ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન-1 - 8 Jatin.R.patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન-1 - 8

ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન-1

ભાગ:-8

રાવલપિંડી, પાકિસ્તાન

"ચૂપચાપ આગળ ચાલતા રહો." માધવ અને નગમાની પાછળ બંદૂક રાખીને એમને આગળની તરફ દોરી રહેલા વ્યક્તિએ પોતાના પહાડી અવાજમાં કહ્યું.

એના અવાજમાં રહેલી ગર્ભિત ધમકીને અનુભવતા માધવ અને નગમા એનો આદેશ માની મેઈન રોડ તરફ જતા રસ્તે આગળ વધી રહ્યાં હતાં.એમ કર્યા સિવાય છૂટકો પણ ક્યાં હતો?

લગભગ પચાસેક ડગલા જેટલું ચાલ્યાં બાદ એ વ્યક્તિએ માધવ અને નગમાને ગલીની ડાબી તરફ વળી જવા આદેશ આપ્યો. એ બંને જોડે એની વાત માન્યા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો એટલે એમને અત્યારે એ વ્યક્તિનાં ઓર્ડર પ્રમાણે વર્તવાનું મુનાસીબ સમજ્યું.

ગલીની ડાબી તરફ ચાર મકાન છોડીને એક જર્જરિત મકાન તરફ હવે એ વ્યક્તિ માધવ અને નગમાને બંદૂકની બીક બતાવી દોરી ગયો. પોતાની જોડે જો કોઈ હથિયાર હોત તો નક્કી નગમા એ વ્યક્તિનો પ્રતિકાર કરવાનું વિચારત પણ અત્યારે તો એના દરેક આદેશને સ્વીકારવો જરૂરી બની ચૂક્યું હતું. આટલી નજીકથી તો નકલી બુલેટ પણ ઘાતક નીવડી શકે તો અસલી બુલેટ શું ડેમેજ કરી શકે એ માધવ અને નગમા સારી પેઠે સમજતા હોવાથી કોઈ તક ના મળે ત્યાં સુધી પોતાની પાછળ રિવોલ્વર તાકીને આવનારી વ્યક્તિના આદેશને માથે ચડાવવું જીવિત રહેવા માટે આવશ્યક હતું.

નગમાએ અનુભવ્યું કે એ વ્યક્તિએ પોતાના હાથ ઉપર કોઈ કપડું નાંખ્યું હતું જેથી રિવોલ્વર બીજા કોઈને દેખાઈ ના શકે, અને હવે જે તરફ એ ગયાં હતાં ત્યાં તો બધાં મકાનો ખાલી હતાં અને ગલી સાવ સુમસામ હતી.

આ નિર્જન વિસ્તારમાં આવેલા એક જર્જરિત મકાનની અંદર પ્રવેશવાનો હુકમ જ્યારે બંદૂકધારી વ્યક્તિએ આપ્યો ત્યારે માધવ અને નગમા સમજી ગયાં કે એ બંને બરાબરના ભીંસમાં આવી ચૂક્યાં છે. બંદૂકની અણીએ એ વ્યક્તિ માધવ અને નગમાને બે માળનાં મકાનનાં પ્રથમ માળે એક ઓરડામાં લઈ આવ્યો.

"કોણ છો તમે?" સાયલેન્સર લગાવેલી રિવોલ્વરનું નાળચુ માધવ અને નગમાની પીઠ પર દબાવતા એ વ્યક્તિએ સવાલ કર્યો.

"અમે.." થોડા ખચકાટ બાદ નગમાએ કહ્યું. "મારું નામ નૂરજહાં છે અને આ મારાં ખાવિંદ યુસુફ સિદ્દીકી છે."

"ક્યાંથી છો તમે?"

"કુવૈત સીટી."

"અહીં પિંડીમાં શું કરી રહ્યાં છો.?"

"બસ એમજ ફરવા આવ્યાં હતાં."

"અઝીઝ કોલોનીમાં?"

"ના..અહીં ફરવા નહીં પણ મારાં એક ભાઈને મળવા આવ્યા હતાં." નગમા દ્વારા જવાબ આપવામાં બે સેકંડ મોડા પડતા જ માધવે જવાબ આપી દીધો.

"તારા એ ભાઈનું નામ શું છે?" એ વ્યક્તિએ ભાવહીન સ્વરે કહ્યું.

"દિલાવર, દિલાવર ખાન..!" માધવ બોલ્યો.

"મને એ વાત કહેતા ખેદ થાય છે કે તમે હવે થોડી સેકંડોનાં મહેમાન છો.." એ વ્યક્તિના અવાજમાં હવે ક્રોધ ભળી ચૂક્યો હતો. "કેમકે હું દિલાવર છું અને મારો કોઈ ભાઈ કુવૈત નથી રહેતો."

"ખુશીઓનો અને બલિદાનનો સિતારો બુલંદ રાખવો હશે તો અમારે તમારી અને તમારે અમારી જરૂર પડશે..દિલાવર ખાન." પોતાને બંદૂકની અણીએ અહીં સુધી લાવનાર વ્યક્તિ દિલાવર ખાન છે એ જાણ્યા બાદ નગમાએ એ વાક્ય ઉચ્ચાર્યું જે BLAનાં રૉને મદદ કરનારા કમાન્ડર અને રૉનાં સભ્યો વચ્ચે વાર્તાલાપનો કોડ હતું.

આ સૂત્રને કોડ એટલા માટે બનાવ્યું હતું કેમકે BLA દ્વારા સ્વતંત્ર બ્લુચીસ્તાન માટે જે ધ્વજ નક્કી કરવામાં આવ્યો છે એમાં ઉપરની તરફ લીલો અને નીચેની તરફ લાલ રંગ છે. લીલો રંગ ખુશીઓનું જ્યારે લાલ રંગ બલિદાનનું પ્રતીક છે. આ ઉપરાંત ધ્વજની ડાબી તરફ એક આકાશનાં નિલા રંગના પ્રતીક રૂપે નિલા રંગનું ત્રિકોણ છે જેની મધ્યમાં ઇસ્લામ ધર્મનાં પ્રતિક સમાન તારો છે.

નગમાના મુખેથી રૉ અને BLAનાં સભ્યો વચ્ચેનું ઉચ્ચારણ સાંભળી દિલાવરને આશ્ચર્ય થયું. પોતે જેને અહીં સુધી દોરી આવ્યો એ સાચેમાં રૉનાં જાસૂસ છે એ જાણવા દિલાવરે નગમાને ઉદ્દેશીને પૂછ્યું.

"રૉ માટે દિલાવર ખાન શું છે?"

"બાદશાહ, કોડ 7860006!" નગમાએ ફટાક દઈને જવાબ આપી દીધો.

"માફ કરી દેજો.." પોતાની રિવોલ્વરને નગમા અને માધવની પીઠ પરથી પાછી ખેંચતા દિલાવર દિલગીરી વ્યક્ત કરતા બોલ્યો. "આ આઈએસઆઈના કૂતરાંઓનાં લીધે આ બધું કરવું પડે છે."

"અમે સમજી શકીએ છીએ કે તમારે આ બધું કેમ કરવું પડે છે કમાન્ડર.!" નગમાએ પાછળની તરફ ઊભેલાં દિલાવર ખાન તરફ ચહેરો કરીને ઊભા રહેતા કહ્યું. માધવ પણ નગમાને અનુસર્યો.

પ્રથમ વખત એ બંનેએ દિલાવર ખાનને રૂબરૂમાં જોયો. અમદાવાદ ખાતે પ્રોજેક્ટર પર બતાવેલા દિલાવર ખાનના ફોટો કરતા પણ દિલાવર વધુ ભીમકાય લાગી રહ્યો હતો. સાડા છ હાથ ઊંચાઈ, પહોળા ખભા, કરડાકીભર્યો ચહેરો, મોટી આંખો, જાડા હોઠ, મોટું માથું અને ચહેરા પર બરછટ દાઢી ધરાવતા દિલાવર પર કાળા રંગની પઠાણી પોશાક ગજબની શોભતી હતી.

"હું ઓફિસર નગમા શેખ.." નગમાએ પોતાનો અને માધવનો પરિચય આપતા કહ્યું. "અને આ છે ઓફિસર માધવ દેસાઈ."

"તમને મળીને આનંદ થયો." નગમા અને માધવ જોડે હસ્તધૂનન કરતા દિલાવરે કહ્યું.

"અમને પણ." નગમાએ કહ્યું.

એ લોકો જે રૂમમાં હતાં એનો દરવાજો બંધ કર્યા બાદ દિલાવરે ત્યાં પડેલી ખુરશીઓ પર નગમા અને માધવને બેસવાનો આગ્રહ કર્યો. એ બંનેનાં સ્થાન ગ્રહણ કરતા જ દિલાવર સીધો મુદ્દાની વાત પર આવતા બોલ્યો.

"બોલો હું તમારી શું મદદ કરી શકું?"

"અમે અત્યારે એક સિક્રેટ મિશન પર આવ્યા છીએ.." આટલું કહી નગમાએ બલવિંદર સાથે સંકળાયેલી વિગતો જણાવવાનું શરૂ કર્યું. દિલાવર શાંતિથી બલવિંદર વિશે બધું સાંભળતો રહ્યો. આ સાંભળતી વખતે દિલાવરના ચહેરા પર શૂન્યમન્સકતા કાયમ હતી. નગમાએ જેવી પોતાની વાત પૂર્ણ કરી એ સાથે જ દિલાવરને ઉદ્દેશીને પૂછ્યું.

"તમને આ વિષયમાં કોઈ જાણકારી છે કે બલવિંદરને છેલ્લે શું માહિતી મળી હતી.?"

"મને એટલું ખબર છે કે બલવિંદર છેલ્લા અમુક દિવસોથી ઈકબાલ મસૂદ પાછળ પડ્યો હતો અને એને ભારતમાં થનારા એક મોટા આતંકવાદી હુમલા વિશેની માહિતી પણ મેળવી હતી." નગમાના સવાલનો જવાબ આપતા દિલાવરે કહ્યું. "પણ, આજથી પંદર દિવસ પહેલા બલવિંદર અચાનક ગાયબ થઈ ગયો."

"જે દિવસથી એ ગાયબ થયો એના આગળનાં દિવસે એ મને મળ્યો હતો અને મને એ માહિતી આપી જે એને તમને આપી હતી. બલવિંદર ગાયબ થયો એના ચાર દિવસ બાદ મને મારા અમુક અંગત ખબરીઓ જોડેથી માહિતી મળી કે બલવિંદરે ટ્રેઈન નીચે પડીને આત્મહત્યા કરી હતી અને એની ક્ષત-વિક્ષત લાશને લાવારીશ ગણી પ્રસાશને દફનાવી દીધી."

"બલવિંદર અને આત્મહત્યા?" નગમાએ આશ્ચર્યાઘાત સાથે કહ્યું. "આ શક્ય નથી કે બલવિંદર જેવો વ્યક્તિ આત્મહત્યા કરે."

"મને પણ આ વાતનો વિશ્વાસ ના આવ્યો એટલે મેં મારા ખબરીને આ અંગે વિસ્તૃત પ્રશ્નો કર્યાં.. જેમાં એવા તથ્યો સામે આવ્યા જેને મને એ માનવા મજબૂર કર્યો કે પિંડી રેલવેસ્ટેશનથી બે કિલોમીટર દૂર લાહોર એક્સપ્રેસ નીચે જે વ્યક્તિ કચડાઈને મૃત્યુ પામી એ બલવિંદર જ હતી."

"એ દિવસે રાતે અઢી વાગે બલવિંદર કોઈનાથી ભાગતો-ભાગતો રેલવે સ્ટેશન આવ્યો ત્યારે મારો ખબરી ત્યાં જ મોજુદ હતો. બલવિંદરની પાછળ પાંચ લોકો હાથમાં મશીનગન લઈને પડ્યાં હતાં એ જોઈ મારો જે ખબરી હતો એ છુપાઈને એ લોકોની પાછળ ગયો. એને જોયું કે બલવિંદરનો પીછો કરતા લોકોમાંથી એક બુકાનીધારી વ્યક્તિએ ધડાધડ ગોળીઓ વરસાવવાનું શરૂ કર્યું, બલવિંદરને એક ગોળી ખભામાં અને એક પગમાં વાગી"

"એ લોકો બલવિંદરને પકડી પાડવાની અણી પર હતાં ત્યાં બલવિંદરે સામેથી આવી રહી લાહોર એક્સપ્રેસ નીચે આવીને આત્મહત્યા કરી લીધી. આ હકીકતમાં આત્મહત્યા નહીં પણ શહાદત હતી. પોતાની ઓળખ છતી થવા પર દેશની સુરક્ષા જોખમમાં મૂકાશે એ જાણતા બલવિંદરે દેશની રક્ષા માટે પોતાના પ્રાણની આહુતિ આપી દીધી. સલામ છે ભારત દેશનાં આવાં વીર યોદ્ધાઓને.!"

બલવિંદરે પોતાની ફરજ અને દેશપ્રેમ માટે જે કંઈ કર્યું હતું એ વિશે સાંભળી માધવ અને નગમાની આંખો ભરાઈ આવી. બલવિંદરની માફક દેશનાં ઘણાં એવા ગુપ્તચરો હોય છે જેમની શહાદત અને એમનું અસ્તિત્વ જ ગુમનામીની ગર્તામાં ધરબાઈ જતું હતું છે. વધુ દુઃખની વાત તો એ છે કે જે દેશની માટી માટે એમને પોતાના પ્રાણની આહુતિ આપી હોય છે એ દેશની માટીમાં મળી જવાનું સુખ પણ એમને નસીબ નથી થતું. વધારામાં આવા સાચા દેશભક્તોનાં પરિવારનાં સદસ્યો વર્ષો સુધી પોતાના દીકરા, પતિ કે ભાઈના આવવાની રાહ જોઈને પોતાની જીંદગીનો કિંમતી સમય અશ્રુ સારવામા ગુજારી મૂકે છે.

"બલવિંદરનો પીછો કરનાર લોકો કોણ હતાં.?" નગમાએ ક્રુદ્ધ સ્વરે પૂછ્યું.

"એ લોકો ઈકબાલ મસૂદના માણસો હતાં." દિલાવરે કહ્યું. "આ પરથી પુરવાર થાય છે કે એ લોકોને બલવિંદરની સચ્ચાઈ વિશે જાણકારી મળી ગઈ હતી."

"તો પછી એ લોકો એ પણ જાણી ગયાં હશે કે મોબાઈલ રીપેરીંગની દુકાન ચલાવનાર હમીદ અંસારી બલવિંદર હતો?" માધવે પૂછેલા આ પ્રશ્નનો ઉત્તર જાણવાની તાલાવેલી નગમાના ચહેરા પર પણ ઉભરી આવી.

"આ બાબતે હું ચોક્કસ નથી." જવાબ આપતા દિલાવરે કહ્યું. "મસૂદના માણસો હજુ સુધી બલવિંદરના ઘર કે દુકાનની તલાશી લેવા નથી ગયાં..જેના પરથી તો એવું લાગે છે કે એ લોકોને બલવિંદર અંગે બીજી કોઈ માહિતી નથી, એ લોકો તો બસ પોતાની જાસૂસી કરતા વ્યક્તિનો પીછો કરતાં હતાં. ટ્રેઈન સાથે ટક્કર થયા બાદ બલવિંદરનો મૃતદેહ જે હાલતમાં મળી આવ્યો એ જોઈને તો એની સગી જનેતા પણ એ કહી શકવા અસમર્થ છે કે એ બલવિંદર જ હતો. બલવિંદર પોતાના કામ માટે એ હદે સમર્પિત હતો કે એને ખતના પણ કરાવી લીધું હતું. આથી જ એના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરનારા ડૉક્ટર્સને પણ એવું લાગ્યું કે એ મુસ્લિમ છે, જો એને આવું ના કર્યું હોત તો પોસ્ટમોર્ટમ રિપોર્ટ બધો ભાંડો ફોડી શકે એમ હતો."

"આમ છતાં ક્યાંક એવું બની શકે કે મસૂદ જાણી ગયો હોય કે પોતે જેની દુકાને મોબાઈલ રીપેર કરાવવા ગયો હતો એ હમીદ અંસારી જ પોતાની ઉપર નજર રાખનાર વ્યક્તિ હતી પણ હમીદ એકલો છે કે એનો અન્ય કોઈ વ્યક્તિ સાથે સંબંધ છે કે નહીં, એ જાણવા એને બલવિંદરની દુકાન અને ઘરની તલાશી લેવાના બદલે પોતાના માણસોને ત્યાં ગોઠવી દીધાં હોય.!" માધવે તર્ક રાખતા કહ્યું.

"વાતમાં વજન તો છે." દિલાવર પોતાના ખભે મૂકેલા કપડાથી કપાળ પર આવેલો પરસેવો લૂછતા બોલ્યો. "મસૂદ જેવો ચાલાક વ્યક્તિ આવું કરી શકે એમાં મીનમેખ નથી."

"તો હવે શું કરીશું..?" માધવે નગમા તરફ જોતા કહ્યું. "બલવિંદરના ઘરે છુપાવેલી પર્સનલ ડાયરી શોધવા જવાનું છે કે નહીં?"

માધવનો પ્રશ્ન સાંભળી નગમાએ પોતાની આંખોને બે ઘડી બંધ કરી અને ત્યારબાદ આંખો ખોલતા જ બોલી.

"દેશની રક્ષા માટે જો બલવિંદર પોતાના પ્રાણની આહુતિ આપી શકે તો બલવિંદરે જે માહિતી એકઠી કરી છે એને મેળવવા હું એના ઘરે અવશ્ય જઈશ; આમ કરવામાં મારો જીવ પણ જતો રહે તો મને કોઈ ગમ નથી."

"હું પણ આવીશ.!" માધવ મક્કમ સ્વરે બોલ્યો.

"તમે તમારા મકસદમાં સફળ થાઓ એ માટે હું પણ મારા જાનની બાજી લગાવવા તૈયાર છું." પોતાની જોડે રહેલી રિવોલ્વરને માધવ અને નગમાને સોંપતા દિલાવર બોલ્યો.

માધવે ખુલ્લી રાખેલી હથેળી પર દિલાવર અને નગમાએ પોતાનો હાથ મૂકતા જ માધવ જુસ્સાભેર બોલ્યો.

"તીન કા તીગડા, દુશ્મન કા કામ બીગડા.!"

************

ક્રમશઃ

આગળ શું થવાનું છે એ જાણવા વાંચતા રહો આ સુપર સસ્પેન્સ દિલધડક નવલકથા "ઑપરેશન ચક્રવ્યૂહ". આ નવલકથા દર ગુરુવારે અને રવિવારે આવશે એની નોંધ લેવી.

આ નવલકથા અંગે તમે તમારાં કિંમતી મંતવ્યો મારાં whatsup નંબર 8733097096 પર કે પછી ફેસબુક આઈડી author jatin patel પર આપી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન અને સેલ્ફી નામક નવલકથાઓ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન, ડેવિલ રિટર્ન, બેકફૂટ પંચ, ચેક એન્ડ મેટ

સર્પ પ્રેમ, અધૂરી મુલાકાત, આક્રંદ:એક અભિશાપ.

હવસ, હતી એક પાગલ, પ્રેમ-અગન, રુદ્રની પ્રેમકહાની

પ્રતિશોધ અને મર્ડર@રિવરફ્રન્ટ

~જતીન.આર.પટેલ (શિવાય)