પ્રતિશોધ તૃતીય અંક: - 10 Jatin.R.patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રતિશોધ તૃતીય અંક: - 10

પ્રતિશોધ તૃતીય અંક:

ભાગ-10

બસો વર્ષ પહેલા, માધવપુર, રાજસ્થાન

આકા વઝુમની દીકરી કુબા માધવપુરમાં જ છે અને એના લીધે જ વિક્રમસિંહનો જીવ ગયો હતો એ વાતની ખાતરી થતા જ માધવપુરના રાજગુરુ ભાનુનાથ કુબાનો ખાત્મો કરવા ધર્મશાળા તરફ અગ્રેસર થયાં, જ્યાં પદ્માના ગર્ભમાંથી કાલરાત્રી નામક શૈતાન અવતરે એ માટેની શૈતાની વિધિ કુબા પૂરા જોરશોરમાં કરી રહી હતી.

આ તરફ માધવપુરના સૈન્યની સામે અર્જુનસિંહની આગેવાની ધરાવતું બાડમેરનું સૈન્ય ભારે પુરવાર થઇ રહ્યું હતું. ઘણી તરકીબો લગાવ્યા છતાં વિરસેન માધવપુરમાં પ્રવેશવા માંગતા અર્જુનસિંહને રોકવામાં નિષ્ફળ પુરવાર થઈ રહ્યા હતા.

"એકપણ દુશ્મન કિલ્લાની અંદર આવવો ના જોઈએ.." વિરસેન ઊંચા અવાજે પોતાના સાથી સૈનિકોને ઉદ્દેશીને કહી રહ્યો હતો. "ગરમ તેલ, તીર અને ભાલાનો ઉપયોગ કરી દુશ્મનોને કિલ્લાની દીવાલો પર ચડતા રોકો."

"આમ કરતા જો તમારો જીવ ચાલ્યો જશે તો તમે વીરગતિ પામ્યા કહેવાશો, રાજપૂત માટે આનાથી વધુ ઉત્તમ મૃત્યુ બીજું ના હોઈ શકે."

વિરસેન દ્વારા કહેવામાં આવેલા આ શબ્દોએ દુશ્મનની તાકાત જોઈને માધવપુરના સૈનિકોના ઠંડા પડેલા જુસ્સાને પુનઃ જાગૃત કરવાનું કાર્ય કર્યું. અર્જુનસિંહના ધ્યાનમાં આખરે આ વાત આવી ગઈ કે વિરસેન એની અને માધવપુરની વચ્ચે ચટ્ટાન બનીને ઊભો હતો. જો માધવપુર જીતવું હોય તો વિરસેનને કોઈપણ ભોગે ખતમ કરવો જ રહ્યો. આ વિચાર સાથે જ અર્જુનસિંહે વિરસેનને મારવાની યોજના બનાવવાનું મનોમન આરંભી દીધું.

*********

પદ્માને થઈ રહેલી પ્રસવ પીડા હવે હદ વટાવી ચૂકી હતી, એની આ હાલત જોઈને રાજવૈદ્ય દ્વારા પોતાની સહાયક નંદિતાને પ્રસુતિ માટેની તૈયારીઓ કરવા માટે જણાવી દીધું. ગૌરીદેવી પોતાની પુત્રવધુની જોડે બેસીને એને ધીરજ રાખવા જણાવી રહ્યા હતા, પણ પદ્મા એ હાલતમાં જ નહોતી કે એમની વાત સમજી શકે. કુબાની તાંત્રિક વિધિ હવે એના ખરા રંગમાં આવી ચૂકી હતી, પદ્માના ઉદરમાં રહેલા ગર્ભની આત્માનું ભક્ષણ કરી કાલરાત્રી નામક શૈતાન એ ગર્ભમાં પ્રવેશ મેળવી ચૂક્યો હતો.

એ શૈતાનની શક્તિઓના લીધે જ પદ્માની હાલત હવે ગંભીર બની ચૂકી હતી, એ હવે થોડી જ ક્ષણોની મહેમાન હતી કેમકે કાલરાત્રી નામક શૈતાન થોડી જ વારમાં એના ઉદરને ચીરીને બહાર આવવાનો હતો.

***********

કુબા હવે પોતાની બધી જ શક્તિઓને કામે લગાડી કાલરાત્રી નામક શૈતાનની ઉત્તપત્તિમાં કોઈ વિઘ્ન ના આવે એ માટે મંત્રોચ્ચાર કરી રહી હતી. એના નગ્ન શરીર પર હવે લોહીની ટશરો આપમેળે ફૂટી નીકળી હતી. એની આંખો રક્ત સમી લાલાશ ધારણ કરી ચૂકી હતી. કાચા-પોચા હૃદયનું વ્યક્તિ કુબાને નિહાળે તો આઘાતથી મૃત્યુ પામે એવી ભયાવહ અત્યારે એ લાગી રહી હતી.

માધવપુરના માથે કાળા ડિબાંગ વાદળો ઘેરાઈ આવ્યા અને હવા પણ ખૂબ જ ગતિમાં વહેવા લાગી. રાત આવ્યા પહેલા વાતાવરણમાં આવેલો આ તીવ્ર પલટો જોઈ ભાનુનાથે પોતાના પગની ગતિ વધારી અને ધર્મશાળાની અંદર પ્રવેશ કરી લીધો.

પોતાની દિવ્ય શક્તિથી કુબાની હાજરીનું પાકું અનુમાન લગાવતા રાજગુરુ ભાનુનાથ કુબા જ્યાં તાંત્રિક વિધિ કરી રહી હતી એ ઓરડાના સામે આવી પહોંચ્યા.

સમય વ્યય કર્યાં વિના ભાનુનાથે લાત મારીને ઓરડાનો દરવાજો તોડી નાંખ્યો, જેવા એ અંદર પ્રવેશ્યા એ સાથે જ એમની નજર પાગલની જેમ નૃત્ય કરતા-કરતા મંત્રોચ્ચાર કરી રહેલી કુબા પર પડી. કુબા નગ્ન હાલતમાં હોવાથી ભાનુનાથે એકવાર તો પોતાની નજર ઘુમાવી લીધી પણ પછી પોતાના મનને મક્કમ કરી એ શૈતાની સ્ત્રીનો મુકાબલો કરવા પોતાની જાતને સજ્જ કરી.

"એય..આ બધું અહીં જ અટકાવી દેજે..નહીતો હું તને જીવિત નહીં છોડું." ક્રુદ્ધ સ્વરે ધમકી ઉચ્ચારતા ભાનુનાથે કહ્યું.

ભાનુનાથની આ ધમકી કુબાએ સાંભળી હોવા છતાં એને એ તરફ કોઈ ધ્યાન ના આપ્યું અને પોતાની વિધિને અંત તરફ લઈ જવા મંત્રોચ્ચાર ચાલુ જ રાખ્યા. કુબાનો આવો નિર્ભય વ્યવહાર જોઈને ભાનુનાથને પારાવાર ગુસ્સો આવ્યો અને એમને પોતાની દિવ્ય શક્તિઓને આહવાન આપી કુબાને સબક શીખવાડવાનું નક્કી કરી લીધું.

આંખો બંધ કરી, કોઈ ભેદી મંત્ર વડે ભાનુનાથે એક દિવ્ય શક્તિનું ગોળા સ્વરૂપે સર્જન કર્યું અને એને કુબાની તરફ ફેંક્યો. એ દિવ્ય શક્તિની સામે બેધ્યાન કુબા ઝાઝું સમય ટકી ના શકી અને એ જોરથી ઓરડાની દીવાલ સાથે અથડાઈ. આ ટક્કર એટલી જોરદાર હતી કે દીવાલમાં બાકોરું પડી ગયું અને કુબા બહાર ખુલ્લા ભાગમાં આવી પહોંચી.

 

આમ છતાં કુબાએ મંત્રોચ્ચાર ચાલુ રાખ્યા એટલે ભાનુનાથ આવેશમાં આવી કુબાની નજીક આવી પહોંચ્યા.

"નીચ ઓરત, મને ખબર છે કે તારા જ લીધે વિક્રમનો જીવ ગયો છે અને તે જ રેવતીની હત્યા કરી છે." કુબાની ગરદનને પોતાના જમણા હાથ વડે ભીંસી ભાનુનાથ બોલ્યા. "તને આની સજા અવશ્ય મળશે."

 

એકાએક કુબાએ પોતાની આંખો ખોલીને ભાનુનાથ તરફ જોયું, કુબાની આંખોમાં કોઈ જાતનો ભય ડોકાતો નહોતો એનું પારાવાર આશ્ચર્ય ભાનુનાથને થઈ રહ્યું હતું.

 

"હા, મેં જ તારા રાજાની વિષ આપી હત્યા કરાવી છે..તારે મને જે સજા આપવી હોય એ આપ..કેમકે, મને મોતનો હવે ડર નથી." કુબાના અવાજમાં વિચિત્ર ભેદ હોવાનું લાગતા ભાનુનાથે એની ગરદનને વધુ જોરથી દબાવી અને પૂછ્યું.

"મને ખબર છે કે તું અહીં ફક્ત વિક્રમની હત્યા કરવા તો નહોતી જ આવી. સાચે સાચું જણાવી દે, અહીં આવવાનો તારો મકસદ શું હતો?"

"ના જણાવું તો?" કટુ સ્મિત વેરતા કુબા સામો પ્રશ્ન પૂછતા બોલી.

"તો હું તને અબઘડી ખતમ કરી દઈશ." ભાનુનાથનો ગુસ્સો હવે સાતમા આસમાને પહોંચી ચૂક્યો હતો.

"મને ખતમ કરવાથી કંઈ નહિ વળે..કેમકે મારુ કામ હવે પૂર્ણ થઈ ચૂક્યું છે." કુબા આકાશ ભણી જોતા બોલી. "તમારી મહારાણીની કૂખે એ જન્મ લેવાનો છે જેનો અંત કરવો તારા હાથમાં નથી..શૈતાનોનો રાજા કાલરાત્રી!"

 

કુબાના આ શબ્દો સાંભળી ભાનુનાથે એની ગરદનને આવેશપૂર્વક દબાવીને કુબાના શ્વાસ અટકાવી દીધા. જેવી કુબાની ગરદનને ભાનુનાથે છોડી એ સાથે જ એ પડછાયો બનીને ત્યાંથી એ રીતે અદ્રશ્ય થઈ ગઈ જાણે એનું કોઈ અસ્તિત્વ જ નહોતું!

 

કુબાનો ખાત્મો કર્યાં બાદ કાલરાત્રી નામક શૌતાનના જન્મ પહેલા જ એનો અંત આણવાના ઉદ્દેશથી ભાનુનાથ રાજમહેલ તરફ ચાલી નીકળ્યા. પદ્માના કૂખે જન્મ લેનાર બાળક કાલરાત્રી હોવાની વાત સાંભળી ભાનુનાથ હેબતાઈ ગયા હતાં, સગા હાથે પોતાના રાજાની સંતાનની હત્યાનું પાપ કરવાનું છે એ જાણતા હોવા છતાં માનવ સભ્યતાને બચાવવા ભાનુનાથ આ કાર્ય કરવા પોતાની જાતને મનાવી ચૂક્યા હતાં.

***********

કુબાના મૃત્યુ પછી પણ શૈતાની શક્તિઓને અટકાવવું જ્યાં અઘરું બની ચૂક્યું હતું ત્યાં અર્જુનસિંહની સામે ટક્કર લઈ રહેલા વિરસેને પોતાના સૈન્યમાં જુસ્સો ટકાવી રાખવામાં સફળતા મેળવી હતી. વિરસેનની આવી અડગતા અને વિરતા જોઈ રઘવાયેલા અર્જુનસિંહે વિરસેનને મોતને ઘાટ ઉતારવાની યોજના બનાવી.

 

કુબાને માધવપુરમાં પ્રવેશ આપવાની યોજના મુજબ કુબાની સાથે અન્ય વીસ-પચ્ચીસ લોકો પણ વેશ બદલીને માધવપુરમાં પ્રવેશ મેળવી ચૂક્યા હતાં. આ લોકોમાં મોટાભાગે સ્ત્રીઓ હતી અને પાંચેક પુરુષો હતાં. આ બધા જ અર્જુનસિંહના સૈન્યના ખાસ તાલીમબદ્ધ યોદ્ધાઓ હતાં જેમને અહીં મોકલ્યા પહેલા અર્જુનસિંહ દ્વારા અમુક જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતાં અને એ જ સૂચનોમાંથી એક સૂચન એ પણ હતું કે જ્યારે બહારની તરફથી અગ્નિબાણ વરસાવવામાં આવે એ જ ઘડીએ એ લોકોએ એકસાથે કિલ્લાનું રક્ષણ કરતા માધવપુરના સૈન્ય પર ઓચિંતો હુમલો કરી મૂકવો.

 

આમ કરવામાં એમનો જીવ ભલે જાય પણ એ લોકો પાછીપાની નહિ કરે એવા શપથ એ લોકોને લેવડાવવામાં આવ્યા હતાં. પોતાના આ ખાસ વફાદાર સૈનિકો પોતાની દરેક આજ્ઞાનું અક્ષરશઃ પાલન જરૂર કરશે એ જાણતા અર્જુનસિંહે પોતાના સૈન્યના તિરંદાજોને અગ્નિબાણ ચલાવવાનો આદેશ આપ્યો.

 

આદેશ મળતા જ બાડમેરના તિરંદાજોએ પોતાના તીરની આગળ કપડાનો ટુકડો વીંટી એને પહેલા તેલમાં બોળ્યો અને ત્યારબાદ એમાં આગ લગાવી દીધી. જ્યારે આ અગ્નિબાણોને પોતાના ધનુષ પર ચડાવી તિરંદાજોએ હવામાં છોડ્યા ત્યારે આકાશમાંથી જાણે ઉલ્કાવર્ષા થઈ હોય એવો ભાસ થયો.

 

માધવપુરના સૈન્યની સાથે માધવપુર કિલ્લાની અંદર મોજુદ બાડમેરના સૈનિકોએ પણ આ દ્રશ્ય નિહાળ્યું. કુબાની મોતનું દ્રશ્ય પણ એ લોકોએ થોડા સમય પહેલા જ નિહાળ્યું હતું, પણ જાણીજોઈને એમાંથી કોઈ કુબાને છોડાવવા વચ્ચે ના પડ્યું. કુબાએ એમના રાજાનું સોંપેલું કામ કરી દીધું હતું, પછી કુબા જીવે કે મરે એનાંથી અર્જુનસિંહના આ સૈનિકોને કોઈ નિસબત નહોતી.

 

અર્જુનસિંહ દ્વારા આપવામાં આવેલા સંકેતને પારખી વણઝારા વેશે આવેલા બાડમેરના સૌનિકોએ કિલ્લાની અંદરની તરફથી માધવપુરના સૈનિકો પર હથિયારો સાથે હલ્લો બોલાવી દીધો.

 

બહાર મોજુદ દુશ્મનો સાથે મહાપરાણે લડી રહેલું માધવપુરનું સૈન્ય આ પ્રકારના હુમલા માટે તૈયાર ક્યાંથી હોય! થોડી જ વારમાં તો માધવપુરના કિલ્લાનું રક્ષણ કરી રહેલું સૈન્ય વિરવિખેર થઈ ગયું અને આ સાથે જ બાડમેરનું સૈન્ય માધવપુરના ઉગમણી દિશાના દરવાજાને તોડવામાં સફળ રહ્યું.

 

પોતે માધવપુરની રક્ષામાં અસફળ રહ્યો છે એ વાતનું દુઃખ અને ઉચાટ વિરસેનના મુખ પર ઊભરાઈ આવ્યો. હતાશ વિરસેને મનોમન પરાજય સ્વીકારી લીધો હતો ત્યાં એની નજર બાડમેરના સૈન્યની આગેવાની કરી રહેલા અર્જુનસિંહ પર પડી.

 

પોતાનું અને માધવપુરનું હવે જે થવું હોય એ થાય પણ પોતાના મિત્ર વિક્રમસિંહની હત્યા પાછળના મુખ્ય સૂત્રધાર અર્જુનસિંહને પોતે જીવિત નહિ છોડે એવી ગાંઠ વાળી વિરસેન કિલ્લાની દીવાલ પરથી કૂદકો મારીને નીચે આવ્યો અને વિજળીવેગે અર્જુનસિંહ તરફ ધસી ગયો.

વિજયના નશામાં ચૂર અર્જુનસિંહ એ બાબતથી સાવ અજાણ હતો કે વિરસેન કાળ બનીને એની તરફ આગળ વધી રહ્યો છે.

***********

ક્રમશઃ

આગળ શું થવાનું છે એ જાણવા વાંચતા રહો આ સુપર સસ્પેન્સ હોરર નવલકથા "પ્રતિશોધ". આ નવલકથા દર મંગળવારે અને શુક્રવારે રાતે આઠ વાગે આવશે એની નોંધ લેવી.

આ નવલકથા અંગે તમે તમારાં કિંમતી મંતવ્યો મારાં whatsup નંબર 8733097096 પર કે પછી ફેસબુક આઈડી author jatin patel પર આપી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન અને સેલ્ફી નામક નવલકથાઓ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર  મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન, ડેવિલ રિટર્ન, બેકફૂટ પંચ, ચેક એન્ડ મેટ

સર્પ પ્રેમ, અધૂરી મુલાકાત, આક્રંદ:એક અભિશાપ.

હવસ, હતી એક પાગલ, પ્રેમ-અગન, રુદ્રની પ્રેમકહાની

અને  મર્ડર@રિવરફ્રન્ટ

~જતીન.આર.પટેલ (શિવાય)