રહસ્ય.....(SECRET) પ્રકરણ-૧
કારતક માસ દરમિયાન વર્ષના પ્રારંભે જ મકાન બદલી નાખ્યું. અને નવા મકાનમાં રહેવા આવી ગયા હતા. બે માળનું મકાન હતું. જેમાં ઉપરના માળે મકાન માલિક પોતે રહેતા હતા. નીચેના માળે બે રૂમ રસોડાનો મકાન હતું. જે મકાનના નીચેના બારી-બારણાંમાંથી આજુબાજુના નાના છાપરાવાળા મકાનો તેમ જ સામેનું ખુલ્લું ચોગાન નજરે પડતું હતું.
મકાનના ઉપરના માળે રહેતા મકાનમાલિક અજય શર્મા જેઓ રાજસ્થાનના વતની હતા, તેઓ પત્ની અને ત્રણ બાળકો સાથે રહેતા હતા. અજય શર્મા સરકારી કચેરીમાં સુપરિન્ટેન્ડેન્ટ તરીકે કામ કરતા હતા. તેમની પત્ની શ્યામવર્ણી અંજલી બહુ જ ખુલ્લા દિલની હસમુખી હતી. ત્રણ બાળકો મકાન ની નજીકની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા હતા.
જ્યારે હું મકાન ભાડે રાખવા માટે મકાનની તપાસ કરવા આવેલ ત્યારે મકાન બતાવનાર દલાલની સાથે પ્રથમ વખત આવેલ તે સમયે મારી મુલાકાત મકાન-માલીકની પત્ની અંજલી સાથે થયેલ હતી. મકાન દસ-બાર વર્ષ જુનુ હતું અને ભાડે આપવાનું હતું તે મતલબથી મકાનમાં રોકવાનું કામ થઈ રહ્યું હતું. કલર કામ થઈ રહેલ હોવાથી મકાનના રૂમ તદ્દન ખાલી હોવાને કારણે મોટા લાગતા હતા. અને ભીના કલરની ચુના મિશ્રીત સુગંધ આવતી હતી.
‘આપ બેસો’, નમસ્કાર ની આપ-લે થયા બાદ તેણીએ પૂછ્યું.
‘આપ બે જણા જ છો’ ?
‘ હા ‘ મારા બદલે દલાલે જ જવાબ આપ્યો, ‘હા બે પતિ-પત્ની જ છે, અને તેમને કોઈ જાતની ખટપટ પણ નહીં રહે. બંને બહુ જ સરસ સ્વભાવની પ્રકૃતિ ધરાવતાં છે.’
હું ચૂપ બેસી રહ્યો હતો, અને બારીમાંથી બહારના ચોગાન તરફ બહારનું કુદરતી વાતાવરણ નીરખી રહ્યો હતો. મારું ધ્યાન હતું કે અંજલી મારી તરફ જોઈ રહેલ હતી તેનો મને ખ્યાલ આવી ગયો હતો.
મકાન અમે પતિ-પત્ની માટે પૂરતું હતું મને પસંદ પણ હતું, આરંભિક માસિક ભાડું તેમજ ડિપોઝિટ બાબતની વિધિ પૂર્ણ કરી બે દિવસ બાદ સારું મુહૂર્ત જોઈને નાની ટ્રકમાં સામાન લઈ રહેવા આવી ગયેલ હતા.
હું તો રોજ સવારે મારા નિત્યક્રમ મુજબ સવારના નવ વાગ્યા બાદ પ્રાતઃ કાળની વિધિ પતાવી, ગરમાગરમ ચા નાસ્તો કરી નીકળી જતો હતો. અને બપોરના બે વાગ્યા દરમિયાન જમવા માટે આવવાનો મેળ પડતો હતો. જમીને એકાદ કલાક આરામ કરી પરત ચાલ્યો જતો હતો. રાત્રિના સંપૂર્ણ કામ પતાવી ઘરે આવતા નવ-દસ તો વાગી જતા હતાં. ઘરે આવી રાત્રે જમીને પત્ની સુરભી સાથે દિવસ દરમિયાનની ચર્ચા કરી સૂઈ જવું આ નિત્યક્રમ હતો.
મારી અને અંજલિની મુલાકાત બહુ જ ઓછી થતી હતી. પરંતુ તે મારા જવા આવવાના સમયનો ખ્યાલ રાખતી હતી. એક દિવસ રજા દરમિયાન હું પલંગમાં પડયો પડયો ગુજરાતી નવલિકા“સૌભાગ્યવતી” વાંચી રહેલો હતો, તે જ સમયે મારા રૂમની બારીની જાળી પાછળ અચાનક જ આવી પૂછ્યું, ‘ પંડ્યાજી, શું આપને પણ ફૂલોનો શોખ છે ?
હું ચમક્યો મે ચોપડી બાજુએ મૂકીને એકદમ બેઠો થઈ ગયો. રસોડામાંથી ગેસ ઉપર કંઈક મુકેલ તેનો અવાજ આવી રહ્યો હતો. સુરભી રસોડામાં જ જતી. મેં પણ સામે જવાબ આપ્યો અને કહ્યું, ‘ ના ખાસ નહીં’ એ શ્યામવર્ણી અંજલિના મુખ પર મંદ મંદ હાસ્ય છલકાઈ રહ્યું હતું સાથે તેણે કહ્યું : આ તો તમારા શ્રીમતી તો ફૂલોનાં બહુ શોખીન છે, નિત્ય સંધ્યા દરમ્યાન મારી પાસેથી જૂઈ-ગુલાબના ફૂલ લઈ જાય છે.
આ દરમિયાન જ રસોડામાંથી સુરભી નો અવાજ આવ્યો. અને અંજલી ત્યાંથી જતી રહી. આ બધું એટલું ઝડપી બન્યું કે તેનો મને કંઈ ખ્યાલ જ ન રહ્યો.
મારા નિત્યક્રમ દરમિયાન હું ઘરે બહુ ઓછો સમય રહેતો હતો જેથી મારી અને અંજલિની મુલાકાત થતી ન હતી. રવિવારના રજાના દિવસ સિવાય આખો દિવસ દુકાનમાં જ જતો હતો. બપોરના જમવાના સમયે એકાદ કલાક બાદ કરતા આખો દિવસ દુકાનમાં પસાર થતો હતો. આમ સવારના નવ થી રાત્રિના દસ સુધી ઘરની બહાર રહેવાનું જ થતું હતું. મને એ વાતનો ખ્યાલ હતો કે, સવારે મારા દુકાને જવાના સમય બાદ અંજલી નીચે ઉતરતી અને મારી પત્ની સુરભી સાથે વાતચીત કરતી હતી જે સઘળી બાબત રાત્રિના હું ઘરે આવું તે સમયે સુરભી મને જણાવતી હતી. અને હું ધ્યાનથી સાંભળતો હતો.
દિપક એમ. ચિટણીસ (DMC)
dchitnis3@gmail.com