નારી શકિત - 2 Dr. Damyanti H. Bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નારી શકિત - 2

( પ્રિય વાચક મિત્રો, નમસકાર, આ નારી શકિત,પ્રકરણ-2 માં હું અપાલા ની એક કથા જે આખ્યાન સ્વરુપે આવે છે, તે આપની સમક્ષ રજૂ કરું છું, આશા છે કે તે આપને પસંદ આવશે. આ પહેલાં પણ આપનાં તરફથી ઘણો પ્રતિસાદ સાંપડ્યો છે, તે માટે આપનો ખૂબ ખૂબ આભાર, માતૃભારતી ટીમનો પણ ખૂબ ખૂબ આભાર............ધન્યવાદ...........................)

નારી- શકિત- પ્રકરણ-2 ( અપાલા- આત્રેયી નું જીવન- દર્શન )

મંગળવાર, 22 ડિસેમ્બર 2020

નારી શક્તિ......પ્રકરણ-2......

· વેદ-કાલીન નારીઓની કથા અને નારીનું જીવન...........દર્શન.........

· ( 1 ) અપાલા-આત્રેયી........

· પ્રસ્તાવના :-

નારી શક્તિ......આ પુસ્તકમાં આપણે વેદ-કાળથી લઈને આધુનિક કાળ સુધીનાં નારી જીવનની કથા અને તેનું જીવન દર્શન વિશે નારીનાં જીવન સાથે વણાઈ ગયેલાં વિવિધ સામાજિક,ધાર્મિક, દાર્શનિક, આર્થિક, આધ્યાત્મિક,અને એવા તમામ પાસાઓ વિશે જાણીશું. જે નારી હૃદયને સ્પર્શતાં હોય. આ પ્રકરણમાં આપણે જેનો વેદોમાં પણ ઉલ્લેખ છે. તેવી મહાન નારી “અપાલા”નાં જીવન વિશે જાણીશું.

મૈથિલીશરણ-ગુપ્ત ની પંક્તિઓ આ તકે મને ટાંકવાનું મન થાય છે, કે

“હાય ! નારી તેરી યહીં કહાની આંચલમેં દૂધ ઔર આંખોમેં પાની”

· દેવોપાસના ભારતીય સંસકૃતિનું એક અભિન્ન અંગ રહ્યું છે.જેનું સૌથી મોટું પ્રમાણ વેદોમાં મળે છે.મનુષ્યની સ્તુતિ, આરાધનાથી દેવતાઓ પ્રસન્ન થાય છે.જેનાથી મનુષ્ય પોતાના અભાવોને પૂર્ણ કરે છે.દેવ-કૃપાથી મનુષ્ય સુખ- શાંતિ અને મનોવાંચ્છિત ઐશ્ચર્યને પ્રાપ્ત કરે છે.આનું પ્રમાણ ઋગ્વેદનાં આઠમાં મંડળમાં અપાલાનાં આખ્યાનથી મળે છે. આ આખ્યાન ઋગ્વેદનાં આઠમાં મંડળનાં 80 માં સૂક્તમાં આવે છે. ભાષ્યકાર સાયણ આને “ઈતિહાસ”એટલે કે સત્યઘટના ગણાવે છે.આ સૂક્તની રચયિત્રી સ્વયં અપાલા છે.આ સૂકતની ઋષિ અપાલા પોતે છે. ઈતિહાસ એ વાતની સાક્ષી પૂરે છે. કે વેદ-કાળમાં પણ નારી કવયિત્રી, ઋષિ વગેરે સ્વયં નારી હતી.વેદોનાં મંત્રોની રચનાં કરનાર ને ઋષિ કહેવાય છે. પછી તે સ્ત્રી હોય તો પણ..અપાલા અત્રિ ઋષિની પુત્રી હતી. પિતાની વિદ્વતા તેને વારસામાં પ્રાપ્ય હતી..

· અપાલાએ આ સુક્તનાં સાત મંત્રોની રચના કરી છે. તેની કથા આ પ્રમાણે છે.પ્રાચીનકાળમાં અત્રિ ઋષિની પુત્રી અપાલા બ્રહ્મવાદિની હતી. કોઈ કારણથી તેને ચામડીનો રોગ થયો.એક પ્રકારે આ કુષ્ટરોગ હતો. આ કારણે તેણીનો તેના પત્તિએ તું દુર્ભાગી, અભાગી છો આમ કહીને ત્યાગ કર્યો. દુર્ભાગીપીડિત અપાલાએ આ રોગમાંથી મુક્તિ મેળવવા પિતાનાં આશ્રમમાં આશ્રય લીધો અને ઈંદ્રની આરાધના શરૂ કરી. દીર્ઘકાળ સુધી તેણીએ તપ કર્યું. એક દિવસ તેનાં મનમાં વિચાર આવ્યો. ઈંદ્રને સોમ પ્રિય છે.તેથી હું તેને સોમરસ અર્પિત કરીશ.( સોમરસ એ તે વખતનું ઔષધીમાંથી પ્રાપ્ત થતું એક પ્રકારનું માદક પીણું છે. ) આમ વિચારીને તેણી તે લેવા માટે નદી તરફ જાય છે. અપાલાએ જે મંત્રો રચ્યા છે તે મુજબ અહીં કથા વર્ણવી છે.

· .સ્નાન કરીને પાછી ફરતી વખતે તેણીએ ઈંદ્રને પ્રસન્ન કરવા માટે સોમની વલ્લીઓ એટલેકે પત્તિઓ તોડવા માટેતેણે સોમને કહ્યું:- કે ઈંદ્રને આ સમર્પિત કરવા માટે હું તને લઈ જાઉં છું. [ મંત્ર (1) ઋગ્વેદ/8/80.] ...

આમ કહીને અપાલાએ સોમ ની પત્તિઓને દાંતો વડે રસ કાઢ્યો. ત્યારબાદ.....તે જ સમયે ઈંદ્રદેવ ત્યાં ઉપસ્થિત થયા.ત્યારે અપાલાએ તેમને પ્રાર્થનાકરતાં કહ્યું કે હે ઈંદ્રદેવ !તમે વીર અને દિપ્તિમાન છો.સોમપાન માટે તમે યજમાનની પ્રાર્થનાથી બધાના ગૃહે જાઓ છો. તો મારે ઘેર પણ પધારો અને જૌ ( જવ ) અને માલ્પૂઆ નાં પ્રસાદ સાથે સોમરસનું પાન કરો. [ મંત્ર (2) ઋ.] હે ઈંદ્ર ! હું તમને જાણવા માગું છું.પરંતું તમે માર્ગમાં જ ઉપસ્થિત થયા તેથી જાણી શકી નહીં... હે સોમ ! તમે ઈંદ્ર માટે વહો,જેથી ઈંદ્ર રસપાન કરી શકે. [ મંત્ર- (3) ઋ. ] કહેવાય છે કે અપાલાની પ્રાર્થના સાંભળીને ઈંદ્રએ સોમરસનું પાન કર્યું. સોમપાનથી આનંદિત થયેલા ઈંદ્રને અપાલાએ પ્રાર્થના કરતાં કહ્યું કે ; હે ઈંદ્ર ! અમને સમર્થ બનાવો. અમને સંતાનોથી સમૃધ્ધ બનાવો.અમને ધન- સંપતિથી યુક્ત બનાવો, ચામડીનાં રોગથી હું મારા પતિ વડે પરિત્યાગ કરાયેલી છું. હું આપની કૃપા પ્રાપ્ત કરવા માટે અહીં આવેલી છું. [ મંત્ર-(4) ઋ. ] જ્યારે ઈંદ્ર એ પૂછ્યું કે માગ ,, તારે શું જોઈએ છે ? પાચમાં મંત્રમાં ઈંદ્ર પાસે વરદાન માગતાં અપાલા કહે છે કે,,મારાં પિતાનો ચર્મ રોગ મટાડી દો, મારાં પિતા અને ભાઈઓને સંપતિ આપો, અને મારો ચર્મરોગ મટાડવાની સાથે મને સંતાનથી સમૃદ્ધ કરો.[ મંત્ર (5) ઋ.] તે ઉપરાંત હે ઈંદ્રદેવ ! મારા પિતાની ભૂમિને સમૃદ્ધ બનાવો, મારું અને મારાં પિતાનું મસ્તક આ રોગને કારણે કેશવિહિન થઈ ગયું છે, તેને કેશયુક્ત બનાવો.[ મંત્ર- (6) ઋ. ] ત્યારે ઈંદ્રએ અપાલાની ભક્તિ અને આરાધનાથી પ્રસન્ન થઈને તથાસ્તુ કહ્યું અને તેનાં શરીરને સૂર્યસમાન કાંતિવાળું બનાવ્યું. એમ કહેવાય છે કે ઈંદ્ર એ તેણીને સૂર્યની ઉપાસના કરવાનું પણ કહ્યું હતું. તેણી સૂર્ય સ્નાન અને ઉપાસના કરતી હોવાથી તેનું શરીર”સૂર્યત્વક”સૂર્ય જેવી ત્વચાવાળું બન્યું હતું. [ મંત્ર (7)ઋ.]

· અપાલાનું આ આત્મવૃતાંત વેદોમાં વર્ણવવામાં આવ્યું છે.આ સત્યનું અદ્ભુત દર્શન છે. પ્રાર્થના અને સ્તુતિ દ્વારા દેવતાઓને પ્રસન્ન કરીને અસાધ્ય રોગોમાંથી મુક્તિ પામી શકાય છે, તેનું અદ્ભુત અને અદ્વિતીય ઉદાહરણ અહીં જોવા મળે છે. એમ કહેવાય છે કે મયુર નામનાં કવિએ પણ 8મી શતાબ્દીમાં સૂર્યની સ્તુતિ દ્વારા કુષ્ઠરોગમાંથી મુક્તિ મેળવી હતી. તેમણે ત્યારબાદ સૂર્યશતક ની રચના કરેલી જે ‘મયૂરશતક’ તરીકે પ્રચલિત બની.

· આ ની સાથે અહીં આરાધ્ય પ્રત્યેની આરાધકની ભક્તિભાવના, શ્રદ્ધા,વિશ્વાસ, વગેરેનું પણ આલેખન થયેલું જોવા મળે છે.સાથે સાથે ઈંદ્રએ અપાલા નાં દાંતોથી ચવાયેલા સોમનું રસપાન કર્યું જે આપણને રામાયણની શબરીની યાદ અપાવી જાય છે. અહીં ભક્તવત્સલતા પણ જોવા મળે છે, દેવો,ભગવાન શુદ્ધ ભાવના જુએ છે નહીં કે ભોગ ધરાવેલ વસ્તુ યા પદાર્થ. એ પણ સિદ્ધ થાય છે. “કન્યા પારકું ધન છે.” હમેંશા પરાઈ ગણવામાં આવતી હોવા છતાં,પારકાને સોંપી દેવામાં આવતી હોવા છતાં પણ તે પિતા પ્રત્યે વિશેષ પ્રેમ ધરાવે છે. તેનું પણ આ ઉદાહરણ છે.અપાલા તેનાં પિતાની ખેતીની ભૂમિની પણ ચિંતા કરે છે અને ઈન્દ્ર ને પિતાની ભૂમિ સમૃદ્ધ બનાવવાનું પણ વરદાન માગે છે.જે તેના ભાઈ- બંધુનાં જીવનનો આધાર હતી.પતિથી ત્યજાયેલી પુત્રીનાં પિતાની શું વ્યથા હોય તે અપાલા બરાબર જાણે છે. સમાજ દ્વારા થતી નિંદા થી અપાલા ખૂબ દુ:ખી થાય છે અને પિતા અને ભાઈઓનેતે સમુન્ન્ત અને સુખી જોવા માગે છે. તેથી જ તે ઈંદ્ર પાસે પિતાનું અને પિતાની ખેતી માટેની જમીન સમૃદ્ધ કરવાનું વરદાનમાગે છે.અંતમાં તે નારીઉચિત સંતતિ માગે છે. માતૃત્વ માગે છે. જે નારી જીવનનું ગૌરવ છે.નારી જીવનની સાર્થકતા છે.અહીં નારી હૃદયની સંવેદનાઓનો સાક્ષાત્કાર થયેલો જોવા મળે છે. હજારોં વર્ષો પછી પણ આપણો સમાજ આજે પણ નારી પ્રત્યે આ જ દ્રષ્ટિકોણ ધરાવે છે.જે પહેલાનાં યુગમાં હતો. આજે પણ કુષ્ઠ્પીડિતા નારી પતિથી ત્યાજાય છે, ત્યારે તેને ક્યારેક પિતાનાં ઘરમાં આશ્રય મળે છે , ક્યારેક નહીં.તેણે એકલીએ જ પોતાના દુર્ભાગ્યનો સામનો કરવો પડે છે.આવી પરિત્યકતા નારીઓ માટે અપાલા એક પ્રેરણાસ્રોત બની રહે છે. નારીએ અપાલા જેવો દ્રઢ્સંકલ્પ દાખવવો જોઈએ અને સમાજનો ડર રાખ્યા વિના પરિસ્થિતિનો સામનો કરવો જોઈએ....જેથી પોતાના દ્રઢ સંકલ્પથી તે પોતાના દુર્ભાગ્યને સૌભાગ્યમાં બદલી શકે.........

· નારી તું નારાયણી,નારી ગુણની ખાણ;

· નારીથી નર નીપજે ,રામ-કૃષ્ણ ભગવાન....

[ (c) DR. BHATT DAMYANTI HARILAL ]..............................