સ્વાભિમાની ગરીબ છોકરાની આંખમાં અને દુઃખયારી બાઈના બેડામાં જે ચમક હોય છે એ ચળકાટ કદાચ સૂર્યના પ્રકાશને પણ ઝાંખો પાડી દે છે. દેવલના ચહેરા પરની કાળાશ એનું બેડું ઢાંકી દેતું હતું. એના માથા પર ધાતુના વજન કરતા કાશીબાના શબ્દોનો ભાર વધુ હતો. આવી દેવલ ડેલીની બહાર નીકળી કે તરત જ બીજી પનિહારીઓનો સાથ મળી ગયો. એ એમની સાથે કૂવા તરફ હાલી નીકળી. આમ તો કરણુભાના આંગણામાં કૂવો હતો, પણ એનું તળ દેવલના સુખની જેમ ઊંડું જતું રહ્યું હતું. એટલે જ નાછૂટકે એમના પરિવારને પણ બીજા ગામલોકોની જેમ પાણી ભરવા બહારના કૂવા પર જવું પડતું હતું. પહેલા તો ગામની બાઈઓ પાણી ભરી આપતી હતી પણ પછી ધીમે ધીમે એ ઓછું થવા લાગ્યું; અને એક રાજપરિવારને માથે બેડું ના ઉપાડવાની મર્યાદા તૂટવા લાગી. જો કે કાશીબાએ તો આ રેખાનું ઉલ્લંઘન કોઈ દિવસ નો'તું કર્યું પણ સરસ્વતી ક્યારેક ક્યારેક પાણી ભરી લેતી. ક્યારેક ગામલોકો તરફથી ભરવામાં આવતું; તો વળી ક્યારેક ક્યારેક ઘરના કૂવામાંથી પણ પાણી ભરી લેવામાં આવતું પણ હવે તો દેવલ આવી ગઈ હતી. આથી હવે તો કૂવાનું તળ ઊંચું આવે તોય પાણી તો બહારના કૂવા પરથી ભરાશે એવું લાગી રહ્યું હતું.
એ ડોશીના ઘરની બહાર નીકળેલા કરણુભાના હૃદયનો ઉમળકો જાણે ગળા સુધી આવી એમની જીભને શાબાશી દેવા લાગ્યો હતો. એક મીઠી વાત બોલવાથી આટલી ખુશી મળતી હશે ! તો પછી અત્યાર સુધી આટલી કડવાશ મેં કેમ ઉચ્ચારી ! મારા એ પાપોનો હિસાબ ક્યાં થતો હશે ! આવા પાપોના કરનારને આ પૃથ્વી પર જીવવાનો હક્ક છે ખરો ! આવા અઢળક સવાલો સાથે શરમથી લથપથ ચહેરાનો વજન ઉપાડીને ખુમારીના ડગલાં પાછા બજારમાં હાલતા થયા. એ માણસની કાયા પર શરમ અને ખુમારીનું અદભુત મિશ્રણ જોવા મળતું હતું. આજે એમને પહેલીવાર પોતાની જાત પર ગર્વ થતો હતો. એમનું મન કોઈ દિવસ ના અનુભવેલા આનંદનો અનુભવ કરતું હતું. એ સાચુકલા માણસની બધી ભૂલો જાણે ભગવાને માફ કરી દીધી હોય એવું અનેરું તેજ એના ચહેરા પર ઝળહળવા લાગ્યું હતું. એના 'રામકારા'માં સાચપ મહેંકવા લાગી હતી. સામે મળતા લોકોને પણ કરણુભાના બદલાવનો અંદાજ આવી ગયો હતો પણ કહેવાય છે ને કે ' દૂધનો દાઝેલો છાશ પણ ફૂંકી ફૂંકીને પીવે ' એવી જ રીતે આ વસ્તી પણ આ નવા કારણુભાનો સ્વીકાર નો'તી કરી શકતી.
કાશીબાના શબ્દોથી વેતરાઈ ગયેલી એ છોકરી સહિયરોના પગ અને વાતો સાથે તાલ મેળવવાની કોશિશ કરતી હતી. આંખોનો ગુસ્સો સમાવવા એ વ્યર્થ પ્રયત્નો કરતી હતી.
" બા, તમે તો હેતનો કટકો સો, તો પસી આમ મોં સડાવીને કાં હાલો સો ? " દેવલના ગુસ્સાને જોઈને એક પનિહારીએ તો કહી દીધું. દેવલનું ધ્યાન એ વાતમાં જાય અને કશો જવાબ આપે એ પહેલાં તો બીજી પનિહારી બોલી.
" આ પરોઢમાં પતિની સોડ સોડીને પાણી ભરવા આવવું કોને ગમે ! એમાંય બા જેવા નવોઢાને ! " સંતુ નામની એક પનિહારી થોડું જોરથી બોલી ગઈ ત્યાં તો બધા મર્યાદા જાળવીને હસી પડ્યા. એને બધી સ્ત્રીઓ સંતુ રંગીલી જ કહેતા હતા. એ થોડી આખાબોલી અને રમુજી સ્વભાવની હતી. એના આ સ્વભાવના કારણે જ ગાંજેડી પતિ સાથે દસ દસ વર્ષ કાઢી નાખ્યા હશે. દેવલના ચહેરા પર પણ થોડી શરમ સાથે નાનકડું હાસ્ય આવી ગયું.
" મુઈ, તારી તો વાતો જ આવી હોય ! એટલી સોડ વા'લી હોય તો ઈમાં જ ભરઈ રે'તી હોય તો !! શું કામ સૌથી પે'લા બેડું લઈને નીકળી જાય સે ? બીજી પનિહારીના જવાબે તો દેવલનો ગુસ્સો પણ છીનવી લીધો.
" આઈ...હાઈ..... હું તો દી' અને રાત પડી રહું પણ ગોરા જમાદાર જેવી મારી હાહુને અને રાવસા'બ જેવા મારા ધણીને કોણ હમજાવે ! " સંતુનો હાજરજવાબી સ્વભાવ દેવલને ગમી ગયો. કારણ કે આજથી દસ દિવસ પહેલા પોતે પણ આવી જ ગમ્મત કરી લેતી હતી. વાતો વાતોમાં તો કૂવાનો ઘાટ આવી ગયો. સૌએ બેડા નીચે ઉતાર્યા.
સુલતાનપુર ગામના પાદરમાં એક નાનકડું તળાવ હતું. જેનું પાણી ઢોરને પીવા અને કપડાં ધોવા કામમાં આવતું. એ તળાવની પાળ પર વડલાઓની હારમાળા હતી. અને એ જ તળાવના પેટાળમાં ત્રણ કૂવા હતા. કરણુભાના પિતા માવસંગભાએ એ ત્રણેય કૂવા ગળાવીને એને રાજસ્થાની પથ્થરથી બંધાવેલા હતા. તળાવમાં અખંડ રહેતા પાણીના કારણે જ માવસંગભાને એના પેટાળમાં કૂવા ગાળવાનો વિચાર આવેલો. ત્રણેય કૂવા પર ત્રણ-ત્રણ ગરેડી પાણી સીંચવા માટે નંખાવેલી હતી. પાણી ભરવા આવતી પનિહારીઓને એ કૂવાનો કાંઠો પોતાના પિયર જેવો લાગતો. કોઈને એ કૂવામાં બાપ, તો વળી કોઈને ભાઈ, તો કોઈક કોઈકને વા'લો કાકો દેખાતો. ક્યારેક એકલી પાણી ભરવા આવતી કોઈ મહિલા એ કાંઠે પોતાનું હૈયું હળવું કરી લેતી ત્યારે એ નિર્જીવ ત્રણેય કૂવાઓમાં પણ જીવ આવી જતો. આમ પણ આંખોને નવડાવવા માટે નિર્જીવ વસ્તુઓ જ વધુ યોગ્ય છે બાકી સજીવ ખભાઓ ક્યારે ખસી જાય એનું નક્કી નથી હોતું.
હરેક પનિહારીનો નિયમ હતો કે પહેલા તળાવને કાંઠે જઈને બેડું ધોવાનું અને પછી કૂવામાંથી પાણી ભરવાનું. આજે દેવલ પણ આ નિયમને અનુસરતી તળાવને કાંઠે બેડું ધોવા બેસી ગઈ. તળાવની માટીમાં ધોયેલા તાંબાના બેડા એકાએક ચમકી ઊઠતા હતા. પછી તો જેટલું ઘેર દુઃખ વધુ એટલી બેડાની ચમક પણ વધુ. ઘરની બધી દાઝ તળાવને કાંઠે બેડા ઘસવામાં નીકળતી હતી. હવે આ કામ સાથે વાતો ચાલુ થઈ.
" બા, ઓલો... કૂવો રિયોને ... ન્યા તમારા ગામની ઝમકુ પડી હતી. " એ બાઈ દેવલને આંગળી ચીંધીને બતાવતી હતી. " મારે અને ઝમકુને દહ દી' નો ફેર સે. હું પરણીને આવી પસી દહ દી'એ વિઠલના લગન હતા.... લો... મને હજુ યાદ સે. ઇ બિચારી સુટી જઈ. " એ પનિહારીના મને એક મોટો નિઃસાસો મુક્યો. દેવલને એ ઘટના પાછી નજર સામે આવી ગઈ. ઝમકુનું એ રુદન આછું આછું પાછું દેખાવા લાગ્યું.
" તો વિઠલનું શુ થયું ? " દેવલે પહેલીવાર પોતાની જીભ ઉપાડી.
" વાહ ! જેવું રૂપ સે એવી જ ગળાની મીઠાશ પણ સે ! " સંતુ વચ્ચે જ બોલી પડી.
" વિઠલની કથા તો બહુ લાંબી સે. ઇ તો ચારેક સમો મળશે તો હંભળાવશું. અતારે હાલો નહિ તો પસી હાહુ, નૉ હંભળાવવાનું હંભળાવશે. " આ સાથે જ કૂવાની છએ ગરેડીનો અવાજ ચાલુ થઈ ગયો. દેવલે બીજાને ખાલી કૂવા પર જવા કહ્યું પણ બધાએ એવો જ જવાબ આપ્યો કે
' અહીં જ ભરી લઈએ. ' પણ દેવલના મનમાં એક શંકા બેસી ગઈ. કારણ કે આ એ જ કૂવો હતો જે થોડીવાર પહેલા એને બતાવવામાં આવ્યો હતો.
કરણુભા જ્યારે પુરા ગામની પ્રદક્ષિણા કરીને ગામના ચોરે પહોંચ્યા ત્યારે દેવલ છેલ્લું બેડું ભરીને ઘેર પહોંચી ગઈ હતી. હરેક આંટા પર મળતી કડવી દવા દેવલને થાકવા નો'તી દેતી. એટલે જ સવારે ત્રણ વાગ્યાની જાગેલી છોકરીને અગિયાર બેડા પાણી લાવી છતાં થાકની એક રેખા પણ નો'તી દેખાતી. સમશેરસિંહ તો ખેતર જતા રહ્યા હતા. ઘેર કાશીબા, સરસ્વતી અને દેવલ જ હતા. પછી શું બાકી રે ! એક પછી એક વેણ જાણે હળાહળ વિષમાંથી કાઢેલા તીરની માફક દેવલને મારતા રહ્યા. દેવલ પણ ઘવાયેલા હરણીની જેમ આમથી તેમ દોડાદોડ કરતી કામ કરતી જતી હતી. થોડો થોડો ગુસ્સો પોતાની જ જાત પર કાઢી લેતી હતી. આવો જ ઉગેલો દિવસ પાછો આથમી ગયો.
" સેજલ હવે તો સાત દિવસ રહ્યા કાં ? " હમીરભા વ્યાળું કરતા કરતા સેજલબાને પૂછી રહ્યા હતા.
" ઇના કરતા એવું ગણોને.....કે હજુ બે દિવસ થયા સે. અને સાત દિવસે તેડવા જવાનું સે. તમને તો સાડા આઠ દિવસે મળશે. અટલે બવ હરખઘેલા નો થાશે. "
" પણ ઇ તો હુંય હારે જઈશ... ને તેડવા. "
" બોલતા ભૂંડા નથી લાગતા ? છોડીને તેડવા કોઈ બાપ જાય. કોઈને કે'તાય નઈ. નકર તમને કોક ગાંડા ગણશે. "
" લે પણ હું તો ગામ પાદર ... ખેતરૂમાં ઉતરી જઈશ. ભીખુ દેવલને લઈને પાસો આવે તારે પાસો ગાડાંમાં બેહી જઈશ. "
" તમે બોલ્યા વગર ખાવાનું કરો ને !! " બંને દંપતી વચ્ચે હાસ્યનું મોજું ફરી વળ્યું. અજમલ પણ રોટલાના કટકા કરતો હસવા લાગ્યો. એ બાપનો હરખ સમાતો નહોતો. એને જલ્દી દીકરીને મળવાની ઈચ્છા વધતી જતી હતી. એટલે જ સાત દિવસ પછી પગ પાછા કરવા આવતી દીકરીના દિવસો ગણી રહ્યો હતો.
સુલતાનપુરમાં વ્યાળું-પાણી થઈ ગયા હતા. છેલ્લે એકલી દેવલ જમવા બેઠી હતી. હંમેશા પોતાના બાપ પાસે બેસીને જમતી દેવલને આજે હમીરભા બહુ યાદ આવ્યાં. કારણ કે આજે આખો દિવસ કાશીબાના શબ્દો અને અધૂરામાં પૂરું બંને સમયે જમવામાં એકલી જ; સમશેરસિંહ અને કરણુભા સાથે બેસીને જમી લે ત્યારબાદ કાશીબા અને સરસ્વતી જમવા બેસે અને એ પણ જમીને ઊભા થાય પછી જ દેવલે જમવા બેસવાનું આવો નિયમ કાશીબાએ બે જ દિવસમાં ઘડી નાંખેલો. દેવલ હજુ તો વ્યાળું જ કરતી હતી ત્યાં કરણુભા થોડા કાગળિયા લઈને ઘરની બહાર નીકળી ગયા. કદાચ એ ડોશીનું ખેતર પાછું આપવા માટે જ ગયા હશે.
આવી જ રીતે દિવસો વીતવા લાગ્યા. દેવલને તો ઘુવડની જેમ રાત પડે અને આનંદ આવતો. પોતાના પતિ સાથે બે મીઠી વાતો કરવાની અને એક દિલાસાભર્યો અવાજ સાંભળવાની તક એને રાત્રે જ મળતી હતી. એની હરેક રાત ટૂંકી અને દિવસ લાંબો થઈ પડતો. આવી જ રીતે છ રાત્રિ પડી અને પાછી ઊભી થઈ.
ક્રમશ: ......
લેખક: અરવિંદ ગોહિલ