્રિસ્ટોફર હવે નકામી બકબકથી કંટાળ્યો હોવાથી ઊંચા અવાજે સમીરના પ્રશ્નનો જવાબ આપતા બોલ્યો. "અમે આજે તારો ખેલ ખતમ કરવાના તો છીએ પણ એમાં દોઢેક કલાક જેટલી વાર છે. જેવા ઘડિયાળમાં બાર વાગશે એ સાથે જ તારો ખેલ ખતમ થઈ જશે અને તારા રક્તની મદદથી કાલરાત્રી પેદા થશે..કાલરાત્રી, શૈતાનોનો રાજા..શૈતાનમાં માનનારા લોકો માટે પોતાના અસ્તિત્વને ટકાવી રાખવાની છેલ્લી આશા."

જે કરડાકીથી અને જે સ્થિરતાથી ક્રિસ્ટોફરે સમીર સમક્ષ પોતાની વાત રાખી હતી એ સાંભળી સમીર સ્તબ્ધ બની ગયો હતો. જાણે કોઈએ એને કરંટ આપ્યો હોય એવા ભાવ એના ચહેરા પર ઉપસી આવ્યા.

"મહેરબાની કરીને તમે આ બધું પડતું મૂકો..." સમીરના અવાજમાં દયાની અરજ હતી. માધવપુરના જે કિલ્લામાં વિક્રમસિંહનો પડ્યો બોલ ઝીલાતો ત્યાં એમના પુનર્જન્મ એવા સમીરને જીવ બચાવવા દયાની ભીખ માંગવાની નોબત આવી હતી.

"સમીર, મારે તારી જોડે કોઈ અંગત દુશ્મની નથી." ઠંડાગાર અવાજમાં બોલાયેલા ક્રિસ્ટોફરના શબ્દોમાં ધાર હતી. "તું રાજા વિક્રમસિંહ સાથે સંબંધ ના ધરાવતો હોત તો તને કે તારા પરિવારમાંથી કોઈને પણ અમે હેરાન ના કરત. હવે ચૂપચાપ અહીં વર્તુળની મધ્યમાં બનેલા પેન્ટાગોનમાં બેસી જા એટલે અમે અમારું કામ આગળ ધપાવીએ."

"હું એવું ના કરું તો..?" સમીર પહેલા ક્રિસ્ટોફર અને પછી રેહાના તરફ જોતા બોલ્યો.

"તો પછી અમારે તારી પત્ની, તારી સાળી અને તારા મિત્ર જોડે નાછૂટકે અત્યાચાર કરવા પડશે." ક્રિસ્ટોફર ખંધુ સ્મિત વેરતા બોલ્યો. "તને એ લોકો છેક દુબઈથી બચાવવા અહીં આવ્યા અને તને એમની કંઈ નથી પડી."

ક્રિસ્ટોફરના શબ્દોમાં રહેલી ગર્ભિત ધમકીની ધારી અસર થઈ..અને સમીર ચૂપચાપ ત્યાં બનેલા વર્તુળમાં જઈને બેસી ગયો. સમીર દ્વારા એ લોકોની મનમાની મુજબ વર્તવામાં આવતા એ બધાના ચહેરા પર કટુ સ્મિત રમવા લાગ્યું.

**************

પોતાની ઈચ્છા મુજબ જેવો સમીર વર્તુળની મધ્યમાં બેઠો એ સાથે જ જુમાને એના ચહેરાને એક કપડા વડે ઢાંકી દીધું. આ કપડાની ઉપર એક ખોપડીનું ચિહ્ન બનેલું હતું. આ એક મંતરેલું કપડું હતું, જેને ઓઢાડવાથી સમીર અર્ધબેહોશ બની ગયો.

સમીર હવે પોતાના નિયંત્રણમાં છે એ વિષયમાં પાકી ખાતરી થતાની સાથે જ ક્રિસ્ટોફરે પોતાના સાથીદારોને ઉદ્દેશીને કહ્યું.

"જુમાન, તું અને રેહાના આ વિધિમાં મારી પડખે રહેશો જ્યારે યુસુફ, જુનેદ અને વલીદ તમે ત્રણેય લોકો મળીને આ વિધિમાં કોઈ રુકાવટ ના આવે એનું ધ્યાન રાખજો. જો કંઈપણ અજુગતું બને તો તમે એ પરિસ્થિતિનો કોઈપણ ભોગે સામનો કરશો.

યુસુફ, જુનેદ અને વલીદે હકારમાં ગરદન ઘુણાવી એ સાથે જ રેહાના અને જુમાન ક્રિસ્ટોફરની બાજુમાં આવીને ગોઠવાઈ ગયા.

ક્રિસ્ટોફરના કહેવાથી જુમાન ગાડીમાંથી કાલરાત્રીની ખોપડી અને એક પિંજરું લઈ આવ્યો..આ પિંજરામાં એક ઘુવડ હતું. તાંત્રિકો માટે ઘુવડની બલી આપવી એ એમની તાંત્રિક વિધીનો ભાગ ગણવામાં આવતું અને આજ કારણથી ભારતમાં વર્ષે-દહાડે હજારોની સંખ્યામાં નિર્દોષ ધુવડોનો આવી વિધિઓ દરમિયાન ભોગ લેવામાં આવતો. સરકારના લાખ પ્રયત્નો અને કડક પગલાં છતાં જુમાન જેવા તાંત્રિકો ગમે તેટલી કિંમત આપીને ધુવડની ખરીદી કરતા.

 

રેહાનાએ એક કાળા રંગનું કપડું પાથરી એની ઉપર કાલરાત્રીની ખોપડી રાખી. ક્રિસ્ટોફરે એક ધારદાર ચપ્પુ નીકાળી પોતાના જમણા હાથના અંગૂઠા પર કાપો કર્યો અને એમાંથી નીકળતા રક્તની બુંદો ખોપડી પર પડવા દીધી. રેહાના અને જુમાન પણ એને અનુસર્યા.

 

એ લોકોના આમ કરતા જ ભયંકર અવાજોથી વાતાવરણ ખળભળી ઉઠ્યું..આકાશમાં જાણે કોઈએ આગ લગાવી હોય એમ માધવપુર કિલ્લાની ઉપરનું આકાશ લાલ રંગ ધારણ કરી ચૂક્યું હતું.

 

"જુમાન, વિધિ શરૂ કરો..!" ક્રિસ્ટોફરનું આ વાક્ય પૂર્ણ થતાં જ જુમાને પિંજરામાંથી ઘુવડને બહાર નિકાળ્યું અને ક્ષણની પણ રાહ જોયા વિના ચાકુની મદદથી એની ગરદનને શરીરથી અલગ કરી દીધી. ઘુવડની કપાયેલી ગરદનમાંથી નીકળતા રક્તથી કાલરાત્રીની ખોપડીનો અભિષેક કર્યાં બાદ જુમાને ઘુવડના મૃત શરીરને ખોપડીની સામે એ રીતે રાખ્યું જેમ આપણે આપણા ઇષ્ટદેવ સમક્ષ પ્રસાદ રાખીએ.

 

ક્રિસ્ટોફર ઈવિલને પેદા કરવાની, રેહાના જીન્નને પેદા કરવાની અને જુમાન પ્રેતાત્માને પેદા કરવાના શક્તિશાળી મંત્રોનું રટણ કરવા લાગ્યા. આ મંત્રોની શક્તિ એટલી વધારે હતી કે એના લીધે આસપાસની જમીન પર ધીરે-ધીરે ધ્રુજવા લાગી. અલગ-અલગ ત્રણ ધર્મના લોકો મળીને જે રીતે કાલરાત્રી નામક શૈતાનનું આહવાન કરી રહ્યા હતા એ પરથી તો એક વાત નક્કી હતી કે જો કાલરાત્રીને આ લોકો પુનઃ જીવિત કરી શક્યા તો એની શૈતાની શક્તિઓ આગળ સમગ્ર મનુષ્યજાત અવશ્ય વામણી પુરવાર થશે.

 

રાતના સાડા અગિયાર થઈ ગયા હતા, વિધીનો આરંભ થયે એક કલાકથી વધુ સમય વીતી ગયો હતો. કાલરાત્રીની ખોપડી પર હવે ધીરે-ધીરે ત્વચાનું આવરણ આવી રહ્યું હતું. આસપાસ શું થઈ રહ્યું છે એની ચિંતા કર્યા વિના ક્રિસ્ટોફર, રેહાના અને જુમાન પૂરી શ્રદ્ધાથી શૈતાનને પુનઃ જીવિત કરવામાં લાગેલા હતાં.

 

સફળતા હવે હાથવગી છે એવું માની જુનેદ, યુસુફ અને વલીદ પહેલા કરતા ઓછા સાવધ હતા. એ ત્રણેય વર્તુળથી પચાસેક મીટર દૂર ગાડીના ટેકે ઊભા રહી વિધિને નિહાળી રહ્યા હતા.

 

અચાનક યુસુફ અને જુનેદના માથે કોઈએ બોથડ પદાર્થનો ઘા કર્યો હોય એ રીતે બંને ચીસ પાડીને ભોંયભેગા થઈ ગયા. પણ વલીદ એ બંને કરતા વધુ સાવધ હતો, એને તુરંત પોતાની જાતને પાછળ ઘુમાવી પોતાના તરફ ઉગામેલા લાકડાને પકડી લીધું. બે-ચાર સેકન્ડમાં તો વલીદે જોઈ લીધું કે આમ કરનાર રાઘવ, જાનકી અને આધ્યા હતા. પોતાની ઉપર હુમલો કરનાર જાનકીને વલીદે જોરથી ધક્કો માર્યો, જેના લીધે જાનકીનું માથું કારની જોડે અથડાયું અને એ બેહોશ થઈને ઢળી પડી.

 

જાનકી જોડેથી પડાવેલા લાકડાનો ઉપયોગ કરી વલીદે રાઘવના માથા પર જોરદાર પ્રહાર કરી એને લગભગ મોતના મુખમાં પહોંચાડી દીધો.

 

વલીદે જોયું કે હવે એની સામે આધ્યા લાકડું લઈને ઊભી હતી. બંધનમાંથી છૂટીને આ ત્રણેય લોકોએ મળીને ઘણી ચાલાકીથી યુસુફ, જુનેદ અને પોતાના પર હુમલો કર્યો છે એનો ખ્યાલ વલીદને આવી ચૂક્યો હતો.

 

જાણે કોઈ વિફરેલી વાઘણ હુમલો કરે એમ આધ્યાએ વલીદ પર લાકડું ઉગામી દીધું..પણ ચુસ્ત વલીદે એક તરફ સરકીને એનો ઘા વિફળ બનાવી દીધો. ઘા વિફળ જતા જ આધ્યા પોતાના શરીર પરનું નિયંત્રણ ઘુમાવી બેઠી. આ તકનો લાભ લઈ વલીદે આધ્યાની પીઠ પર એક જોરદાર લાત મારી એને ભોંયભેગી કરી દીધી.

ચાર-પાંચ મિનિટના આ ખેલ બાદ જુનેદ અને રાઘવ મૃતપાય હાલતમાં જમીન પર તરફડતા હતા જ્યારે યુસુફ અને જાનકી બેભાનવસ્થામાં હતા.

નિઃસહાય અને હથિયાર વિહોણી આધ્યા જમીન પર પડી હતી..એની આંખોમાં ડર, હતાશા અને વિષાદ દેખાતો હતો. સમીરને બચાવી લેવાની આ કોશિશ નિષ્ફળ જતા એની બધી જ હિંમત તૂટી ચૂકી હતી.

"તું તારા મનમાં સમજે છે શું..?" આધ્યાના માથાના વાળ પકડી એને ક્રૂરતાપૂર્વક ઊભી કરતા વલીદે ક્રુદ્ધ સ્વરે કહ્યું. "તું અમને રોકી શકીશ..! આ જગતમાં હવે અમને અટકાવવાની તાકાત કોઈનમાં નથી."

આટલું કહી વલીદે આધ્યાને ધક્કો મારી નીચે પાડી દીધી, હવે આધ્યાનો ખેલ વહેલી તકે ખતમ કરી દેવો જોઈએ એમ માની વલીદે પોતાના ખમીસ નીચેથી એક રિવોલ્વર નીકાળી અને એને આધ્યાની તરફ તાકી.

"ટાટા, બાય બાય..!" આધ્યાને ઉદ્દેશીને આટલું બોલતા જ વલીદે ટ્રિગર પર આંગળી દબાવી અને આધ્યા પર ગોળી ચલાવવાની તૈયારી આરંભી.

પોતે હવે મોતના દ્વાર સુધી આવી પહોંચી છે આ સમજી ચૂકેલી આધ્યાની આંખો આપમેળે મીંચાઈ ગઈ..વલીદ ટ્રિગર દબાવવાની અણી પર હતો ત્યાં જ એની આંખો એની તરફ પુરપાટ વેગે આગળ વધતી કારના હેડલાઈટના પ્રકાશમાં અંજાઈ ગઈ..બચાવ ખાતર વલીદે આંધરીયા કરી કાર પર ગોળી ચલાવી તો ખરી પણ ઉતાવળમાં એ નિશાન ચૂકી ગયો અને કારની જોરદાર ટકકરથી એનું શરીર હવામાં દસેક ફૂટ ઊંચું ઉછળ્યું અને એ જોરથી જમીન પર પટકાયો.

આ ટક્કર એટલી જોરદાર હતી કે કમરથી નીચેનું વલીદનું શરીર અચેતન બની ગયું..એના માથા પર ઊંડો ઘા પડ્યો અને ભારે પીડા ભોગવતો એ બેહોશ થઈ ગયો.

 

દેવદૂત બની કોઈએ પોતાનો જીવ બચાવી લીધો હતો..એ જાણી આધ્યાએ આંખો ખોલી અને કારમાંથી ઉતરનારા વ્યક્તિના ચહેરા તરફ જોયું.

વલીદને ટક્કર આપનારી કારની હેડલાઈટ હજુ ચાલુ હતી..આ હેડલાઈટનાં પ્રકાશમાં આધ્યા પોતાની વ્હારે આવેલા વ્યક્તિનો ચહેરો ઓળખી ગઈ.

"આદિત્ય...આદિત્ય...!" આશ્ચર્ય અને આનંદથી મિશ્રિત શબ્દો સાથે આધ્યાએ આદિત્યના આગમનને અંતઃકરણથી વધાવી લીધું.

***********

ક્રમશઃ

આગળ શું થવાનું છે એ જાણવા વાંચતા રહો આ સુપર સસ્પેન્સ હોરર નવલકથા "પ્રતિશોધ". આ નવલકથા દર મંગળવારે અને શુક્રવારે રાતે આઠ વાગે આવશે એની નોંધ લેવી.

આ નવલકથા અંગે તમે તમારાં કિંમતી મંતવ્યો મારાં whatsup નંબર 8733097096 પર કે પછી ફેસબુક આઈડી author jatin patel પર આપી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન અને સેલ્ફી નામક નવલકથાઓ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર  મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન, ડેવિલ રિટર્ન, બેકફૂટ પંચ, ચેક એન્ડ મેટ

સર્પ પ્રેમ, અધૂરી મુલાકાત, આક્રંદ:એક અભિશાપ.

હવસ, હતી એક પાગલ, પ્રેમ-અગન, રુદ્રની પ્રેમકહાની

અને  મર્ડર@રિવરફ્રન્ટ

~જતીન.આર.પટેલ (શિવાય)