ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન-1 - 29 Jatin.R.patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન-1 - 29

ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન-1

ભાગ:-29

જુહાપુરા, અમદાવાદ

સફળતા જ્યારે હાથ વેંત છેટે હોય ત્યારે ઉન્માદ, રોમાંચની સાથે એક ગજબની બેચેની પણ મનને ઘેરી વળે છે. કારણ છે કે તમે હવે આટલે સુધી આવીને સફળતાથી વંચિત રહી જવા નથી માંગતા; આમ પણ હાથમાં આવેલી બાજી પલટાઈ જવાનો અજાણ્યો ભય સતત મનને ઘેરી વળતો હોય છે.

લશ્કર એ તોયબાના કમાન્ડર ઈન ચીફ અકબર પાશાના ભાઈ અને ગુવાહાટી બૉમ્બ વિસ્ફોટનાં માસ્ટર માઈન્ડ એવા અફઝલ પાશાને પકડવાની યોજના સાથે એસીપી રાજલ દેસાઈ અને કેવિન જોસેફ નામક રૉ એજન્ટ અફઝલ જ્યાં છુપાયો હતો એ સ્થળ સુધી આવી પહોંચ્યા હતાં. ગુજરાતમાં લશ્કર દ્વારા જે આતંકવાદી હુમલો થવાનો હતો અને રોકવા અફઝલનું પકડાવું અત્યંત આવશ્યક હતું એ જાણતા રાજલ અને કેવિન પોતાના કામને લઈને ખૂબ જ મુસ્તેદ હતાં.

રાજલ અને કેવિન ત્રણ માળની એ ઈમારતના આગળ હતા જ્યાં અફઝલ મોજુદ હતો. આ ઈમારતનાં ગ્રાઉન્ડ ફ્લોર પર શટર ધરાવતી ત્રણ દુકાનો હતી; જેમાંથી બે દુકાનો બંધ હતી અને એકમાં ભંગાર ભર્યો હતો, જે દર્શાવતું હતું કે એ કોઈ ભંગારવાળાની દુકાન હતી. રાજલને મળેલી માહિતી મુજબ અફઝલ બીજા માળે રહેતો હતો.

રાજલે કેવિન તરફ એકવાર નજર કરી ગરદન હલાવી કંઈક ઈશારો કર્યો અને ઈમારતની સીડીઓ તરફ ચાલી નીકળી. બુરખામાં સજ્જ રાજલ પ્રથમ માળે પહોંચી અને ફટાફટ ત્યાં કોણ રહેતું હતું એનું નિરીક્ષણ કર્યું; ત્યાં આવેલા ત્રણ મકાનોમાંથી એક મકાન ખુલ્લું હતું જેમાં એક વૃદ્ધ મુસ્લિમ મહિલા સિવાય વધારાનું કોઈ વ્યક્તિ રાજલની નજરે ના ચડ્યું.

જો ભૂલેચૂકે રિવોલ્વરનો ઉપયોગ કરવાની નોબત આવે તો કોઈ ચિંતા નથી એમ વિચારી રાજલ આખરે બીજા માળે જઈ પહોંચી. ત્યાં અફઝલના માણસો હાજર હશે એ જાણતી હોવા છતાં રાજલે પોતાની યોજના મુજબ જ વર્તવાનું નક્કી કર્યું. એ હાંફળી-ફાંફળી બનીને દોડતી-દોડતી બીજા માળે આવી અને જોરજોરથી શ્વાસ લેવા લાગી.

રાજલે ત્રાંસી આંખે જોયું કે બે વ્યક્તિઓ એને જોઈ એની તરફ આવી રહ્યાં હતાં, જેમાં એકનાં હાથમાં ધારદાર ચાકુ દ્રશ્યમાન થઈ રહ્યું હતું. એ લોકો જોડે રિવોલ્વર હોવાની શક્યતાને પણ રાજલે ચકાસી જોઈ; પણ એને નોંધ્યું કે એ બંનેમાંથી કોઈ જોડે બંદૂક નહોતી.

"સારું થયું!" મનોમન આટલું કહી રાજલ દોડીને એ બે વ્યક્તિઓ જોડે પહોંચી અને ગળગળા અવાજે એમની સમક્ષ હાથ જોડીને કરગરતા બોલી.

"મને બચાવી લો, એક વ્યક્તિ મારો પીછો કરે છે."

"તમે કોણ છો?" ચાકુધારી વ્યક્તિએ આશ્ચર્ય સાથે રાજલને પૂછ્યું. "અને કોણ તમારો પીછો કરે છે?"

"મારું નામ નરગીસ છે, હું મારી ખાલાનું ઘર શોધતા અહીં આવી હતી." રાજલે ઢીલા સ્વરે કહ્યું. "મેં એક સેલ્સમેનને એડ્રેસ પૂછ્યું તો એને મારો હાથ પકડી અભદ્ર માંગણી કરી, હું હાથ છોડાવીને ભાગી તો એ મારો પીછો કરતાં અહીં આવી પહોંચ્યો."

"રફીક, ચાલ જઈને જોઈએ કે કોણ હરામી છે જે આપણા કોમની મહિલાને પરેશાન કરે છે." પોતાની જોડે ઊભેલાં વ્યક્તિને ઉદ્દેશીને ચાકુધારી બોલ્યો. એની વાત સાંભળી રફીકે ગરદન હલાવી અને સીડીઓ તરફ અગ્રેસર થયો. રાજલ પોતાની યોજનાનાં આગળનાં ચરણ અંગે વિચારતી અફઝલ જે ઘરમાં હતો એનાથી થોડે દૂર ઊભી રહી.

"આલ્ફા,બંને બેટરીઓ ડાઉન..!" રાજલના કાનમાં લગાવેલા એરબડમાં કેવિનનો જોશીલો અવાજ સંભળાયો, જેનો અર્થ હતો કે કેવિને એ બંનેને ખતમ કરી દીધા છે અથવા તો અમુક સમય માટે બેહોશ.

આમ થતાં જ રાજલ દોડીને અફઝલ પાશા જ્યાં હતો એ ઘર તરફ ભાગી..એના પગરવનો અવાજ સાંભળી બે બંદૂકધારી વ્યક્તિ ફટાક દઈને ઘરની બહાર આવ્યા. એમનો હાથ બંદૂકની ટ્રિગર પર હતો પણ આખરી ક્ષણે રાજલ એમનાંથી થોડે દૂર જમીન પર ફસડાઈ એટલે એમની આંગળીઓ ટ્રિગર પરથી પાછી હટી ગઈ.

"બચાવો, એ મને મારી નાંખશે." ફર્શ પર પડેલી રાજલ એ બંને બંદૂકધારી સમક્ષ હાથ જોડીને વિનંતી કરી રહી હતી.

"તમે કોની વાત કરો છો મોહતરમા.?" એમાંથી એક વ્યક્તિ રાજલને ઉદ્દેશીને બોલ્યો.

"એક વ્યક્તિ મારી પાછળ પડ્યો છે.." રાજલ ભયભીય સ્વરે બોલી. "એને અહીં ઊભેલી બે વ્યક્તિઓને પણ ખતમ કરી દીધી, જે મારી વ્હારે આવી હતી. એ મને પણ મારી નાંખશે."

"એની માં ને..!" પોતાના બે સાગરીતોને મારનાર વ્યક્તિ પ્રત્યે ભારોભાર નફરત દર્શાવતા એ બંને વ્યક્તિ મોટી મોટી ગાળો બોલતા સીડીઓ તરફ આગળ વધ્યા.

"ચાર્લી, બીજી બે બેટરીઓ આવી રહી છે." એ બંનેના ત્યાંથી જતા જ રાજલે કેવિનને ચેતવ્યો.

"ડોન્ટ વરી." કેવિનનો આત્મવિશ્વાસથી તરબતર અવાજ રાજલે સાંભળ્યો.

અફઝલ પાશા હવે ઘરમાં એકલો હશે એ જાણતી રાજલને તાત્કાલિક ઘરમાં ઘૂસીને એને પકડવાની ઈચ્છા તો થઈ પણ આમ ઉતાવળ કરવી યોગ્ય નથી એ સમજતી રાજલે કેવિન ના આવે ત્યાં સુધી રાહ જોવાનું નક્કી કર્યું; હા એ વાત અલગ હતી કે રાજલે સાવચેતી ખાતર રિવોલ્વર હાથમાં ધારણ કરી દીધી હતી.

હજુ તો એ બંને બંદૂકધારી વ્યક્તિઓના સીડીઓ તરફ ગયાંને માંડ એક મિનિટ વીતી હશે ત્યાં કેવિનનો અવાજ રાજલને આઇપોડમાં સંભળાયો.

"ઓલ ક્લિયર."

"ચાર્લી, ધેન કમ ફાસ્ટ..!" રાજલે કેવિનને ઉદ્દેશીને કહ્યું.

પંદર સેકંડની અંદર તો કેવિન રાજલની બાજુમાં હતો, બંનેના હાથમાં અત્યારે સાયલેન્સર લગાવેલી રિવોલ્વર ચમકી રહી હતી.

"બ્રાવો, વી આર રેડી." રાજલ અને કેવિને એકસાથે શેખાવતને કહ્યું.

"ઓલ ધ બેસ્ટ.!" શેખાવતની શુભેચ્છાઓનો સ્વીકાર કરી રાજલ અને કેવિન અફઝલ જે ઘરમાં હતો એના મુખ્ય દરવાજાની બંને તરફ આવીને ગોઠવાઈ ગયાં.

રાજલ અને કેવિને એકબીજાની તરફ જોયું અને ઈશારાથી જ નક્કી કર્યું કે ત્રણ સુધી ગણતાં જ એ બંને અંદર પ્રવેશ કરશે.

આ સાથે જ આંગળીના ઈશારે એ બંનેએ ત્રણ સુધી ગણવાનું આરંભ્યું..જેવા એ બંને ત્રણ પર આવીને અટકયા એ સાથે જ રાજલ અને કેવિન ખૂબ જ ત્વરાથી ઘરમાં પ્રવેશ્યા.

બે રૂમ, હોલ અને રસોડું ધરાવતા ઘરમાં અફઝલ ક્યાં હતો એ જોવા કેવિન અને રાજલે આમતેમ નજર ઘુમાવી, એ લોકોની નજર જેવી જમણી તરફનાં બેડરૂમમાં છૂપાયેલા અફઝલ પર પડી એ સાથે જ એમની ઉપર અફઝલે આડેધડ ગોળીઓ વરસાવવાનું શરૂ કર્યું.

અફઝલે છોડેલી ગોળીઓમાંથી એક ગોળી કેવિનના હાથ પર ઘસરકો કરીને નીકળી ગઈ અને એક ગોળી રાજલની છાતી પર વાગી; પણ, રાજલે પહેરેલા બુલેટપ્રુફ જેકેટે એને બચાવી લીધી.

"રફીક, લાલા, બીલ્લા.." પોતાના રિવોલ્વરમાં રહેલી ગોળીઓ પૂરી થતાં અફઝલે પોતાના સાગરીતોને મદદ માટે અવાજ આપ્યો. પોતાના સાગરીતોમાંથી કોઈ મદદે ના આવતા અફઝલ સમજી ગયો કે પોતે મોટી મુસીબતમાં ફસાઈ ચૂક્યો હતો.

પોતાની સામે મોજુદ બંને ઓફિસર એને પકડે એ પહેલા એને ત્યાંથી ભાગી જવું મુનાસીબ સમજ્યું અને બેડરૂમમાં આવેલી બારીમાંથી બાજુની બિલ્ડીંગ પર કૂદકો લગાવી દીધો.

"ઓફિસર, આર યુ ઓલ રાઈટ." કેવિનના હાથમાંથી નીતરતું લોહી જોઈ રાજલે ચિંતિત સ્વરે પૂછ્યું.

"હા..!" કણસતા અવાજે કેવિન બોલ્યો. "તમે મારી ચિંતા છોડો, અને અફઝલનો પીછો કરો."

"તમે અહીંથી કોઈ સુરક્ષિત સ્થાને પહોંચો." કેવિનને આટલું કહી રાજલ શેખાવતને ઉદ્દેશીને એરબડમાં બોલી. "હું અફઝલની પાછળ જાઉં છું, બેકઅપ ટીમને કહો મને ફોલો કરે અને ચાર્લીની મદદ માટે કોઈકને મોકલો."

અફઝલને ગમે તે ભોગે પકડવો આવશ્યક હતો એ જાણતી રાજલે અફઝલનો પીછો કરવાનું શરૂ કર્યું. આ સાથે જ ચાલુ થઈ ઉંદર બિલ્લીની રમત, જેમાં અફઝલ એક ડરેલો ઉંદર હતો જ્યારે રાજલ એક ચબરાક બિલ્લી. બુરખામાં અફઝલનો પીછો કરવામાં તકલીફ પડશે એ જાણતી હોવાથી રાજલે બુરખો ઉતારી ફેંક્યો અને પેન્ટ-શર્ટમાં આવી ગઈ.

જુહાપુરાની અડી-અડીને આવેલી ઈમારતો પરથી અફઝલ એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ રહ્યો હતો. અમુક વાર તો એ કોઈ જાતના ડર વિના બીજી ઈમારત પર પહોંચવા દસ-બાર ફૂટનો પણ કૂદકો લગાવી દેતો.

અફઝલ વારેઘડીએ ફરીને પાછળ જોતો કે રાજલ એનાથી કેટલી દૂર છે, એક મહિલાને પોતે આસાનીથી પાછળ મૂકીને ફરાર થઈ શકશે એવો અંદાજો બાંધતો અફઝલ ખાસો દૂર આવી પહોંચ્યો હતો. રાજલ ગમે તે કરી એની પાછળ પડેલી હતી, અને વધતા સમયની સાથે એમની વચ્ચેનું અંતર પણ ઘટી રહ્યું હતું.

રાજલ જોડે રહેલા જીપીએસ ટ્રેકરની મદદથી બેકઅપ ટીમ પણ એક નાની એમ્બ્યુલન્સમાં એને ફોલો કરી રહી હતી.

એક જગ્યાએ રાજલે જેવો એક ઈમારતથી બીજી ઈમારત પર કૂદકો લગાવ્યો એ સાથે જ એનો પગ મચકોડાઈ ગયો. રાજલે જોયું કે અફઝલ એનાથી દૂર જઈ રહ્યો હતો. જો વધુ પાંચ-સાત સેકંડ બગડશે તો અફઝલ છટકી જશે એ જાણતી રાજલે આખરે પોતાની રિવોલ્વર હાથમાં લીધી અને પચાસેક મીટર દૂરથી જ અફઝલ પર નિશાન લઈ ગોળી ચલાવી દીધી.

આટલી દૂરથી પણ રાજલનું નિશાન સચોટ રહ્યું અને ગોળી અફઝલની ડાબી જાંઘમાં ઉતરી ગઈ. આમ થતાં દર્દથી કરાહતો અફઝલ જ્યાં હતો ત્યાં બેસી ગયો. રાજલને થોડી કળ વળતા એ ધીરે-ધીરે ઘવાયેલા અફઝલ તરફ અગ્રેસર થઈ.

રાજલ પોતાની નજીક આવી ગઈ હોવી જોઈએ એ જાણતો અફઝલ હિંમત એકઠી કરી બાજુની ઈમારત પર કૂદકો લગાવવા ગયો પણ એનો પગ છટક્યો અને એ નીચે ગલીમાં જઈને પટકાયો.

નીચે પડવાથી અફઝલને ભારે ઈજાઓ પહોંચી હતી, એને મદદ માટે આસપાસ જોયું ત્યાં એના કાને એમ્બ્યુલન્સનો અવાજ સંભળાયો.

"બ્રાવો, શિકાર સામે ચાલીને આપણી તરફ આવી રહ્યો છે." ઈજાગ્રસ્ત અફઝલને એમ્બ્યુલન્સ તરફ આગળ વધતો જોઈ રાજલે શેખાવતને ઉદ્દેશીને કહ્યું.

બીજી મિનિટે અફઝલ એમ્બ્યુલન્સમાં હતો, પોતે હવે સહી સલામત છે એવું વિચારતો અફઝલ એ ભૂલી ગયો હતો કે હવે એ વધુ મોટી મુસીબતમાં મૂકાઈ ચૂક્યો હતો.

************

ક્રમશઃ

આગળ શું થવાનું છે એ જાણવા વાંચતા રહો આ સુપર સસ્પેન્સ દિલધડક નવલકથા "ઑપરેશન ચક્રવ્યૂહ". આ નવલકથા દર ગુરુવારે અને રવિવારે આવશે એની નોંધ લેવી.

આ નવલકથા અંગે તમે તમારાં કિંમતી મંતવ્યો મારાં whatsup નંબર 8733097096 પર કે પછી ફેસબુક આઈડી author jatin patel પર આપી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન અને સેલ્ફી નામક નવલકથાઓ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન, ડેવિલ રિટર્ન, બેકફૂટ પંચ, ચેક એન્ડ મેટ

સર્પ પ્રેમ, અધૂરી મુલાકાત, આક્રંદ:એક અભિશાપ.

હવસ, હતી એક પાગલ, પ્રેમ-અગન, રુદ્રની પ્રેમકહાની

પ્રતિશોધ અને મર્ડર@રિવરફ્રન્ટ

~જતીન.આર.પટેલ (શિવાય)