અમાસનો અંધકાર - 33 - છેલ્લો ભાગ શિતલ માલાણી દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અમાસનો અંધકાર - 33 - છેલ્લો ભાગ

જવાનસંગે આજ જાહેર કરી જ દીધું કે મંદિરનું નિર્માણ થયું છે એની પ્રાણપ્રતિષ્ઠા જે દિવસે થાય એ જ દિવસે એ વિધવાઓને કેદમાંથી આઝાદ કરશે. આ તો જવાનસંગ છે એના મતલબ માટે એ કાંઈ પણ કરી શકે એમ છે.

નવરાત્રિ પૂરી થાય ને તરત જ દશેરાનું મોટો સમારંભ યોજવાનું નક્કી થયું છે. આખા નગરમાં તડામાર તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે. આસપાસના તમામ ગામના લોકોને આમંત્રણ આપવા જુવાનસંગે માણસો દોડાવ્યા છે. બાકી બધી દેખરેખ નારદ અને ચતુર જ સંભાળે છે. નારદને બધી વિધવાઓને મંદિરની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા સમયે ત્યાં હાજર કરવાની જવાબદારી સોંપવામાં આવે છે.

કાગડોળે બધા દશેરાના દિવસની રાહ જોઈ રહ્યા છે. એ વિધવા સ્ત્રીઓના પરિજનો તો જાણે જમીનદાર ખુદ ભગવાન હોય એમ એના વિશે ગુણગાન ગાય છે. બધા પોતાના પરિવારની વધૂ, માતા કે દીકરીઓને મળવા આતુર હોય છે. જમીનદારના મનમાં ચાલતા પ્રપંચને કોઈ કળી શકતું નથી.

આ બાજુ કાળ હવેલીમાં પણ બધી સ્ત્રીઓ મનોમન નવરાત્રિમાં આદ્યશક્તિને આરાધે છે. રોમરોમ માવડી જગદંબા એમને હૈયે અનેરા સાહસનો શકિતસંચાર કરે છે. બધી વિધવાઓએ માનભેર ત્યાં જવાનું નક્કી કર્યું છે. હા, કમરે કટાર જોડે લઈને. જરૂર પડયે હથિયાર ઉગામવા એ બધી સુસજ્જ છે. શ્યામલીને તો કંઈક અજુગતું બનશે જ એવા એંધાણ થાય છે. જમીનદારની બન્ને પત્નીઓને પણ અપશુકનના સામના કરવા પડે છે. એક જ વ્યક્તિ વાસનાની જયોતે ઝળહળે છે એ છે જમીનદાર જવાનસંગ. એને માન- અપમાન, સત્ય-અસત્ય એ બધાથી પર એક શ્યામલી જ દેખાય છે.

અંતે એ દિવસ આવી જ ગયો. આજ દશેરાની તિથીને આવકારતો સૂરજ પણ આભે ધીમે-ધીમે પગરવ માંડે છે. વહેલી સવારથી પૂજાપાઠ અને હોમહવનના ધ્વનિથી આખો માહોલ 'મા' નવદુર્ગાના રંગે રંગાઈ ગયો છે. કાળુભા અને ચંદાની બેબાક નજર સૂના પણ શણગારેલા રસ્તે સ્થિર છે. આજ એની દીકરીનું મોં જોવા મળશે. બે વર્ષથી પિંજરે પૂરાયેલ પંખીની ઝલક તો જોવા મળશેને એ આશાએ એ માવતર દિલમાં ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે.

મંદિરમાં મૂર્તિની સમક્ષ માનવકદનો અરિસો આડશ બનાવીને ગોઠવી દીધો છે. શુભ મંત્રોચ્ચારથી સાક્ષાત 'મા જગદંબા' એમાં પ્રાણ પૂરશે એવી માન્યતા આજ સાચી ઠરશે. સાધુ-સંતો, સમાજના અગ્રણી અને આમંત્રિતોની વચ્ચે જ્યારે એ વિધવાઓનું આગમન થશે ત્યારે કેવી ભાવભરી લાગણીઓ વરસશે એ જોવા સૌ શાંત બની બેઠા છે.

જવાનસંગ અને એની પત્ની પૂજામાંથી ઊભા થાય છે. આંખના એક ઈશારે શણગાર કરેલા વેલડા પર એ શકિતસમી વીરાંગનાઓ આવી રહી છે. બધી સ્ત્રીઓ જાણે ચોસઠ જોગણી આજ અન્યાયને નાથવા જ આવી રહી હતી.આજ શુભ પ્રસંગ છે એટલે બધાને કેસરિયા રંગના વસ્ત્રો મોકલાવ્યા હતા જમીનદારે. એ કેસરીયો વાયરો મનમાં કંઈ કેટલી વિટંબણા સાથે એ મંદિરના પ્રાંગણમાં પહોંચે છે. બધા એક જ નજરે એ દ્રશ્ય જોવે છે. ફૂલોની પથરાયેલી ચાદર પર તમામ વિધવાઓ પોતાના પગ માંડે છે અને જમીનદારનો જયકાર માનવમેદનીએ ચાલું કર્યોં છે.

એક એક વિધવા સ્ત્રીઓના પગને દૂધ અને ગંગાજળથી ધોઈને બધાને આસન આપવામાં આવે છે. નઠારા જવાનસંગે નાની વયની વિધવાઓના પગને જે રીતે સ્પર્શ કર્યા છે એની દાઝ એ વિધવાના રોમેરોમ સળગી રહી હતી. જાણીજોઈને શ્યામલીના પગ છેલ્લે ધોવામાં આવે છે. એના પગને કુમકુમ તિલક કરી જમીનદાર ધન્ય થયો હોય એમ ઝૂમવા માંડે છે. મગરમચ્છના આંસુ વહાવે છે. દેખાવ કરવા ભાવુકતાની સાથે એ ગળગળા સ્વરે બોલે છે "હું આજથી આ નરકની જીંદગી જીવતી તમામ સ્ત્રીઓને આઝાદી આપું છું અને આ શ્યામલીને મારી પત્ની બનાવી એનો સ્વીકાર કરું છું જેથી સમાજમાંથી વિધવાઓ પ્રત્યે જે અણગમો છે એ દૂર થાય અને એમની નવી જીંદગીને એ પણ માણી શકે.

બધા આ વાત સાંભળી તદ્દન મૌન બની ગયા. શ્યામલી તો જ્વાળામુખીની આગ ઓકવા તૈયાર જ હતી. એણે જમીનદારને લાત મારી જમીન પર પછાડી દીધો અને એના ગળે કટાર રાખી બોલી " તે એવું કેમ વિચારી લીધું કે હું તારા આ પ્રસ્તાવને અપનાવી લઈશ? " જમીનદારને ભોંય પર પડેલો જોઈ ચતુરના માણસોએ શ્યામલીને ઘેરવા હાકલ પાડી. એ સાથે જ બધી વિધવાઓ હાથમાં કટાર સાથે શ્યામલીની ફરતે રક્ષક બની ઊભી રહી. રૂકમણીબાઈએ તકને સમજતા ઝડપથી ચતુરના પેટમાં કટાર ભોંકી દીધી અને એક ઘવાયેલ સિંહણ ગર્જતી હોય એવા બુલંદ અવાજે બોલી " દીકરી, તું પૂછતી હતી ને કે બાપૂનું મોત કેમ થયું એ કહો! જો આ કપાતરોએ મારા દીકરા અને ધણી બેયનો ભોગ લીધો છે." એક ઊંડા નિઃસાસો નાંખતા એ બાઈએ નકામું ઘાસ નીંદતી હોય એમ જ ચતુર કંઈ સમજે એ પહેલા જ કટારના ધારદાર ઘાથી એના મોતની કારણ બની.

શ્યામલીએ તો આ વાત સાંભળી એ સાથે જ પ્રચંડ તાકાતથી જમીનદારના ગળાને વેંતરી કાઢ્યું. એના લોહીના છીંટા એના ભાલે રક્ત તિલક કરી રહ્યાં હતા. કેસરીયા વસ્ત્ર, રક્ત તિલક અને આંખોમાં બદલાની આગમાં એ સાક્ષાત જગદંબા જ લાગતી હતી. શ્યામલીના એક નહીં પણ અનેક ઘાએ જમીનદારના પ્રાણ છીનવી લીધા અને એ સાથે જ મંદિરમાં માતાજીની મૂર્તિ સામે રખાયેલ અરીસો એક ઝાટકે જ ચૂરચૂર થઈ જમીન પર વેરાઈ ગયો. હાં, માતાજીમાં પણ પ્રાણ પૂરાયા..

બધા સ્તબ્ધ થઈ ગયા હતા. પળભરમાં ખૂની ખેલ ખેલાઈ ગયો. એક મહિષાસુર કે રાવણ ફરી ઢળી પડયો. અધર્મ અને અસત્યનું આયુષ્ય ઓછું જ હોય એ વાત શ્યામલી લોહીયાળ હાથે સમજાવી ગઈ. થોડીવાર પછી શ્યામલી મન મૂકીને રડી વીરસંગની યાદમાં. એ વીરસંગની પત્ની બની કે ન બની પણ એક વિજોગણ જરૂર બની ગઈ. એ જગદંબાના મંદિરની પૂજારણ બની ગઈ અને એ નગરમાં કાયમ માટે વસી ગઈ.

શ્યામલીને સપનાં કયારેય ન ફળ્યા. એ શ્યામલીનું જીવન સંઘર્ષથી ભરપૂર જ હતું.એનો સંઘર્ષ સ્ત્રીઓને સમાજને ખોટા અન્યાય સામે ઝઝૂમતા શીખવી ગયું. એક ધ્યેય, એક દિશા અને એક મક્કમ ઈરાદો મનોવાંછિત પરિણામ પેદા કરવાની તાકાત ધરાવે છે. શ્યામલી આજ પણ જીવે છે એના વીરસંગની યાદો સાથે...

--------- (સંપૂર્ણ) -----------

લેખક : શિતલ માલાણી
૨૫-૧૦-૨૦૨૦
રવિવાર
દશેરા